DIAMOND CITY NEWS, SURAT
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) અને ભારત સરકારના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય દ્વારા જ્વેલર્સ એસોસિએશન જયપુર સાથે મળીને સ્પેશ્યિલ પર્પઝ વ્હીકલ જયપુર જેમ એન્ડ જ્વેલરી બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા જયપુરમાં જેમ એન્ડ જ્વેલરી બુર્સ નો ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મુકવાની તૈયારીઓ કરાઈ છે. આ માટે બોર્ડ દ્વારા જમીનની માંગણી કરવામાં આવી હતી, તેને મંજૂરી મળી ગઈ છે. ગ્લોબલ જેમ ટ્રેડિંક સેન્ટરમાં 1500થી 2000 એકમો, કલર્ડ સ્ટોન અને જ્વેલરી યુનિટ, લેબ, બેન્કો, ઈન્સ્યોરન્સ, લોજિસ્ટિક્સ અને સિક્યુરિટી સર્વિસ મળી રહે તેવી અપેક્ષા છે. સપ્ટેમ્બર 2023માં બુર્સનું શિલાન્યાસ થાય તેવી ધારણા છે. આ બુર્સ શરૂ થયા બાદ વૈશ્વિક સ્તરે સ્ટોનના સૌથી મોટા કટિંગ એન્ડ પોલિશિંગ સેન્ટર તરીકે જયપુરની સ્થિતિ મજબૂત બનશે.
ગઈ તા. 30મી ઓગસ્ટના રોજ રાજસ્થાન સરકાર દ્વારા જયપુર જેમ એન્ડ જ્વેલરી બુર્સની સ્થાપના અને વિકાસ માટે અનામત દરે સીતાપુરામાં આશરે 44,000 ચોરસ મીટર જમીનની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. જીજેઈપીસી-જેએજે અને એસપીવી જેજીજેબી ઈન્ડસ્ટ્રીયલ અનામત દર (અંદાજે 70 કરોડ) કરતાં ત્રણ ગણી કિંમતી 99 વર્ષની લીઝ પર આ જમીન મેળવશે. આ સ્ટ્રેટીજીક નિર્ણયનો હેતુ માત્ર જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને પ્રોત્સાહન આપવાનો નથી પરંતુ સ્વદેશી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં વેપાર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરીને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.
GJEPCના ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું હતું કે, જયપુર એ ભારતની સ્ટોન કૅપિટલ છે અને GJEPC છેલ્લા એક દાયકાથી જયપુર જેમ એન્ડ જ્વેલરી બુર્સના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યું છે. જમીનની ફાળવણી માટે રાજસ્થાન સરકારની મંજૂરી એ સીમાચિહ્નરૂપ કાર્ય થયું છે. હવે ખરેખર વાસ્તવિક અમલીકરણનું કામ શરૂ થયું છે. આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે આશરે રૂ 1200 કરોડના કુલ રોકાણની જરૂર છે. આ પગલું એક અત્યાધુનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ માટે માર્ગ મોકળો કરશે જે વિશ્વનું ધ્યાન જયપુર તરફ આકર્ષિત કરશે. ગ્લોબલ સ્ટોન અને જ્વેલરી હબ તરીકે જયપુરની સ્થિતિને મજબૂત કરશે. આ પ્રોજેક્ટ અંદાજે 60,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પેદા કરે તેવી ધારણા છે, જે સ્થાનિક કર્મચારીઓ અને અર્થતંત્રમાં ઉત્સાહ ઉમેરશે.
જયપુર જેમ એન્ડ જ્વેલરી બુર્સના ચૅરમૅન પ્રમોદ અગ્રવાલ (ડેરેવાલા)એ જણાવ્યું હતું કે, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ એસોસિએશનના 1100થી વધુ સભ્યોએ આ ડ્રીમ પ્રોજેક્ટમાં તેમની ભાગીદારી માટે તૈયાર છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે 2019માં જ્વેલર્સ એસોસિએશન, જયપુર સાથે પિંક સિટીમાં જેમ બુર્સની સ્થાપના કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. આ બુર્સ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવવા માટે તૈયાર છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પૂરા પાડતા ઉદ્યોગની વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
જ્વેલર્સ એસોસિએશન જયપુરના પ્રમુખ ડીપી ખંડેલવાલે ઉમેર્યું હતું કે, અમે જયપુરના સ્ટોન અને જ્વેલરી ઉદ્યોગ માટે એક મહાન નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. જમીન આપવા માટે કેબિનેટના મજબૂત સમર્થનથી નવી શક્યતાઓ ઊભી થશે. આ નવા તબક્કામાં જયપુર જેમ એન્ડ જ્વેલરી બોર્સ માત્ર બિઝનેસ માટે મોખરાનું સ્થાન જ નહીં, પરંતુ નવીનતા, સહયોગ અને આર્થિક વૃદ્ધિનું પ્રતીક પણ હશે.
એમઓયુ દ્વારા બનાવવામાં આવેલ SPV કંપની એક્ટ, 2013 હેઠળ સેક્શન 8 કંપની તરીકે પ્રમોટ અને નોંધાયેલ છે, જે જયપુર જેમ બુર્સની રચના તરફ દોરી જશે. આ બુર્સમાં બ્રોકર્સની ચેમ્બર, ટ્રેડિંગ હોલ, સ્પેશિયલ નોટિફાઇડ ઝોન, કસ્ટમ્સ ક્લિયરન્સ સેન્ટર અને અન્ય સુવિધાઓની સાથે ડિસ્પ્લે શોપ્સ પણ હશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM