સુરતના હીરા ઉદ્યોગમાં જન્માષ્ટમી માટે 8 દિવસનું વૅકેશન જાહેર કરાતા રત્નકલાકારોની ચિંતા વધી

નાના હીરાના કારખાનેદારો પાસે પોતાનું અને જોબવર્કનું કામ પણ નહીં રહેતા પહેલીવાર જન્માષ્ટમીથી 8 દિવસનું મીની વૅકેશન રાખશે.

8-day vacation announced for Janmashtami in Surat's diamond industry raises concern among jewellers
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

એક તરફ વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ એવા સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એવા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે કે સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થયા બાદ સુરત અને સુરતના હીરા ઉદ્યોગની પ્રગતિના નવા દ્વાર ખુલશે તે સાંભળી આનંદ થાય છે તો બીજી તરફ વર્તમાન સમયમાં સુરતના હીરા ઉદ્યોગમાં ઓછી ડિમાન્ડના લીધે આર્થિક સંકડામણનો સામનો કરતા હીરા ઉદ્યોગના લીધે ચિંતા થાય છે. વળી આ વખતે ઈતિહાસમાં પહેલીવાર સુરતના હીરા ઉદ્યોગમાં એવી ઘટના બની છે જેના લીધે ઉદ્યોગ સાથે સંકળાયેલાઓની ચિંતામાં વધારો થયો છે. સુરતમાં પહેલીવાર નાના હીરાના કારખાનેદારોએ જન્માષ્ટમી નિમિત્તે 8 દિવસનું વૅકેશન આપ્યું હોવાના સમાચાર સાંભળવા મળ્યા છે. ચોક્કસપણે આ સમાચારે સામી દિવાળીએ રત્નકલાકારો અને હીરા ઉત્પાદકોનું ટેન્શન વધાર્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોએ રશિયન રફ પર પ્રતિબંધ મૂક્યો એની વ્યાપક અસર સુરતનાં હીરા ઉદ્યોગને થઈ છે. 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે. જેના વેચાણ પર અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ પ્રતિબંધ મૂક્યો છે.

આ નિર્ણયની ખરાબ અસર ભારત અને બેલ્જિયમ જેવા દેશો પર પડી છે. તૈયાર હીરા અને જ્વેલરીનું મુખ્ય બજાર ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહીં ડાયમંડ જ્વેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. એની અસર ભારતના એક્સપોર્ટ પર જોવા મળી છે. ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષ 2022 (FY22)માં રૂ. 1.82 લાખ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2023 (FY23)માં રૂ. 1.76 લાખ કરોડ થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે રશિયાથી થતી ઘરેલુ અને ઔદ્યોગિક ગેસની કિંમતો વધી ગઈ હતી.

બીજી તરફ અમેરિકન બેંકોએ નાદારી નોંધાવતાં મંદી ઘેરી બની છે. સુરત અને મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે. ડિમાન્ડ નથી એની અસર જોબવર્ક પર ચાલતા સુરતનાં હીરાના નાના કારખાનાઓ પર પડી છે. સિન્થેટીક અથવા લેબગ્રોન ડાયમંડના પ્રમોશને પણ નેચરલ ડાયમંડના વેપારને અસર કરી છે. એને લીધે અવિશ્વાસનો માહોલ ઊભો થયો છે. યુરોપમાં મંદીને લીધે ડાયમંડ જ્વેલરી જેવી હાઈ વૅલ્યુ પ્રોડક્ટ લોકોની પ્રાયોરિટીની વસ્તુ રહી નથી.

રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી વચ્ચે ચીન, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં ડાયમંડ જ્વેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતનો હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં સપડાયો છે. નાના હીરાના કારખાનેદારો પાસે પોતાનું અને જોબવર્કનું કામ પણ નહીં રહેતા પહેલીવાર નાના હીરાના કારખાનેદારો જન્માષ્ટમીથી 8 દિવસનું મીની વૅકેશન રાખશે. અગાઉના વર્ષોમાં જન્માષ્ટમી નિમિત્તે બે-ત્રણ દિવસ કારીગરો રજા રાખતા હતા. પણ આ વખતે કારખાનેદારોએ કારીગરોને બોલાવી 7 થી 8 દિવસ રજા રાખવા સૂચના આપી છે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરીયાએ જણાવ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરતના ઘણીવાર વખાણ કર્યા છે, પરંતુ જે સુરતના વખાણ કર્યા તે સુરતને આગળ લઈ જવામાં જેમનું મહત્વ, યોગદાન, પરિશ્રમ, શ્રમ શક્તિ છે. એમના પરિવાર માટે ક્યારેય પણ સંવેદના વ્યક્ત કરી નથી. મંદી હોય, કોરોના હોય કે કુદરતી આફત ગરીબ, મધ્યમ વર્ગના રત્નકલાકારોને ભગવાન ભરોસે છોડી સરકારે કોઈ મદદ કરી નથી.

ડાયમંડ વર્કર યુનિયનના એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ રજૂઆત કરી પણ કોઈ પરિણામ આવ્યું નથી. માત્ર ઠાલા આશ્વાસન મળ્યાં છે. યુનિયને સરકારની બંધ પડેલી કારીગરો માટેની રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગ કરી રહ્યું છે. કારીગર વર્ગ માટે રાહત પૅકેજ સરકાર જાહેર કરે એવી રજૂઆત કરી રહ્યાં છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS