ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આજે સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચૅરમૅન વલ્લભ લખાણી સહિત સુરતના હીરા ઉદ્યોગના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આજે તા. 2 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે રૂબરૂ મળ્યું હતું અને વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન માટે આમંત્રણ પાઠવ્યું હતું. સુરતના હીરાવાળાઓનું આમંત્રણ વડાપ્રધાને સ્વીકાર્યું છે અને ડિસેમ્બર મહિનામાં સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે એવી જાહેરાત સુરતના અગ્રણી હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડીયાએ એક વીડિયો મેસેજ મારફતે કરી છે.
સુરત અને મુંબઈના 450 જેટલાં હીરા ઉદ્યોગકારોએ લાભપાંચમથી સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરવાની તૈયારી દર્શાવી ત્યાર બાદ આ હીરા વેપારીઓના નામની યાદી લઈ આજે સુરતથી હીરા ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં સુરતના પ્રતિષ્ઠિત હીરા ઉદ્યોગકારો ગોવિંદ ધોળકીયા, સેવંતી શાહ, નાગજી સાકરીયા, લાલજીભાઈ, ઈશ્વર નાવડીયા, ધરમભાઈ ગાંગણી, અરવિંદભાઈ ધાનેરા અને મથુર સવાણી સામેલ હતા. આ આગેવાનોએ વડાપ્રધાનને રૂબરૂ મળી સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન માટે આમંત્રણ આપ્યું હતું.
વડાપ્રધાને સુરતના હીરાવાળાઓનું આમંત્રણ સ્વીકારી ડિસેમ્બરમાં સુરત આવી ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવાની તૈયારી દર્શાવી છે. આ અંગેની જાહેરાત એક વીડિયો મેસેજ મારફતે દિનેશ નાવડીયાએ કરી છે. દિનેશ નાવડીયાએ વીડિયો મેસેજમાં કહ્યું છે કે, સંભવત: 17 અથવા 24 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન સુરત આવશે અને ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે.
વડાપ્રધાન સાથેની મુલાકાત ખૂબ જ સારી રહી છે એમ જણાવતા નાવડીયાએ વધુમાં કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટનના દિવસે જ સુરત એરપોર્ટ અંગે પણ મોટી જાહેરાત થઈ શકે છે. હીરા ઉદ્યોગના પ્રતિનિધિ મંડળ તરફથી સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા રજૂઆત કરાઈ હતી, જે અંગે વડાપ્રધાને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હોય મોટી જાહેરાતની આશા રાખી શકાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM