સુરતના હીરા ઉદ્યોગની પ્રગતિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં બુર્સમાં જે વેપારીઓને ઓફિસો ફાળવી દેવાઈ છે તે ઓફિસોમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત બુર્સના બ્યુટિફીકેશનનું કાર્ય પણ પૂરઝડપે આગળ ધપી રહ્યું છે. દિવાળી બાદ સુરત અને મુંબઈના અંદાજે 400 વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાંથી વેપારના શ્રીગણેશ કરે તેવી જાહેરાત સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરી દેવામાં આવી છે. આમ સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે હવે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા આ અત્યંત મહત્ત્વના વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ ઇમારતના લોકાર્પણ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા બુર્સના લોકાર્પણ સમારોહના આયોજનની ભવ્ય તૈયારીઓ કરાઈ છે. કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ ગઈ છે. આ પ્લાનિંગનું પ્રેઝન્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવા માટે આગામી તા. 2 ઓગસ્ટના રોજ સુરત ડાયમંડ બુર્સની કમિટીના પ્રતિનિધિઓનું એક ગ્રુપ દિલ્હી જશે અને ત્યાં રૂબરૂ વડાપ્રધાનને પ્રેઝન્ટેશન બતાવશે તેમજ વડાપ્રધાનને બુર્સના લોકાર્પણ માટે સુરત પધારવાનું આમંત્રણ આપશે.
શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સમાં આગામી તા. 21 નવેમ્બર 2023 થી સુરત અને મુંબઈની 400 ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરશે. સુરત ડાયમંડ બુર્સ કમિટીના અગ્રણી દિનેશ નાવડિયાએ બુર્સમાં ટ્રેડિંગ શરૂ કરવા મામલે સત્તાવાર જાહેરાત કરી હતી. એ પછી હવે સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટનની તારીખ લેવા માટે સુરતના 12 હીરા ઉદ્યોગકાર નાગજી સાકરિયા, જીતેન્દ્ર બાબુ શાહ, ધરમભાઈ પટેલ, દીનેશ નાવડિયા, સેવંતીલાલ શાહ, ઈશ્વર નાવડિયા, આશિષ દોશી, અરવિંદ અજબાની, પદ્મશ્રી મથુર સવાણી, વલ્લભભાઈ લખાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ ટી. પટેલ 2 ઓગસ્ટે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા દિલ્હી જશે.
સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દિવડાઓની મહા આરતી થશે. 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના ગેટ અને ડાયમંડ બુર્સના બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી લાઈટિંગ્સનું ટ્રાયલ રન ગઈ તા. 26 જુલાઈના રોજ કરાયું હતું. આ ટ્રાયલ વખતે બુર્સ લાઇટિંગ્સથી ઝળહળી ઊઠ્યું હતું. અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. બુર્સની ઓફિસોમાં ફર્નિચરનું કામ સંપૂર્ણ પૂરું થાય પછી સંપુર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
બુર્સની ઘણી ઓફિસોના ફર્નિચરના કામ પૂર્ણ થઈ ગયા છે અને કેટલીક ઓફિસોમાં ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. બુર્સના પ્રથમ ફેઝમાં 2.6 કિલોમીટરમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા, પાણી, ડ્રેનેજ નેટવર્ક, ઇલેક્ટ્રિક બ્યુટીફીકેશનની કામગીરી 104 કરોડના ખર્ચે શરૂ થઈ હતી. બીજા ફેઝમાં 215 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું હતું. બુર્સના વહીવટી ભવન સાથે 53,000 ચોમી. જગ્યામાં ગ્રીન સ્પેસ વિકસાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ છે. અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચૂક્યા છે.
ચર્ચા એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 નવેમ્બરે ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટસના પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે. સુરત ડ્રિમ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. ગઈ તા. 26 જુલાઈના રોજ સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પત્રના માધ્યમથી ટ્રેડિંગ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. એટલું જ નહીં કમિટીએ સુરત-મુંબઈની ટોચની 400 કંપનીઓની યાદી પણ જાહેર કરી દીધી છે, જે 21 નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સથી ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ આપી ચુકી છે. જે કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરશે એમાં સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન વલ્લભ લાખાણીની કિરણ જેમ્સ, લાલજીભાઇ ટી. પટેલની ધર્મનંદન ડાયમંડનો પણ સમાવેશ થાય છે.
સુરત ડાયમંડ બુર્સ કમિટીના સિનિયર સભ્ય દિનેશ નાવડિયાએ કહ્યું કે, અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પૂર્ણ થવાના આરે છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે.
સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધારવા વડાપ્રધાનને રજૂઆત કરાશે
સુરત ડાયમંડ બુર્સ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે બુર્સ કમિટીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર સંપૂર્ણ ભરોસો છે. પીએમઓ 2જી ઓગસ્ટનો સમય મુલાકાતનો આપશે, ત્યારે સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટીનાં મામલે વડાપ્રધાનને રજૂઆત કરાશે. સુરતનો બાયલેટરલમાં સમાવેશ કરવા સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગો એરલાઈન્સને સુરતથી દુબઇ, સિંગાપોર, બેંગકોક, થાઇલેન્ડ, લંડન, બોત્સવાના અને બ્રસેલ્સની ફ્લાઈટ મળે એ માટે રજૂઆત કરવામાં આવશે. સુરત એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ લેવલનું ઊભું કરવા માટે પીએમ.નો આભાર પણ વ્યક્ત કરવામાં આવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM