સુરત ડાયમંડ બુર્સ ગેમ ચેન્જર સાબિત થશે એમાં કોઈ મીનમેખ નથી : અશેષ દોશી

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં ડીસાના ગામમાંથી સુરત આવીને સ્વબળે આગળ આવનાર જૈન ડાયમંડ વેપારીની સફળતાની સ્ટોરી

Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે ડાયમંડના વેપારી અને સુરત ડાયમંડ બુર્સમાં છેલ્લાં 6 વર્ષથી વાઈસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપતાં અશેષ દોશી વિશે વાત કરીશું.

અશેષ દોશીનો જન્મ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ડીસા તાલુકાના રાજપુર ગામમાં થયો હતો. રાજપુર એ ડીસા તાલુકાનું ગામ છે અને અહીંથી બનાસ નદી વહે છે. અશેષ દોશીનો જન્મ 11 જાન્યુઆરી, 1965માં થયો હતો.

તેમના પિતા નાનુભાઇ દોશી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને જનસંઘ સાથે પણ જોડાયેલા હતા. એ જમાનામાં નાનુભાઇ દોશીનું એક સુખી સંપન્ન પરિવાર કહેવાતું અને તેમને એક દીકરો અશેષ અને ત્રણ દીકરી હતી.

અશેષ રાજપુર અને ડીસામાં 12 ધોરણ સુધી ભણ્યા અને એ પછી સુરત આવીને તેમણે નવયુગ કોલેજમાં બી.કોમ.ની ડિગ્રી મેળવી અને વી.ટી. ચોક્સી લો કોલેજ લોની ડિગ્રી મેળવી.

પિતાનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોવા છતાં રાજકારણમાં જવાને બદલે બિઝનેસમાં જવાનું પસંદ કર્યું…

જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવતી હોય, પરંતુ, જો વ્યક્તિ સખત મહેનત અને સમર્પણ સાથે સખત પ્રયાસ કરે તો મોટામાં મોટી સફળતા મેળવી શકાય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ જ્યારે તેમના જીવનમાં સમસ્યાઓ આવે છે ત્યારે ખૂબ જ ઝડપથી નર્વસ થઈ જાય છે. એવું લાગે છે કે જીવનમાં બધું જ સમાપ્ત થઈ ગયું છે.

પરંતુ એવા ઘણા લોકો છે જેઓ મોટી મોટી સમસ્યાઓ, પડકારોનો પણ હિંમતપૂર્વક સામનો કરે છે, હસતા હસતા સ્વાગત કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનો જન્મ તો સમૃદ્ધ પરિવારમાં થયો, પરંતુ પોતાની જિંદગીની સફળતાની કેડી જાતે જ કંડારી અને એવા સમયે જ જ્યારે સુવિધાના, ટ્રાન્સપોર્ટના કોઇ મહત્ત્વના સાધનો નહોતા.

પોતાની સખત મહેનત, દીર્ઘદ્રષ્ટિ, સમયના શિસ્તને કારણે ડાયમંડ ઉદ્યોગ અને રીઅલ એસ્ટેટ બિઝનેસમાં સફળતા હાંસલ કરી છે અને દુનિયાના સૌથી ઊંચા ઓફિસ બિલ્ડીંગ તરીકે જાણીતા સુરત ડાયમંડ બુર્સમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપે છે. તેમના પિતાનું રાજકીય બેકગ્રાઉન્ડ હતું, પરંતુ તેમણે બિઝનેસનો રસ્તો પસંદ કર્યો, ડાયમંડ સિટી ન્યૂઝ પેપરમાં અમે એવા જ વ્યક્તિઓની સ્ટોરી શેર કરીએ છે જે સખત મહેનતથી આગળ આવીને બીજા માટે પ્રેરણા બન્યા હોય.

  • Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-2
  • Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-3
  • Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-4
  • Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-5
  • Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-6
  • Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-7
  • Ashesh Doshi AN Diamond Vyakti Vishes Rajesh Shah Diamond City 409-8

અશેષ દોશી 1983માં સુરત આવ્યા અને પછી સંઘર્ષ, પડકારો શરૂ થયા

રાજપુર – ડીસામાં 12 ધોરણ પછી આગળ ભણવા માટે અશેષ 1983માં સુરત આવ્યા. પિતા સમૃદ્ધ હતા, પરંતુ તેમણે સ્વબળે જ આગળ આવવાનો નિર્ણય કર્યો હતો અને નવયુગ કોલેજમાં પ્રવેશ લીધો. સવારે કોલેજ જતા અને પછી ડાયમંડ ઓફિસમાં શીખવા માટે જતા. અત્યારે તમે જે આધુનિક, ડેવલપ અને સુવિધાઓથી ભરપૂર સુરતને જોઇ રહ્યા છે તેવું 1983માં નહોતું.

ટ્રાન્સ્પોર્ટેશનની એટલી સુવિધા નહોતી, રિક્ષા મળે, પરંતુ તેના ભાડાના પૈસા ગજવામાં ન હોય. અશેષ દોશીએ તેમના એ સંઘર્ષના સમયની વાત કરતા કહ્યું હતું કે, તે વખતે મારી પાસે કોઇ વાહન નહોતું, મારે કૈલાશ નગરમાં રહેવાનું હતું અને નવયુગ કોલેજ જવાનું હોય, તો ચોકબજાર સુધી ચાલતા જવું પડે અને ત્યાંથી બસ પકડીને નવયુગ કોલેજ જવું પડે. અત્યારે તો સાવ સરળ લાગે, પરંતુ એ સમયે બહુ દુર લાગતું . એ પછી જમવા ગોપીપરા અને ડાયમંડ મેન્યુફેકચરીગંનુ શીખવા મહિધરપરા જવું પડતું અને બધે જ ચાલતા જવું પડતું.

લગભગ દોઢ વર્ષ પછી મેં લ્યુના ખરીદ્યું હતું. ગોપીપરામાં લક્ષ્મી ભવનમાં જમવા જતો તો ત્યાં સાંજે 7 વાગ્યા પછી ગેટ બંધ થઇ જાય એટલે એ સમય પણ સાચવવો પડતો. મારે બિઝનેસમાં કેરીઅર બનાવવી હતી એટલે હું આખા દિવસમાં 12 થી 14 કલાક મહેનત કરતો, ઘણી વખત તો માંડ 4 થી 5 કલાકની જ ઊંઘ મળતી. પણ, આ બધાને કારણે ફાયદો એ થયો કે લાઇફમાં ડિસિપ્લિન આવી અને સમયનું મહત્વ સમજાયું જે આગળ જતા મને કામ લાગ્યું.

વૅકેશનમાં મામાના ડાયમંડના કારખાનમાં શીખવા જતા

અશેષ દોશીને અમે જ્યારે પૂછ્યું કે, તમારા પિતાનું તો પોલિટિકલ બેકગ્રાઉન્ડ હતું, તો પછી રાજકારણમાં ન ગયા? તેમણે જવાબ આપતા કહ્યું કે, મારા પિતા RSS સાથે જોડાયેલા હતા એટલે તેમની પાસેથી મને શિસ્ત શીખવા મળેલી, પરંતુ મને રાજકારણમાં બિલકુલ રસ નહોતો. અમારું ગામ બોર્ડર પાસે હોવાથી વિમાનોની ઉડાઉડ થતી રહેતી અને ભારતીય સૈનિકોની વાત સાંભળતા એટલે બાળ માનસમાં તે વખતે પાયલોટ બનવાના સપનાઓ આવતા હતા, પરંતુ સાથે એટલી પણ ખબર હતી કે આ શક્ય નથી બનવાનું.

મારો ડાયમંડ વિશે રસ ત્યારથી જાગ્યો હતો, જ્યારે વૅકેશનના સમયમાં હું મારા મામાના ડાયમંડના કારખાનામાં શીખવા જતો. તેમનું ડાયમંડ કટિંગનું કામ ચાલતું હતું. તે વખતે હું તેમની પાસે ઘણું બધું શીખ્યો. સુરત આવીને મારા પિતાના એક સંબંધી પાસે ડાયમંડ મેન્યુફેક્ચરીંગનું શીખવાનું શરૂ કર્યું. 1983 થી 1986 સુધી હું ડાયમંડ મેન્યુફેકચરીંગનું શીખ્યો અને પછી 1987માં પોતાની મેન્યુફેકચરીંગની ઓફિસ શરૂ કરી. એ.કે. રોડ પર AN ડાયમંડના નામથી ચાલે છે.

અશેષ દોશીએ કહ્યું કે, એ જમાનો એવો હતો જ્યારે જૈન વેપારીઓ માત્ર ટ્રેડીંગનું કામ કરતા હતા. એ સમયે અશેષ દોશીએ 1993માં ઓફિસની સાથે મેન્યુફેક્ચરીંગ માટે ફૅક્ટરી શરૂ કરી. ડાયમંડ ઉદ્યોગમાં સફળતા મળ્યા પછી સાથે રીઅલ એસ્ટેટ બિઝનેસ પણ ચાલે છે. અશેષ દોશીએ કહ્યું કે, મારી બચતના પૈસાથી જ્યારે ડીસામાં જમીન ખરીદેલી ત્યારથી રીઅલ એસ્ટેટ બિઝનેસ સાથે લગાવ થઇ ગયેલો. આજે સુરતના વેસુમાં મારા રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ ચાલે છે.

સમાજ પાસેથી ઘણું મળ્યું છે જે સમાજને પાછું આપવાનો સમય આવી ગયો છે

અશેષ દોશી સુરત ડાયમંડ બુર્સમાં તો ઉચ્ચ હોદ્દા પર છે જ, પરંતુ સાથે સાથે સુરત ડીસા શ્રીમાળી સમાજ અને રાજપુર જૈન સંઘના પણ પ્રમુખ છે. તેમણે કહ્યું કે, સમાજ પાસેથી જે મેળવ્યું છે તે પાછું આપવાનો સમય આવી ગયો છે એટલે સમાજ સેવા તરફ વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વૈશ્વિક લેવલે જેને પાવરફુલ સંસ્થા ગણવામાં આવે છે તેવી Jain International Trade Organisation (JITO)ની એપેક્સ બોડીમાં સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. JITO સંસ્થા હેઠળ જુદા જુદા 6 પ્રોજેક્ટ તેઓ સંભાળી રહ્યા છે. JITO સંસ્થાના નેજા હેઠળ રેવેન્યુ, સિવિલ જેવી ર્સ્પધાત્મક પરીક્ષાઓની તાલીમ પણ આપવામાં આવે છે.

અશેષ દોશીએ કહ્યું કે જ્યારથી સુરત ડાયમંડ બુર્સની શરૂઆત થઇ ત્યારથી હું બુર્સ સાથે જોડાયેલા છું. શરૂઆતમાં પ્લાનિંગ કમિટીમાં હતો એ પછી કન્સ્ટ્રક્શન કમિટીમાં હતો અને મારી કામ કરવાની સ્ટાઇલ અને નિષ્ઠા જોઇને મેનેજમેન્ટે મને 6 વર્ષથી વાઈસ પ્રેસિડન્ટ બનાવેલો છે. તાજેતરમાં જે નવી ટીમ બની તેમાં પણ અશેષ દોષીને વાઈસ પ્રેસિડન્ટ તરીકે રિપીટ કરવામાં આવ્યા. અશેષ સુરત ડાયમંડ બુર્સમાં એક માત્ર વ્યક્તિ છે જે દર વખતે રિપીટ થતા હોય.

સુરત ડાયમંડ બુર્સ એ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગનો ખિતાબ મેળવેલો છે અને ઇન્ટરનેશનલ કક્ષાનું બાંધકામ અને સુવિધાઓ છે. 4,200 ઓફીસો છે. દુનિયાનું બેસ્ટ બિલ્ડીંગ અને સાથે પર્યાવરણની જાળવણીનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. અશેષ દોશીએ કહ્યું કે, જ્યારે 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવા માટે આવેલા ત્યારે PM બાંધકામ જોઇને અચંબિત થઇ ગયેલા.

દોશીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે વખતે મારો હાથ પકડીને કહેલું કે જ્યારે વૈશ્વિક કક્ષાની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે તો આ નજરાણું જોવા માટે ભારતભરમાંથી આર્કિટેક્ટના સ્ટુડન્ટ્સને આ જોવા માટે બોલાવવા જોઇએ, તો તેમને પણ ખબર પડ કે દુનિયામાં કયા લેવલનું કામ અહીં થયું છે. સુરત ડાયમંડ બુર્સના ભવિષ્ય વિશે અશેષ દોશીએ કહ્યું કે, કોઇ પણ મોટો પ્રોજેક્ટ હોય તો સ્વાભાવિક રીતે તેને સફળ થવામાં થોડો સમય તો લાગતો જ હોય છે. પરંતુ અમને પુરો વિશ્વાસ છે કે સુરત ડાયમંડ બુર્સ 100 ટકા ધમઘમતું થશે.

તાજેતરમાં ગોવિંદ ધોળકીયાને સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન બનાવ્યા પછી મહિધરપરા હીરાબજારમાં એક પ્રોત્સાહક મીટિંગ મળી હતી અને હીરાદલાલોએ બુર્સમાં આવવા માટે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હતો. લગભગ જૂન-જુલાઇ સુધીમાં સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઇ જશે. સુરત ડાયમંડ બુર્સ ભવિષ્યમાં ગેમ ચેન્જર સાબિત થશે એમા કોઇ મીનમેખ નથી. સુરત શહેરને સુરત ડાયમંડ બુર્સને કારણે ભવિષ્યમાં મોટો ફાયદો થશે.

પિતા નરેન્દ્ર મોદી સાથે એક મહિનો રૂમમાં સાથે રહ્યા હતા

અશેષ દોશીએ કહ્યું કે, મારા પિતા નાનુભાઇ RSS અને જનસંઘ સાથે જોડાયેલા હતા એટલે સંઘના નેતાઓ અને રાજકારણીઓની અમારા ઘરે અવર-જવર ચાલુ રહેતી. તે વખતે હોટલોની વ્યવસ્થા નહોતી એટલે મહેમાનો અમારા ઘરે મહેમાનગતિ માણતા. મારા પિતા જનસંઘની પ્રદેશ કારોબારીના લાંબા સમય સુધી સભ્ય રહ્યા હતા.

તેમણે કહ્યું કે,જ્યારે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઇ પટેલની સરકાર ઉથલાવી તે વખતે મારા પિતા બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ હતા. એ સમયે વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા અને સામે શંકરસિંહ ચૌધરી ચૂંટણી મેદાનમાં હતા. તે વખતે નરેન્દ્ર મોદી બનાસકાંઠા આવ્યા હતા અને એક મહિનો સુધી એક જ રૂમમાં મારા પિતા નાનુભાઇ સાથે રહ્યા હતા. PM નરેન્દ્ર મોદી અને મારા પિતાને ગાઢ સંબંધો હતા.

કતલખાને જતા બકરાને પિતાએ બચાવ્યો અને પછી પાંજરાપોળ શરૂ થઇ

ડીસા નજીક એક ગવાડી ગામ છે ત્યાં ઈદના દિવસે એક બકરાને તિલક કરીને ગામમાં ફેરવવામાં આવ્યો હતો એ જોઇને નાનુભાઇનું મન વિચલિત થયું અને તેઓ એ બકરાને લઇ આવ્યા હતા. એ વખતે માથાકૂટ પણ થઇ હતી. પરંતુ આને કારણે પિતાએ રાજપુર-ડીસામાં એક પાંજરાપોળ પણ ઊભી કરી, જેમાં માત્ર કતલખાને જતા પશુઓને જ રાખવામાં આવે છે. આજે આ પાંજરાપોળમાં અશેષ દોશી ટ્રસ્ટી છે અને 10,000થી વધારે પશુઓની દેખભાળ રાખવામાં આવે છે.

જિંદગીમાં સફળ થવું હોય તો ટાઇમ મેનેજમેન્ટ જાળવવું ખૂબ જ જરૂરી

અમે જ્યારે અશેષ દોશીને પૂછ્યું કે, તમારી જિંદગીના અનુભવોમાંથી આજની યુવા પેઢી અને યંગ એન્ટરપ્રિન્યોરને શું મેસેજ આપશો? તેમણે કહ્યું કે, ટાઇમ મેનેજમેન્ટ અને મહેનત એ બે સૌથી મોટા ગુણો છે. જિંદગીમાં સફળ થવું હોય તો ટાઇમ મેનેજમેન્ટ જાળવવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, આજે પણ હું 12 કલાક કામ કરું છું અને વહેલી સવારે ઓફિસ જવા નીકળી જાઉં છું. બીજું કે દરેક વ્યક્તિએ પહેલાં એ નક્કી કરી લેવાનું કે તેમણે જિંદગીમાં શું કરવું છે? એક વખત ગોલ નક્કી થઇ જાય પછી તેના પર મંડી પડવાનું છે. સખત મહેનત કરશો તો 100 ટકા તમને સફળતા મળશે.

પત્નીના પગલાં એ જિંદગીનો સુખદ પ્રસંગ, પિતા ગુમાવ્યા તેનો રંજ

પોતાની જિંદગીના યાદગાર પ્રસંગો વિશે દોશીએ કહ્યું કે, મારા લગ્ન 1988માં થયા અને મારી પત્ની મનીષાના પગલાં પછી મારી જિંદગીની સફળતાની ગાડી સડસડાટ દોડવા માંડી અને મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે અમારે એક દીકરો અને એક દીકરી સંતાનમાં છે. જિંદગીનો વસમો સમય એ હતો કે માત્ર 66 વર્ષની ઉંમરે પિતાનું બ્લડ કેન્સરને કારણે નિધન થયું હતું. એ ઘણો કપરો સમય હતો. પિતાની છત્રછાયા ગુમાવી એનું દુખ વર્ષો સુધી રહ્યું, આજે પણ છે. પિતાના અવસાનને કારણે નાની ઉંમરે મારા પર પરિવારની જવાબદારી આવી હતી. પરંતુ સદનસીબે મારી પત્ની મનિષાએ આખી બાજી સંભાળી લીધી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS