DIAMOND CITY NEWS, SURAT
ગયા ડિસેમ્બર મહિનામાં સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઘોષિત કર્યું હતું.
આ સાથે જ સુરત એરપોર્ટ પર દેશ વિદેશના વિમાનોની અવરજવર માટેનો રસ્તો ખુલી ગયો છે, પરંતુ ત્યાર બાદ પણ કોઈક કારણસર હજુ સુધી દુબઈ અને શારજાહ સિવાય અન્ય કોઈ દેશને સાંકળતી વિમાની સેવા સુરત એરપોર્ટ પર શરૂ થઈ શકી નથી.
જેના લીધે સુરતના ઉદ્યોગકારોને તકલીફ પડી રહી છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. સુરત ડાયમંડ બુર્સને ઈન્ટરનેશનલ લેવલનું ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાનું હોય તો સુરતમાં આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થવી આવશ્યક છે. વિમાની સેવા ન હોવાના લીધે બાયર્સને મુંબઈથી વાયા ટ્રેન કે રોડ મારફતે સુરત લાંબા થવું પડે છે, તેથી બાયર્સ આવતા ખચકાટ અનુભવે છે.
આ મુશ્કેલીના લીધે જ સુરત ડાયમંડ બુર્સના પ્રણેતા વલ્લભ લાખાણીએ મુંબઈમાં ફરી ઓફિસ શરૂ કરવી પડી છે. બીજી તરફ પર્યાપ્ત વિમાની સેવા ન હોય સુરતી ઉદ્યોગકારોએ પોતાની માલિકીના ખાનગી ચાર્ટર્ડ પ્લેન ખરીદવાની ફરજ પડી છે. રાજહંસ સહિત અનેક ગ્રુપ દ્વારા કરોડો રૂપિયા ખર્ચી પોતાની માલિકીના ચાર્ટર્ડ પ્લેન ખરીદી લેવામાં આવ્યા છે.
જોકે, હવે ચાર્ટર્ડ પ્લેન ખરીદવા માટે કરોડોનું આંધણ કરવાની જરૂર નથી. કેમ કે દેશમાં સસ્તી કાર બનાવવા માટે જાણીતી કંપની મારૂતિએ ફ્લાઈંગ કાર બનાવી છે.
દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની હવે માત્ર જમીન પર જ નહીં પરંતુ હવામાં પણ ઉડવાની તૈયારી કરી રહી છે. મારુતિ સુઝુકી તેની પેરેન્ટ કંપની સુઝુકી સાથે મળીને ઇલેક્ટ્રિક એર કોપ્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. શરૂઆતમાં કંપની તેને જાપાન અને અમેરિકા જેવા માર્કેટમાં લોન્ચ કરશે. બાદમાં તેને ભારતીય માર્કેટમાં પણ લૉન્ચ કરાશે.
મારુતિ સુઝુકીએ તેની મૂળ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન સાથે ભાગીદારી કરી છે. આ કંપનીમાં હવામાં ઉડતા ઇલેક્ટ્રિક કોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક એર કોપ્ટર એ ડ્રોન કરતા મોટા હશે પરંતુ સામાન્ય હેલિકોપ્ટર કરતા નાના હશે. પાયલોટ સહિત ઓછામાં ઓછા 3 લોકો માટે બેઠક વ્યવસ્થા હશે.
રિપોર્ટ અનુસાર કંપની આ એર કોપ્ટરને સૌથી પહેલા જાપાન અને અમેરિકાના માર્કેટમાં એર ટેક્સી તરીકે લૉન્ચ કરશે. ત્યારબાદ તેને ભારતીય બજારમાં લાવવાની યોજના છે. કંપની માત્ર તેને ભારતીય બજારમાં લૉન્ચ કરવા માટે તૈયાર નથી પરંતુ તેની કિંમત ન્યૂનતમ રાખવા માટે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ પર પણ વિચાર કરી રહી છે.
સુઝુકી મોટરના આસિસ્ટન્ટ મેનેજર કેન્ટો ઓગુરાએ જણાવ્યું હતું કે આ પ્લાનને વાસ્તવિકતામાં ફેરવવા માટે એવિએશન રેગ્યુલેટર (DGCA) સાથે ચર્ચા ચાલી રહી છે. સ્કાયડ્રાઈવ નામનું ઇલેક્ટ્રિક એર કોપ્ટર જાપાનમાં 2025ના ઓસાકા એક્સપોમાં લૉન્ચ થવાની ધારણા છે.
મારુતિ ‘મેક ઈન ઇન્ડિયા’ કોન્સેપ્ટ હેઠળ આ ટેક્નોલૉજી ભારતમાં રજૂ કરવા માગે છે. કંપની હાલમાં સંભવિત ગ્રાહકો અને ભાગીદારોની શોધમાં ભારતીય બજાર પર સંશોધન કરી રહી છે. ઓગુરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એર કોપ્ટર ભારતમાં સફળ થવા માટે પોસાય તેવા હોવા જરૂરી છે.
મારુતિનું કોપ્ટર હેલિકોપ્ટરથી કેવી રીતે અલગ છે?
મારુતિનું 1.4 ટન વજન ધરાવતું ઇલેક્ટ્રિક એર કોપ્ટર ટેક ઓફ કરતી વખતે પરંપરાગત હેલિકોપ્ટર કરતાં લગભગ અડધા વજનનું હશે. આ હળવા વજનથી તે ટેક-ઓફ અને લેન્ડિંગ માટે મકાનની છતનો ઉપયોગ કરી શકશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિફિકેશનને કારણે એર કોપ્ટરના ઘટકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી તેના ઉત્પાદન અને જાળવણી ખર્ચ બંનેમાં ઘટાડો થશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM