દેશમાં કોમન સિવિલ કોડની ચર્ચાને પગલે ભરચોમાસે ગરમીનો માહોલ છે. વિભિન્ન માધ્યમો પર વિદ્વાનો, વિચારકો ને વક્તાઓ પોતપોતાની ધારણા અને ફાયદાની ગણતરી મુજબ તેના નફા-નુકસાની ગણાવીને એકમેક પર કાદવ ઊછાળી રહ્યાં છે.
વડાપ્રધાન શ્રી મોદીએ એક ઘરમાં બે પ્રકારના કાયદા ન ચાલે તે મુજબનું ભાષણ કર્યા બાદ કેટલાકને લાગે છે કે કોમન સિવિલ કોડ આવી જવા માત્રથી ભારતનો ઉદ્ધાર થઈ જશે તો માઈનોરિટીના એક ખાસ વર્ગને લાગી રહ્યું છે કે યુસીસીનું અમલીકરણ કયામત નોતરશે. સલામતી અને સુરક્ષા, એ ભલા કોને યાદ આવ્યું?!
સમાન નાગરિક સંહિતાનો સૌથી વધુ લાભ સ્ત્રી-જાતિને મળશે, ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે દુનિયાના દેશોમાં જ્યાં શરિયા કાનૂન લાગૂ થાય છે, ત્યાં સ્ત્રીઓને ક્યા અધિકારો મળે છે (અથવા નથી મળતા!) અને ક્યા દેશોમાં યુસીસી સફળ છે… જાણીએ.
ઈરાન
- ઈરાનમાં મહિલાઓ એકલી યાત્રા કરી શકે છે.
- ઈરાનમાં કોઈપણ મહિલા એકલી ભાડાનું ઘર લઈ શકે છે ને તેમાં રહી શકે છે.
- ઈરાનમાં સ્ત્રીઓ પરાયા પુરુષો સાથે શેકહૅન્ડ કરી શકતી નથી. આ કાનૂન તોડનાર સ્ત્રીને બંદી બનાવી જેલમાં પણ બંધક બનાવી શકાય છે.
- ઈરાની સ્ત્રીઓ માટે હિજાબ ફરજિયાત છે.
કતાર
- કતારમાં સ્ત્રીની ઉંમર મુજબ તેના પર ગાર્જિયનશીપના જુદા જુદા નિયમો લાગૂ પડે છે.
- સ્ત્રીઓને તેમની દરેક નાની-મોટી જરૂરિયાતો માટે ઘરના પુરુષોની પરવાનગી તથા સહમતિ હોવી જરૂરી છે.
- અહીંયા સ્ત્રીઓએ ગર્ભનિરોધક પીલ્સ લેવી હોય તો તેને માટે પણ ગાર્જિયનની અનુમતિ જરૂરી છે.
ઈંડોનેશિયા
- અહીં સ્ત્રીઓને મિની સ્કર્ટ તથા શોર્ટ્સ પહેરવા પર પાબંદી છે.
- અહીં માથું હિજાબથી ઢાંકવું જરૂરી છે, હા ચહેરો ખુલો રાખી શકાય.
- અહીં યુનિવર્સિટીઝમાં યુવક-યુવતીઓ એક રૂમમાં સાથે બેસીને ભણી શકે છે પણ બંને માટે બેઠક વ્યવસ્થા જુદી હોવી જરૂરી છે.
- અહીં સ્ત્રીઓને સંગીત સાંભળવાની સ્વતંત્રતા છે.
સાઉદી અરેબિયા
- સાઉદીમાં મહિલાઓને કાર ચલાવવાની આઝાદી મળી છે. (2018થી)
- અહીં મહિલાઓને એકલા રહેવું હોય તો કોઈની અનુમતિ અનિવાર્ય નથી.
- અહીં સ્ત્રીઓ એકલી હરવા-ફરવા જઈ શકે છે.
- અહીં સ્ત્રી-પુરુષોએ મળવું હોય તો માત્ર સાર્વજનિક જગ્યાઓ પર મળી શકાય.
બ્રુનેઈ
- અહીં મહિલાઓ ફ્લાઇટની પાયલોટ બની શકે છે.
- અહીં સ્ત્રીઓને ભણવાની પૂરી આઝાદી છે.
- અહીં શરિયા કાનૂન મુજબ પૈતૃક સંપત્તિમાં બહેનોની તુલનામાં ભાઈઓને બે ગણી સંપત્તિ મળે છે.
- અહીં અમાનવીય સજાનું પ્રાવધાન નથી.
(હવે જરા ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ અને સ્વતંત્રતાનું આકલન મનમાં કરી જૂઓ તો…)
અન્ય કેટલાય મુસ્લિમ દેશ જેવા કે તુર્કીએ અને ટ્યુનિશિયા અહીં બહુપત્નીત્વ પર પ્રતિબંધ છે, ત્યારે ઈજિપ્ત, સીરિયા, જોર્ડન, ઈરાક, યમન, મોરોક્કો, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બીજા મેરેજ પ્રશાસન અથવા અદાલતને માન્ય હોય તો કરી શકાય છે.
પ્રશ્ન એ થાય કે શરિયા કાનૂન માટે ઇસ્લામમાં આટલો આગ્રહ શા માટે રાખવામાં આવે છે? કારણ કે તેઓ માને છે કે શરિયાની ઉત્પત્તિ અલ્લાહે કરી છે, જે પવિત્ર હોવાથી મુસલમાન તેને અલ્લાહનું વચન માને છે, જેનાથી માનવ-આચરણને નિયંત્રિત કરી શકાય છે, તથા તેના વડે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ધારણા શરિયાને મજબૂતી આપે છે. (અહીં પ્રશ્ન એ થાય કે જો શરિયા અનિવાર્ય જ છે તો જુદા-જુદા મુસ્લિમ દેશોમાં તેની કાર્ય-પ્રલાણી જુદી-જુદી કેમ છે? શું બધે જ શરિયા કાનૂન એક સરખો લાગૂ પડે છે?)
વિશ્વના કેટલાય દેશોમાં યુસીસી લાગૂ છે, જેમાં અમેરિકા, આયરલેંડ, મલેશિયા, તુર્કીએ, ઈન્ડોનેશિયા, સૂડાન, ઈજિપ્ત, જાપાન, સિંગાપોર, ઈવન પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ શામેલ છે.
છેક 1879થી ગોવામાં કોમન સિવિલ કોડ લાગૂ છે! પણ સમગ્ર ભારતમાં મોટે ભાગે જુદા-જુદા ધર્મ/પંથ/સંપ્રદાય/મજહબ અનુસાર આ નિયમો નિર્ધારિત કરવામાં આવે છે. હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મમાં માનનારાઓ માટે એક કાનૂન છે. મુસલમાનો માટે શરિયા કાનૂન છે અન્ય ટ્રાઈબલ્સ માટે જુદા કાનૂન છે. જો કોમન સિવિલ કોડ લાગૂ કરવામાં આવે તો લગ્ન, તલાક, વારસો અને તેની ભાગીદારી, ચાઈલ્ડ એડોપ્શન વગેરે માટે દેશના તમામ નાગરિકો માટે એક જ કાનૂન લાગુ થશે પછી તે વ્યક્તિ કોઈપણ ધાર્મિક માન્યતા કે આસ્થા સાથે જોડાયેલો કેમ ન હોય. સાદા શબ્દોમાં વાત એટલી જ છે કે જાતિ, પ્રજાતિ, ધર્મ, આદિને સ્થાને વ્યક્તિને મહત્ત્વપૂર્ણ માનવો કારણ કે કાનૂન દેશની દરેક વ્યક્તિ માટે એક જ હોય તે માનવતાની દ્રષ્ટિએ અને કાયદાકિય પ્રણાલીની દ્રષ્ટિએ પણ જરૂરી છે. (કેટલાક કારણોસર ટ્રાઈબલ્સને યુસીસીથી જુદા તારવવા પડશે, સંવિધાનને સમજનારા તે પણ જાણે છે.)
ઈ.સ. 1930માં જવાહરલાલ નેહરુએ સમાન નાગરિક સંહિતાને સમર્થન આપેલું પણ તેમને વરિષ્ઠ નેતાઓના વિરોધનો સામનો કરવો પડેલો. દેશના પ્રત્યેક નાગરિક પર ધર્મ, લિંગ, યૌન અભિરુચિને અતીક્રમીને આ કાનૂન લાગૂ થાય તે દેશની એકતા અને અખંડતા માટે પણ સર્વોપરી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચુનાવી મુદ્દામાં તેનો અનેક વખત વાયદો પણ કર્યો છે. સંવિધાનના અનુચ્છેદ 44 પણ ભારતીય જનતંત્ર પાસે એવી અપેક્ષા સેવે છે કે તે રાષ્ટ્રીય નીતિઓ ઘડતી વખતે ભારતીય નાગરીકો માટે સમાન સંહિતા લાગૂ કરે. ડૉ. આંબેડકરે પણ કહેલું કે દેશના કોઈ નાગરિકને ધર્મ કે જાતિને કારણે શા માટે વિશેષાધિકાર મળવા જોઈએ. તેમણે કહેલું કે આ સ્વતંત્રતા આપણને એટલા માટે મળી છે કે આપણે સામાજિક વ્યવસ્થામાં જ્યાં આપણા મૌલિક અધિકારોમાં વિરોધ દેખાય છે, ત્યાં તેમાં સુધારા-વધારા કરી શકીએ અને સર્વોત્તમ ન્યાય-વ્યવસ્થા માટે કાર્ય કરી શકીએ.
સૌથી મોટી સમજવાની વાત એ છે જ્યાં દેશમાં અમુક વર્ગને નાગરિક કાનૂનમાં પોતાના ફાયદા પ્રમાણે સગવડ જોઈએ છે, ત્યાં ‘ક્રિમીનલ લો’માં સમાનતાનો આગ્રહ છે?! બેઝિકલી લોના પ્રકાર છે – સામાન્ય, આપરાધિક (ક્રિમીનલ), નાગરિક અને વૈધાનિક તથા શરૂઆતમાં અંગ્રેજોથી અપનાવાયેલા કેટલાક કાનૂન. ભારતીય સંવિધાન સૌથી લાંબા સમય સુધી લખવામાં આવેલા સંવિધાનોમાનું એક છે. જેમાં 450 અનુચ્છેદ, 12 અનુસૂચીઓ, 105થી વધુ વખત સંશોધન અને આશરે 1,17,369 શબ્દો છે. 251 પેજના આ સંવિધાનને 26 નવેમ્બર, 1949ના દિવસે પારિત કરાયેલ અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં લાગૂ કરાયેલ… તેમાં થતા સુધારા-વધારા સૂચવે છે કે સમય સાથે તાલ મિલાવવા આપણે જરૂરી પરિવર્તન સ્વીકારતા રહ્યા છીએ. કેરલના રાજ્યપાલ મુહમ્મદ આરિફ ખાન જણાવે છે કે કુરાનમાં પણ સમય, સ્થાન અનુસાર બદલાવ જરૂરી છે, તેમ જણાવાયું છે.
કાનૂનો ગમે તેટલા જટિલ લાગે તેનો મૂળ ઉદ્દેશ્ય એક એવી કાર્ય યોજના તૈયાર કરવાનો છે, જેનું પાલન ભારતના દરેક નાગરિક પર ફરજ બને. સંવિધાનમાં સમયાંતરે સંશોધન થતા રહે છે, કે જેનાથી તે દેશમાં અપરાધોને રોકી શકે, ન્યાય-વ્યવસ્થા કાયમ રાખી શકે અને સૌને સમાનતાના એક છત્ર નીચે લાવી શકે તેમાંની એક ખૂટતી કડી એટલે કોમન સિવિલ કોડ.
કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ, ગણતરી, ધારણા, ધર્મ કે માન્યતાને એકબાજુ રાખી રાષ્ટ્ર હિતમાં એકમત થઈ કોમન સિવિલ કોડનું સ્વાગત કરાવવું જોઈએ. સકારાત્મક પરિવર્તન માટે વ્યક્તિએ, સમાજે, દેશે અને દુનિયાએ સદા પોતાના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. કારણ કે તે પ્રત્યેક વ્યક્તિની સ્વતંત્રતા અને વિકાસ માટે હિતકારી પગલું છે. અહીં એ સ્પષ્ટતા પણ જરૂરી છે કે દેશના દરેક નાગરિકને માથે હિન્દુ સિવિલ કોડ થોપવામાં નહિ આવે. કોઈના રીત-રિવાજ, પરંપરા કે ધાર્મિક આસ્થા ખતરામાં નહિ આવે. જોકે હિન્દુ તો સ્વયં એવી જીવનપદ્ધતિ અપનાવતો રહ્યો છે જે સમયાંતરે જરૂરી હોય. હિન્દુ તો એ જ પ્રજા છે જેણે પોતે સતીપ્રથા, બલિપ્રથા, બહુ પત્નીત્વ વગેરેનો સમજીને વિરોધ પણ કર્યો ને એ પ્રથાઓ લગભગ નેસ્તેનાબુદ પણ કરાવી. તો સનાતનમાં ન હોય તેવી વ્યવસ્થા ‘ડાયવોર્સ’ માટે પણ કાનૂન સ્વીકાર્યો. યુસીસી જેવા કાનૂનને પ્રોપોગેંડા કે એજન્ડા ગણાવનારાઓ કે મેજોરિટીના મતોનું ધ્રુવીકરણ કરવાનો ફંડા માની રહ્યા હોય તો આ પગલું ઉઠાવવાની પહેલ કે સમર્થન તેઓ શા માટે નથી કરતા? યુસીસી પેચીદો મુદ્દો નથી, અને જો હોય તો પણ રાષ્ટ્રહિત માટે ગમે તેવી જટિલતાનો સામનો કરવો જોઈએ. પ્રયાસ સૌ કરે તો વિકાસ નામુમકિન તો નથી ને… એટલે યુસીસી ભારતના પ્રત્યેક નાગરિક પર ફરજ નથી પણ ભારતીયોનો અધિકાર છે.
ગોલ્ડન કી
જે કાનૂન અત્યંત શિષ્ટ હોય મોટે ભાગે તેનું પાલન થતું નથી, જ્યારે અત્યંત કઠોર નિયમોના ઉલ્લંઘન જૂજ થાય છે.
– બેંજામિન ફ્રેંકલીન (અમેરિકન ફિલોસૉફર, 1706-1790)
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM