આર્થિક અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે વિશ્વમાં લક્ઝરી જ્વેલરી માર્કેટ નોંધપાત્ર વૃદ્ધિના માર્ગ પર ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર 2023થી 2030ના આગામી સાત વર્ષના સમયગાળામાં વિશ્વભરમાં લક્ઝરી જ્વેલરી માર્કેટમાં 7.85 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે (CAGR) ગ્રોથ જોવા મળી શકે છે. આ સાથે જ 2030 સુધીમાં લક્ઝરી જ્વેલરી માર્કેટ 95.8 બિલિયન ડોલર સુધી પહોંચે તેવો અંદાજ છે.
SkyQuest ટેક્નોલોજી કન્સલ્ટિંગ પ્રા. લિ. દ્વારા તાજેતરમાં એક અહેવાલ જાહેર કરાયો હતો. આ અહેવાલ અનુસાર લક્ઝરી જ્વેલરી માર્કેટનું વિવિધ દેશોમાં વિસ્તરણ થઈ રહ્યું છે. આધુનિકીકરણ અને પશ્ચિમીકરણના ટ્રેન્ડને લીધે લક્ઝરી જ્વેલરી માર્કેટ ગ્રોથ કરે તેવું અનુમાન છે. પશ્ચિમીકરણના ટ્રેન્ડના લીધે ગ્રાહકોની જીવનશૈલી વૈભવી બને છે. ગ્રાહકોની પસંદગી વિસ્તરી છે. ગ્રાહકો હવે જ્વેલરી સહિત લક્ઝરી વસ્તુઓ ખરીદવા પર વધુ ભાર મૂકવા લાગ્યા છે. જેમ-જેમ વધારાનો ખર્ચ કરવા લાયક આવક વધી રહી છે તેમ-તેમ ગ્રાહકો તેમની સ્થિતિ અને પર્સનલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા માટે મોંઘા જ્વેલરી પીસમાં વધુ ને વધુ રોકાણ કરતા થયા છે.
લક્ઝરી જ્વેલરી માર્કેટના ગ્રોથ પાછળનું એક મુખ્ય પરિબળ સસ્ટેનેબલ અને જેન્ડર ફ્લુઈડ જ્વેલરીની વધતી માંગ છે. ગ્રાહકો હવે જ્વેલરીનો સ્ત્રોત કયો છે તે જાણવા સક્રિય બન્યા છે. તેઓ નૈતિક રીતે મેળવેલા અને ઉત્પાદિત જ્વેલરીને પસંદ કરી રહ્યા છે, જે લોકોમાં પર્યાવરણ પ્રત્યે આવેલી જાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની વધતી ચિંતાઓની કારણે છે. આ પરિવર્તને લક્ઝરી જ્વેલરી ઉદ્યોગમાં ડિઝાઈન અને ઉત્પાદન પ્રક્રિયાઓને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી છે, જેના પરિણામે ઇકો-ફ્રેન્ડલી અને સામાજિક રીતે જવાબદાર જ્વેલરી વિકલ્પોની વ્યાપક ઉપલબ્ધતા છે.
લક્ઝરી જ્વેલરી માર્કેટના અગ્રણી ખેલાડીઓમાં મિકિમોટો, બલ્ગારી, કાર્ટિયર, ચોપાર્ડ, ગ્રાફ ડાયમન્ડ્સ, હેરી વિન્સ્ટન, વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ, પિગેટ, ટિફની એન્ડ કંપની, બાઉશેરોન, બ્યુસેલટી, ડેવિડ યુરમેન, ચૌમેટ, ફેબર્ગે, એચ. સ્ટર્ન, દમિયાની, પોમેલાટો, ડી બિયર્સ, બલ્ગારી અને સ્વરોવસ્કીનો સમાવેશ થાય છે.
લક્ઝરી જ્વેલરી માર્કેટનો 38.9% હિસ્સો ધરાવતી ગોલ્ડ સેગમેન્ટ સૌથી વધુ આવકનો હિસ્સો ધરાવે છે. સોનું લાંબા સમયથી તેના આંતરિક મૂલ્ય અને આકર્ષણ માટે પહેલી પસંદ છે, જે તેને રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં ઇચ્છનીય રોકાણ બનાવે છે. સોનું કટોકટીના સમયગાળા દરમિયાન રોકાણકારોને આકર્ષે છે.
આગામી 7 વર્ષ દરમિયાન લક્ઝરી જ્વેલરી માર્કેટનો CAGR ઉત્તર અમેરિકા તરફથી સૌથી વધુ રહે તેવી ધારણા છે. મુખ્યત્વે ઉત્તર અમેરિકાના કરોડપતિઓનું યોગદાન મોટું રહેશે. ઉત્તર અમેરિકાના કરોડપતિઓ લક્ઝરી આઈટમસ પાછળ ખૂબ ખર્ચ કરતા હોય તેઓ જ આ ગ્રોથના સારથિ બની રહેશે.
એક અન્ય વાત એવી છે કે લક્ઝરી જ્વેલરી માર્કેટમાં નેકલેસ સેગમેન્ટ લીડર તરીકે ઉભરી આવ્યું છે. નેકલેસ બજારનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ સેગમેન્ટ આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન તેની વર્ચસ્વ જાળવી રાખવાની અપેક્ષા છે. નેકલેસ તેમની વૈવિધ્યતા અને પર્સનલ સ્ટાઈલને વધારવાની ક્ષમતાને કારણે ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, જે હાલમાં વૈશ્વિક લક્ઝરી જ્વેલરી માર્કેટમાં એક તૃતીયાંશ કરતાં વધુનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આગાહી દરમિયાનના આગામી 7 વર્ષના ગાળામાં વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે, એમ અહેવાલમાં દાવો કરાયો છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM