DIAMOND CITY NEWS, SURAT
હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ બધું બરાબર ચાલી રહ્યું નથી. આંતરરાષ્ટ્રીય બજાર તો ગયા વર્ષથી જ નબળું છે. સુરત-મુંબઈના હીરા વેપારીઓએ રફની ખરીદી બે મહિના અટકાવી તેનો પણ ખાસ લાભ થયો હોય તેવું જણાતું નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડની ડિમાન્ડ તળિયે છે. કુદરતી હીરાનો માલ વેચાઈ રહ્યો નથી. વળી, વેચાયેલા માલનું પેમેન્ટ સમયસર આવી રહ્યું નથી. તેના લીધે દિવાળી બાદથી હીરા ઉદ્યોગમાં પેમેન્ટની સાયકલ ખોરવાઈ ગઈ છે.
બજારમાં વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે, ત્યારે મુંબઈ બીકેસીના એક હીરાના વેપારીએ 70 કરોડની માતબર રકમમાં ઉઠમણું કર્યાની વાત બહાર આવી છે. મૂળ બનાસકાંઠાનાં પાલનપુરનો વતની અને મુંબઈના BKC હીરા બજારમાં વેપાર કરતો હીરા વેપારી 70 કરોડમાં ઊઠી જતાં સુરતના હીરા ઉદ્યોગમાં ચકચાર જાગી છે.
આ ઉઠમણામાં કતારગામની મોટી ડાયમંડ કંપનીના 18 કરોડ સહિત સુરતના વેપારીઓની 50 કરોડની મૂડી ફસાઈ છે. સુરતની ડાયમંડ કંપનીઓ પાસે મુંબઈના વેપારીએ પ્રિન્સેસ પાન માર્કિસ જેવા મોંઘા ફેન્સી ડાયમંડની ક્રેડિટ પર ખરીદી કરી હતી.
ઊઠમણું કરનાર વેપારીએ સુરતના વિવિધ વેપારીઓ પાસેથી પ્રિન્સેસ પાન માર્કિસ હીરા ખરીદ્યા હતાં. ઊઠમણું કરનાર મુંબઈના ડોક્ટર ઉપનામ ધારી વેપારીનો જમાઈ હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં લેણદારોએ ક્રેડિટ ઉપર હીરા આપવા માટે ગેરંટી લેનાર વેપારીઓને કતારગામ ખાતે એસોસિએશનની ઓફિસે તેડાવ્યા હતાં, જ્યાંથી માલ આપવા ભલામણ કરનારાઓને ઊઠમણું કરનારાએ પેમેન્ટ ચૂકવી શકાય એમ નથી, સમય લાગશે એવો ઉત્તર આપતાં ગેરંટી આપનાર ભેરવાયા છે.
દિવાળી 2023 પછી મંદીને લીધે સુરતના હીરા ઉદ્યોગની ગાડી હજુ પાટે ચઢી નથી ત્યાં મોટા ઉઠમણાંએ બજારને હચમચાવી દીધું છે. 18 કરોડ જેટલી મોટી રકમ સુરતની જાણીતી કંપનીની ફસાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરત -મુંબઈના હીરા ઉદ્યોગના સૂત્રોનાં જણાવ્યા મુજબ મૂળ પાલનપુરનો વતની આ હીરા વેપારી બીકેસીનાં ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવે છે અને વર્ષોથી મુંબઈ હીરા બજારના ભારત ડાયમંડ બુર્સ ખાતેથી ફેન્સી પોલીશ્ડ ડાયમંડનો વેપાર કરતો આવ્યો છે.
લેણદારો તેની મૂડી ક્યાં ફસાઈ છે તે જાણવા પ્રયાસ કરી રહ્યાં છે. ઊઠમણું કરનાર વેપારીએ મહત્તમ ખરીદી સુરતના હીરા બજારમાંથી કરી હતી. સુરતનાં વેપારીઓની 50 લાખ થી લઇ 18 કરોડ સુધીની રકમ ફસાઈ છે.
ઉઠમણાંનો આંક 70 કરોડથી વધવાની શક્યતા છે. મુંબઈના ઊઠમણું કરનાર વેપારીને સુરતથી ફેન્સીનો પોલીશ્ડ ડાયમંડનો માલ આપવાની ભલામણ પણ સુરતની એક મોટી ડાયમંડ પેઢીનાં સંચાલકોએ કરી હતી.
તેઓ પણ આ અણધાર્યા ઉઠમણાંથી ભીંસમાં મૂકાયા છે. ઉઠમણું કરનાર વેપારી મુંબઈના મલાડમાં લક્ઝુરિયસ ફ્લેટમાં રહે છે. પણ અત્યારે તાળું મારી નાસી છૂટયો છે.લેણદારો પાલનપુરમાં પણ તેની શોધ કરી છે પણ તે ત્યાં પહોંચ્યો નથી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM