યુદ્ધ ક્યારેય સારા પરિણામ આપતું નથી, રશિયન ડાયમંડની નિકાસમાં જબરદસ્ત ઘટાડો

વિશ્વભરની સરકારોએ આયાત પર પ્રતિબંધ મૂકતાં રશિયાની રફ-હીરાની નિકાસ 24% ઘટીને 2022 માં 36.7 મિલિયન કેરેટ થઈ

Cover Story- Russian diamond exports plummet-Diamond City 392-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કિમ્બર્લી પ્રોસેસ (KP) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, રશિયાએ રફ ઉત્પાદનમાં 7%નો વધારો કરીને 41.9 મિલિયન કેરેટ કર્યું હોવા છતાં પણ નિકાસમાં ઘટાડો થયો છે. યુ.એસ. અને યુ.કે. સહિત અન્ય ગ્રૂપ ઓફ સેવન (G7) રાષ્ટ્રોએ ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર તેના આક્રમણ બદલ રશિયા સામે પ્રતિબંધો મૂક્યા છે, જ્યારે અન્ય, જેમ કે બેલ્જિયમમાંથી આયાતનો ઇનકાર કરવામાં આવતા ધીમી પડી

સત્તા, અધિકાર માટે ભૂતકાળમાં અનેકો યુદ્ધ થયા છે અને હજુ પણ થઈ રહ્યા છે. હસ્તિનાપુર માટે મહાભારત જેવું ભયાનક યુદ્ધ થયું. વિશાળ કૌરવ સેનાનો નાશ થયો. જે રાજપાટ માટે યુદ્ધ થયું તે રાજપાટ યુદ્ધ લડનારા ભોગવી શક્યા નહીં. પાંડવો સંસારનો ત્યાગ કરી સ્વર્ગની વાટે નીકળી પડ્યા હતાં. યુદ્ધ ક્યારેય સારા પરિણામ આપતા નથી તે નક્કી જ છે, છતાં યુદ્ધ અટકતા નથી. જુઓને છેલ્લાં દોઢ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન જેવા નાના દેશ પર રશિયા જેવો બળિયો દેશ દોઢ વર્ષથી બોમ્બમારો કરી રહ્યું છે. તે પણ કેમ? બસ, યુક્રેને રશિયાની વાત માની નહીં. તે રશિયાને છોડી યુરોપિયન સંઘ નાટોમાં જોડાવા માંગતું હતું. આ વાત રશિયાને પસંદ પડી નહીં અને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે યુક્રેન પર હુમલો કરી દીધો.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે વાતને ૫૦૦ દિવસનો લાંબો સમયગાળો વીતી ગયો છે. તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં ૫૦૦ બાળકો સહિત ૯૦૦૦થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા છે. હજારો લોકો વિસ્થાપિત થયા છે. હજારો ઇમારત ધરાશાયી થઈ છે. બ્રિજ રસ્તા તૂટી ગયા છે. ખાનાખરાબી સર્જાઈ છે. યુક્રેન તબાહ થયું છે, છતાં યુદ્ધ થંભ્યું નથી. જુલાઈના પહેલાં અઠવાડિયામાં પણ રશિયન સેના દ્વારા યુક્રેનના લવીવ શહેર પર હુમલો કરી ૬૦ ઇમારતોને તોડી પાડવામાં આવી હતી.

આ યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈને ખબર નથી. કારણ કે હવે તો અમેરિકાએ પણ આ યુદ્ધમાં સક્રિયપણે ઝંપલાવવાની તૈયારી કરી હોય તેવા સંકેત મળ્યા છે. રશિયા યુક્રેન પર ડ્રોન હુમલા કરી રહ્યું હોય અમેરિકાએ હવે યુક્રેનને કલ્સ્ટર બોમ્બ આપવાની ઘોષણા કરી છે. મતલબ કે યુક્રેન રશિયા પર વળતો હુમલો કરી જડબાતોડ જવાબ આપે તેવી તૈયારી અમેરિકા કરી રહ્યું છે. જો અમેરિકા યુદ્ધમાં સક્રિય થશે તો બંને પક્ષે વધુ ખાનાખરાબી સર્જાશે તે નક્કી છે.

દોઢ વર્ષ કરતા વધુ સમયથી ચાલતા યુદ્ધમાં યુક્રેને ઘણું સહન કરવું પડ્યું છે તે આખી દુનિયા જાણે છે પરંતુ રશિયાને યુદ્ધનું સારું પરિણામ મળ્યું નથી. યુક્રેન જેવા નાના દેશને દોઢ વર્ષ બાદ પણ રશિયા હરાવી શક્યું નથી. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની માનીતી સેના વેગનરે બળવો કરતા રશિયાના રાષ્ટ્રપતિએ પીછેહઠ કરવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું હતું. આ વેગનર સેના તો રશિયાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર ચઢાઈ કરવા નીકળી પડી હતી. રશિયા સરકારનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પુતિન થોડો સમય માટે ભુર્ગભમાં ઉતરી ગયા હતા. આખી દુનિયાની નજર વેગનર આર્મીની મૂવમેન્ટ પર કેન્દ્રીત થઈ હતી. જોકે, થોડા કલાકોના તણાવ બાદ મામલો શાંત પડ્યો હતો અને વેગનર સેનાએ રશિયા પર હુમલો ટાળી દીધો હતો. આ ઘટનાના અઠવાડિયા બાદ રશિયાએ ફરી યુક્રેનના લવીવ શહેર પર હુમલો કરીને યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી તે વાત છતી કરી દીધી હતી, જેના લીધે અમેરિકા ગિન્નાયુ અને યુક્રેનને કલ્સ્ટર બોમ્બ આપવાની જાહેરાત કરી દીધી હતી.

આ થઈ યુદ્ધની વાત હવે કરીએ ધંધાની વાત. તો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જ રશિયા સાથેના વ્યાપારિક સંબંધો તોડી નાંખવા માટે યુરોપિયન દેશો થનગની રહ્યાં છે. જી-૭ દેશો રશિયામાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી નહીં કરવા માટે છેલ્લાં દોઢ વર્ષથી મિટીંગો કરી રહ્યાં છે. ખાસ કરીને રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂકવા માટે જોરદાર પ્રયાસો થયા છે, આંશિક પ્રતિબંધો મુક્યા પરંતુ હજુ સુધી નક્કર સફળતા મળી નથી.

જી-૭ના પ્રતિનિધિઓ વચ્ચે જ આ મામલે સંમતિ બની રહી નહીં હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. કારણ કે દોઢ વર્ષ દરમિયાન અનેકો બેઠકો યોજાઈ પરંતુ હજુ સુધી રશિયન ડાયમંડ પર પ્રતિબંધ અંગે કોઈ જ નક્કર જાહેરાત કરાઈ નથી. તે અંગે કોઈ નિયમો બન્યા નથી. ઉલટાનું કેટલાંક સભ્યો તો રશિયન ડાયમંડ પર પ્રતિબંધ અંગેના નુકસાનો અંગે બેઠકોમાં ચર્ચા કરે છે.

ભાઈ, ધંધાની વાત આવે ત્યારે પહેલાં નફા નુકસાનની જ ગણતરી કરવામાં આવે. જો રશિયાની ડાયમંડ પર પ્રતિબંધ મુકાય તો વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગને મોટું નુકસાન સહન કરવું પડે તે વાત અજાણી નથી. વળી, હાલમાં જ્યારે યુરોપિયન દેશો બેન્કિંગ કટોકટી અને આર્થિક અનિશ્ચતતાનો સામનો કરી રહ્યાં છે ત્યારે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂકવો ઉદ્યોગના કેટલાં હિતમાં રહેશે તે સ્પષ્ટ નથી. તેથી જી-૭ની બેઠકોમાં રશિયન ડાયમંડ પર પ્રતિબંધ અંગે હજુ ચર્ચા જ ચાલી રહી છે.

અવઢવ દૂર નહીં થાય ત્યાં સુધી આ અંગે નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા દેખાતી નથી. તેમ છતાં રશિયન ડાયમંડની સીધી રીતે આયાત પર તો અનેક દેશોએ પ્રતિબંધો લાદી જ દીધા હતા. અત્યારે લગભગ બ્લડ ડાયમંડ પર પ્રતિબંધો લાદયા હતા તેવા દિવસો જેવી જ સ્થિતિ છે. યુરોપીયન દેશો રશિયાની ડાયમંડને હાથ લગાડવા માંગતા નથી. તેથી કોઈ સીધી રીતે રશિયન ડાયમંડ વેચવા માંગતું નથી.

વળી, યુરોપિયન દેશો રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકે તેને કેટલી સફળતા મળે તે પણ સ્પષ્ટ નથી. ભૂતકાળમાં બ્લડ ડાયમંડ ના શીર્ષક હેઠળ સાઉથ આફ્રિકા, ઝીમ્બાબ્વેની ખાણોમાંથી નીકળતા રફ હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. માનવઅધિકારોના હનન અને મજૂરો પર અત્યાચાર કરીને આફ્રિકન ખાણોમાંથી બહાર કાઢવામાં આવતા હીરા ખરીદવાનો ઈનકાર યુરોપિયન દેશોએ કર્યો હતો. યુરોપિયન પ્રજાએ પણ આફ્રિકન બ્લ્ડ ડાયમંડનો બહિષ્કાર કર્યો હતો. જોકે, તેમ છતાં સંપૂર્ણપણે તે પ્રતિબંધનો અમલ થયો હતો તેવું કોઈ પણ દાવા સાથે કહી શકે નહીં.

રશિયા વિશ્વના ત્રીજા ભાગના હીરાનું ઉત્પાદન કરે છે

રશિયા વિશ્વના હીરાના લગભગ 30% પુરવઠાનું ઉત્પાદન કરે છે તેથી તેની સામે પ્રતિબંધ મુકવો સરળ નથી. રશિયાના કુલ હીરાના 90 ટકા અલરોસાની ખાણમાંથી મળે છે. આંશિક રીતે રશિયન સરકારની માલિકીની, અલરોસા રશિયાના સૈન્ય અને પરમાણુ ઉદ્યોગો સાથે જોડાણ ધરાવે છે, અને તે પુતિનના નજીકના સાથીનો પુત્ર ચલાવે છે. અલરોસા તેના ઉત્પાદનનો ત્રીજો ભાગ એન્ટવર્પ દ્વારા બજારમાં મૂકે છે અને તેના 58 ક્લાયન્ટ્સમાંથી 20 ત્યાં આધારિત છે.

2021માં કંપનીએ જે $4.2 બિલિયનની કમાણી કરી હતી, તેમાંથી $1.8 બિલિયન બેલ્જિયન વેચાણમાંથી આવ્યા હતા. જોકે તે સંખ્યા $104 બિલિયન કરતાં ઘણી નાની છેતે વર્ષે રશિયાએ યુરોપને ઊર્જાના વેચાણમાં કમાણી કરી હતી, તે યુરોપિયન યુનિયન દ્વારા પહેલેથી પ્રતિબંધિત અન્ય રશિયન ઉત્પાદનો કરતાં વધુ છે (જેમ કે વોડકા, જે $52 મિલિયનનું ઉત્પાદન કરે છે). તે જોડાણોને કારણે, યુ.એસ. અને તાજેતરમાં યુ.કે.એ અલરોસાના ચીફ એક્ઝિક્યુટિવ, સર્ગેઈ એસ. ઈવાનવ પર પ્રતિબંધો મૂક્યા છે અને રશિયાને યુક્રેન પરના આક્રમણ બદલ સજા કરવાના તેમના પ્રયાસોના ભાગરૂપે દેશના હીરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

એ વાત ભૂલવી નહીં જોઈએ કે રશિયા કે આફ્રિકાની ખાણોમાંથી નીકળતા રફ હીરા પોલિશ્ડ થયા બાદ ભલે યુરોપીયન દેશોમાં વેચાતા હોય પરંતુ તેને પોલિશ્ડ થવા માટે તો ભારતમાં જ લાવવા પડે છે. ભારત હીરા ઉદ્યોગની સમગ્ર ચેઈનની એક મહત્ત્વપૂર્ણ કડી છે. એમ જ નથી કહેવાતું કે વિશ્વમાં ઉપયોગમાં લેવાતા ૧૧ પૈકી ૯ હીરા ભારતમાં પોલિશ્ડ થયા હોય છે. આવા સંજોગોમાં રશિયન ડાયમંડ પર જી-૭ દેશો દ્વારા મુકાતો પ્રતિબંધ કેટલો કારગર નીવડશે તે અંગે કોઈ સ્પષ્ટ નથી. ભારતને વિશ્વાસમાં લીધા વિના હીરા ઉદ્યોગ પર કોઈ પણ પ્રકારના નિયમો કે પ્રતિબંધોનું પાલન કરવું શક્ય નથી.

જોકે, સાવ એવું નથી કે પ્રતિબંધની અસર નહીં થાય. રશિયાની વાત કરીએ તો ભલે જી-૭ દેશો દ્વારા સ્પષ્ટપણે રશિયન ડાયમંડ પર નક્કર પ્રતિબંધ મુકવામાં આવ્યો નહીં હોય છતાં આંશિક પ્રતિબંધોના લીધે રશિયન ડાયમંડના વેપાર પર અસર તો પડી જ છે. વર્ષ ૨૦૨૨માં રશિયન ડાયમંડની નિકાસમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.

રશિયાની રફ-હીરાની નિકાસ 24% ઘટીને 2022માં 36.7 મિલિયન કેરેટ થઈ ગઈ. કારણ કે વિશ્વભરની સરકારોએ આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ અઠવાડિયે કિમ્બર્લી પ્રોસેસ (KP) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, રશિયાએ રફ ઉત્પાદનમાં 7%નો વધારો કરીને 41.9 મિલિયન કેરેટ કર્યું હોવા છતાં પણ નિકાસમાં ઘટાડો થયો છે. યુ.એસ. અને યુ.કે. સહિત અન્ય ગ્રૂપ ઓફ સેવન (G7) રાષ્ટ્રોએ ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર તેના આક્રમણ બદલ રશિયા સામે પ્રતિબંધો મૂક્યા છે, જ્યારે અન્ય, જેમ કે બેલ્જિયમમાંથી આયાતનો ઇનકાર કરવામાં આવતા ધીમી પડી છે.

દરમિયાન, વૈશ્વિક રફ આઉટપુટ વાર્ષિક ધોરણે 24% વધીને $16.02 બિલિયન થયું હતું. વૉલ્યુમ દ્વારા, ઉત્પાદન 0.6% ઘટીને 118 મિલિયન કેરેટ થયું. કુલ આયાત વૉલ્યુમ દ્વારા 16% ઘટી, જ્યારે વૈશ્વિક નિકાસ 21% ઘટી છે.

નિકાસમાં ઘટાડો રશિયન પરિસ્થિતિ તેમજ બોત્સ્વાનામાંથી નિકાસ કરાયેલ કેરેટની સંખ્યામાં 36% ઘટાડો, યુરોપિયન યુનિયનમાંથી 29% ઘટાડો અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી 14% ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક ઉત્પાદનના મૂલ્યમાં વૃદ્ધિ મુખ્યત્વે બોત્સ્વાનાને આભારી છે, જેણે ઉત્પાદન 27% વધીને $4.7 બિલિયન કર્યું છે.

ભારતના હીરા ઉદ્યોગને પણ માઠી અસર પડી

રશિયાએ યુ્ક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદ આખાય વિશ્વમાં રશિયા વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો હતો. વિશ્વ રશિયાથી નારાજ થયું હતું. ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન દેશોનું વલણ રશિયા સાથેના સંબંધોને તોડી નાંખવાનું રહ્યું હતું. એક માત્ર ભારત સરકાર આ મામલે તટસ્થ રહી હતી. તેમ છતાં યુરોપિયન દેશોના વિરોધની અસર ભારતના હીરા ઉદ્યોગ પર પડી. કારણ કે રશિયા વિશ્વનું સૌથી મોટું રફ હીરાનું ઉત્પાદક હોય પરંતુ તેના ખરીદદારો યુરોપીયન દેશોમાં છે.

રફ અને પોલિશ્ડની આ સફરમાં ભારત મહત્ત્વની કડી છે. કારણ કે ખરબચડા રફ પથ્થરને ઘરેણાં જડવા લાયક ભારત જ બનાવે છે. રશિયા યુ્ક્રેનના યુદ્ધની સીધી અસર એ થઈ કે યુદ્ધ પહેલાં જ્યાં ભારતમાં વર્ષે રશિયન ડાયમંડની નિકાસનું પ્રમાણ ૨૭ ટકા હતું તે ઘટીને ૧૦ ટકા થઈ ગયું છે. હવે જ્યારે બેલ્જિયમ સરકારે રશિયન ડાયમંડ પર સંપૂર્ણ પ્રતિબંધની વાત કરી ત્યાર બાદથી ભારત સહિત સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગની ચિંતા વધી છે. રશિયા તો ડૂબી જ રહ્યું છે પરંતુ સાથે આખાય વિશ્વના હીરા ઝવેરાત ઉદ્યોગને ડૂબાડશે તેવી ચિંતા ઊભી થઈ છે. જોઈએ હવે આગળ શું થાય છે.

બ્રિટન, અમેરિકા જેવા દેશો અને અનેક જ્વેલરી કંપનીઓએ રશિયન ડાયમંડ ખરીદવાનો ઇનકાર કરતા અસર પડી

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદ જી-૭ દેશો દ્વારા ભલે કોઈ નક્કર પ્રતિબંધો લાદવામાં આવ્યા નહીં હોય પરંતુ બ્રિટન, અમેરિકા જેવા દેશ અને ટીફની, પેન્ડોરા જેવી જ્વેલરી કંપનીઓએ રશિયન ડાયમંડ તરફથી મોઢું ફેરવી લીધું છે. અનેક દેશોએ રશિયન ડાયમંડની આયાત પર પ્રતિબંધ મુકી દીધો તો બીજી તરફ ટીફની જેવી કંપનીઓએ રશિયન ડાયમંડ નહીં ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આવી અનેક કંપનીઓએ રશિયન ડાયમંડમાંથી બનેલી જ્વેલરીના ખરીદ-વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો જેની અસર રશિયન ડાયમંડના વેપાર પર પડી છે.

ડાયમંડ જ્વેલરી ક્ષેત્રે ટોચની કંપનીઓ Tiffany’s અને Pandora જેવી કંપનીઓએ રશિયન રફ હીરા ખરીદવાનું બંધ કરવાની જાહેરાત કરતી વખતે કહ્યું કે તેઓ ગ્રાહકોને ખાતરી આપવા માંગે છે તેઓ જે ડાયમંડ પહેરી રહ્યાં છે તેનું ખાણકામ રશિયામાં થયું નથી. યુ.એસ.માં એક વેપાર સંગઠન, જ્વેલર્સ ઓફ અમેરિકાએ તેના 8,000 સભ્યોને યુક્રેનમાં સાર્વભૌમત્વ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી વર્તમાન પ્રતિબંધોથી આગળ વધવા વિનંતી કરી હતી.

રશિયન સમકક્ષો સાથે વ્યવસાય કરવા માટે નૈતિક અને કાનૂની મુદ્દાઓની જટિલતાઓને લીધે JA તેના સભ્યોને રશિયામાંથી નીકળેલા દાગીનામાં ઉપયોગમાં લેવાતા માલસામાનની ખરીદી બંધ કરવાની સલાહ આપી હતી. એક જ્વેલરી કંપની નેસએ કહ્યું હતું કે, યુક્રેનની ભયાનકતાને જોતાં, રશિયન પ્રતિબંધોનો વિરોધ કરવો યોગ્ય છે. કોઈ વસ્તુને તોડી નાખવી ખૂબ જ સરળ છે, પરંતુ કંઈક બનાવવું ઘણું અઘરું છે. અમે છેલ્લા 20 વર્ષો દરમિયાન આ જ કર્યું છે, કંઈક એવું બનાવ્યું છે જે ખાતરી કરે છે કે અંતે, ગ્રાહકને યોગ્ય ઉત્પાદન મળે છે.

મોન્ટેરોના જોસ મારિયા મોન્ટેરો અને તેની પત્ની લિડિયા ગોન્ઝાલેઝે કહ્યું હતું કે, અમે યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ. અમે ડઝનેક જ્વેલરી સ્ટોર્સ, આયાતકારોને રશિયન ડાયમંડ નહીં ખરીદવા સમજાવ્યા છે. આ દંપતિ આર્ટ માટે એન્ટવર્પ આવ્યું હતું. તેઓએ કહ્યું અમે ચોક્કસપણે જે ડાયમંડ પહેરીએ છીએ તે ક્યાંથી આવ્યા છે તે જાણવા માંગીએ છીએ. ચોક્કસપણે કોઈનું લોહી લાગ્યું હોય તેવા ડાયમંડ અમે પહેરીશું નહીં. આ વિરોધ અને પ્રતિબંધની અસર રશિયન ડાયમંડના વેપાર પર પડી છે, જે આંકડાઓ સ્પષ્ટ કરે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS