છેલ્લાં કેટલાંય સમયથી ડી બિયર્સ અને બોત્સવાના સરકાર વચ્ચેના લાંબા ગાળાના સંબંધો તૂટી રહ્યાં હોવાની ચાલતી ચર્ચાએ હીરા ઉદ્યોગની ચિંતા વધારી હતી. બંને વચ્ચેના વ્યવસાયિક કરારો રિન્યુ કરવા મામલે વારંવાર થતો વિલંબ, અસહમતિનો રિપોર્ટ અને સંબંધો તૂટવાની ચર્ચાએ હીરા ઉદ્યોગમાં એક પ્રકારની અનિશ્ચિતતા ઊભી કરી હતી. જોકે, આખરે ઘી થામમાં પડ્યું. બોત્સવાના સરકાર સાથે ડી બિયર્સ વચ્ચેના સંબંધો તૂટવાની અણી પર પહોંચી બચી ગયા છે. ડી બિયર્સ અને બોત્સવાના સરકાર વચ્ચે ફરી 10 વર્ષની સમયમર્યાદા માટે વેચાણ સોદા થયા છે, જેના લીધે હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. હા એ જોવાનું બાકી છે કે આ કરાર સાઈટહોલ્ડર્સ પર કેવી અસર કરશે કારણ કે નવી શરતો સ્ટેટની માલિકીની ઓકાવાંગો ડાયમંડ કંપની પાસેથી દેશની રફનો કેટલો હિસ્સો આપે છે તે હજુ નક્કી નથી.
બીજી તરફ જૂન મહિનામાં પણ હીરા બજારમાં મંદી ચાલુ રહી હતી. યુએસના રિટેલ માર્કેટમાં નબળી ડિમાન્ડને લીધે મિડસ્ટ્રીમ દબાણ હેઠળ હતી. જ્વેલર્સે ઈન્વેન્ટરી માટે ખરીદી ટાળી હતી. જ્વેલર્સે ઓર્ડર અનુસાર ચોક્કસ જ્વેલરી ખરીદવાનું વલણ જાળવી રાખ્યું હતું. મેમો આધારિત સોદા કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ઓછા વેચાણ અને નફાના પાતળા માર્જિનના લીધે ઉત્પાદકોએ પણ પોલિશ્ડ ઉત્પાદનમાં કાપ મુકવાનું વલણ જાળવી રાખ્યું હતું.
આ તરફ ઘટતા ભાવ વચ્ચે ડીલર્સની એક્ટિવિટી પણ સ્લો થઈ હતી. કૃત્રિમ હીરાએ કુદરતી હીરાના બજારને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્યું છે તે વાત નકારી શકાય નહીં. ખાસ કરીને મોટા કદના અને એંગેજમેન્ટ માટેની રીંગ્સમાં વપરાતા નેચરલ ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. આ કેટેગરીમાં નબળી માંગનો ટ્રેન્ડ પહેલેથી જ દેખાતો હતો. તે જૂન દરમિયાન વધુ તીવ્ર બન્યો હતો.
ચીનનું બજાર પણ સુસ્ત રહ્યું હતું. આર્થિક મંદી અને યુઆન (ચાઈનીઝ ચલણ) નબળો પડવાના લીધે બજાર પર પ્રતિકૂળ અસર પડી હતી. જેમ એન્ડ જ્વેલરી એશિયા હોંગકોંગ શોમાં ટ્રેડિંગ અનુમાન જાહેર કરાયું નહોતું.
રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સમાં 1 કેરેટ સુધીના પોલિશ્ડ હીરો જૂનમાં 2.4 ટકા ઘટ્યો હતો. તે વર્ષની શરૂઆતમાં 7537 હતો જે 1 જુલાઈના રોજ 6901 પર પહોંચ્યો હતો. RAPI એ અન્ય સાઈઝના હીરાની કિંમતમાં પણ ઘટાડો કર્યો હતો અને જુલાઈના પહેલાં ચાર દિવસ દરમિયાન ડાઉન ટ્રેડ ચાલુ રાખ્યો હતો. ઉચ્ચ ગુણવત્તાવાળા 0.50 અને 1 કેરેટ હીરાના ભાવમાં વાર્ષિક ધોરણે 23 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
પોલિશ્ડ ઈન્વેન્ટરી ઊંચી રહી પરંતુ ઓછા ઉત્પાદનને કારણે સ્થિર રહી હતી. ભારતમાં ફેક્ટરીઓએ તેમના ઉનાળુ વેકેશનનો સમયગાળો લંબાવ્યો હતો અને એકવાર તેઓએ ફરી કારખાના ખોલ્યા પછી તેમના ઉત્પાદનને નિયંત્રણમાં રાખવાનો ટ્રેન્ડ અપનાવ્યો હતો. જૂન મહિના દરમિયાન RapNet પર હીરાની સંખ્યા 1.5% ઘટીને 1 જુલાઈએ 1.75 મિલિયન થઈ હતી. જો કે, પુરવઠામાં ઘટાડો માંગમાં મંદીને સરભર કરવા માટે પૂરતો નહોતો.
જૂન મહિના દરમિયાન 0.75 કેરેટથી ઉપરના રફ હીરાની માંગ નબળી રહી હતી. નાના કુદરતી પોલિશ્ડ હીરાની માંગ ચાલુ હોવાથી ફેક્ટરીઓ ચાલુ રાખવા માટે કટર નાની રફ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. પેટ્રા ડાયમંડ્સ અને ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ (TAGS) એ બજારની સ્થિતિને કારણે તેમના જૂનના ટેન્ડર રદ કર્યા હતા. દેશની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ અહેવાલ આપ્યો છે કે મે મહિનામાં ભારતની રફ આયાત વાર્ષિક ધોરણે 19% ઘટીને $1.17 બિલિયન થઈ હતી.
આ તરફ સિન્થેટિક હીરાએ SI1 થી I2 રેન્જમાં નેચરલના વેચાણને અસર કરવાનું ચાલુ રાખ્યું હતું. કારણ કે તેઓ ગ્રાહકોને સમાન કિંમતે અથવા તેનાથી ઓછી કિંમતે નરી આંખે જોઈ શકાય તેવા રફનો વિકલ્પ આપે છે. જ્યારે ઘટતી કિંમતો અને માર્જિનના લીધે કંપનીઓનો લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં રસ ઘટી રહ્યો છે, ત્યારે ડી બીયર્સ દ્વારા તેની લાઇટબૉક્સ બ્રાન્ડ હેઠળ લેબગ્રોન ડાયમંડમાંથી બનેલી એન્ગેજમેન્ટ રિંગ્સની રજૂઆતે સિન્થેટીક્સને વધારાની વિશ્વસનીયતા આપી હતી. તો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને 7.5 કેરેટ લેબમાં ઉગાડેલા હીરાની ભેટ આપી આ સેક્ટરને બળ પુરું પાડ્યું હતું.
અમેરિકાની સ્થિતિ પણ ખાસ સારી રહી નહીં પરંતુ અમેરિકાના ઊંચા વ્યાજ દરોએ સૌથી ધનાઢ્ય અમેરિકનોની સંપત્તિમાં વધારો કર્યો છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગો તેમના ખર્ચને મર્યાદિત કરી રહ્યા છે. કારણ કે આર્થિક પરિસ્થિતિએ તેમની ખર્ચ કરવાની શક્તિમાં ઘટાડો કર્યો છે. આનાથી 0.30 થી 3 કેરેટના બ્રેડ-એન્ડ-બટર પોલિશ્ડ માલની માંગમાં ઘટાડો થયો છે. ભારતનું વિસ્તરતું સ્થાનિક છૂટક બજાર અર્થપૂર્ણ વૃદ્ધિ દર્શાવવા માટેના કેટલાક સેગમેન્ટ્સમાંનું એક છે.
આમ છતાં જૂન મહિનામાં સકારાત્મક વિચારધારા જાળવી રાખવા માટે પણ કેટલાંક કારણ મળ્યા હતા. જેમ કે મે મહિનામાં યુએસનો ફુગાવો ઘટીને 4% થયો હતો અને ફેડરલ રિઝર્વે જૂનમાં તેના વ્યાજ દરમાં વધારો અટકાવવાનું નક્કી કર્યું હતું. નાણાકીય બજારો એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે શું ફેડ 25 અને 26 જુલાઈએ તેની આગામી મીટિંગમાં તેના દરમાં વધારો ફરી શરૂ કરે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM