પ્રેમ સાચો હોય ત્યારે માણસ પોતે મરી શકે કોણ માનશે કે દિકરી સ્વજનોના ખૂન કરી શકે?

અહીં તો નારી+અધમ કરવું પડે એમ છે જે શબ્દ આપણી ભાષાની વિશાળતા છતાં તેમાં છે જ નહીં! કદાચ સ્ત્રી આવું કરી શકે, તેવો કોઈને સ્વપ્નેય ખ્યાલ નહી આવ્યો હોય!

Adhi Akshar Article Kalpna Gandhi Diamond City Issue 397
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘જવાન’ ને બે અંતિમો તરફના પ્રતિભાવ સાંપડ્યા છે. કોઈએ મનભરીને વખાણી તો કોઈએ પેટભરીને વખોડી. આ લેખને ફિલ્મ સાથે કોઈ લેવા દેવા નથી, બસ એક દૃશ્ય સાથે છે.

ફિલ્મ ‘જવાન’ ના એક સીનમાં હીરોઈન દીપિકા પાદૂકોણને ફાંસીના માચડે લટકાવવાતી દર્શાવામાં આવી છે પણ જ્યાં સુધી ભારતીય દંડ સંહિતાને લાગે વળગે છે ત્યાં સુધી, આજદિન સુધીમાં કોઈ સ્ત્રીને આવો ભયંકર દંડ માત્ર એક સ્ત્રીને ફાંસીને માચડે લટકાવવામાં આવી હતી. જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી માંડી આજ દિન સુધી !

જે સ્ત્રીને ફાંસીનો દંડ ફટકારવામાં આવ્યો તેની વાત પછી અત્યારે તો એક દિકરીની વાત કરીએ જેને ફાંસીની સજા અપાઈ છે આ કિસ્સો જે-તે સમયમાં જબરદસ્ત રીતે ચકચાર પામ્પો તેવી તે દિકરીનું દુષ્કૃત્ય હતું. શું હતો એ કેસ? વિગત જાણીને ભલભલાના રૂંવાડા ઊભા થઈ જાય ને વિચારવા માટે માણસ મજબૂર થઈ જાય કે શું ખરેખર કોઈ દિકરી આવું ઘાતકી કૃત્ય કરી શકે?

આ દુનિયા પુરૂષોની છે. અહીં મહાનથી પણ મહાન, શ્રેષ્ઠથી પણ સર્વશ્રેષ્ઠ અને અધમથી પણ અધમ દુષ્કર્મો પુરુષોએ કર્યા છે. જ્યારે મર્દો બદલો વાળવા કે જાત પર આવી જઈ કંઈક કરી બતાવવા બાયો ચઢાવી લે છે ત્યારે સત્યાનાશ વાળી નાખતાં પણ ખચકાતા નથી. હિટલર, મુસોલિન, સ્ટેલિન, રાવણ, દુર્યોધન ને એવા અન્ય પુરૂષો દ્વારા રાક્ષસ કૃત્યોનો ઇતિહાસ સાક્ષી છે.

કોઈક ખૂણે ખાચરે સમાજ સહિત સ્ત્રી પણ જાણે છે કે પુરૂષ કેટલી હદે ખતરનાક હોઈ શકે પણ સ્ત્રીમાં તો કેવળ કુટેવ હોય તોય આપણે એટલે કે સમાજ અને અન્ય સ્ત્રીઓ પણ સાંખી શકતા નથી. દા.ત. ગુટકા ચાવતો પુરૂષ સામાન્ય છે પણ સ્ત્રીને ગુટકા ચાવતી જોવી, એમાં કુરૂપતા છે! પુરૂષ સિગાર કે શરાબ પીવે, એ સ્વીકારી લેવાય છે પણ સ્ત્રી તો ચારિત્ર્યહીન જ બની જાય છે! અહીં ગુટકા, સિગાર, શરાબ કે કોઈપણ માદક દ્રવ્યોના સેવનનો બચાવ નથી કે પ્રચાર નથી પણ કહેવાનો ભાવાર્થ એ છે કે સ્ત્રી વિશે આપણી કલ્પના કંઈક જુદી છે, અને કલ્પના જ શું કામ આપણે આપણી આસપાસ આપણી માતાઓ, બહેનો, ભાભીઓ, શિક્ષિકાઓ કે અન્ય કેટકેટલી એવી સ્ત્રી જોઈ છે જે ‘લેટ ગો’ કરીને પણ પ્રસન્ન રહે છે.

કવિઓ, લેખકો, ચિંતકો, ગુરૂઓ, પેગમ્બરો, ફરિશ્તાઓ, દેવતાઓ બધાએ સ્ત્રી અને વિશેષ કરીને માતા અને દિકરીના જે ગુણગાન કર્યા છે તે જરાય ખોટા નથી. બાળકી પોતે પણ બાળપણથી એ વાતે સાવધાન બની જતી હોય છે અને તેણે અમુક પ્રકારે જ જીવવાનું હોય છે. પહેરવા-ઓઢવા, ખાવા-પીવા, હસવા-બોલવા, નાચવા-ગાવાથી માંડીને ઘર, સમાજ કે ઓફિસ વગેરે સ્થળે તેણે કેટલી જાગૃતિપૂર્વક વર્તવું જોઈએ, મોટેભાગે તરુણ વયથી માંડી વૃદ્ધ વય સુધી દરેક સ્ત્રી જાણતી જ હોય છે.

એમાંય સ્ત્રીના વાત્સલ્યના ગુણો તો તેના આંતરિક સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. તેનામાં રહેલુ માતૃત્વ એ મા ન હોય ત્યારે પણ તેને ખૂબ માયાળુ અને કોમળ બનાવે છે. તેનો વાત્સલ્યભાવ દેશ-વિદેશ, રંગ, કાળ, વર્ગ, રૂપ, સ્તર બધાથી પર છે. મા કોઈપણ કાળ કે વર્ગની હોય, કોઈ પણ રંગ કે રૂપની હોય, કોઈપણ જાતિ કે પંથની હોય, અરે! મા તો પશુઓ કે પંખીની પણ હોય તોય મા તો મા જ હોય છે અને જરૂરી નથી કે સ્ત્રી મા બને ત્યારે જ આ માતૃત્વ તેની અંદર હોય છે. એ તો પહેલા પણ તેની ભીતર રહેલું હોય છે. મારી સમજ છે કે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તો તેની ભીતર માતૃત્વનો દરિયો શરદપૂનમની ભરતી જેવો ઊભરતો હોય છે….અને આપણે જે સ્ત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ તેણે ગર્ભ ધારણ કર્યા પછી આ નરાધમ કૃત્ય કર્યુ છે, જોકે નર+અધર=નરાધમ થાય પણ અહીં તો નારી+અધમ કરવું પડે એમ છે જે શબ્દ આપણી ભાષાની વિશાળતા છતાં તેમાં છે જ નહીં! કદાચ સ્ત્રી આવું કરી શકે, તેવો કોઈને સ્વપ્નેય ખ્યાલ નહી આવ્યો હોય!

તો વાત છે એ કાળી ડબાંગ રાતની જે દિવસે આ સૃષ્ટિનો સર્જનહાર પણ રાતે પાણીએ રડ્યો હશે, જ્યારે 14 અપ્રેલ 2008માં ઉ.પ્ર.ના અમરોહામાં આ ઘટના ઘટી, જેને ત્યાંના લોકો જીવનભર નહીં ભૂલી શકે. જ્યારે એક સભ્ય અને સુશીલ પરીવારની એક દિકરી શબનમે પોતાના સો કોલ્ડ પ્રેમી સલીમ સાથે મળીને ઘરમાં રહેલા સૌ પરિવારોને રાતોરાત મોતને ઘાટ ઉતારી દીધા! અમરોહાના બાવનખેડી ગામમાં બનેલ આ ઘટનાને 15 વર્ષ થઈ ચૂક્યા છે. હકીકતમાં તો શબનમ અને સલીમે મળીને નાટક રચ્યું હતું. જેમાં તેઓ પોલીસને ગૂમરાહ કરી એવું પૂરવાર કરવા માંગતા હતા કે આ હત્યા કોઈ અજાણ્યા શખ્સોએ કે ચોર-લૂંટારાઓએ કરી છે.

વાત એમ છે કે બાવનખેડીમાં રહેતા શબનમના પિતા શૌકત સાહેબ એક કોલેજમાં લેકચરર હતાં. તેમનો એક દિકરો એમબીએ ને બીજો ઈન્જીનીયર હતો. ઘરની મોટી દિકરી શબનમ ઇંગ્લિશ અને ભૂગોળ એમ બે વિષયમાં ડબલ એમએ હતી તો કર્મે શિક્ષિકા હતી (શિક્ષણ એટલે કેવડી જવાબદારી!) આખુય ઘર આ રીતે સુશિક્ષિત હતું. ખાનદાની કુટુંબની ગામમાં મોટી ઈજ્જત હતી, પણ 14 અપ્રેલ 2008ની ઘોર અંધારી રાતે આવું પણ બની શકે, તે કોણ વિચારી શકતું હતું, કે ઘરની આબરુ જેવી દિકરી લોહીના સંબંધ હોય એવા સ્વજનોને મારી નાખશે ને એ પણ ઘાતકી રીતે, કુલ્હાડા દ્વારા, ગળા પર ઘા કરીને!

ઘટના એમ હતી કે શબનમને સલીમ નામના યુવક સાથે કહેવાતો પ્રેમ થઈ ગયો હતો. ધારો કે સલીમને બદલે સૂરજ, સેનોફર કે સતબીતસિંઘ હોત તો ભારત કેવું સળગ્યું હોત. સલીમ અને શબનમના ઘર-પરિવાર વચ્ચે આસમાન-જમીનનો ફરક. આ ફરક સલીમ પોતાની ભલમનસાઈ અને સદ્દગુણો વડે મિટાવી શક્યો હોત તો આ બંને વચ્ચેના મોહને પ્રેમમાં ફેરવી શકાત પણ બંને એ શોર્ટકટ અપનાવ્યો. સલીમ અને શબનમે કાવતરું રચ્યું, તે મુજબ શબનમે રાત્રિના ભોજન બાદ બધાને ચા સર્વ કરવી જેમાં ઝેર ભેળવી દેવું જેથી હત્યા કરતી વખતે કોઈ બૂમાબૂમ ન કરે. જ્યારે એ કાળી રાત્રે પાડોશીએ પોલીસને સૂચના આપી કે તેના સામેના ઘરમાં કેટલીય લાશો પડી છે તો પોલીસના હોશ-કોશ ગુમ થઈ ગયા. ટીમ તરત તે ઘરે આવી પહુંચી. એક સાથે સાત શબને જોઈ પોલીસ વિસ્ફરીત થઈ ગઈ. આ શબ શબનમના મા-બાપ, બંને ભાઈઓ, એક ભાભી, એક માસીની દિકરી બહેન અને એક ભાઈ-ભાભીનો દિકરો એટલે કે માસૂમ ભત્રીજાના હતાં!

ઘરના ખૂણામાં બેસેલી શબનમ છાતીફૂટ કરુણ રુદન કરી રહી હતી. હવે પરિવારમાં તે એકલી બચી છે, તે વાતનો તેને અફસોસ થઈ રહ્યો છે, એવું જણાવતા તેણે કહ્યું કે અગાસી પરથી અમુક લોકો આવ્યા હતા જેમણે મારા પરિવારજનોને મારી નાંખ્યાં. (જ્યારે હું બાથરૂમમાં હતી.) બીજે દિવસે આગની જેમ ખબર ફેલાઈ ગઈ. આવી વાતો પર તો લોકો સડકો પર ઉતરી આવે છે. સરકારી તંત્ર હચમચી ઊઠે છે. તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીને જ્યારે ઘટનાની જાણ થઈ તેમણે તાત્કાલિક પ્રભાવથી પરિવારમાં એકલી બચેલી શબનમ માટે પાંચ લાખ રૂપિયાની સહાયતની રાશિની ઘોષણા કરી નાખી. બીજી બાજુ પોલીસ ચારેકોર પડતાલ કરી રહી હતી. એકાદ બે દિવસ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈને પોલીસનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો.

રિપોર્ટમાં સ્પષ્ટ આવ્યું કે અજાણ્યા લોકો દ્વારા જ્યારે કુલ્હાડી મારી-મારીને આ ઘરના લોકોને મારી નંખાઈ રહ્યા હતાં, ત્યારે કોઈએ વિરોધ શા માટે ન કર્યો?! પોલીસે તર્ક આપ્યો કે જે મારવા આવ્યા હતા તે શા માટે ઝેર લઈને આવ્યા હોય?! ઝેર તો દગાથી આપવામાં આવેલું હોય છે. પોલીસે એ પણ જાણ્યું કે ઘરનો મેઈન ગેટ અંદરથી બંધ હતો, ને શબનમના ઘરની દિવાલ 14 ફૂટ ઊંચી હતી. જેના પર કોઈનાથી સજ્જડ સહારા વગર ચઢી શકવું, લગભગ શક્ય નહોતું. વળી, દિવાલ પર ચઢવાના કોઈ નિશાન પણ નહોતા, ન તો દાદર તરફનો દરવાજો ખુલ્લો હતો! પોલીસ સમજી ગઈ કે ઘરમાં કોઈએ પરાણે ઘૂસપૈઠ કરી નથી, ન કોઈ સાથે કોઈ જોર જબરદસ્તી થઈ છે. આ બિચારાઓતો કુલ્હાડી માર્યા પહેલા જ ઝેરથી મરી ચૂક્યા હતાં!

એ પછી તો જે પહેલું નિશાન સેલફોન હોય છે. પોલીસે શબનમનો મોબાઇલ જપ્ત કર્યો. આ કાવતરા પહેલા અને પછી તેણે સલીમને બે-ત્રણ કોલ કર્યા હતાં. ને એક મહિનામાં આશરે નવસો ફોન કોલ! સ્પષ્ટ થઈ ગયું કે શબનમ અને સલીમે આ ષડયંત્ર રચ્યું છે. બંનેની તપાસ બેસે છે ને છતાં શબનમ હકીકત જણાવતી નથી, ટૂટે છે તો સલીમ! ઈન્કવાયરી દરમિયાન એ બધું જ સાચેસાચું કહી દે છે. આ બધાની વચ્ચે શબનમની તબિયત લથડે છે ને એ જાણકારી મળે છે જેનાથી બધા જ આશ્ચર્યચકિત રહી જાય છે કે શબનમ સાત મહિનાની ગર્ભવતી છે. (અગાઉ જણાવ્યું તેમ ગર્ભવતી સ્ત્રી દ્વારા આવું હીન દુષ્કર્મ!?)

પોલીસ સામે આખીય કિતાબ ખુલ્લી પડી છે કે શબનમ અને સલીમની શાદી માટે શબનમનો પરિવાર તૈયાર નહોતો એટલે શબનમે અગાઉ રચેલ ઘોખેબાજી મુજબ પરિવારજનોને રાતે ચા પીવડાવી ને તેમાં સલીમે આપેલ ઝેર ભેળવી દેવાયું. બધા એ ચા પીધી હતી, બધા મરી ગયા હતા પણ શબનમનો માસૂમ ભત્રીજો જીવીત હતો. તેને માટે શબનમે સલીમને વળી ફોન કરેલો પણ સલીમે કહ્યું હતું કે હવે તું સિમટાવી લે એટલે શબનમે તે બાળકનું ગળું ઘોંટી તેને મારી નાખ્યું! શબનમ અને સલીમને જ્યાં સુધી ભરોસો ન બેસ્યો કે ઘરના લોકો બધા મરી ગયા છે, બંને એ પોતાનાઓને જોતા રહ્યા ને લાગ્યું કે હવે બધા છેલ્લી નીંદરમાં પોઢી ગયા છે ત્યારે શબનમે સલીમને જેમ આવ્યો હતો, તેમ પાછો મોકલી દીધો ને પછી અંદર આવીને ચીખ-પૂકાર મચાવા લાગી. શબનમની આવી હાલત જોઈ પાડોશીઓએ પોલીસને જાણ કરી.

શબનમ અને સલીમમાં શબનમ મુખ્ય આરોપી હતી એટલે શબનમને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તેણે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી…પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. કાતિલ શબનમ અલીએ એક દિકરાને જન્મ આપ્યો. તે દિકરાને ઉસ્માન સૈફી નામક એક વ્યક્તિએ અપનાવ્યો છે અને તેના લાલન-પાલનની જવાબદારી લીધી છે. ઉસ્માન કહે છે કે જ્યારે મને જરૂર હતી શબનમે મારી મદદ કરી હતી, આજે હું કરી રહ્યો છું. દિકરા તાજને શબનમ પોતાનાથી સદંતર દૂર રહેવા કહે છે. કહે છે કે મારો પડછાયો પણ તને નાપાક કરી દેશે. દેશની પહેલી દિકરી જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી, તે કારમાં દુઃખ અને ગ્લાનિ સાથે જેલમાં દિવસો ગણી રહી છે. તેના ‘સાત ખૂન’ ને માફી મળશે? મળવી જોઈએ? કોઈ ગર્ભવતી કુંવારી દિકરી નિદોર્ષ સ્વજનો સાથે આટલું ઘાતકી કૃત્ય શી રીતે કરી શકે? આ ઘટના વિશે તમે જાણશો, ત્યારે તમારા મનમાં પણ ધિક્કારની લાગણી ઉદ્દભવી શકે.

હવે રહી એ વાત કે પહેલી ફાંસી કઈ સ્ત્રીને આપવામાં આવી હતી. તો તેના વિશે નેટ ઉપર પણ ઝાઝી જાણકારી ઉપલબ્ધ નથી. રતનબાઈ જૈન કરીને એક સ્ત્રી હતી, જેને પોતાના પતિના ચારિત્ર્ય પર શંકા જતા ત્રણ છોકરીઓને મારી નાખી હતી. આ રતનબાઈને 1955માં ભારતીય દંડ સંહિતા મુજબ ફાંસી આપીને યમદ્વારે પહોંચાડી દેવામાં આવી હતી! પણ પત્નિએ પતિ પર શક કરીને જે પગલું ભર્યું, તેનાથી ક્યાંય વધારે ગંભીર અને ખતરનાક છે, દિકરી તરીકે શબનમ અલીનું દુષ્કૃત્ય…

છેલ્લી વાત, અમરોહાના એ ક્ષેત્રમાં જ્યાં લોકોમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, ત્યાં હવે કોઈ દિકરીનું નામ શબનમ રાખતું નથી.

…અને કહેનારાઓ કહે છે, નામમાં શું રાખ્યું છે?! તમે શું કહો છો ‘ભારત’ વાસીઓ?

તા.ક. અન્ય એક કેસની જસ્ટ જાણકારી મળી, જ્યાં મા અને બે દિકીઓએ મળીને 42 બાળકોના અપહરણ કર્યા, જેમની આયુ 4 વર્ષથી ઓછી હતી ને દરેક શિશુને રહેંસીને, બેરેહમીથી મારી નાંખ્યાં હતા. આ ઘટના 2001 થી માંડી 2006 સુધીની છે, જેનું કારણ હતું કે ભીખ મેળવવવામાં આ બાળકો દોષિતોને મદદગાર સાબિત થતા. એક મા અને બે દિકરીઓએ આ ઘૃણ કૃત્યો કરેલા. ત્રણેયને ફાંસીની સજા થઈ હતી પરંતુ મા જેલમાં મરી ચૂકી છે ને આ બહેનો પોતાની ફાંસી રોકવા ભરપૂર પ્રયાસ કરી રહી છે, લેખનો સંબંધ પ્રેમ સાથે છે પણ આ ઘટનાને પ્રેમ સાથે કાંઈ લાગતું વળગતું નથી, એટલે લેખમાં તે વિશે લખવાનું ઉચિત લાગ્યું નહીં.

ગોલ્ડન કી

તમારા જીવનનું દરેક કામ એવી રીતે કરો
જાણે કે એ તમારું અંતિમ કર્મ હોય.
– માર્કસ ઓરેલિયસ (રોમન સમ્રાટ, 121-180)

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS