DIAMOND CITY NEWS, SURAT
વિશ્વના સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ વંચાતા હીરાકેન્દ્રીત પ્રકાશન રેપાપોર્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ-2023માં ગ્લોબલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મૂવર્સ અને શેકર્સની યાદીમાં સ્થાન આપ્યું છે.
યાદીમાં સમાવિષ્ટ અન્ય સભ્યોમાં ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ચૅરમૅન વિપુલ શાહ, સિગ્નેટ જ્વેલર્સના સીઈઓ ગિના દ્રોસોસ, વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (ડબ્લ્યૂડીસી)ના પ્રેસિડેન્ટ ફેરિયલ ઝેરોઉકી, બોત્સવાનાના પ્રમુખ મોગ્વીત્સી મસિસિ, બેલ્જિયન ડાયમંડ કટર ગેબી તોલ્કોવ્સ્કી સમાવિષ્ટ હતા. જેમને હીરા ઉદ્યોગના ભાવિને આકાર આપવા માટે વિશ્વની સૌથી શક્તિશાળી, પ્રભાવશાળી વ્યક્તિઓ તરીકે રેપાપોર્ટ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
રેપાપોર્ટની પ્રસ્તાવનામાં જણાવાયું હતું કે, અમારી “પીપલ્સ ઓફ ધ યર”ની યાદી 2023ની વાસ્તવિકતાઓ દર્શાવે છે. આમાંની કેટલીક વ્યક્તિઓ ઉદ્યોગની તીવ્ર સમસ્યાઓના નિરાકરણમાં સીધી રીતે સંકળાયેલી હતી. ઉદાહરણ તરીકે રફ આયાત પર ભારતની સ્થિરતાને સરળ બનાવવી અથવા પરિસ્થિતિ મુજબ રિટેલ વ્યૂહરચના સ્વીકારવાની રીતો ઓળખવી.
પ્રસિદ્ધ ટાઈમ પર્સન ઓફ ધ યરની જેમ, આ યાદીમાં સમાવેશ એ વ્યક્તિના સકારાત્મક યોગદાનની માન્યતા જ નથી, પરંતુ હીરા ઉદ્યોગ પરના તેના પ્રભાવ અથવા મુખ્ય સમાચારોમાં તેમની હાજરી છે. અમે વર્ષની કોઈ એક વ્યક્તિને પસંદ કરવાને બદલે અનેક વ્યક્તિઓને સન્માનિત કરવાનું પસંદ કર્યું છે.
વિપુલ શાહે જણાવ્યું હતું કે, “વૈશ્વિક હીરાના વેપારમાં ભારતનું નેતૃત્વ અને મહત્ત્વ 2023માં પણ યથાવત રહ્યું છે. અમને ભારતના રત્ન અને ઝવેરાત સાથે જોડાયેલા લાખો કામદારો પર ગર્વ છે. અમને ગર્વ અને વિશેષાધિકાર છે કે વડાપ્રધાન સાથે આપણી સરકાર ઉદ્યોગની ચમક અકબંધ રાખવા માટે આપણને ટેકો આપે છે.”
રેપાપોર્ટ જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં જ્વેલરી ઉદ્યોગ સાથે ઘણો સંપર્ક જાળવી રાખ્યો હતો. તેમણે ડિસેમ્બર માં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. તેમણે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા હીરાને “ગ્રીન ડાયમંડ” તરીકે ઉલ્લેખ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
રેપાપોર્ટે સ્વદેશી ઉદ્યોગને નડી રહેલી સમસ્યાઓ વચ્ચે વિપુલ શાહ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો અને પહેલની પ્રશંસા કરી હતી. રેપાપોર્ટે જણાવ્યું હતું કે, જીજેઈપીસી વલણો અને ચિંતાઓની ચર્ચા કરવા માટે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે માસિક ઓનલાઈન ફોરમ ધરાવે છે.
આ વર્ષના સપ્ટેમ્બરમાં, નબળાં રિટેલ વેચાણ અને વધુ પડતા પુરવઠા વચ્ચે પોલિશ્ડ ભાવમાં ઘટાડો થતાં, ભારતીય વેપાર સંસ્થાએ નિર્ણય લીધો કે આ પરિસ્થિતિમાં વ્યાપક અને વ્યક્તિગત રીતે લોકો મળી શકે તેવા કાર્યક્રમ યોજવાની જરૂર છે.
ઉપસ્થિત લોકો સર્વસંમતિથી નિષ્કર્ષ પર આવ્યા હતા કે ભારતને રફ-હીરાની આયાતમાં સ્વૈચ્છિક વિરામ મૂકવાની જરૂર છે. જેથી ઇન્વેન્ટરી નિયંત્રણમાંથી બહાર ન જાય. ઇન્ડસ્ટ્રીએ 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી બે મહિના માટે આ મોકૂફીનો અમલ કર્યો હતો. જેનાથી સેક્ટરમાંથી દબાણ દૂર થયું હતું અને બજાર સ્થિર રહેવામાં સક્ષમ બન્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM