DIAMOND CITY NEWS, SURAT
દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનો ખિતાબ મેળવનાર સુરત ડાયમંડ બુર્સના સંચાલકોએ આખરે વાયદો પાળ્યો ખરો. 7 જુલાઇ, અષાઢી બીજ, રથયાત્રાના પવિત્ર દિવસે SDBમાં 250થી વધારે ઓફિસો શરૂ કરવામાં આવી અને સંચાલકો અને વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સુરત-મુંબઇથી લગભગ 10,000 લોકો રવિવારે 7 જુલાઇએ બુર્સમાં હાજર રહ્યા હતા.
SDBના સંચાલકો મોડે મોડે એ વાત સમજ્યા કે નાના વેપારીઓ અને બ્રોકરોની હાજરી વગર બુર્સ ચાલવાનું નથી. સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન ગોવિંદભાઇ ધોળકીયા, વાઈસ ચૅરમૅન લાલજીભાઇ પટેલ, પ્રમુખ અરવિંદભાઇ શાહ (ધાનેરા), ઉપપ્રમુખ અશેષ દોશી, પૂર્વ ચૅરમૅન વલ્લભભાઇ લખાણી અને ગુજરાતના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સુરતનો ડાયમંડ ટ્રેડીંગનો ધંધો વર્ષોથી રસ્તા પર ચાલે છે. મહિધરપરા હીરાબજાર હોય કે, મીની બજાર કે ચોક્સી બજાર, આ બજારોમાં હીરાદલાલો અને નાના વેપારીઓ એક ચબરખી પર લાખો કરોડો રૂપિયાનો ધંધો કરતા આવ્યા છે. સુરતમાં મોટા વેપારીઓએ મળીને એક જાયન્ટ મહેલ જેવું સુરત ડાયમંડ બુર્સ તો બનાવી દીધુ, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનો ખિતાબ પણ મળી ગયો, પરંતુ બુર્સમાં ઓફિસો ચાલુ જ નહોતી થઇ શકી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું અને તે વખતે તેમણે કહ્યું હતું કે, ડાયમંડ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રો અને લોકો એક છત નીચે આવશે. જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં ડાયમંડ બુર્સને કારણે દેશમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. સુરત ડાયમંડ બુર્સ યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરીને તેમની આકાંક્ષોઓને પરિપૂર્ણ કરશે.
આ ડાયમંડ બુર્સના કારણે આપણા દેશમાં અનોખી ચમક લાવી ખીલશે. વડાપ્રધાન મોદીએ સુરત ડાયમંડ બુર્સની વિઝિટર બુકમાં અનોખો સંદેશ લખ્યો હતો. તેમણે સુરતમાં ડાયમંડ બુર્સની શરૂઆત થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે આવવાનો આનંદ છે. આ ડાયમંડ બુર્સ દેશ માટે એક ચમકતા હીરા સમાન છે. સુરત શહેર પહેલેથી જ ડાયમંડ માટે ગ્લોબલ હબ તરીકે જાણીતું છે પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સ સાકાર થતા જ વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.
પરંતુ સુરત ડાયમંડ બુર્સ માટે જે ધારણા હતી તે પ્રમાણે થયું નહોતું. શરૂઆતમાં જ અનેક મુશ્કેલીઓ દેખાવવા માંડી. તે વખતના SDBના ચૅરમૅન વલ્લભાઇ લખાણી તેમના મુંબઇના 1200 કર્મચારીઓને સુરત લઇ આવ્યા હતા અને તેમને માટે અલગ ફ્લેટની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ તેમની મુંબઈ ઓફિસને મોટો ફટકો પડ્યો એટલે કર્મચારીઓને પાછા મુંબઈ મોકલી આપવામાં આવ્યા. તે વખતે બુર્સમાં કોઇ ઓફિસ શરૂ કરવા માટે તૈયાર થતું નહોતું. એ પછી સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ તરીકે નાગજીભાઇ સાકરીયાએ રાજીનામું ધરી દીધું અને બુર્સની શાખ પર સવાલો ઊભા થવા માંડ્યા હતા.
થોડા સમય પછી વલ્લભભાઇ લખાણીએ પોતે ચૅરમૅન પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારે બધાને એવું લાગતું હતું કે, SDB હવે શોભાનું ગાંઠીયું બની જશે.
પરંતુ સુરત ડાયંમડ બુર્સના ચૅરમૅન પદે SRK ડાયમંડના ચૅરમૅન અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઇ ધોળકીયાની વરણી પછી ફરી આશા જીવંત થઇ. તેમણે નવી ટીમ બનાવી અને તેમાં લાલજીભાઇ પટેલ વાઈસ ચૅરમૅન, પ્રમુખ અરવિંદભાઇ શાહ, ઉપપ્રમુખ તરીકે નાગજીભાઇ સાકરીયા અને અશેષ દોશીનો સમાવેશ થયો. ગોવિંદભાઇ ધોળકીયા અને તેમની ટીમે જાતે સુરતના હીરાબજારોમાં જઇને બ્રોકરો અને વેપારીઓને સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરવા માટે સમજાવ્યા. ગોવિંદભાઇએ મુંબઈ જઇને પણ બે-ત્રણ વખત બેઠકો કરી.
સુરત ડાયમંડ બુર્સ જ્યારે વિવાદોમાં સપડાયું ત્યારે નવી ટીમે વાયદો આપ્યો હતો કે 7 જુલાઇ સુધીમાં 250થી વધારે ઓફિસો શરૂ થઇ જશે અને આખરે એ વાયદો 7 જુલાઇ 2024ના દિવસે પુરો કરવામાં આવ્યો.
4,000 ઓફિસો શરૂ થતા હજુ 4 વર્ષ લાગી શકે છે : ગોવિંદભાઇ ધોળકીયા
સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઇ ધોળકીયાએ કહ્યુ કે, મારી કંપની શ્રી રામકૃષ્ણ એક્સ્પોર્ટસ, લાલજીભાઇ પટેલની ધર્મનંદન ડાયમંડ, વલ્લભભાઇ લખાણીની કિરા (વિગ્રોન), શ્રીકૃષ્ણ, મીનાક્ષી ડાયમંડ, રિંકલ ઇમ્પેક્સ, અમૃત જેમ્સ, નારોલા ડાયમંડ, શ્રૃષ્ટિ ડિયામ, જે. કે. સ્ટાર જેવી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરી દીધી છે.
ગોવિંદભાઇએ કહ્યું કે, જોકે, આ પાસેરામાં પહેલી પૂણી જેવું છે. આપણે હજુ 4,000 ઓફિસો શરૂ કરવાની છે અને એના માટે 2 વર્ષ પણ લાગી શકે, 3 વર્ષ પણ લાગે અને 4 વર્ષ પણ લાગી શકે. આ મોટો પ્રોજેક્ટ છે એટલે થોડી વાર તો લાગશે. પણ દિવાળી સુધીમાં 1000 ઓફિસો શરૂ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાના સહકારથી હીરાઉદ્યોગની મંદી દૂર થાય.
ગોવિંદભાઇએ એરપોર્ટ બાબતે સુરતના થતા અન્યાયની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સુરતને એરપોર્ટ બાબતે 30 વર્ષથી અન્યાય થઇ રહ્યો છે એ વાતનો હું 30 વર્ષથી સાક્ષી છું. તેમણે કહ્યું કે, હું 10 વર્ષ પહેલાં વિચારતો હતો કે, જે બ્રસેલ્સની વસ્તી માત્ર 20 લાખ છે અને તે વખતે સુરતની વસ્તી લગભગ 40 લાખની હતી, પરંતુ બ્રસેલ્સમાં રોજના 300 વિમાનો ઊડે અને સુરતમાંથી એક પણ નહીં. આવુ કેવું.
જોકે આ ગોવિંદભાઇ ધોળકીયા સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન અને ભાજપના ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે. ગોવિંદ કાકા કદાચ એ વાત ભૂલી ગયા લાગે છે કે 2014થી ત્રીજી વખત કેન્દ્રમાં ભાજપની જ સરકાર છે. 2004 પહેલા પણ કેન્દ્રમાં દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીની જ સરકાર હતી. તો હવે ગોવિંદભાઇ તેમની સરકાર પાસેથી સુરત એરપોર્ટનો અન્યાય દૂર કરાવવો જોઇએ અને સુરતથી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરાવી દેવી જોઇએ.
બ્રોકરો માટે ટેબલ મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે : લાલજીભાઇ પટેલ
સુરત ડાયમંડ બુર્સના વાઈસ ચૅરમૅન લાલજીભાઇ પટેલે કહ્યું હતું કે, આજે અષાઢી સુદ બીજ અને રથયાત્રાના પવિત્ર દિવસથી સુરત ડાયમંડ બુર્સમાં 250 કરતા વધારે ઓફિસો શરૂ થઇ ગઇ છે અને મોટી સંખ્યામાં હાજર રહેલા વેપારીઓએ ઉત્સાહમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સમાં 1 લાખ સ્ક્વેર ફૂટ, 50,000, 10,000 સ્ક્વેર ફૂટ કે 300 સ્ક્વેર ફૂટની ઓફિસો છે, પરંતુ અમારા ધ્યાન આવ્યું કે જેમની 300 સ્ક્વેર ફૂટની ઓફિસ ખરીદવાની ક્ષમતા નથી એ લોકો શું કરે? એટલે અમે હવે 50 સ્ક્વેર ફૂટની ઓફિસ પણ બનાવવાના છે. જેમની 50 સ્ક્વેર ફૂટ ઓફિસ રાખવાની પણ ક્ષમતા નથી એના માટે અમે સુરત ડાયમંડ બુર્સમાં ટેબલ મુકવાની વ્યવસ્થા કરીશું.
લાલજીભાઇ પટેલે આગળ કહ્યું કે, ડાયમંડ બ્રોકરો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જે ગોધાણી સર્કલ, કતારગામથી દરરોજ સવારે પહેલી બસ 8-15 વાગ્યે ઉપડશે અને ત્યારબાદ દર દોઢ કલાકે બસ ઉપાડવામાં આવશે. સુરત ડાયમંડ બુર્સથી પરત જવા માટે પણ બસની વ્યવસ્થા છે. મહીધરપરા, મીની બજાર અને ચોક્સી બજારમાં કામ કરતા બ્રોકરો માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેમને આવવા જવામાં સરળતા રહે.
કસ્ટમ ઓફિસ પણ નજીકના દિવસોમાં શરૂ થઇ જશે
સુરત ડાયમંડ બુર્સમાં સ્ટેટ ઓફ આર્ટ કસ્ટમ હાઉસ આગામી દિવસોમાં શરૂ થશે જેને કારણે સુરત ડાયમંડ બુર્સમાંથી આયાત-નિકાસ સરળ બનશે. ઉપરાંત સેફ ડિપોઝીટ વોલ્ટની સુવિધા 7 જુલાઇથી શરૂ કરી દેવામાં આવી છે. ટુંક સમયમાં બુર્સમાં રેસ્ટોરન્ટ અને આંગડીયા સર્વિસ પણ શરૂ કરી દેવામાં આવશે.
નાના વેપારીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે: અશેષ દોશી
સુરત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ અશેષ દોશીએ જણાવ્યું હતું કે, સુરતના લાર્જેસ્ટ બિલ્ડીંગમાં ફરી 250 ઓફિસો ધમધમતી થઇ છે. બધી જ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને નાના વેપારીઓ અને બ્રોકરોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
કસ્ટમ હાઉસ 15 દિવસમાં શરૂ થશે : વલ્લભભાઇ લખાણી
સુરત ડાયમંડ બુર્સના પૂર્વ ચૅરમૅન વલ્લભભાઇ લખાણીએ કહ્યું કે, 7 જુલાઇથી મારી ઓફિસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને સુરત ડાયમંડ બુર્સમાં 15 દિવસની અંદર કસ્ટમ હાઉસ પણ શરૂ થઇ જશે.
ગુજરાતના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનશેરિયાના દ્વારા ધ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની ઑફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
SDBના ટાવર-બીમાં ધ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની ઑફિસનું ઉદ્ઘાટન ગુજરાતના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનશેરિયાના હાથે કરવામાં આવ્યું હતું. તેમણે બાદમાં SDBમાં શરૂ કરવામાં આવેલી વિવિધ કંપનીઓની ઑફિસની મુલાકાત લઈને શુભેચ્છા આપી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp