એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં આઈસગેટના સોફ્ટવેરમાં ખામી સર્જાતા સુરતના હીરાવાળા મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતના હીરાવાળાના અંદાજે 1500 કરોડથી વધુ કિંમતના રફ હીરાના 500 જેટલાં પાર્સલ કસ્ટમ ક્લીયરન્સના અભાવે અટકી પડ્યા હતા. આ હીરાના પાર્સલો ફસાઈ જતા વેપારીઓના સોદા અટકી પડ્યા હતા, જેના લીધે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતા સુરત-મુંબઈના હીરા વેપારીઓના ૧૫૦૦ કરોડથી વધુના રફના ૫૦૦ પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ થયા ન હતા. સુરતના વેપારીઓ દુબઈ, હોંગકોંગ, રશિયા, બોત્સવાના સહિતના દેશોમાંથી રફ આયાત કરે છે. પેમેન્ટ સિસ્ટમ પારદર્શક રાખવા આઈસગેટ સિસ્ટમ બનાવાઈ છે, જેમાં બિલની એન્ટ્રી થતી ન હોવાથી ડ્યૂટી કે જીએસટી ભરી શકાતા ન હોવાથી માલ છોડાવી શકાતો નથી. આ સમસ્યા અંગે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન દિનેશભાઈ નાવડિયા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
આઈસગેટ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાથી અમુક બેન્કોમાં જ એન્ટ્રી દેખાઈ રહી હતી. સુરત-મુંબઈના ૧૫૦૦ કરોડથી વધુના રફ હીરાના ૫૦૦ પાર્સલો 1 એપ્રિલથી અટવાઈ ગયા હતા, જેનો ઉકેલ એક અઠવાડિયા સુધી ન આવતા વેપારીઓ અકળાયા હતા. સુરતની મોટી ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના ૨૦-૨૦ પાર્સલો હતા.
નોંધનીય છે કે, ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થાય અને કસ્ટમ ક્લિયરન્સ પારદર્શક બને તે માટે આઈસગેટ સોફ્ટવેર બનાવાયું છે. આ સોફ્ટવેર આરબીઆઈના સર્વર સાથે લિંક્ડ છે. જ્યારે કોઈ વેપારી વિદેશમાંથી માલ ઇમ્પોર્ટ કરે ત્યારે તેની એન્ટ્રી કસ્ટમ દ્વારા આઈસગેટ સોફ્ટવેરમાં અપડેટ કરવામાં આવ છે, જેથી જે બૅન્ક દ્વારા પેમેન્ટ કરવાનું હોય તે બેન્કને કસ્ટમ ક્લિયરન્સની એન્ટ્રી ઓનલાઈન દેખાય છે. હાલ આ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાથી અનેક બેંકોમાં એન્ટ્રી થતી ન હોવાથી હીરા વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM