DIAMOND CITY NEWS, SURAT
રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું, તે હજુ ચાલી રહ્યું છે અને આ સાથે જ અમેરિકા તેમજ પશ્ચિમી દેશોની રશિયા સામેની નારાજગી પણ યથાવત છે. કોઈ પણ પ્રકારે રશિયાની આર્થિક પાંખો કાપવા માટે પશ્ચિમી દેશો પ્રયાસ કરી રહ્યાં છે, જેમાં એક મોટું શસ્ત્ર રશિયન ડાયમંડ સામે પ્રતિબંધનો છે. અમેરિકા અગાઉથી જ રશિયાની અલરોસા ખાણમાંથી નીકળતી રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકી ચૂકી છે.
હવે યુએસ, યુકે, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને કેનેડા જેવા 7 દેશોનો સમુહ જી7 રશિયન ડાયમંડ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા હિલચાલ કરી રહ્યું છે. જોકે, રશિયન ડાયમંડ પર સંપૂર્ણ પ્રતિબંધથી વૈશ્વિક હીરા ઉદ્યોગ પર શું અસર પડશે તે જાણવાનો પ્રયાસ આ જી7 દેશો કર્યો તે સરાહનીય છે.
રશિયન ડાયમંડ પર સંપુર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવા પહેલાં જી7 દેશોનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળે સપ્ટેમ્બરના છેલ્લાં સપ્તાહમાં મુંબઈમાં ડાયમંડની ઓફિસો તેમજ સુરતમાં હીરાના કારખાનાઓની વિઝિટ કરી હતી.
અહીં તેઓ હીરાના વેપારી, રત્નકલાકારોને મળ્યા અને જો રશિયન ડાયમંડ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે તો તેઓના જીવન પર શું અસર પડે તે વિશે માહિતી મેળવી હતી. હવે આ મામલે એક નવો ટ્વીસ્ટ આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ જી7 દેશોને ભારતીય હીરાના વેપારીઓ રશિયાની અલરોસા ખાણમાંથી રફ ડાયમંડ ખરીદે તેની સામે કોઈ જ વાંધો નથી, પરંતુ તેઓએ એક કેરટ અને તેનાથી વધુ વજન ધરાવતા રશિયન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સ્વીકારવાનું બંધ કર્યું છે.
સ્થાનિક હીરાના વેપારીઓ માટે આ એક બ્રેકથ્રુ સમાન છે. કારણ કે રશિયન ડાયમંડ પર જી7ના પ્રતિબંધોના લીધે લગભગ 1.5 મિલિયન ડોલરના મજબૂત સુરતના હીરા ઉદ્યોગ માટે ઝટકા સમાન બની રહે. અત્યારે જ સુરતનું હીરા બજાર ઓછી માંગ અને વૈશ્વિક આર્થિક મંદી સાથે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે.
જી7 દેશોના પ્રતિનિધિ મંડળની મુંબઈ મુલાકાત બાદ ભારત ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ અનુપ મહેતાએ કહ્યું કે જી7ના પ્રતિનિધિઓ ભારતીય હીરાના વેપારીઓ પર જી7ના પ્રતિબંધોની ઓછામાં ઓછી અસર થાય તે રીતે પ્રતિબંધોનું પાલન કરવામાં મદદ કરવાના રસ્તા શોધી રહ્યાં હતાં. પ્રતિનિધિઓએ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને બીડીબીના સભ્યો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે જી7 એ સાત દેશો યુએસ, યુકે, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને કેનેડાનો સમુહ છે. જ્યારે વિશ્વના રફ હીરાના લગભગ એક તૃતીયાંશ પુરવઠાનું ખાણકામ રશિયામાં સ્ટેટની માલિકીની અલરોસા દ્વારા યાકુતિયાના સાઈબેરિયન પ્રદેશમાં થાય છે.
મહેતાએ વધુમાં કહ્યું કે રશિયન ડાયમંડના વેપારીઓએ ટ્રેસિબિલિટી સુનિશ્ચિત કરવા માટે વોરન્ટીની સિસ્ટમનું પાલન કરવું પડશે. આ માટે વિવિધ દેશો અને એજન્સીઓ દ્વારા નિર્ધારિત સંખ્યાબંધ પ્રોટોકોલની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં બેલ્જિયન પ્રોટોકૉલ, ભારતીય પ્રોટોકોલ અને વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ પ્રોટોકૉલ છે. જી7 દેશોએ ડાયમંડની રિસર્ચ ક્ષમતા માટે યોગ્યો પ્રોટોકૉલ ઓળખવો પડશે. ત્યાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં જી7 દેશો સાથે અન્ય બે રાઉન્ડની વાટાઘાટો થશે એમ મહેતાએ ઉમેર્યું હતું.
નોંધનીય છે કે ખાણમાંથી નીકળી છેક ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં ડાયમંડ અનેક હાથોમાંથી પસાર થાય છે. વેપારીઓએ કહ્યું હતું કે બેલ્જિયમમાં વેપાર થતો રશિયાનો એક હીરો સુરત પહોંચશે, જ્યાં વિશ્વના 80 ટકા રફ હીરા કટ એન્ડ પોલિશ્ડ કરવામાં આવે છે. મોટા ભાગના સ્ટોન પછી યુએસ અથવા હોંગકોંગના બજારમાં પહોંચે છે. હોંગકોંગથી તે ચીનના બજારમાં પ્રવેશ કરે છે.
જોકે, તેઓ બહુવિધ અન્ય સ્થળો વચ્ચે હેરફેર થયા કરે છે. બોત્સવાના અને કેનેડા પણ મુખ્ય ઉત્પાદકો છે, જ્યારે ઇઝરાયલ, દુબઈ અને ભારત નોંધપાત્ર વેપારી કેન્દ્રો છે.
મોટાભાગના કિસ્સામાં શરૂઆતના તબક્કામાં હીરા એક રફ પથ્થર તરીકે નિકાસ કરવામાં આવે છે અને તેના મૂળને ટ્રેક કરવું એક સમસ્યા બની શકે છે. એન્ટવર્પ અથવા તેલ અવીવના વેપારીઓ ઉત્પાદકના પાર્સલમાં રશિયન પત્થરોને બોત્સવાના અથવા કેનેડાના પત્થરો સાથે મિક્સ કરી શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM