દુનિયાના ધનિકોની યાદીમાં સામેલ અને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે કહેલું છે કે જો તમે ગરીબ જન્મો તો એમાં તમારો વાંક નથી, પરંતુ જો તમે ગરીબાઈમાં જ મરી જાઓ તો એમાં તમારી ભૂલ છે. બિલ ગેટ્સને નાનપણથી ભણવા કરતા કમ્પ્યુટર મચડવાનો વધારે શોખ હતો. દુનિયામાં બિલ ગેટ્સ જેવા અનેક લોકો છે જેમને નાનપણથી કોઈકને કોઇક ગોડ ગિફ્ટ મળેલી હોય છે, માત્ર તેને ઓળખવાની જરૂર હોય છે. આમિર ખાનની થ્રી ઇડિયટ્સ ફિલ્મનો એક મશહૂર ડાયલોગ છે, સક્ષમ બનવા માટે અભ્યાસ કરો, સફળ થવા માટે નહીં, સફળતાની પાછળ ન દોડો, શ્રેષ્ઠતાનો પીછો કરો, સફળતા પળવારમાં તમારી પાછળ આવશે.
આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કે, ડાયમંડ સિટી ન્યુઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ કોલમ’માં આજે સુરતના એવા બે ભાઈઓની વાત કરવી છે જેમણે બિલ ગેટ્સ અને થ્રી ઇડિયટ્સના ડાયલોગને તેમના જીવનમાં ચરિતાર્થ કર્યા છે. આ બે ભાઇઓનું બાળપણ ગરીબાઇમાં વિત્યું, પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે ગરીબ થઇને મરવું નથી. ઉપરાંત તેમણે તેમની અંદર પડેલી અદ્દભુત ક્ષમતાને ઓળખી અને આજે સુરતની ટોચની ડાયમંડ ટેક્નોલૉજી કંપનીમાં સ્થાન મેળવ્યું છે. પૈસા કમાવવા માટે નહીં, પણ નામ કમાવવા, સમાજમાં સન્માન મેળવવા તેમણે અથાગ મહેનતી કરી અને સફળતા તેમની પાછળ દોડીને આવી. આ બે ભાઇઓની સફળતાની સ્ટોરી અનેક યુવાનોએ જાણવા જેવી છે. આ બે ભાઈઓના નામ છે ભાવેશ રાદડીયા અને નરેશ રાદડીયા. આ બંને ભાઈઓ આજે સુરતની પ્રતિષ્ઠિત ગણાતી વિનર ડાયમંડ ટેક્નોલૉજી કંપનીના માલિક છે.
ભાવેશ રાદડીયા અને નરેશ રાદડીયા બંને સગા ભાઇઓ છે અને તેમની સફળતાની સ્ટોરી કંઈક અંશે બિલ ગેટ્સ જેવી જ છે. ભાવેશ રાદડીયાને કમ્પ્યુટર રિપેર કરવાનો અને નરેશને પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મચડવાનો નાનપણથી શોખ હતો. ભાવેશ રાદડીયાએ તો 10 ચોપડી ભણીને 15 વર્ષની ઉંમરે કમ્પ્યુટર રિપેરીંગનું કામ શરૂ કરી દીધું હતું અને નાના ભાઇ નરેશે મોટા ભાઇ ભાવેશને સાથ આપ્યો અને 12 સાયન્સ પૂરું કરીને ભાવેશ સાથે જોડાઇ ગયા. બંને ભાઇઓએ ભારે સંઘર્ષ કર્યો અને આજે ટોચની કંપનીના માલિક બની ગયા છે અને હાયર એજ્યુકેશન મેળવનારા ઉમેદવારોને તેમની કંપનીમાં નોકરીએ રાખ્યાં છે.
નરેશ રાદડીયાએ ડાયમંડ સિટીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમારો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા ઘનશ્યામ નગર ગામમાં થયો હતો, પરંતુ અમે નાની ઉંમરે સુરત આવી ગયા હતા. એ વખતે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. પિતા ડાયમંડમાં જાણીતી કંપની વાલજી કેસરીની ઓફિસમાં કામ કરતા. એ પછી તેમણે અનેક વ્યવસાય બદલ્યા. અમે બંને ભાઈઓ નાનપણથી જોતા આવ્યા હતા કે અમારા પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં માતા-પિતા અમારી સારી રીતે કાળજી રાખતા હતા. ઘરમાં એક પંખો ખરીદી શકાય તેવી પણ સ્થિતિ નહોતી. ઘણી વખત તો દિવસો સુધી અમારા ગજવામાં એક રૂપિયો પણ રહેતો નહોતો.
પરંતુ પિતાનું એક એવું સપનું હતું કે મેં જે દિવસો જોયા છે, એવા દિવસો મારા સંતાનોને જોવા ન પડે તેના માટે તેમને ભણાવીશ અને તેમની જિંદગી તેઓ સારી રીતે જીવી શકે. ભાવેશભાઇને નાનપણથી કમ્પ્યુટરમાં રસ હતો અને તેમણે 10મું ધોરણ પૂરું કર્યા પછી ભણવાનું છોડી દીધું અને માત્ર 15 વર્ષની ઉંમરે કમ્પ્યુટર રિપેરીંગ અને તેમાં સોફ્ટવેર બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. આજે બંને ભાઇઓએ શરૂ કરેલી વિનર ટેક્નોલૉજીને 25 વર્ષ થવા આવ્યા છે. પિતાની ઇચ્છા હતી કે બંને દિકરા અમેરિકામાં સેટલ થાય, અમેરિકામાં તો ન ગયા, પરંતુ ભારતમાં રહીને જ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
નાનપણથી ઇલેક્ટ્રોનિક્સ સાધનો મચડવાની આદત હતી તે કામ લાગી
નરેશ રાદડીયાએ કહ્યું કે, મને નાનપણથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખોલી નાંખવાની આદત હતી, કદાચ નાનપણથી મારામાં એ ટેલેન્ટ હતું. એક વખત મારા પિતા રેડિયો લઇને આવ્યા હતા. તેમને ખબર હતી કે હું મારા શોખ ખાતર રેડિયો ખોલી નાખીશ. તેમણે મને ચીમકી આપી હતી કે જો રેડિયો ખોલ્યો તો ધોલ ધપાટ પડશે. થોડો ટાઇમ તો રેડિયો ન ખોલ્યો, પરંતુ આખરે મન માન્યું નહીં અને રેડિયો ખોલી નાંખ્યો. પછી પિતાનો માર ખાઇ લીધો.
1997માં નાના પાયા પર વરાછા વિસ્તારમાં ઓફિસ શરૂ કરેલી
જેમાં રસ હતો તેવું જ કામ બંને ભાઇઓ પસંદ કર્યું હતું. ભાવેશ રાદડીયાએ 1997માં વરાછામાં નાના પાયા પર ભાડેથી ઓફિસ શરૂ કરી હતી. ભાવેશ કમ્પ્યુટર રિપેરીંગ અને સોફ્ટવેરનું કામ કરતા હતા. નરેશ રાદડીયાએ કહ્યું કે તે વખતે હું પણ તેમની સાથે જોડાઇ ગયો. અમે બંને ભાઇઓએ કામ વ્હેંચી લીધું છે. મિકેનિકલ સાઈડ ભાવેશ સંભાળે અને સોફ્ટવેર સાઈડનું કામ નરેશ સંભાળે. શરૂઆતમાં સર્વિસીઝનું કામ કરતા કરતા મશીનરી પ્રોડક્શનનું કામ પણ શરૂ કર્યું હતું. સર્વિસીઝ અને માર્કેટીંગ અમે જાતે જ કરતા હતા.
એક મોટી કંપનીનું કામ મળ્યું અને જિંદગીનો નવો ટર્નિંગ પોઇન્ટ આવ્યો
નરેશ રાદડીયાએ કહ્યું કે, અમને ખબર હતી કે રાતો રાતો અમને સફળતા મળવાની નથી, અનેક સંઘર્ષો, પડકારો આવવાના જ છે. અમે તેની સામે લડવા માટે તૈયાર હતા. શરૂઆતમાં અમને બહુ મુશ્કેલી પડી હતી. માર્કેટમાં નવા હોવાને કારણે લોકો જલ્દી અમારું કામ સ્વીકારતા નહોતા, ફંડની મુશ્કેલી તો ખરી જ, લગભગ ત્રણેક વર્ષ અમે ઝઝુમ્યા. પરંતુ એક દિવસ સુરતની જાણીતી ડાયમંડ કંપની વિનસ જ્વેલ્સ અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ તરફથી અમારા પર વિશ્વાસ મુકવામાં આવ્યો અને અમારી ડાયમંડ મશીનરીનો ઓર્ડર આપ્યો. બસ, એ દિવસ અમારા માટે ટર્નિંગ પોઇન્ટ હતો અને અમે બંને ભાઇઓ ધીમે ધીમે સફળતાની સીડી ચઢવા માંડ્યા હતા. બજારમાં અમારા મશીનોમાં લોકો વિશ્વાસ મુકતા થયા હતા અને બિઝનેસ જામી ગયો.
અમે સંઘર્ષ જોયો છે એટલે સંતાનોને કોઇ વધારાની સુવિધા આપતા નથી
નરેશ રાદડીયાએ કહ્યું કે, અમે નાનપણથી આર્થિક મુશ્કેલી સહિત અનેક અનુભવો કર્યા છે, એટલે અમને ખબર છે કે લાઈફ એટલી ઇઝી નથી હોતી. અમે નક્કી કર્યું છે કે સંતાનોને પણ તકલીફ શું છે તેની ખબર પડવી જોઇએ એટલે જિંદગીના અનુભવો તેમને સારી રીતે ઘડી શકે. અમારી ક્ષમતા અમારા સંતાનોને સર્વશ્રેષ્ઠ સ્કુલોમાં મુકવાની છે, પરંતુ અમે નજીકની જ એક ખાનગી શાળામાં અમારા સંતાનાને ભણાવીએ છીએ. શાળાએ જવા માટે કોઇ સ્કુલ રીક્ષા કે વાનની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. તેઓ સાયકલ પર જ શાળાએ જાય છે.
ભણે ઓછું ભણ્યા છીએ, પરંતુ ઉચ્ચ શિક્ષણ અને મોટી ડીગ્રીવાળાઓને ઇન્ટરવ્યૂ લઇએ છીએ
નરેશભાઇએ કહ્યું કે, અમને જરાયે અફસોસ નથી કે અમે કોલેજના પગથિયાં ન ચઢી શક્યા. આજે અમારી ફેકટરીમાં 50થી વધારે માણસોનો સ્ટાફ છે અને ઉચ્ચ શિક્ષણ અને મોટી મોટી ડીગ્રી ધરાવતા લોકોનો અમે ઇન્ટરવ્યૂ લઇએ છીએ.
5 વર્ષમાં 500 જેટલાં CVD મશીનો વેચવાનો અમારો લક્ષ્યાંક છે
રાદડીયાએ કહ્યુ કે, અમારું માર્કેટમાં ટોચની કંપનીઓમાં નામ થઇ ગયું છે અને હવે અમે સંયમ રાખીને આગળ વધી રહ્યાં છીએ. અમે ક્યારેય આંધળી દોટ મુકતા નથી. અમને વિશ્વાસ આવે પછી જ માર્કેટમાં ટેક્નોલૉજી લૉન્ચ કરીએ છીએ. અમે 5 વર્ષમાં 500 CVD મશીન વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM