ખેતી, હીરા ઘસવાથી માંડીને ડાયમંડ ટેક્નોલૉજીના બિઝનેસની સફળતાની બે ભાઈઓની સફર જાણો

4P મશીનોને કારણે જે ડાયમંડ પ્રોડક્શનની 225ની સ્પીડ હતી તેને પહેલા 400 સુધી અને પછી 700 સુધી લાવવામાં તેમનો સિંહ ફાળો છે

Bipin Dhameliya Vivek Dhameliya Arpit Industries Vyakti Vishes Rajesh Shah Diamond City 408-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની વ્યક્તિ વિશેષ કોલમમાં આ વખતે 2 એવા ભાઇઓની વાત કરવી છે, જેમણે અનેક પડકારો, સંઘર્ષોનો હિંમતભેર સામનો કરીને આજે મોટી છલાંગ મારી છે. એક સમયે બિઝનેસમાં માથે દેવું થઇ ગયેલું, છતા આ તો સોરઠના સાવજ એટલે ડગ્યા નહી અને રસ્તાઓ કાઢતા કાઢતા આગળ વધતાં ગયા. ખુમારીનું ખમીર અને માણસાઇની મુલાયમતા આ બંને ભાઇઓમાં ભારોભાર ભરેલી છે. અમે વાત કરી રહ્યાં છીએ ડાયમંડ પોલિશિંગ મશીન વગેરેના સપ્લાય અને ટ્રેડિંગમાં ખૂબ જ કુશળતા મેળવનારા બિપિનભાઇ ધામેલિયા અને તેમના કાકાના દીકરા વિવેકભાઇ ધામેલિયાની…

એ યાદ રાખવું અગત્યનું છે કે રાતોરાત સફળતા ક્યારેય મળતી નથી. તમારે તમારા કામ પ્રત્યે સમર્પિત થવું પડે, તમારી આવડતના 100 ટકા ઝોકી દેવા પડે, મગજ ચલાવવું પડે અને સૌથી મહત્ત્વની વાત કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ગુજરાતીમાં કહેવત છે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. જેઓ જાણે છે કે કેવી રીતે કામ કરવું અને તે કરવા માટેના સાધનો છે તેમના માટે દરેક સમય સારો છે. આજના જમાનામાં લોકો સગાં ભાઇ પર વિશ્વાસ કરતા નથી ત્યારે એવા બે સફળ ભાઈઓની વાત કરવી છે, જે સંબંધમાં સગાં ભાઇ નથી, પરંતુ કાકાના દીકરા છે અને બંને 16 વર્ષથી સાથે બિઝનેસ કરે છે, કોઇ પણ જાતના મતભેદ, વિવાદ કે મતમંતાર વગર. આ બે ભાઈઓમાં એક 8 ચોપડી ભણેલા છે તો બીજા B.Sc. ભણેલા છે. અનેક સંઘર્ષો સાથે ઝેલ્યા અને આજે સફળતાની કેડી પર આગળ વધી રહ્યા છે.

આમ તો સોરઠની ધન્ય ધરણી સૌરાષ્ટ્રમાંથી અનેક વિરલાઓ પાક્યા છે, મહેનત, સપનાઓ સાકાર કરવાની ત્રેવડ અને સાહસને કારણે સુરત આવેલા અનેક સૌરાષ્ટ્રવાસીઓએ સુરત આવીને શૂન્યથી સફર ખેડીને સફળતાઓને આંબી છે. ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ કોલમ આ વખતે 2 એવા ભાઇઓની વાત કરવી છે, જેમણે અનેક પડકારો, સંઘર્ષોનો હિંમતભેર સામનો કરીને આજે મોટી છલાંગ મારી છે. એક સમયે બિઝનેસમાં માથે દેવું થઇ ગયેલું, છતા આ તો સોરઠના સાવજ એટલે ડગ્યા નહી અને રસ્તાઓ કાઢતા કાઢતા આગળ વધતા ગયા. ખુમારીનું ખમીર અને માણસાઇની મુલાયમતા આ બનેં ભાઇઓમાં ભારોભાર ભરેલી છે.

અમે વાત કરી રહ્યા છીએ ડાયમંડ પોલિશિંગ મશીન વગેરેના સપ્લાય અને ટ્રેડિંગમાં ખૂબ જ કુશળતા મેળવનારા બિપિનભાઇ ધામેલિયા અને તેમના કાકાના દીકરા વિવેકભાઇ ધામેલિયાની.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામમાં બિપીનભાઇ અને વિવેકભાઇનો જન્મ થયો હતો. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન સંકળાયેલા છે. બિપીનભાઇના પિતા પણ ખેતી કરતા અને માતા ગૃહિણી. એ સમયે તેમના પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે ઘરના દરવાજા પણ નહોતા. મતલબ કે બારણા કરાવવા માટે રૂપિયા પણ નહોતા. બિપીનભાઇ 8 ચોપડી ભણ્યા અને વિવેકભાઇ B.Sc. સુધી ભણ્યા. જોકે, બિપીનભાઇ અને વિવેકભાઇની સફળતામાં તેમના કાકા બાવચંદભાઇ ધામેલિયાનો મોટો ફાળો છે. આજથી 55 વર્ષ પહેલાં બાવચંદભાઇ મિકેનિકલ એન્જિનિયર હતા અને તેમણે મશીનરીમાં પગલાં માંડેલા, બાવચંદભાઇના રાજકારણમાં પણ છેડા હતા. ચીમનભાઇ પટેલની સરકાર વખતે નાનુભાઇ વાઘાણીને જીતાડવામાં બાવચંદભાઇની મહત્ત્વની ભૂમિકા હતી. કાકા બાવચંદભાઇ ખેડૂતોની સેવા માટે પણ જાણીતા હતા.

વિવેકભાઇએ ગામ પરત ફરીને ખેડૂતોને કામ લાગે એવું મશીન બનાવ્યું અને CM મોદીના હસ્તે એવોર્ડ મળ્યો

વિવેકભાઇ ધામેલિયા પોતાના ગામ પરવડી પાછા ફર્યા અને તેમણે અહીં મશીનના ફેબ્રિકેશનનું કામ શરૂ કર્યું. તેમણે ખેડૂતોને મદદરૂપ થાય તેવું ઓજાર બનાવ્યું અને એની એટલી નામના થઇ કે તેમને તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પણ એનાયત થયો હતો. વિવેકભાઇએ એ પછી ગામડામાં ટેક્સટાઈલ મશીનરી બનાવવાનું શરૂ કર્યું અને મશીન બનાવીને સુરત મોકલતા હતા. વર્ષ 2009 રશિયન બ્રુટર મશીન બનાવ્યું જે હીરા રિપેરીંગના કામમાં આવતું હતું.

વિવેકભાઇની સાથે બિપીનભાઈ પણ ટેક્નોલૉજીના બિઝનેસમાં આવી ગયા, શરૂઆતમાં કફોડી હાલત હતી…

બિપીનભાઇએ કહ્યું કે, વિવેક મારા કાકાના દીકરા છે અને ઉંમરમાં મારાથી મોટા છે, પરંતુ નાનપણથી જ અમને એકબીજા સાથે સારું બનતું. વિવેક ધામેલિયા સુરતમાં આવ્યા અને તેમણે મને તેમની ટેક્નોલૉજીના બિઝનેસમાં સાથે જોડાવવા કહ્યું. લગભગ વર્ષ 2008માં હું તેમની સાથે જોડાઈ ગયો. શરૂઆત કરી ત્યારે માથે દેવું થઇ ગયેલું, પરંતુ બંને ભાઈઓએ આવી કપરી સ્થિતમાં તૂટી જવાને બદલે આગળ જવાનો માર્ગ પસંદ કર્યો. 2010માં બિપીનભાઇ અને વિવેકભાઇએ અર્પિત ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. રીઅલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અને અન્ય મશીનરીનો બિઝનેસ બંને ભાઈઓ ભેગા થઇને કરે છે. વર્ષ 2011માં ડાયમંડ ઉદ્યોગમાં 4P મશીન આવ્યા હતા જેમાં 225 ડાયમંડ પ્રોડક્શનની સ્પીડ હતી. અમે એક એવો સોફ્ટવેર ડેવલપ કર્યો જેને કારણે ડાયમંડ પ્રોડક્શનની 400ની સ્પીડ આવી ગઇ.

પરવડી ગામમાં 2 વર્ષ ખેતી કરીને 1990માં સુરત આવીને હીરા ઘસ્યા

બિપીનભાઇ પરવડીમાં જ 8 ધોરણ સુધી ભણ્યા અને પછી ભણવાનું છોડીને 2 વર્ષ ખેતી કરી. એ પછી 1990માં સુરત આવ્યા અને હીરા ઘસવાનું શીખ્યા. 5 વર્ષ સુધી હીરાના કારખાનામાં કામ કર્યું અને પછી પોતાની 2 ઘંટી તેમણે શરૂ કરી. પછી વિવેકભાઇ પણ સુરત આવ્યા અને તેમણે પણ હીરાનું ટ્રેડીંગ શરૂ કર્યું હતું, પણ તેમને જામ્યું નહી અને પાછા ગામ ચાલ્યા ગયા. બિપીનભાઇએ કહ્યું કે, હીરાનું તળિયું કોતરાઈ જાય એવું ટુ-ઇન મશીન ડાયમંડ ઉદ્યોગમાં આપનાર અમે પહેલાં હતા. વર્ષ 2008 સુધી તો ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું..

16 વર્ષથી અમે બંને ભાઈઓ સાથે બિઝનેસ કરીએ છીએ, પરંતુ ક્યારેય કોઇ મતભેદ થયા નથી

વિવેકભાઇ અને બિપીનભાઇ 16 વર્ષથી બિઝનેસમાં એકબીજાની સાથે છે. તેમણે કામની વ્હેંચણી કરી લીધી છે. પ્રોડક્શન સાઈડ વિવેકભાઇ સંભાળે અને સોફ્ટવેર અને માર્કેટીંગ સાઈડ બિપીનભાઇ સંભાળે. સામાન્ય સંજોગોમાં બંને એકબીજાને કામમાં દખલ કરતા નથી. બિપીનભાઇએ કહ્યું કે, 16 વર્ષથી અમે સાથે છીએ, પરંતુ ક્યારેય મતભેદ કે મનભેદ થયા નથી, કારણ કે બંનેમાં જતું કરવાની ભાવના છે. વિવેકભાઇને મારા પર અતૂટ વિશ્વાસ છે. મારા પર એટલો ભરોસો છે કે મને ક્યારેય પુછે પણ નહીં કે શું ચાલી રહ્યું છે. આ જ કારણોસર અમારા સંબંધો આજે મજબુત રીતે ટકેલા છે.

પિતા પાસેથી મહામૂલી શીખ મળેલી કે, આ દરિયો છે એમાં ડૂબકી મારજે, તરશે તો જીતશે

બિપીનભાઇએ કહ્યું કે, મારા પિતા પાસે ભણતર નહોતું, પરંતુ ગણતર જબરદસ્ત હતું. જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારે મને કહેલું કે હું હયાત ન હોઉં તો મારી જમીન વેંચીને પણ દેવું ચૂકતે કરી દેજે. કોઈનો એક રૂપિયો બાકી ન રાખતો. આજે પણ આ મહામૂલી શીખ કામ લાગે છે કે, કોઇનું એક રૂપિયો દેવું પણ માથે રાખવું નહી, ગમે તેમ કરીને ચૂકવી દેવું. બીજી શીખ એમણે એ આપેલી કે, સુરત એ દરિયો છે એમાં ડૂબકી મારજે, તરશે તો જીતશે. બાકી કિનારે બેસીને છબછબિયા કરશે તો કશું નહીં મળે. મારા પિતા કામનું પ્લાનિંગ પણ જબરદસ્ત કરતા. કોઇ પણ કામ કરવાનું હોય તો બે દિવસ પહેલાં તેમની પાસે બધું પ્લાનિંગ રેડી હોય.

અંગ્રેજી નહીં શીખી શકવાનો મોટો વસવસો છે

બિપીનભાઇએ કહ્યું કે, આજે અનુભવથી ઘણું શીખી ગયો છું, પરંતુ અંગ્રેજી નહીં શીખવાનો વસવસો ખલે છે. અંગ્રેજી નહીં શીખવાને કારણે કોઇ કામ અટકતું નથી, પરંતુ કદાચ અંગ્રેજી પર પ્રભુત્વ હતે તો હું આજે ઘણો આગળ પહોંચી ગયો હતે. ખેર, ઘણા અંગ્રેજી જાણનારને નિષ્ફળ થતા જોઉ છું ત્યારે લાગે છે કે, ઇશ્વરે જે કર્યું હશે તે બરાબર જ હશે.

યુવોનોને સોનેરી સલાહ…

પુરેપુરી વફાદારી સાથે કામ કરો અને જાત પર ભરોસો રાખો…

બિપીનભાઇને અમે પૂછ્યું કે આજની યુવા પેઢી અને યંગ એન્ટરપ્રિન્યોરને શું સલાહ આપશો?

તેમણે કહ્યું કે, હું આજની પેઢી અને નવા ઉદ્યોગ સાહસિકોને સલાહ આપીશ કે સૌથી પહેલાં તો વ્યસનથી દુર રહેજો. વ્યસન કરશો તો ખર્ચામાં ખુંવાર થઇ જશો. બીજું કે જે કંઇ પણ કામ કરો તે પુરી વફાદારી સાથે કરો. તમારી જાત પર પુરો ભરોસો રાખો. એક વાત નક્કી રાખજો કે, પુરેપુરી મહેનત કરશો તો કુદરત તમને ચોક્કસ ફળ આપશે જ આપશે. જરા પણ ખોટું કામ કે પાપ કરશો તો સપના રોળાઈ જશે એ પણ નક્કી જ છે. ત્રીજી સલાહ એ છે કે બિઝનેસમાં સફળ થવું હોય તો પાઈ પાઈનો હિસાબ રાખજો. ધંધો અલગ વાત છે, સંબંધ અલગ વાત છે.

કાઠીયાવાડી કહેવત છે કે ફરે તે ચરે ને બાંધ્યો ભૂખ્યે મરે, આ કહેવત મારી જિંદગીમાં ઉતારી…

બિપીનભાઇએ કહ્યું કે, અમારા કાઠીયાવાડમાં કહેવત છે કે, ફરે તે ચરે બાંધ્યો ભૂખ્યો મરે. મતલબ કે જે બહાર નિકળે તેને સફળતા મળે અને ઘરમાં બેસી રહે તેને ભૂખ્યા રહેવાનો વારો આવે. આ કહેવતને મારી જિંદગીમાં ઉતારી છે. આજે દુનિયાભરમાં હું ફરું છું અને નવી નવી ટેક્નોલૉજી, સોફ્ટવેર વિશે જાણકારી મેળવું છું. દેશ-વિદેશમાં ફરવાને કારણે મને અનેક નવા અનુભવો જાણવા મળ્યા, શીખવા મળ્યા. સાથે બીજી એક કહેવત પણ કામ કરે કે બોલે તેના બોર વેચાય.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS