લેબોરેટરીમાં ઉત્પાદિત ડાયમંડે માર્કેટમાં પ્રવેશ કર્યો ત્યારથી જ હીરા ઉદ્યોગમાં બે ફાંટા પડ્યા છે. કૃત્રિમ અને કુદરતી હીરાના લાભ ગેરલાભ વર્ણવીને અલગ અલગ જૂથના હીરા ઉદ્યોગકારો માર્કેટિંગ કરી રહ્યાં છે. લેબગ્રોન ડાયમંડ પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડતા હોવાના દાવા કરીને તેનું માર્કેટિંગ થઈ રહ્યું છે તો બીજી તરફ કુદરતી ડાયમંડ પૃથ્વીના પેટાળમાંથી આવ્યા હોય તેની સરખામણી કૃત્રિમ હીરા સાથે થવી ન જોઈએ તેવો મત એક વર્ગ ધરાવે છે. આ સાથે જ લેબગ્રોન ડાયમંડના લીધે કુદરતી હીરાનું માર્કેટ તૂટશે તેવો ભય પણ ઉભો થયો છે. આ બંને ક્ષેત્રના હીરા ઉદ્યોગકારો પણ આમને સામને આવી ગયા હોય તેવું વાતાવરણ ધીમે ધીમે ઊભું થઈ રહ્યં છે ત્યારે તાજેતરમાં કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખૂબ સરસ વાત કરી હતી.
કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના ઉદ્યોગકારોને સંબોધતા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ ઘટ્યું છે. તે પાછળ કેટલાંક ચોક્કસ કારણો છે. દોઢ વર્ષ કરતા વધુ સમયથી યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે વિશ્વભરમાં મોંઘવારી વધી છે. ખાસ કરીને યુરોપીય દેશોને માઠી અસર પહોંચી છે. યુરોપમાં નેચરલ-ડોમેસ્ટિક ગેસની કિંમતો ખૂબ વધી છે. યુદ્ધને લીધે મોંઘવારી વધવાથી જેમ એન્ડ જ્વેલરી સેક્ટર થોડું કમજોર પડ્યું છે. કારણ કે, આ સેક્ટરમાં સૌથી વધુ નિકાસ અમેરિકા અને યુરોપના દેશોમાં થાય છે. આ સ્થિતિમાં માર્કેટ છોડવાને બદલે પકડી રાખવાની જરૂર છે. બીજાં નવાં માર્કેટ શોધવાની જરૂર છે. વિશેષ કરીને મિડલ ઇસ્ટના દેશોમાં નજર દોડાવવાની જરૂર છે.
પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે, આકર્ષણ નેચરલ ડાયમંડનું રહેશે, તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડનું પણ આકર્ષણ વધશે. નેચરલ ડાયમંડની પ્રાથમિકતા ઓછી કરવાની નથી અને લેબગ્રોન ડાયમંડનો પણ વિકાસ પણ અલગથી કરવાનો છે. જેમને નેચરલ જોઈએ તેમને નેચરલ અને જેમને લેબગ્રોન ડાયમંડ જોઈએ તેમને લેબગ્રોન પૂરું પાડો. એકજુટ થઈને કામ કરો, અંદર-અંદરની સ્પર્ધાથી બચો, એકબીજાને સાથે રાખીને કામ કરવાની ભાવનાથી કામ કરવામાં આવશે તો નવી નોકરીઓ બનશે અને ભારતનું નામ દુનિયામાં ઊભરશે.
પ્રધાનમંત્રીએ 7.5 કેરેટનો લેબગ્રોન મિસિસ બાઈડનને આપ્યો તે ખૂબ મોટી વાત છે. આ એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય ફલક પર બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગ્રીન ડાયમંડ રિન્યુએબલ એનર્જીથી બને છે એ જાણવા લોકોનાં મનમાં ઉત્સુકતા છે. જેમ નેચરલ ડાયમંડ ગ્રીન હોય એમ લેબગ્રોન ડાયમંડ પણ લેબમાં ગ્રીન બની શકે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM