18 વર્ષ પહેલાં 1500 રૂપિયા લઇને મુંબઈમાં પગ મુકેલો, આજે કરોડોના આસામી છે…

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે Achromic Lab LLPના મિતલ દોશી સાથે એક ખાસ મુલાકાત

Mital Doshi Achromic Lab LLP Vyakti Vishesh Rajesh Shah Diamond City 406-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

માયાવી નગરી મુંબઈ એ દેશની આર્થિક રાજધાની અને સપનાઓનું શહેર છે જ્યાં દરરોજ અનેક લોકો વિવિધ સપના લઈને આવે છે અને તેને સાકાર કરવામાં વ્યસ્ત હોય છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિની સક્સેસ સ્ટોરી વિશે જણાવીશું, જેમણે 18 વર્ષ પહેલાં ગુજરાતથી ગજવામાં 1500 રૂપિયા લઇને મુંબઈની ધરતી પર પગ મૂક્યો હતો અને આજે 18 વર્ષમાં તેઓ અબજો રૂપિયાની સંપત્તિના માલિક બની ગયા છે.

મુંબઈમાં અનેક લોકો આવે છે, પરંતુ બધા લોકો સપનાની ઊંચી ઉડાન ભરી શકતા નથી. આ વ્યક્તિએ મજબુત ઉડાન ભરી કારણ કે, તેમની પાસે હિંમત હતી, તેમની પાસે મજબુત ઇરાદાઓ હતા, જાતે જ આત્મનિર્ભર બનવું છે તેવી જીદ હતી. તેમણે અનેક સંઘર્ષોનો સામનો કર્યો, પરંતુ ડગ્યા નહી, ઊંચાઇ પર જવું છે એની પર ફોકસ રાખ્યું અને હા, તેમણે સખત મહેનત કરી, ડિસિપ્લીન રાખી અને મહેનત કરનારાઓને તો નસીબ પણ યારી આપે છે.

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે મુંબઈના ડાયમંડ મરચન્ટ મિતલ દોશીની સફળતાની સ્ટોરી તમારી સાથે શેર કરીશું.

મિતલ દોશી મૂળ ઉત્તર ગુજરાતના ડીસાના વતની, પરંતુ તેમનો જન્મ, ઉછેર, અભ્યાસ બધું અમદાવાદમાં જ થયું હતું. તેમનો જન્મ એવા પરિવારમાં થયો હતો જે એક સમૃદ્ધ પરિવાર હતો અને પરિવારમાં બધા જ શિક્ષિત લોકો, પિતાની ડીઝલ એન્જીન બનાવતા હતા,  માતા M.A., L.L.B. ભણેલા, બહેન સોફ્ટવેર એન્જિનિયર અને મિતલ પોતે IIM અમદાવાદમાંથી MBA થયેલા.

એમ કહી શકાય કે મિતલ બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન. તેમને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવી હતી, પરંતુ નિયતિ તેમને ડાયમંડ બિઝનેસમાં લઇ ગઇ. તમને એમ થશે કે સમૃદ્ધ પરિવાર, પૈસાદાર પરિવારમાં જન્મ થયો હોય તો કોઇ પણ સફળતા મેળવી શકે, પરંતુ મિતલ દોશીની સ્ટોરી અલગ છે.

એમના પિતા તરફથી સંસ્કાર મળ્યા હતા કે આત્મનિર્ભર બનવું. જાતે મહેનત કરીને પૈસા ભેગા કરવાનો આનંદ કઇ ઔર જ હોય છે. મિતલ પણ એવી જ વિચારધારા ધરાવતા હતા કે, પરિવારના પૈસાથી નહીં, પરંતુ પોતાની મહેનતથી જ જીવનમાં કઇંક કરીને બતાવવું છે.

જે ડાયમંડની કંપની માટે અમેરિકા જવાનું હતું તેનો વિઝા રિજેક્ટ થઇ ગયો હતો…

મિતલ દોશીને અમેરિકાની એક કંપનીમાં જોબ પ્લેસમેન્ટ મળી ગઇ હતી, પરંતુ એ તેમણે સ્વીકારી નહીં, તેમણે ડાયમંડની એક કંપની માટે અમેરિકા જવાનું હતું, પરંતુ તેમનો વિઝા રિજેક્ટ થઇ ગયો હતો., એ મારા જીવવના એ સૌથી દુખના દિવસો હતા, એમ લાગતું હતું કે સપનું રોળાઈ ગયું. 6 મહિના સુધી એ આઘાતમાંથી હું બહાર નહોતો આવ્યો. પરંતુ એવું કહેવાય છે કે, ભગવાન જે કરે તે સારા માટે જ કરતો હોય છે અને મને ડાયમંડના રસ્તો બતાવ્યો અને મેં આખરે હિંમત રાખીને મારી પોતાની કંપની ઊભી કરી.

1500 રૂપિયા ગજવામાં લઇને મુંબઈ ડાયમંડમાં કિસ્મત અજમાવવા નિકળેલો…

અમેરિકાના વિઝા રદ થયા તેનો વસવસો તો ઘણો હતો, પરંતુ એમ નક્કી કર્યું કે, દુઃખી થવાથી કોઇ રસ્તો મળવાનો નથી. એટલે આખરે ડાયમંડના બિઝનેસ માટે મુંબઈ જવાનું નક્કી કર્યું. એ હતું વર્ષ 2006. નક્કી કરીને નિકળ્યો હતો કે પોતાના પગ પર જાતે જ ઉભો થઇશ.

એ વખતે ગજવામાં 1500 રૂપિયા લઇને મુંબઈમાં પગ મૂક્યો હતો. તે વખતે ખબર હતી કે લાઈફ આસાન નથી રહેવાની, પરંતુ ઇરાદાઓ એટલા મજબુત પણ હતા. શરૂઆતમાં એક વર્ષ એક ડાયમંડની ઓફિસમાં એસોર્ટીંગનું શિખ્યો. ગોડ ગિફ્ટ ગણો કે ભણતરનો પ્રતાપ ગણો, જે કામ શીખતા લોકોને 6 વર્ષ લાગે એ એસોર્ટિંગનું કામ હું 6 મહિનામાં શીખી ગયો હતો.

એક નાનકડી ઓરડીમાં 5 લોકો સાથે રહેતો, નહાવામાં છેલ્લો નંબર લાગતો…

મુંબઈની માયાવી નગરીમાં ભાડેથી રહેવું અને સાથે ગજવામાં રૂપિયાની છનાછની ન હોય તો જીવવું કેટલું મુશ્કેલ હોય છે એ જેણે વેઠ્યું હોય તેને જ ખબર પડે. ઘરે તો મખમલી જાજામ પર સુવાનો મુકો મળતો, પરંતુ મુંબઈમાં એક નાનકડી ઓરડીમાં અમે 5 લોકો સાથે રહેતા.

એક પડખું ફેરવીએ તો પણ એકબીજા સાથે અથડાઇ જવાય તેવી હાલત હતી. નહાવામાં મારો નંબર છેલ્લો લાગતો. મેં  એક દિવસ પણ રજા લીધી નથી, ઘણી વખત કોઇ પ્રસંગ કે વહેવારમાં જવાનું હોય તો હું તે છોડી દેતો, પરંતુ મારું કામ ન છોડતો. આને કારણે મારે ઘણી વખત લોકોના મહેંણા ટોંણા પણ સાંભળવા પડતા હતા.

એક વર્ષ પછી પોતાની સ્પાર્કલ ડાયમંડ નામથી ઓફિસ શરૂ કરી…

મુંબઈમાં જોબની સાથે IGIમાં ડાયમંડ ગ્રેડીંગનો કોર્સ કર્યો. એ પછી હોંગકોંગમાં જેમ એન્ડ જ્વેલરીનો શો હતો તે જોવા એકલો ઊપડી ગયો હતો. એ પછી નક્કી કર્યું કે હવે મારે પોતાની જ ઓફિસ ખોલવી છે.

મેં સ્પાર્કલ ડાયમંડ નામથી ઓફિસ શરૂ કરી હતી. શરૂઆતમા મારે ઘણો સંઘર્ષનો સામનો કરવો પડ્યો, કારણ કે ડાયમંડ ઉદ્યોગમાં ભણેલા લોકો ઓછા આવે અને કોઇ વધારે ભણેલું ઉદ્યોગમાં આવે તો રિસ્પેક્ટ મળતું નહોતું.

પરંતુ મેં મારી કુનેહ લગાવીને હોંગકોંગ, અમેરિકા, જાપાન જેવા દેશોમાં મારું ગ્રાહક નેટવર્ક ઊભું કર્યું. 1500 રૂપિયા લઇને મુંબઈ આવેલો અને આજે 18 વર્ષમાં મોટી નેટવર્થ ઊભી કરી દીધી છે. આ નેટવર્થ આસમાનમાંથી ટપકીને નથી આવી, મિતલે કહ્યું કે, મારો પહેલેથી સ્વભાવ છે કે હું કઇ પણ કામ કરું તો તેમાં ઊંડો ઉતરી જાઉં. ડાયમંડ ઉદ્યોગમાં પણ ઘણો સ્ટડી કર્યો, ઘણા રિસર્ચ કર્યા, ડાયમંડ ઉદ્યોગમાં એક સ્થાન બનાવ્યું.

પત્નીના પગલાં પછી લક્ષ્મીની મહેરબાની વધી ગઇ…

મિતલ દોશીએ નિખાલસતા પૂર્વક કબૂલ્યું કે, મારા લગ્ન નિર્ઝરી સાથે થયા પછી મારા પર લક્ષ્મીની મહેરબાની વધી ગઇ. પત્નીના પગલાં મારા જીવનમાં ઘણા શુભ પુરવાર થયા.  તેના આગમન પછી  મારી સફળતાની ગાડી પુરપાટ દોડવા માંડી.

આજે અમને બે સંતાનો છે અને નિર્ઝરી મારી સાથે દરરોજ ઓફિસમાં આવીને મને મદદ કરે છે. આજે પણ સમયની શિસ્તતા જાળવી રાખી છે. સવારે 8-30 વાગ્યે ઓફિસ જવા નિકળી જ  જવાનું.

મિતલ દોશીએ જે વાત કરી તેના પરથી એક પંક્તિ યાદ આવી ગઇ કે…

નજર કો બદલો તો નજારે બદલ જાતે હૈ,
સોચ કો બદલો તો સિતારે બદલ જાતે હૈ,
કશ્તિયાં બદલને કી જરૂરત નહી,
દિશાઓ કો બદલો તો કિનારે ખુદ બ ખુદ બદલ જાતે હૈ…

3 મિત્રોએ 3 વર્ષ પહેલાં Achromic Lab LLP શરૂ કરી અને મોટા લેવલે લઇ જવાનું સપનું છે…

મિતલ દોશી સ્પાર્કલ ડાયમંડનું કામ તો કરતા જ હતા, પરંતુ સાથે સાથે તેમના 2 મિત્રો સુરેશભાઇ વિરાણી, હરેશભાઇ વોરા સાથે કોંગોથી રફ લાવીને વેચવાનું કામ પણ કરતા હતા. વર્ષે દિવસે 10 લાખ કેરેટ રફ ડાયમંડનો બિઝનેસ કરતા હતા.

3 વર્ષ પહેલાં ત્રણેય મિત્રોએ ચર્ચા કરી કે, આપણે હવે લેબગ્રોન ડાયમંડમાં પણ ઝંપલાવવું જોઇએ. આ વાતની સંમતિ થઇ અને Achromic Lab LLPની સ્થાપના થઇ. એક્રોમિકનો અર્થ થાય છે કલરલેસ મતલબ કે એકદમ પ્યોર વ્હાઇટ ક્વોલીટી.

ત્રણેય મિત્રોએ પહેલાં તો ઉંડાણપૂર્વક લેબગ્રોન બિઝનેસનું રિસર્ચ કર્યું. ત્રણેય મિત્રોમાં એક વાત કોમન હતી અને તે હતી સાહસની. 3 વર્ષ પહેલાં 1 મશીન લાવીને High Pressure and High Temperature  (HPHT)ની પ્રોસેસ શરૂ કરી.

Achromic Lab LLPના આ ત્રણેય ભાગીદારોએ રશિયા-ચીન અને જર્મનીના જે મશીનનું કોમ્બિનેશન કરીને એક અલગ જ મશીન બનાવ્યું. તેમણે મશીન પર 50 કેરેટની સાઇઝનો એક કલરલેસ ડાયમંડ બનાવ્યા છે, જે એક બિઝ એચીવમેન્ટ છે. Achromic કોઇ પણ સાઇઝ કે કોઇ પણ લંબાઇ માટે HPHT પ્રોસેસ કરવામાં સક્ષમ છે. આ ક્ષેત્રમાં તેમની નિપુણતા આવી ગઇ છે.

HPHTમાં ખૂબ જ ઓછા સમયમાં આ સેક્ટરના અગ્રણી ગ્રાહકો સુધી પહોંચી ગયા છે અને હજુ તેમનો કાર્યનો ગ્રોથ વધી રહ્યો છે અને નવા ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે.  

જેને કારણે તેમણે માત્ર 3 જ વર્ષમાં સન્માનીય સિદ્ધિ મેળવી લીધી છે અને HPHT બિઝનેસની  લીડીંગ કંપનીઓની સમકક્ષ આવી ગઇ છે. મિતલ દોશીએ કહ્યું કે, Achromic Lab LLP ને અમારે મોટા લેવલે લઇ જવાનું અમારું સપનું છે.

અત્યારે અમે રોજના 7,000 કેરેટ રફ ડાયમંડનું પ્રોડક્શન કરીએ છીએ. એક મશીનથી શરૂ કરીને આજે 8 મશીન થઇ ગયા છે. આ વર્ષના અંતમાં અમારો લક્ષ્યાંક રોજના 10,000 કેરેટ રફ ડાયમંડ પ્રોડકશનનો છે. અમને આ બિઝનેસમાં મોટું ફ્યુચર દેખાઇ રહ્યું છે.

મિતલ દોશીએ કહ્યું કે, અમારો 24 લાખ કેરેટ ડાયમંડ પ્રોડકશનનો ટાર્ગેટ છે. અત્યારે અમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ કે CVDમાં Dથી નીચેનો કલર નહીં આવે. અમે અત્યારે એડવાન્સ સ્ટેજ પર છીએ.

અમે વૈજ્ઞાનિકોને પણ સાથે રાખ્યા છે. અમે જીતીએ છીએ કારણ કે અમે કલાયન્ટ સર્વિસને પ્રાધાન્ય આપીએ છીએ. મિતલ દોશીનું જે મજબુત મનોબળ છે અને નેક ઇરાદો છે એ જોતા લાગે છે કે કંપની ટુંક સમયમાં ઊંચાઇઓને આંબી જશે.

આ સાથે મિતલ દોશી અન્ય બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે, જેમાં રફ ડાયમંડને ઇમ્પોર્ટ કરે છે, રિયલ એસ્ટેટમાં પણ કામ કરી રહ્યા છે, ઓનલાઈન સ્ટાર્ટઅપ પોર્ટલ – labnetમાં પણ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા જોડાયેલા છે.

આ તો હજુ શરૂઆત છે… હજુ ઘણું  આગળ વધવાનું છે…

મિતલ દોશીએ ખૂબ વિશ્વાસ સાથે જણાવ્યું કે આતો હજુ નાનકડી શરૂઆત છે, ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે ગતિથી હરણફાળ ભરી રહી છે એ જ ગતિથી અમે પણ અમારો વિકાસ કરવા માટે કટિબદ્ધ છીએ.

ભવિષ્યના લક્ષ્યાંકોને પહોંચી વળવા અને ભવિષ્યની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આવતા 2 વર્ષમાં માર્કેટ લીડર બનવાના લક્ષ્યાંક માટે અમે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યાં છીએ. અને જે ગતિ અને આયોજનથી અમે કામ કરી રહ્યા છીએ એ જોતાં કહી શકાય કે આવતા 2 વર્ષમાં અમે HPHT માર્કેટમાં લીડરનું સ્થાન હાંસિલ કરી લઈશું.

તમારામાં મહેનત કરવાની તાકાત હોય તો ચણા-મમરા વેંચીને પણ કરોડપતિ બની શકાય…

અમે મિતલ દોશીને પૂછ્યું કે આજની પેઢીને અને યંગ એન્ટરપ્રિન્યોરને તમારી જિંદગીના અનુભવોમાંથી શું મેસેજ આપશો? એમણે કહ્યું કે, સફળતાની સૌથી પહેલી શરત છે કે પગલું માંડો. તમારે જે કંઇ પણ હાંસલ કરવું  હશે તેના માટે પ્રયાસ કરવા પડશે. બેઠો લાડવો મળવાનો નથી.

જો તમારામાં મહેનત કરવાની તાકાત અને લગન હશે તો તમે ચણા-મમરા વેંચીને પણ કરોડપતિ બની જશો. જો તમે પરિણામોની ચિંતા કર્યા વિના કામ કરવાનું ચાલુ રાખશો, તો સફળતા અને માનસિક શાંતિ તમારા જીવનભર તમને છોડશે નહીં.

જે વ્યક્તિ માત્ર સખત મહેનત કરે છે તેને સફળતા મેળવવાથી કોઈ રોકી શકતું નથી. તમે જે કરશો તે તમને મળશે, તેથી તમારા કાર્યો હંમેશા સારા રાખો જેથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો. તમારે સફળ થવું હોય તો વાંચન વધારજો વાંચન તમને જિંદગીમાં ડગલેને પગલે મદદ કરશે. જિંદગીમાં તમારો ગોલ સેટ કરો અને તેની પાછળ તમારું 100 પરસન્ટ ઝોકી દો. જિંદગીમાં વૅલ્યુ, એથિક્સ જાળવીને આગળ વધશો તો સફળતા મીઠી મધ જેવી લાગશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS