પાતળી સાઈઝના હીરાની માંગ નીકળતા ઉદ્યોગકારોના મનમાં તેજીની આશા જાગી

તા. 15 જાન્યુઆરી બાદ હીરાબજારની હાલતમાં ધીમે ધીમે સુધારો થવાની સાથે દેશ-વિદેશમાં પણ હીરાની સારી એવી માંગ નીકળી છે.

Demand for melee diamonds raised hope of boom in diamond industry
ફોટો સૌજન્ય : GIA
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વીતેલા એક વર્ષ કરતાં લાંબા સમયથી સુરતના હીરા ઉત્પાદકો મંદીનો સામનો કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે અનેક પડકારોને પગલે પોલિશ્ડ હીરાની માંગ તળિયે જવાના કારણે સુરતના હીરા ઉત્પાદકો પાસે વેચાયા વિનાના સ્ટોકનો ભરાવો થયો હતો. વાત એટલી હદે બગડી હતી કે દિવાળીના એક મહિના પહેલાં સુરત, મુંબઈના હીરાવાળાઓએ ભેગા થઈ રફ હીરાની ખરીદી પર સ્વૈચ્છિક પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

બે મહિના માટે મુકાયેલા આ પ્રતિબંધની સમયમર્યાદા પુરી થયા બાદ પણ બજારમાં કોઈ સુધારાના સંકેત નહીં મળતા હીરાના ઉત્પાદકો ચિંતિત બન્યા હતા. ખાસ કરીને ક્રિસમસ માટે કોઈ ખાસ ઓર્ડર નહીં હોય વેપારીઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા.

વર્ષ 2023 બાદ વર્ષ 2024 પણ સારું નહીં રહે તેવી ચિંતા ઉદ્યોગકારોને સતાવી રહી હતી, પરંતુ વર્ષ 2024ના પ્રારંભે બજારમાં સામાન્ય સુધારો દેખાયો છે, જેના લીધે હીરાવાળાના મનમાં ઉત્સાહનો સંચાર થયો છે. ખાસ તેજી તો આવી નથી પરંતુ પાતળી સાઈઝના ડાયમંડમાં પૂછપરછ શરૂ થઈ છે, તેના લીધે સુરતના હીરા ઉત્પાદકો ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા માટે આશ્વસત બન્યા છે. રજા, પગાર કાપ જેવા પગલાં લેવાનો વિચાર પડતો મુક્યો છે અને રત્નકલાકારો પાસે કામ લેવા માંડ્યા છે.

આ ચિત્ર જોતાં હીરા ઉદ્યોગ ફરી ધીમે ધીમે પાટા પર ચડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને પાતળી સાઈઝના હીરાની ડિમાન્ડ વધતા ઉદ્યોગકારોનો ઉત્સાહ વધ્યો છે. આગામી દિવસોમાં તેજી જોવા મળે તેવી આશા ઉદ્યોગકારોના મનમાં જાગી છે. 

આ અગાઉ છેલ્લાં 24 મહિનાથી વધારેથી સુરતના હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી હતી. કોરોના પૂર્ણ થયા બાદ યુકેન અને રશિયાના યુદ્ધ અને ત્યાર બાદ પેલેસ્ટાઈન અને ઈઝરાયલ યુદ્ધની સ્થિતિને લઈને આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદી છવાઈ હતી.

ભારતમાંથી જેટલાં હીરાનું એક્સપોર્ટ થાય છે તેમાંથી 60 ટકા હીરાની ખરીદી અમેરિકામાં થાય છે ત્યારે અમેરિકાની મંદીને લઈને તેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી હતી. વર્ષ 2023માં દિવાળી મહિનામાં ઓવરટાઈમ કરાવવાની જગ્યાએ અઠવાડિયામાં 2 દિવસની રજાઓ આવતી હતી. પરંતુ હવે ધીમે ધીમે હીરા ઉદ્યોગ પાટા પર આવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

દર વર્ષે ડિસેમ્બરમાં પોલિશ્ડ હીરાની સારી એવી માંગ વિદેશમાં જોવા મળતી હોય છે. કારણ કે ક્રિસમસને લીધે વિદેશમાં હીરાની ખરીદી મોટા પ્રમાણમાં નીકળતી હોય છે. જોકે ચાલુ વર્ષે ધાર્યા પ્રમાણેની ખરીદી જોવા નહીં મળતા હીરા ઉદ્યોગકારોમાં થોડાક અંશે નિરાશા પણ જોવા મળી હતી.

દિવાળી બાદના અરસામાં મોટા હીરાઉધોગકારોએ કારીગરોને છુટા કરવાના બદલે તેઓને એકાદ બે કલાક જ કામ આપવામાં આવતું હતું. જ્યારે તેઓને પુરતો પગાર પણ આપવામાં આવતો હતો. તે માટેનું કારણ એવું પણ હજુ કે હીરા ઉદ્યોગકારો કારીગરોને ગુમાવવા માંગતા નહોતા.

તે સમય પોલિશ્ડ હીરાની માંગ જ નહીં હોવાના કારણે કેટલાક હીરા ઉદ્યોગકારોએ તો નાણાનું રોટેશન ફેરવવા માટે પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે હીરાનું વેચાણ કર્યું હોવાનું વિગતો જાણવા મળી છે. જોકે તેઓનું એવું પણ માનવું હતું કે હાલમાં થોડીક ખોટ ખાઇને પણ સારા કારીગરને સાચવીશું તો આગામી દિવસોમાં જ્યારે સારા દિવસો આવશે ત્યારે તે ખોટ સરભર કરી દેવામાં આવશે.

દરમિયાન તા. 15 જાન્યુઆરી બાદ હીરાબજારની હાલતમાં ધીમે ધીમે સુધારો થવાની સાથે દેશ-વિદેશમાં પણ હીરાની સારી એવી માંગ નીકળી છે. તેના કારણે હીરા ઉદ્યોગકારો પાસે સંગ્રહ કરાયેલા પોલિશ્ડ હીરાનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ તૈયાર હીરાનું પ્રોડકશન પણ શરૂ કરી દેવામાં આવતા હીરાના કારખાનામાં કારીગરોને રજા આપવાના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

મંદીના મારનો સામનો કરી રહેલા ડાયમંડ ઈન્ડસ્ટ્રીની સ્થિતિ હાલ સ્થિર દેખાઈ રહી છે. લાંબા સમય બાદ હવે હીરાના કારખાના પૂરતા પ્રમાણમાં શરૂ થવા સાથે સપ્તાહમાં ફક્ત એક જ રજા આપવામાં આવી રહી હોય ડાયમંડ ઈન્ડસ્ટ્રીની ગાડી ફરી પાટે ચઢવા માંડતા ઉદ્યોગકારોએ રાહત અનુભવી છે.

સુરત કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના હબ તરીકે ઓળખાય છે, પરંતુ મંદીને કારણે લાંબા સમયથી હીરાઉદ્યોગની ચમક ઓછી થઈ છે. ત્યારે હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ફરી વેચાણ શરૂ થતા બજારની સ્થિતિ સ્થિર થઈ હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

હાલ પાતળા હીરાની માંગ દેખાઈ રહી છે અને આ માંગ જરૂરત પૂરતી છે, જેને લીધે ઉદ્યોગકારોને કોઈ મોટો નફો તો નથી, પણ નુકસાન વેઠવું પડે તેવી પણ સ્થિતિ નથી. ગત વર્ષે મંદીને કારણે હીરાના કારખાનામાં સપ્તાહમાં બે-ત્રણ દિવસ રજા રાખવી પડતી હતી. ત્યારે હાલ હીરાના કારખાના પૂરતા પ્રમાણમાં શરૂ થઈ ગયા છે અને સપ્તાહમાં ફક્ત એક જ દિવસની રજા આપવામાં આવી રહી છે.

સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું હતું કે, છેલ્લાં ઘણા સમયથી હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી હતી. પરંતુ છેલ્લાં થોડાં દિવસથી સુરતનો હીરા ઉદ્યોગ પટરી પર આવી રહ્યો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે, જે સારા સંકેત છે. પતલી સાઈઝના હીરાની માંગ વધી રહી છે.

જેના કારણે એવું લાગી રહ્યું છે કે, હીરા ઉદ્યોગમાં ફરી તેજી આવશે. વળી, છેલ્લા 15 દિવસથી એસડીએની ઓફિસે રત્નકલાકારોને કામ પરથી કાઢી મુકાયા હોય કે કારખાનામાં કામને લઈ કોઈ માથાકૂટ થઈ હોય તે પ્રકારની એક પણ ફરિયાદ આવી નથી. આવનારા દિવસોમાં બજારની સ્થિતિ હજી સુધરવાની આશા દેખાઈ રહી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS