DIAMOND CITY NEWS, SURAT
ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના વર્ષ ર૦ર૪–રપ માટેના ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું મતદાન રવિવાર, તા. ર૮/૦૪/ર૦ર૪ના રોજ સવારે ૦૯.૦૦ થી સાંજે ૦પ.૦૦ કલાક દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે રાખવામાં આવ્યું હતું. બે ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં શ્રી નિખિલ મદ્રાસીનો વિજય થયો હતો. ચૅમ્બરના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે શ્રી વિજય મેવાવાલા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૪–રપ માટેના ઉપ પ્રમુખપદ માટે કુલ ૧૧ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ૦૯ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ચૂંટણીના છેલ્લા બે દિવસ દરમ્યાન શ્રી નિખિલ મદ્રાસી અને શ્રી મનિષ કાપડીયાએ ઉમેદવારી પાછી નહીં ખેંચતા તેઓની વચ્ચે ચૂંટણી રાખવાનું ચૂંટણી સમિતિ દ્વારા નકકી કરવામાં આવ્યું હતું, આથી આજરોજ શ્રી નિખિલ મદ્રાસી અને શ્રી મનિષ કાપડીયા વચ્ચે ચૂંટણી યોજાઇ હતી.
ચૅમ્બરના વર્ષ ર૦ર૪–રપના ઉપ પ્રમુખ પદ માટે આજરોજ યોજાયેલી ચૂંટણીના અંતે કુલ ૪,૬ર૩ મતો પડ્યા હતા. જેમાંથી ૧૪૬ મત રદ કરવામાં આવ્યા હતા, આથી કુલ ૪,૪૭૭ મતોની ગણતરી કરવામાં આવી હતી.
રવિવારે સાંજે ચૂંટણી સમિતિના ચૅરમૅન તથા સભ્યો, ઓફિસ બેરર્સ, ચૅમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, બંને ઉમેદવારો તથા તેમના સમર્થકોની હાજરીમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં શ્રી નિખિલ મદ્રાસીને ર,૪૪૩ મતો અને શ્રી મનિષ કાપડીયાને ર,૦ર૯ મતો મળ્યા હતા. શ્રી નિખિલ મદ્રાસીએ શ્રી મનિષ કાપડીયા કરતા ૪૧૪ મતો વધારે મેળવીને વિજય હાંસલ કરી હતી.
આ ચૂંટણીમાં ચૅમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે શ્રી વિજય મેવાવાલા સામે કોઇ ઉમેદવારે દાવેદારી નહીં નોંધાવતા તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, આથી ચૂંટણી સમિતિના ચૅરમૅન શ્રી હિમાંશુ બોડાવાલાએ ચૅમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ તરીકે વિજય મેવાવાલા અને ઉપ પ્રમુખ તરીકે શ્રી નિખિલ મદ્રાસીની જાહેરાત કરી હતી. બધાએ ચૂંટાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp