DIAMOND CITY NEWS, SURAT
પીપી સવાણી ગ્રુપ દ્વારા ‘માવતર’ના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે.
આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુક્યા અને લાઇવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાંસદ શ્રી સી.આર. પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, શ્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ. બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ જણાવ્યુ હતું કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે.
સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે. એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ.એસ. બિટ્ટાએ જણાવ્યું હતું કે, જે બાળકનો કોઈ સહારો ન હોય એ બાળક, એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઊભું રહ્યું છે. દીકરીને વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું પરંતુ એ પછીની તમામ જવાબદારી પણ નિભાવે છે.
મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ. મારી હયાતીમાં અને મારા પછી પણ આ દીકરીઓની ચિંતા સવાણી પરિવાર કરશે.
કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ
આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયું હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા
નેપાળી યુગલના લગ્ન
ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહલગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી. ક્ષત્રિય રિચા અને રોકાઈ પિર્થુપ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યક્ત કરી હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM