DIAMOND CITY NEWS, SURAT
જ્યારે જ્યારે હીરા ઉદ્યોગ પર કોઈ તકલીફ આવી પડે ત્યારે આ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સક્રિયપણે રસ લઈ ઉદ્યોગની મુશ્કેલી દૂર કરવા પ્રયાસ કરતી હોય છે. આવું જ કંઈક ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં બન્યું હતું ત્યારે સુરતમાં કસ્ટમ કચેરીની સિસ્ટમ ખોટકાઈ જતા સામી દિવાળીએ સુરતના હીરાવાળાના રૂપિયા 1000 કરોડના ડાયમંડના 500 થી 600 પાર્સલના ક્લીયરન્સ અટકી પડ્યા હતા.
જો સમયસર પાર્સલને ક્લીયરન્સ નહીં મળે તો હીરા ઉદ્યોગકારોને ખૂબ મોટું નુકસાન વેઠવું પડે તેવા સંજોગો ઊભા થયા હોય જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજયનના ચૅરમૅન વિજય માંગુકીયા, ભૂતપૂર્વ ચૅરમૅન દિનેશ નાવડીયા સહિતના આગેવાનોએ ભેગા થઈ કસ્ટમ સમક્ષ રજૂઆત કરી સિસ્ટમ ઝડપથી કાર્યરત કરવા અપીલ કરી હતી.
સિસ્ટમ કાર્યરત થયા બાદ જીજેઈપીસીની જ વિનંતીના પગલે કસ્ટમના અધિકારીઓએ કદાચ ઈતિહાસમાં પહેલીવાર રવિવારની રજાના દિવસે કામ કરી હીરાવાળાના પાર્સલ ક્લીયર કર્યા હતા, જેના લીધે હીરાવાળાઓએ રાહત અનુભવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી અને ક્રિસમસની સામી સિઝને ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં સુરત કસ્ટમ્સનું ઓનલાઇન પોર્ટલ હેંગ થઈ જતાં રફ ડાયમંડના 500થી વધુ કંસાઈનમેન્ટને ક્લીયરન્સ મળ્યું નહોતું, જેના લીધે સુરતના હીરા ઉદ્યોગકારો અકળાયા હતા. ડાયમંડ કંપનીઓએ વૈશ્વિક મંદીના માહોલમાં 1000 કરોડની કિંમતના 500 થી 600 રફ ડાયમંડના પાર્સલ ઇમ્પોર્ટ કર્યા હતા પણ કસ્ટમ ઓફિસની સિસ્ટમ ખોટકાઈ જતા આ પાર્સલ ક્લીયર થયા નહોતા.
સુરત કસ્ટમ વિભાગના પોર્ટલમાં એરર આવવાને લીધે પોર્ટલ ઠપ્પ થઈ ગયું હતું, તેના લીધે હીરાના પાર્સલ મેન્યુઅલ ધોરણે છોડવા હીરા ઉદ્યોગકારોએ કાઉન્સિલને રજૂઆત કરી હતી. ચાલુ વર્ષમાં બીજીવાર કસ્ટમ ડિપાર્ટમેન્ટનું પોર્ટલ હેંગ થયું હતું. જો કે ત્યારે મેન્યુઅલ સિસ્ટમથી કામગીરી થઈ હતી. પણ આ વખતે એવું શક્ય બન્યું નહોતું. જો વધુ ચાર પાંચ દિવસ કસ્ટમમાંથી પાર્સલને ક્લીયરન્સ નહીં મળે તો હીરા ઉદ્યોગકારોને મોટું નુકસાન થાય તેવી દહેશત ઊભી થઈ હતી.
દરમિયાન જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજયનના ચૅરમૅન વિજય માંગુકીયા સહિતના અગ્રણીઓના પ્રયાસોના લીધે આ પાર્સલો છૂટા થયા હોવાનું જાણવા મળ્યું છે. જીજેઈપીસીએ અધિકૃત રીતે પાર્સલ ક્લીયર થયા હોવાની માહિતી જાહેર કરવા સાથે કસ્ટમ વિભાગનો આભાર માન્યો છે.
જીજેઈપીસીએ કહ્યું કે, શનિવારે મોડી રાત્રે કસ્ટમ ઓફિસની સિસ્ટમ ફરી કાર્યરત થઈ હતી. ત્યાર બાદ સુરતના હીરાવાળાના હિતમાં સુરત કસ્ટમ વિભાગે રવિવારની રજાના દિવસે કામ કરવાનો નિર્ણય લીધો હતો અને રવિવારે કામ કરી, હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંકલન કરીને પાર્સલો છુટા થાય તેવા પ્રયાસો કર્યા હતા અને એક જ દિવસમાં તમામ પાર્સલ છૂટા કર્યા હતા.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM