જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચૅરમૅનનો Exclusive ઇન્ટરવ્યૂ : સુરતમાં જન્મેલાં વિપુલ શાહ દેશની 40 બિલિયન ડોલરની જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના Boss છે…

શૂન્યથી શરૂઆત કરીને એશિયન સ્ટાર ડાયમંડનો દુનિયાભરમાં ફેલાવો કર્યો, જ્વેલરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા GJPECના વર્ષ 2011માં પહેલીવાર ચૅરમૅન બન્યા

Exclusive Interview with the Vipul Shah Chairman of Gem and Jewellery Export Promotion Council-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

મૂળ બનાસકાંઠાના એક નાનકડા ગામના અને સુરતમાં જન્મેલાં બાળકના પિતાનું 50 વર્ષની વયે નિધન થયું હતું. પરિવારના એકના એક બાળકને યુવાન વયે જવાબદારી સંભાળવાની આવી, પિતાએ ઊભો કરેલો બિઝનેસ હતો, પરંતુ શરૂઆત શૂન્યથી કરવાની હતી.

આ યુવાને ડર રાખ્યા વગર ડગ માંડ્યા, વચ્ચે અડચણો, પડકારો આવ્યા, પરંતુ આ યુવાને બધા પડકારોને પાર કરીને આજે દુનિયાની જાણીતી અને શેરબજારમાં લિસ્ટેડ કંપનીના CEO અને મેનેજિંગ ડિરેક્ટર છે. એટલું જ નહીં દેશના 40 બિલિયન ડોલરની જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગનો Boss છે. તેમની કંપની સુરત સહિત દેશ દુનિયાભરમાં ફેલાયેલી છે અને શેરબજારમાં લિસ્ટેડ છે. આજે તેમની એક સફળ અને પાવરફુલ લીડર તરીકે ગણતરી થાય છે.

ડાયમંડ સિટીની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે જેમ એન્ડ જ્વેલરી એક્સોપર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના બીજી વખતના ચૅરમૅન વિપુલ શાહ વિશે વાત કરીશું. એમની સ્ટોરી તમને પ્રેરણા આપે, પ્રોત્સાહિત કરે અને તમને શ્રેષ્ઠ બનાવે તેવી છે.

લીડર એટલે સામાન્ય માણસથી ઉપર ઊઠવું અને આવું બનવા માટે સૌથી પહેલા તમારે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બનવું પડશે. તમે સારી રીતે નેતૃત્વ કરી શકો તે પહેલાં, તમારે તમારી જાત પર કામ કરવા અને તમારી કુશળતાને સુધારવા માટે તૈયાર રહેવું પડશે અને આવું જ વિપુલ શાહે કર્યું છે એટલે આજે તેઓ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના સન્માનીય લીડર છે. વૈશ્વિક હીરાઉદ્યોગમાં 2023ના સૌથી શક્તિશાળી-પ્રભાવશાળી લોકોમાં રેપાપોર્ટના પીપલ્સ ઓફ ધ યર 2023માં GJEPCના ચૅરમૅન વિપુલ શાહ સામેલ છે અને આ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ છે.

વિપુલ શાહ મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સગરોસના ગામના છે, પરંતુ તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમના પિતા પ્રબોધભાઇ શાહ ડાયમંડના ધંધામાં હતા. વિપુલ શાહ બી.કોમ. સુધી ભણ્યા અને તેમની પિતાનું 50 વર્ષની વયે નિધન થયું હતું. પિતાએ શરૂ કરેલી કંપનીનું નામ પી.ડી. કોઠારી એન્ડ કંપની હતું. જેમાં શાહ અને કોઠારી ફેમિલી ભાગીદાર હતા. પિતાના નિધન પછી યુવાન વયે વિપુલ શાહના માથે બિઝનેસ ચલાવવાની જવાબદારી આવી. વિપુલ શાહ પરિવારના એકના એક પુત્ર હતા.

વર્ષ 1989માં કોઠારી પરિવાર અને શાહ પરિવાર સર્વસંમતિથી અને પ્રેમથી જુદા પડ્યા હતા. પરંતુ આજની તારીખે પણ બંને પરિવારો વચ્ચે એટલો જ સારો સંબંધ છે જે પિતાના સમયે હતો. પી.ડી. કોઠારી અંતર્ગત એક કંપની હતી જેનું નામ એશિયન સ્ટાર જે વિપુલ શાહે હસ્તગત કરી.

ઇન્વેન્ટરી કોઠારી પરિવાર પાસે હતી અને તે વેચાઈ પછી રૂપિયા આવે એવું હતું એટલે વિપુલભાઇએ શૂન્યથી શરૂઆત કરવી પડી. એશિયન સ્ટારની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે, 1971માં જ્યારે સ્ટારબક્સ અને નાસ્ડેક જેવા વિશાળ સમૂહની સ્થાપના થઈ, ત્યારે ભારતના સુરત શહેરમાં અન્ય સ્ટાર વિપુલ શાહનો જન્મ થયો હતો.

વિપુલ શાહ હાલમાં એશિયન સ્ટાર કંપની લિમિટેડના CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં બીજી ટર્મ માટે ચૅરમૅન તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ પહેલાં તેઓ GJEPCના વર્ષ 2011માં ચૅરમૅન બન્યા હતા અને વર્ષ 2013 સુધી રહ્યા હતા.

એ પછી ફરી વર્ષ 2022થી બીજી વખત ચૅરમૅન બન્યા છે. ઉપરાંત વિપુલ શાહ વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (WDC), નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને ફૅડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના બોર્ડ મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે.

વિપુલ શાહે કહ્યું કે,ભારતીય જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં યોગદાન આપવાની મારી ઇચ્છાએ મને GJEPCના બોર્ડ સભ્ય બનવાની પ્રેરણા આપી. અહીં, મને જાણવા મળ્યું કે કેવી રીતે GJEPC સરકાર અને તેના સભ્યો સાથે વ્યાપાર-મૈત્રીપૂર્ણ નીતિઓ અને પગલાં દ્વારા ઉદ્યોગના ઉત્થાન માટે સહયોગ કરે છે. જ્યારે ચૅરમૅન તરીકે ચૂંટાઈ આવવાની તક મળી, ત્યારે મેં તેને ઉદ્યોગને વધુ સેવા આપવાના માર્ગ તરીકે સ્વેચ્છાએ સ્વીકારી.GJEPCએ મને ઘણું બધું શિખવાડ્યું.

આ બે મહાન ડાયમંડ ઉદ્યોગકારો મારા આદર્શ હતા

વિપુલ શાહે કહ્યું કે, જ્યારે મારી ડાયમંડ ઉદ્યોગની શરૂઆત હતી ત્યારે ભારતમાં રોઝી બ્લુ ડાયમંડના માલિક અરૂણકુમાર મહેતા અને બીજા બી. વિજયકુમાર એન્ડ કંપનીના ભરત શાહ, મારા આદર્શ હતા. હું તેમની કામગીરી વિશે હંમેશા જાણવાની કોશિશ કરતો અને તેમના જેવા બનવાના સપના જોતો. મારી ડાયમંડ ઉદ્યોગની શરૂઆતમાં ભરત શાહનો મોટો સપોર્ટ રહ્યો હતો. તેમણે મને રફ ખરીદી માટે ઘણી મદદ કરી હતી.

GJEPC એ દુનિયાની અગ્રણી સંસ્થાઓમાની એક છે…

GJEPC, ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા 1966 માં સ્થપાયેલ, વૈશ્વિક મંચ પર ભારતની નિકાસને વધારવા માટે બનાવવામાં આવેલ નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPCs)ની શ્રેણીનો એક ભાગ છે. તે મૂળરૂપે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની હાજરીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી, કારણ કે દેશની અર્થવ્યવસ્થાએ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી વૈશ્વિક વેપારમાં પ્રવેશવાનું શરૂ કર્યું હતું.

1998થી, GJEPC સ્વાયત્ત રીતે કાર્ય કરે છે, જે તેને તેની કામગીરીમાં વધુ સુગમતા અને સ્વતંત્રતા આપે છે. GJEPC જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે સેવા આપે છે, જે ક્ષેત્રના 9,000થી વધુ સભ્યોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. GJEPC હેડ ઓફિસ મુંબઈમાં છે. GJEPC તેના સભ્યોની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે નવી દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, સુરત અને જયપુર જેવા મુખ્ય ઉદ્યોગ કેન્દ્રોમાં પ્રાદેશિક કચેરીઓ ધરાવે છે.

GJEPCના મુખ્ય કાર્યો અને ભૂમિકાઓમાં હિમાયત અને પ્રતિનિધિત્વ, નીતિને આકાર આપવી, વ્યાપાર પ્રમોશનનો સમાવેશ થાય છે અને ભારત સરકાર દ્વારા કિમ્બર્લી પ્રક્રિયા પ્રમાણપત્ર યોજના માટે કેન્દ્રીય એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. GJEPC ઉદ્યોગ વતી કેન્દ્રીય અંદાજપત્ર માટે ભલામણો પણ મોકલે છે.ઉપરાંત ઉદ્યોગની મુશ્કેલીના સમયે ઉકેલ શોધવામાં પણ મદદરૂપ બને છે.

વિપુલ શાહની હીરાઉદ્યોગની શરૂઆત આ રીતે થઇ પછી પડકારો પણ આવ્યા

GJEPCના ચૅરમૅને કહ્યું કે, મારી સફરની શરૂઆત મારા પિતા પ્રબોધ શાહ અને મારા કાકા દિનેશ શાહ સાથે થઈ, જેઓ બંને હીરાના વેપારમાં અસાધારણ કારીગરો હતા. તેમના જુસ્સાએ મને કિશોરાવસ્થામાં જ હીરાઉદ્યોગમાં જવા માટે પ્રેરણા આપી હતી. મારી યુવાન વયે પિતાની છત્ર છાયા ગુમાવી અને શૂન્યથી શરૂઆત કરવાની હતી.

મેં ઉદ્યોગમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કર્યો અને મારા કૌટુંબિક વ્યવસાય, એશિયન સ્ટારને વૈશ્વિક મંચ પર લાવવા માટે હું સંકલ્પબદ્ધ હતો. તે એક સાહસિક માર્ગ હતો, જે પડકારો અને વિજયોથી ભરેલો હતો. વિપુલભાઇએ કહ્યું કે, તે વખતે અમારી પાસે મેન્યુફેકચરીંગનો જ અનુભવ હતો, પરંતુ મેં હિંમત હાર્યા વગર હીરાઉદ્યોગમાં ડગ માંડી દીધા હતા.

શરૂઆતમાં માઇન્સમાંથી રફ લેવા જવાનું કામ હું કરતો, લંડન સહિત વિદેશના પ્રવાસે જવાનું થતું તેમાંથી શિખવા મળ્યું કે, કંપનીને આગળ લઇ જવી હોય તો માર્કેટીંગ જરૂરી છે. અમે દુનિયાભરમાં અમારો બિઝનેસ વિકસાવ્યો. હું દરેક યુનિટમાં જઇને દોઢ-બે મહિના રહેતો અને યુનિટને સેટ કરતો.

સુરતના વરાછા વિસ્તારમાં અમારું મેન્યુફેકચરીંગ યુનિટ છે. મજબૂત પાયો સ્થાપિત કરવો એ અમારી સફળતા માટે મહત્વપૂર્ણ હતું, તેથી મેં અમારી સિસ્ટમને મજબૂત કરવા અને નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનું મારું મિશન બનાવ્યું. તે વખતે બેંકોમાંથી વર્કીંગ કૅપિટલ પર ધિરાણ કરવાનું મુશ્કેલ હતું.

તેથી અમે પબ્લિક ઇશ્યુ લાવીને ફંડ ભેગું કર્યું. 1996માં અમે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એશિયન સ્ટારનું લિસ્ટીંગ કરાવ્યું. આ એક સાહસિક અને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હતું જેણે અમને અમારા માર્ગ પર આગળ લઈ જવામાં મદદ કરી. ઘણા બધા પડકારો રસ્તામાં આવ્યા, પરંતુ એ પડકારોને હસતે મોઢે પાર કર્યા.

બર્કશાયર હાથવેના CEO અને જાણીતા ઇન્વેસ્ટર વોરેન બફેટે કહેલું કે, It takes 20 years to build a reputation and 5 minutes to ruin it. If you think about that, you’ll do things differently. મતલબ કે પ્રતિષ્ઠા બનાવવામાં 20 વર્ષ લાગે અને તેને બરબાદ કરવામાં 5 મિનિટ લાગે છે. જો તમે તેના વિશે વિચારો છો, તો તમે વસ્તુઓ અલગ રીતે કરશો.

લીડરશીપના ગુણો મને ક્રિકેટમાંથી શિખવા મળ્યા…

વિપુલ શાહને અમે પૂછ્યું કે અમે જ્યારે પણ તમને જોયા છે ત્યારે હંમેશા તમારો ચહેરો તરોતાજા, હસતો અને કુલ જોવા મળે છે એની પાછળનું કારણ શું છે? એમણે કહ્યું કે, આ એક લીડરશીપનો જ ભાગ છે. લીડરશીપના ગુણો વિશે શાહે કહ્યું કે, મને પહેલેથી ક્રિકેટ રમવાનો જબરદસ્ત શોખ હતો.

ક્રિકેટમાંથી હું લીડરશીપના ગુણો શિખ્યો. સવારે વહેલાં ઊઠી જવાનું અને બધાને ભેગા કરવાના. કોઇપણ કામ ત્યારે જ સફળ થાય જ્યારે તમે બધાને સાથે લઇને ચાલો. લીડરશીપ માટે તંદુરસ્ત હોવું પણ જરૂરી છે. તમે તંદુરસ્ત હશો તો તમારું મગજ પણ તંદુરસ્ત રહેશે. તેમણે કહ્યું કે, મારા બિઝનેસ ઉપરાંત મને મેરેથોન અને અન્ય સ્પોર્ટસમાં પણ ભારે રસ છે. દોડવું એ મારા માટે માત્ર શોખ નથી, પરંતુ આનંદનો સ્ત્રોત છે જે મને હંમેશા તરોતાજા અને હસતો રાખે છે.

જ્વેલરી સેક્ટરમાં કૅરિયર બનાવવા માટે યંગસ્ટર્સ માટે ખુલ્લું મેદાન છે…

અમે વિપુલ શાહને પૂછ્યું કે તમે યંગ જનરેશન અને નવા એન્ટરપ્રિન્યોરને શું મેસેજ આપશો? તેમણે કહ્યું કે, જ્વેલરી સેક્ટરમાં કારકિર્દી બનાવવાની યંગ જનરેશન માટે મોટી તક છે. આપણો જ્વલેરી ઉદ્યોગમાં હિસ્સો હજુ 15 ટકા જ છે. હજુ આખું મેદાન ખુલ્લું છે.

તેમણે કહ્યું કે, અમે GJEPCમાં પણ યંગ લીડરોને આગળ લાવવા માટે કામ કરી રહ્યા છે. હજુ તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પણ આવી રહ્યું છે જેને કારણે જ્વેલરી ઉદ્યોગમાં યુવાનોને મોટી તક મળશે. તેમણે કહ્યું કે, હવે પહેલાં જેવું નથી કે ઓછું ભણ્યા હો તો પણ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી જાઓ, હવે એજ્યુકેશન ખૂબ જરૂરી છે. જ્વેલરી સેક્ટર મોટું ભવિષ્ય છે.

તેમણે કહ્યું કે, મારે યુવાનોને કહેવું છે કે લાફ્ટર ઇઝ એ બેસ્ટ મેડિસીન એટલે હંમેશા હસતા રહો, સવારે વહેલા ઊઠીને યોગા કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યોગાને પ્રોત્સાહન આપી રહ્યા છે. હંમેશા સારા વિચારો રાખો, સારા લોકો સાથે સંપર્ક રાખો. ર્સ્પોર્ટ્સમાં રસ લો. તમારા માઇન્ડને હંમેશા ડાયવર્ટ રાખો.

2008ની મંદી, કોરોના, રશિયા યુક્રેન યુદ્ધ, આ બધું કેવી રીતે ટેકલ થયું?

તેમણે કહ્યું કે, વર્ષ 2008ની મંદીએ આખી દુનિયા પર અજગર ભરડો લીધો હતો, તે વખતે અમે પણ મુશ્કેલીનો સામનો કર્યો, પરંતુ સમજદારી રાખીને બહાર આવી ગયા. જ્યારે કોરોના મહામારીનો સમય આવ્યો ત્યારે આવા પડકારને આખી દુનિયાએ પહેલીવાર સામનો કરવો પડ્યો હતો.

શરૂઆત તો ઘણી મુશ્કેલી હતી. ઇન્વેન્ટરીનું શું થશે? પેમેન્ટનું શું થશે? આવી ઘણી બધી ચિંતા હતી, પરંતુ ભારત સરકારની નીતિનો સપોર્ટ મળ્યો અને દુનિયાની સરકારોએ લોકોને વાપરવાના પૈસા હાથમાં આપ્યા અને 3 મહિના પછી હીરાઉદ્યોગમાં જબરદસ્ત ગ્રોથ કર્યો. એ વખતે બધા ઉદ્યોગો મુશ્કેલીમાં હતા, પરંતુ ડાયમંડ ઉદ્યોગ જોરમાં હતો.

પરંતુ રશિયા-યુક્રેન સંઘર્ષની ભારત પર વ્યાપક આર્થિક અસર પડી છે, જેણે હીરાના પુરવઠા સહિત વિવિધ ક્ષેત્રો અને કોમોડિટીઝમાં બંને દેશો સાથેના વેપાર સંબંધોને વિક્ષેપિત કર્યા છે. પરિણામે, રશિયાથી ભારતમાં રફ હીરાની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત 2021માં 45.49 મિલિયન કેરેટની સરખામણીમાં 2022માં 66 ટકા ઘટીને 15.35 મિલિયન કેરેટ થઈ ગઈ છે.

વિપુલ શાહે કહ્યું કે હીરાઉદ્યોગમાં આટલી ખરાબ સ્થિતિ ક્યારેય જોઇ નથી. આ સમસ્યાના ઉકેલ માટે GJEPC અને અન્ય ઍસોસિયેશને મનોમંથન કરીને બે મહિનાનો સ્વૈચ્છિક પ્રોડકશન કાપ મુકવાની જાહેરાત કરી હતી. એની સારી અસર પડી હતી. પોલિશ્ડના ભાવો હવે સ્ટેબલ થયા છે અને ચીનનું માર્કેટ ખૂલશે પછી હીરાઉદ્યોગમાં સુધારો આવવાની ધારણા છે.

લગભગ 20 થી 25 ટકા ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ડાઉન છે અને તેને કેવી રીતે ઉપર લાવી શકાય તેના માટે અમારા પ્રયાસો સતત ચાલુ છે. તેમણે કહ્યું કે, વર્ષ 2023 હીરાઉદ્યોગ માટે ખરાબ રહ્યું. GJEPC સમગ્ર વિશ્વને તેના બજાર તરીકે જુએ છે, જ્યાં જ્વેલરી ગ્રાહકોને શોધે છે.

સાદા સોનાના દાગીના માટે, આપણું સૌથી મોટું બજાર મધ્ય પૂર્વ છે, સ્ટડેડ જ્વેલરી માટે તે યુએસ છે, છૂટક હીરા માટે તે હોંગકોંગ છે. જોકે, લક્ષ્ય બજારો હાલમાં યુ.એસ., હોંગકોંગ, યુએઈ, બેલ્જિયમ, ઇઝરાયલ, થાઇલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, સિંગાપોર, જાપાન અને નેધરલેન્ડ છે. GJEPC ઉદ્યોગને તુર્કી, સિંગાપોર, થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, શ્રીલંકા વગેરે જેવા નવા બજારોમાં વૈવિધ્ય લાવવામાં પણ મદદ કરી રહ્યું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS