GJEPCનો 50મો ભવ્ય જેમ એન્ડ જ્વેલરી IGJA એવોર્ડ સમારોહ યોજાયો

મહારાષ્ટ્રના ગર્વનર રમેશ બૈસ અને રિલાયન્સ ગ્રુપના એમડી મુકેશ અંબાણી ઉપસ્થિત રહી જીજેઈપીસીના 50માં આઈજીજે એવોર્ડ સમારોહની શોભા વધારી

GJEPCs 50th Grand Gem and Jewellery IGJA Award Ceremony held-1
જીજેઈપીસી દ્વારા આયોજીત 50માં આઈજીજેએના એવોર્ડ સમારોહમાં મહારાષ્ટ્રના ગર્વનર શ્રી રમેશ બૈસે રિલાયન્સના ચૅરમૅન અને એમડી શ્રી મુકેશ અંબાણીની હાજરીમાં રોઝી બ્લુ ગ્રુપ (ભારત)ના એમડી શ્રી રસેલ મહેતાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો હતો. આ પ્રસંગના સાક્ષી જીજેઈપીસીના ચૅરમૅન શ્રી વિપુલ શાહ, ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ શ્રી અનૂપ મહેતા, જીજેઈપીસીના પ્રમોશન એન્ડ માર્કેટિંગના કન્વીનર શ્રી મિલન ચોક્સી બન્યા હતા.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરા ઝવેરાત ઉદ્યોગ ક્ષેત્રની ભારતની સૌથી મોટી સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા તા. 30 માર્ચને શનિવારના રોજ મુંબઈ ખાતે ભારતના એક્સપોર્ટ ક્રાઉનમાં સૌથી તેજસ્વી ઝવેરાત સમાન પ્રતિષ્ઠિત 50માં ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA) સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. GJEPC દ્વારા આ સમારોહમાં વિવિધ કેટેગરીમાં કુલ 24 IGJ પુરસ્કારો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઇન્ડસ્ટ્રી પરફોર્મન્સ એવોર્ડ્સ 14, વિશેષ માન્યતા પુરસ્કારો 7, સન્માન પુરસ્કારો 2 અને જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી એવોર્ડને સમર્થન આપતી બેંકનો 1 એવોર્ડ હતી. IGJA એ અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (GIA) દ્વારા સંચાલિત છે, જેમોલોજીમાં વિશ્વની અગ્રણી સંસ્થા છે.

આ સંસ્થાની શરૂઆત 1974માં શરૂઆત થઈ હતી. ત્યારથી જ IGJA એ જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં શ્રેષ્ઠતાનું પ્રતીક બની રહી છે. આ સંસ્થા ઉદ્યોગને આગળ ધપાવતા ઉદ્યોગ સાહસિકોની લાગણીને માન્યતા આપે છે. દર વર્ષે IGJA જેમ અને જ્વેલરી ક્ષેત્રે સિદ્ધિઓનું પ્રદર્શન કરી તેમાંથી જે સર્વશ્રેષ્ઠ હોય તેનું સન્માન કરે છે. આ પ્રતિષ્ઠિત સમારોહ કંપનીઓ અને ઉદ્યોગના સહભાગીઓ સાથે ઉજવણી કરે છે. ઉદ્યોગની ગતિશીલ પ્રકૃતિને પ્રતિબિંબિત કરતી સામાજિક જવાબદારી, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા સહિત નવી શ્રેણીઓને સ્વીકારવા માટે IGJA વર્ષોથી વિકસિત થયું છે.

30 માર્ચ 2024ના રોજ યોજાયેલા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્રના ગર્વનર શ્રી રમેશ બૈસ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યાં હતાં. જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહ, વાઈસ ચૅરમૅન કિરીટ ભણસાલી તેમજ એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સબ્યસાચી રેએ જીજેઈપીસીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉપરાંત સમારોહમાં ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનુપ મહેતા, પ્રમોશન એન્ડ માર્કેટિંગના કન્વીનર મિલન ચોક્સી, જીઆઈએના એમડી શ્રી શ્રીરામ નટરાજન પણ હાજર રહ્યાં હતા.

સમારોહમાં રોઝી બ્લુ (ભારત)ના એમડી શ્રી રસેલ મહેતાને જેમ્સ એન્ડ જ્વેલરીની દુનિયામાં તેમના ઉદાહરણીય યોગદાન અને પ્રેરણાદાયી મોડેલ તરીકે સેવા આપવા બદલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ગર્વનર શ્રી રમેશ બૈસે રિલાયન્સના ચૅરમૅન શ્રી મુકેશ અંબાણીની હાજરીમાં રસેલ મહેતાને એવોર્ડ એનાયત કર્યો હતો.

આ પ્રસંગે મહારાષ્ટ્રના ગર્વનર શ્રી રમેશ બૈસે જણાવ્યું હતું કે, મને એ જાણીને આનંદ થયો છે કે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા મુંબઈમાં ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ ફંક્શનનું આયોજન કરાયું છે. ભારતના જીડીપીમાં જેમ અને જ્વેલરી ઉદ્યોગનો હિસ્સો 7 ટકા છે. આ ઉદ્યોગ 5 મિલિયનથી વધુ કુશળ અને અર્ધ-કુશળ કર્મચારીઓને રોજગારી આપે છે. એ વાત આનંદદાયક છે કે મહારાષ્ટ્ર જેમ એન્ડ જ્વેલરીની નિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર છે. GJEPC તેના બહુપક્ષીય કાર્ય દ્વારા બ્રાન્ડ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે. મને ખાતરી છે કે, કાઉન્સિલના સભ્યો 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાને હાંસલ કરવાના ભારતના લક્ષ્યને સાકાર કરવામાં તેમનું મહત્તમ યોગદાન આપશે. હું GIEPC 50માં ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સમાં સન્માનિત થયેલા તમામ પુરસ્કારોને અભિનંદન આપું છું અને કાઉન્સિલને તેના ભાવિ પ્રયાસોમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું.

ડાયમંડ, જેમ એન્ડ જ્વેલરીના વેપારી-ઉદ્યોગપતિઓથી ભરચક ભરેલા હોલને સંબોધિત કરતી વખતે રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અને એમડી શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકતા અને એન્ટરપ્રાઇઝના સાચા અર્થનું પ્રતિનિધિત્વ કરીને તમે હીરાના નિકાસકારોએ જે કંઈ હાંસલ કર્યું છે તે તમામની હું પ્રશંસા કરું છું. હું 50માં ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સમાં તમામ પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતાઓને મારા હાર્દિક અને હૃદયપૂર્વક અભિનંદન આપવા ઇચ્છું છું. આ પ્રતિષ્ઠિત પુરસ્કારોની સુવર્ણ જયંતિ માત્ર જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) માટે ગૌરવપૂર્ણ સીમાચિહ્નરૂપ નથી, પરંતુ તે ભારતીય જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ભવ્ય વારસા અને તેજસ્વી ભાવિ બંનેને પણ પ્રકાશિત કરે છે.

વર્ષોથી નોંધપાત્ર રીતે વિકસિત થઈને આ ઉદ્યોગ વૈશ્વિક લક્ઝરી માર્કેટમાં અગ્રણી ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. તેમજ ભારતના નિકાસ અર્થતંત્રમાં મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યો છે. તે મોટા પાયે રોજગારીની તકોનું મુખ્ય જનરેટર પણ બન્યું છે. સતત આધુનિકતાને આવકારી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ ઉદ્યોગકારોનો આભાર માનવો જોઈએ. વિશ્વ આજે ભારતીય ડિઝાઇનની શક્તિ, ભારતીય ડિઝાઇનરોની સર્જનાત્મકતા, ભારતીય સામગ્રીની ગુણવત્તા અને વૈવિધ્યસભર ઉત્પાદનોમાં ભારતના સૌંદર્ય શાસ્ત્રની સંપૂર્ણ શ્રેણીથી સ્તબ્ધ છે. ઉદ્યોગ આગામી વર્ષોમાં વૈશ્વિક બજારમાં તેનો હિસ્સો બમણાથી વધુ કરવાની તૈયારીમાં છે.

આ સફળતાના હાર્દમાં GJEPCના અવિરત પ્રયાસો અને દૂરંદેશી નેતૃત્વને શ્રેય જાય છે. જીજેઈપીસીએ ઉદ્યોગને આટલી ઊંચી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે. તે વાત કાબિલેતારીફ છે. GJEPC એ વૈશ્વિક મંચ પર ભારતીય જેમ્સ અને જ્વેલરીના કારણને આગળ ધપાવ્યું છે અને સંશોધનને પોષવામાં, ટકાઉ પ્રેક્ટિસને સુનિશ્ચિત કરવામાં અને ક્ષેત્રની અંદર કૌશલ્ય વિકાસની સુવિધા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્વેલરી ઉદ્યોગની નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનક્ષમતા ખાસ કરીને અનિશ્ચિત આર્થિક સમયગાળા દરમિયાન GJEPC દ્વારા ભજવવામાં આવેલી શ્રેષ્ઠ ભૂમિકાનો પુરાવો છે.

મને વિશ્વાસ છે કે GJEPC વ્યૂહાત્મક માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને નવીનતાને પ્રોત્સાહિત કરશે. અમારા ઉદ્યોગ સાહસિકો અને વ્યાવસાયિકોની પ્રતિભા અને જુસ્સો ભારતીય જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને વધુ ઊંચાઈઓ પર લઈ જશે. મને વિશ્વાસ છે કે ભારતનો રત્ન અને ઝવેરાત ઉદ્યોગ આગામી થોડા વર્ષોમાં 100 અબજ ડોલરના આંકને સ્પર્શી જશે.

આ પ્રસંગે GJEPCના ચેરમેન શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, આજે ભારત જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે વૈશ્વિક લીડર તરીકે ઊંચું ઊભું છે. અમારી નિકાસ સતત વધી રહી છે. આપણું સ્થાનિક બજાર ખીલે છે અને અમારા કારીગરો તેમની જટિલ રચનાઓથી વિશ્વને પ્રેરણા આપે છે. આ પ્રગતિ ઉદ્યોગના હિતધારકોની સખત મહેનત, સમર્પણ અને સામૂહિક દ્રષ્ટિનું પ્રત્યક્ષ પ્રતિબિંબ છે. આ ગતિશીલ ઉદ્યોગને ચૅમ્પિયન બનાવવા અને તેને આગળ વધારવામાં GJEPCનું સમર્પણ વૈશ્વિક રત્ન અને ઝવેરાત બજારમાં મુખ્ય ખેલાડી તરીકે ભારતની પ્રતિષ્ઠાને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે.

વૈશ્વિક બજાર ગતિશીલ છે અને ભારતીય રત્ન અને ઝવેરાત ઉદ્યોગે તેની સ્પર્ધાત્મક ધાર જાળવી રાખવા માટે નવીનતા, ટકાઉપણું અને જવાબદાર સોર્સિંગને અપનાવવું જોઈએ. અમે 50માં ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA)ને ચિહ્નિત કરીએ છીએ. અમે માત્ર વ્યક્તિગત નિકાસકારોની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવીએ છીએ પરંતુ ઉદ્યોગના સામૂહિક પ્રયાસોને પણ બિરદાવીએ છીએ. 50મો IGJA સમારંભ એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ઉદ્યોગની વૃદ્ધિ અને સફળતાને પોષવામાં કાઉન્સિલના નોંધપાત્ર સમર્પણ અને નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે.

ઉદ્યોગનો માર્ગ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સમૃદ્ધ અને ટકાઉ ભારત અથવા વિકસીત ભારતની દ્રષ્ટિ સાથે નજીકથી સંરેખિત થાય છે. GJEPC આ હેતુ માટે પૂરા દિલથી પ્રતિબદ્ધ છે, વિકાસ અને ટકાઉપણું ચલાવવા માટે સક્રિયપણે પહેલ કરી રહી છે. આ પ્રયાસો માત્ર ઉદ્યોગના વિસ્તરણમાં જ ફાળો આપતા નથી પરંતુ વિકસીત ભારતના સિદ્ધાંતો સાથે તેનું સંરેખણ પણ સુનિશ્ચિત કરે છે, એમ શ્રી શાહે ઉમેર્યું હતું.

GJEPCના વાઈસ ચૅરમૅન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, આજે આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. કારણ કે આપણે ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. છેલ્લાં પાંચ દાયકાઓમાં અમારા ઉદ્યોગે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે. દરેક પસાર થતા વર્ષ સાથે વધુ મજબૂત થઈ રહ્યો છે. આજે ભારત વિશ્વ માટે જેમ્સ અને જ્વેલરી માટે પસંદગીનું સોર્સિંગ સ્થળ છે. રત્ન અને ઝવેરાત ઉદ્યોગની પ્રભાવશાળી વાર્ષિક નિકાસ જેનું મૂલ્ય USD 40 બિલિયન છે, તે દરેક નિકાસકારનું સમર્પણ અને મહત્વાકાંક્ષા દર્શાવે છે જેણે મોટા સપના જોવાની હિંમત કરી હતી.

GIA ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શ્રીરામ નટરાજને જણાવ્યું હતું કે, GJEPCને તેના ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA)ની સુવર્ણ જયંતિ પર હૃદયપૂર્વક અભિનંદન આપવા બદલ હું સન્માનિત છું. અમારા ઉદ્યોગના ઈતિહાસમાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને GJEPC દ્વારા જેમ અને જ્વેલરી ક્ષેત્રની શ્રેષ્ઠતાને ઓળખવામાં જે સમર્પણ અને પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે. અમે GJEPC સાથે અનેક મુખ્ય પહેલો પર સહયોગ કરીએ છીએ જે ભારતીય જેમ અને જ્વેલરી ઉદ્યોગની સતત વૃદ્ધિ અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.

IGJAના 50માં એવોર્ડ સમારોહમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં દરેક ક્ષેત્રને તેમની રીતે યોગદાન આપનારને માન્યતા આપી છે, જ્યારે ઉદ્યોગમાં પ્રતિભા અને માર્ગદર્શન (મોટા ખેલાડીઓ તેમજ એમએસએમઈ)ને સન્માનિત કર્યા છે. વિજેતાઓમાં રેનેસાન્સ ગ્લોબલ લિમિટેડ, વૈભવ ગ્લોબલ લિ., એમરલ્ડ જ્વેલ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા લિ., લક્ષ્મી ડાયમંડ, કિરણ જેમ્સ, કિરણ એક્સપોર્ટ્સ, હસમુખ પારેખ જ્વેલર્સ, અશોક જ્વેલર્સ, જ્વેલેક્સ ઇન્ડિયા, કિરણ જ્વેલરી, શ્રી મોમાઈ કૃપા જ્વેલરી, ધાનેરા ડાયમંડ, ઓપલ ડાયમંડ, આમ્રપલ્લી એક્સપોર્ટ્સ, ઈન્ડસ્ટ્રિઅલ જ્વેલ્સ, ગ્રીન લેબ ડાયમંડ્સ જેવા નામોનો સમાવેશ થાય છે.

મેસર્સ શ્રી આવદ કૃપા જ્વેલરીના શ્રીમતી હીના વિમલ ધોરડાએ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો છે. મેસર્સ શ્રી આવદ કૃપા જ્વેલરીના શ્રીમતી ફોરમ મેહુલ ધકાને વુમન આંત્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. ઇન્ડસઇન્ડ બેંક લિ.એ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને ધિરાણ આપતી શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ જીત્યો છે. (રૂ. 500 કરોડના લઘુતમ મર્યાદાની સૌથી વધુ વૃદ્ધિ કરી છે).

વર્ષ 2022-23ના વિજેતાઓની યાદી

ફેલિસિટેશન એવોર્ડ્સમાં લાઈફટાઈમ એચિવેમેન્ટ એવોર્ડ રસેલ મહેતાને એનાયત કરાયો. સ્પેશ્યિલ રેકેગ્નાઈઝેશન એવોર્ડ્સ કેટેગરીમાં હાઈએસ્ટ ટેક્સપેયર કંપની તરીકે કિરણ જેમ્સ અને હાઈએસ્ટ ટર્નઓવરનો એવોર્ડ પણ કિરણ જેમ્સને એનાયત કરાયો છે. ઇન્ડસ્ટ્રી પર્ફોમન્સ એવોર્ડ કેટેગરીમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ (મોટા) એક્સપોર્ટ્સ 1000 કરોડ કે તેથી વધુની કેટેગરીનો એવોર્ડ પણ કિરણ જેમ્સને મળ્યો છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ (મધ્યમ) એક્સપોર્ટ 250 થી 1000 કરોડની કેટેગરીનો એવોર્ડ ધાનેરા ડાયમંડ્સને મળ્યો છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ (નાના) એક્સપોર્ટ 250 કરોડથી ઓછાની કેટેગરીનો એવોર્ડ ઓપલ ડાયમંડ્સને મળ્યો છે.

પ્રિસિયસ મેટલ જ્વેલરી પ્લેન (લાર્જ) 250 કરોડથી વધુની કેટેગરીનો એવોર્ડ હસમુખ પારેખ જ્વેલર્સને મળ્યો છે. પ્રિસિયસ મેટલ જ્વેલરી પ્લેન (મિડિયમ) 100 કરોડ થી 250 કરોડની એક્સપોર્ટ કેટેગરીનો એવોર્ડ અશોક જ્વેલરી પ્રા.લિ.ને મળ્યો છે. પ્રિસિયસ મેટલ જ્વેલરી સ્ટડેડ (લાર્જ) 500 કરોડથી વધુ એક્સપોર્ટની કેટેગરીનો એવોર્ડ જ્વેલેક્સ ઇન્ડિયા પ્રા.લિ., પ્રિસિયસ મેટલ જ્વેલરી સ્ટડેડ (મિડિયમ) 100 કરોડથી 500 કરોડના નિકાસની કેટેગરીનો એવોર્ડ કિરણ જ્વેલરીને, પ્રિસિયસ મેટલ જ્વેલરી પ્લેન એન્ડ સ્ટેડેડ (એસએમઈ) 100 કરોડથી ઓછી નિકાસનો એવોર્ડ શ્રી મોમાઈ કૃપા જ્વેલરી, સિલ્વર જ્વેલરીમાં રેનીસેન્સ ગ્લોબલ લિમિટેડ, કટ એન્ડ પોલિશ્ડ કલર્ડ જેમ્સ્ટોન્સનો વૈભવ ગ્લોબલ લિમિટેડ, કોસ્ચ્યુમ-ફેશન જ્વેલરીનો આમ્રપાલી એક્સપોર્ટ્સ, કટ એન્ડ પોલિશ્ડ સિન્થેટીક સ્ટોન્સનો ઈન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ પ્રા.લિ., લેબગ્રોન ડાયમંડ (હાઈએસ્ટ એક્સપોર્ટ્સ)નો ગ્રીન લેબ ડાયમંડ્સ, મોસ્ટ સોશિયલ રિસ્પોન્સિબલ કંપની (સીએસઆર)નો લક્ષ્મી ડાયમંડ પ્રા.લિ.ને મળ્યો છે. તેમજ સ્પેશ્યિલ રેકેગ્નાઈઝેશન એવોર્ડ્સ કેટેગરીમાં હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ ઓન ધ કંપની રોલ્સનો એમરલ્ડ્ જ્વેલ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા લિ., હાઈએસ્ટ જેમ્સ એન્ડ જ્વેલરી સેલ્સ (ઈમ્પોર્ટર) યુએસએ એન્ડ કેનેડાનો યુનિક ડિઝાઈન ઈન્ક, હાઈએસ્ટ જેમ્સ એન્ડ જ્વેલરી સેલ્સ (ઈમ્પોર્ટર) એશિયા (ઇન્ડિયા સિવાય)નો એવોર્ડ કિરણ એક્સપોર્ટ્સ (હોંગકોંગ) લિ.ને મળ્યો છે. હાઈએસ્ટ જેમ્સ એન્ડ જ્વેલરી સેલ્સ (ઈમ્પોર્ટર) યુરોપનો કિરણ એક્સપોર્ટ્સ એનવી, એવોર્ડ ફોર બેસ્ટ ઈનોવેટિવ માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ કેમ્પેઈન ઓવરસીઝનો કિરણ જેમ્સને એવોર્ડ મળ્યો છે.

ફેલીસીટેશન એવોર્ડ્સ કેટેગરીમાં વુમન આન્ત્રપ્રિન્યોર ઓફ ધી યરનો એવોર્ડ મેસર્સ શ્રી અવાદ કૃપા જ્વેલરીના હીના વિમલ ધોરડા અને ફોરમ મેહુલ ધાકનને મળ્યો છે. તે ઉપરાંત બેન્ક્સ એન્ડ એજન્સી સપોર્ટિંગ ધ જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી કેટેગરીનો એવોર્ડ્સ બેસ્ટ બેન્ક ફાઈનાન્સિંગ ધ ઇન્ડસ્ટ્રી (હાઈએસ્ટ ગ્રોથ ઓફ લિમિટ સેન્કશન વીથ મિનિમમ બેઝ ઓફ 500 કરોડ)નો ઈન્ડસન્ડ બેન્ક લિમિટેડને એનાયત કરાયો છે.

હીરા ઉદ્યોગ આગામી દાયકામાં 100 અબજના આંકને સ્પર્શ કરશે : મુકેશ અંબાણી

ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શનિવારે તા. 30 માર્ચે જણાવ્યું હતું કે, “ઉદ્યોગની જવાબદારી છે કે તે મજબૂત અને વધુ સમાવિષ્ટ ભારતનું નિર્માણ કરે.” અહીં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા આયોજિત 50મી ગોલ્ડન જ્યુબિલી ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સને સંબોધિત કરતી વખતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી કેટલાક દાયકાઓમાં હીરા ઉદ્યોગ 100 અબજનો વિકાસ કરશે. ડોલર નિકાસ સ્તરને સ્પર્શવાના તેના લક્ષ્ય સુધી પહોંચશે. તેમણે કહ્યું, એક વેપારી સમુદાય તરીકે આપણા બધાની સામૂહિક રીતે એક મજબૂત, બહેતર અને વધુ સમાવિષ્ટ ભારતનું નિર્માણ કરવાની જવાબદારી છે, જેથી આગામી દાયકાઓમાં આપણા વડાપ્રધાને આપણા માટે જે એક વિકસિત ભારતની કલ્પના કરી છે, જે સંપૂર્ણ વિકસિત ભારતનું લક્ષ્ય છે તે હાંસલ કરી શકાય.

તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને તેમની સરકાર 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થવ્યવસ્થા બનાવવાનું વચન આપી રહી છે. હીરા ઉદ્યોગને અભિનંદન અંબાણીએ છેલ્લા કેટલાક દાયકાઓમાં નિકાસને $40 બિલિયન સુધી લઈ જવા અને દેશમાં 50 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવા માટે હીરા ઉદ્યોગને અભિનંદન આપ્યા હતા.

અંબાણીએ જણાવ્યું હતું કે, “આજે પાલનપુરના લોકોના નેતૃત્વમાં ઉદ્યોગે નાની શરૂઆતથી જ ખૂબ પ્રગતિ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને પાલનપુરના લોકોના કામ પર ગર્વ છે. અંબાણીનું કાઠિયાવાડ અને પાલનપુર સાથે ઊંડું જોડાણ છે.” તેમણે કહ્યું કે, “અંબાણી પરિવારના મૂળ કાઠિયાવાડમાં છે અને પાલનપુરના લોકો સાથે મળીને કામ કરવાની સંભાવનાનો પણ સંકેત આપ્યો.” તેમણે કહ્યું, “કાઠિયાવાડીઓ અને પાલનપુરીઓ વચ્ચેની ભાગીદારી મોટી તકો ઊભી કરી શકે છે.” અંબાણીએ એમ પણ કહ્યું કે, “તેમની વહુ શ્લોકા મહેતા રોઝી બ્લ્યુના રસેલ મહેતાની પુત્રી છે, જે ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક છે અને ઉમેર્યું હતું કે અંબાણી પરિવારને શ્લોકા પર ખૂબ ગર્વ છે. તે ‘લકી’ છે.”

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS