DIAMOND CITY NEWS, SURAT
લેસોથામાં આવેલી કાઓની ખાણમાંથી 108.39 કેરેટનો દુર્લભ ગુલાબી હીરો મળી આવ્યો છે. સ્ટોર્મ માઉન્ટેન ડાયમંડ્સ કંપનીએ આ હીરો શોધ્યો છે. નામકવા ડાયમંડ્સ અને લેસોથા સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ હેઠળ લેસોથોની કાઓ ખાણમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગઈ તા. 23મી માર્ચના રોજ ફૅન્સી ગુલાબી રંગનો IIa પ્રકારનો શુદ્ધ ડાયમંડ મળી આવ્યો હતો. માઈનીંગ કંપનીએ દાવો કર્યો છે કે આ હીરો અત્યાર સુધીના સૌથી મોટા ગુલાબી હીરાઓમાં સ્થાન મેળવે છે.
લેસોથોના પ્રાકૃતિક સંસાધન મંત્રી મોહલોમી મોલેકોએ જણાવ્યું હતું કે, લેસોથોમાંથી મળી આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ગુલાબી હીરા પૈકીનો એક હીરો 23મીએ મળી આવ્યો છે. આ અગાઉ કાઓની ખાણમાંથી સૌથી મોટો હીરો પિંક ઇટરનિટી મળ્યો હતો, જે ઓક્ટોબર 2022માં મળ્યો હતો. તે હીરાનું વજન 47.80-કેરેટ હતું. 23મીએ મળેલો પિંક ડાયમંડ તેનાથી બમણા વજનનો છે.
સૂત્રો અનુસાર કાઓની ખાણમાંથી 29.59-કેરેટનો રોઝ ઑફ કાઓ, 25.97-કેરેટ પિંક સહિત અન્ય ઉચ્ચ-મૂલ્યના ગુલાબી રંગના હીરા અગાઉ મળી ચૂક્યા છે. તેમાં 21.86-કેરેટ પિંક પેલેસા અને ડોન પણ મહત્ત્વના છે.
લેસોથોની સૌથી મોટી હીરાની ખાણોમાંની એક કાઓ પાસે લગભગ 18 વર્ષ કામગીરી બાકી છે. તે સમય દરમિયાન વધારાના 12.7 મિલિયન કેરેટ રફ પ્રદાન કરવાની અપેક્ષા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM