DIAMOND CITY NEWS, SURAT
સુરતમાં દુનિયામાં સૌથી વધુ રફ ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ થાય છે. એવું કહેવાય છે કે વિશ્વમાં ક્યાંય જો 10 હીરા ભેગા કરવામાં આવે તો તેમાંથી 9 હીરા તો સુરતમાં જ કટ એન્ડ પોલિશ્ડ થયા હોવાની શક્યતા છે. સુરતમાં કુદરતી રફ હીરાની ખાણો તો નથી.
એટલે આફ્રિકા, રશિયા જેવા દેશોમાંથી રફ હીરાની આયાત કરવામાં આવે છે, તેના લીધે સુરતના નાના-મોટા હીરાવાળાઓએ મુંબઈ, એન્ટવર્પ, દુબઈ જેવા બજારો પર આધારિત રહેવું પડતું. ત્યાં સુધી આંટાફેરા કરવા પડતા હતા.
આથી આગેવાનોએ એવું વિચાર્યું કે કેમ નહીં સુરતમાં જ રફ હીરાની ટેન્ડર પ્રક્રિયાથી હરાજી શરૂ કરવામાં આવે. આ વિચાર ખૂબ સારો. રફ હીરાની જરૂરિયાત હોય તે વેપારી ટેન્ડરમાં ભાગ લે અને આવશ્યકતા અનુસાર રફ હીરા ખરીદે લે.
નાના મોટા કોઈનો ભેદ નહીં. બધાને સરખી તક મળે. આ ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ. આરંભમાં તેને સારી સફળતા પણ મળી, પરંતુ હવે કેટલાંક લેભાગુઓના લીધે આ સિસ્ટમ જ ત્રાસરૂપ બની ગઈ છે. વાત એ હદે વણસી છે કે ટેન્ડર પ્રક્રિયા બંધ કરો એવા મેસેજ હીરા બજારના વેપારીઓમાં ફરતા થઈ ગયા છે.
વાત એમ છે કે, છેલ્લા 2 વર્ષથી શહેરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર માઠી અસર પડી છે. ખાસ કરીને કોરોના બાદ વિશ્વમાં મંદીને કારણે કટ એન્ડ પોલિશ્ડ હીરાની માંગ સતત ઘટી રહી છે. આ સમસ્યાનું સમાધાન થાય તે પહેલાં જ શહેરના ઘણા નાના વેપારીઓ ‘રફની ટેન્ડર સિસ્ટમ બંધ કરો’ એવા મેસેજ વાઇરલ કરી રહ્યા છે.
રફની હરાજીને કારણે ખરીદનારા વધતાં સ્પર્ધા વધી અને તેના લીધે નાના વેપારીઓએ મજબૂરીમાં રફના પ્રિમિયમ ભાવ ચૂકવવા પડે છે. ખાસ કરીને એકની એક રફની 3 થી 5 વખત હરાજી થાય છે જેથી ભાવ વધે છે અને નાના વેપારીઓ આ રફની ખરીદી કરી શકતા નથી. આમ રફના ભાવમાં ફુગાવો થાય છે.
અમુક હીરા વેપારીઓ આ રીતે રફની હરાજી કરીને સટ્ટો પણ રમતા હોવાનો નાના વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રફનો ભાવ વધારે ચૂકવવો પડે છે અને તૈયાર હીરાના ભાવ મળતા નથી. આવા સમયે નાના વેપારીઓને કારખાનાં બંધ કરવાની નોબત આવી રહી છે. સુરતમાં નાની-મોટી મળીને દર મહિને સરેરાશ 500થી વધારે રફની હરાજી થઈ રહી હોવાનું વેપારીઓનું કહેવું છે.
રફ ટ્રેડિંગ કંપનીઓમાં સાઈટ ધરાવનારા હીરા વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં રફનો જથ્થો ખરીદવામાં આવે છે. ત્યાર બાદ તેમની રફ સુરત કે મુંબઈ ઓફિસે જાય છે, જેમાંથી હીરા વેપારીઓ જરૂરિયાત પ્રમાણેની અને સારી ક્વોલિટીની રફ કાઢી લે છે. ત્યાર બાદ આ કંપનીઓ રફની પેટા હરાજી કરે છે.
તેઓ જે કિંમતમાં રફ લાવ્યા હોય તેના કરતાં ભાવ 10થી 15 ટકા વધારે રાખે છે. આ જ રીતે અન્ય હીરા વેપારીઓ વિદેશમાંથી રફ લાવે છે અને સુરતમાં આવીને ફરી રફની હરાજી કરે છે.
વિદેશથી રફ હીરા લાવેલા વેપારીઓ સુરતમાં હરાજી કરે છે તેમની પાસેથી મોટા જથ્થામાં રફ ખરીદીને આવા વેપારીઓ નાના લોટમાં ફરી હરાજી કરે છે. આમ એકની એક રફની 3 થી 4 વખત હરાજી થાય છે અને રફના ભાવમાં ફુગાવો આવે છે.
શહેરના નાના-મોટા અનેક વેપારીઓ રફની ખરીદી કરી રહ્યા છે. અમુક જગ્યા પરથી ઘણા વેપારીઓ મોટા જથ્થામાં રફની ખરીદી કરે છે, જેમની ગુડવિલ ન હોય તેવા વેપારી રફની ખરીદી કર્યા બાદ જાતે રફની હરાજી કરતા નથી. તેઓ એજન્સીઓને શોધે છે અને ત્યાર બાદ એજન્સી મારફત રફની પેટા હરાજી કરે છે. આ ટ્રેન્ડને કારણે સુરતમાં રફની હરાજી કરી આપતી કંપનીઓ પણ કાર્યરત થઈ ગઈ છે.
એક બ્રોકરે કહ્યું કે, ઘણા મોટા વેપારીઓ રફના ભાવમાં સટ્ટો રમે છે. સરકારનો તેના પર કંટ્રોલ નથી. નાના વેપારીઓને ડાયરેક્ટ રફનું ટ્રેડિંગ કરતી કંપનીઓ પાસેથી રફ મળતી નથી જેથી તેમણે સટ્ટાનો ભોગ બનીને મજબૂરીમાં રફની ખરીદી કરવી પડે છે. હીરાના વેપારને હેલ્ધી રાખવા માટે નાના વેપારીઓને પણ રફ ટ્રેડિંગ કંપનીઓ પાસેથી ડાયરેક્ટ માલ મળે તે માટે સરકારે કોઈ વ્યવસ્થાકરવી જોઈએ.
શહેરમાં રફની હરાજીનો ટ્રેન્ડ છેલ્લાં 2 વર્ષમાં વધ્યો છે. રફની હરાજી કરવા માંગતા લોકો દ્વારા ખરીદારોને લિંક મોકલીનો મેસેજ કરવામાં આવે છે. ત્યારબાદ લિંકના મેસેજમાં ભાગ લેવા માંગતા લોકો રજિસ્ટ્રેશન કરાવે છે અને ત્યારબાદ રફની હરાજીમાં ભાગ લઈ શકે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM