સુરતના હીરાના કારખાનાઓમાં પખવાડિયાનું વૅકેશન જાહેર

દિવાળીના છ-સાત મહિના બાદ પણ બજારમાં ડિમાન્ડ નહીં નીકળતા સંતુલન મેળવવું મુશ્કેલ બન્યું છે, તેથી ફરી એકવાર વૅકેશન જાહેર કર્યું છે.

Fortnight vacation declared in Surat diamond factories
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ 2023 બાદ વર્ષ 2024માં પણ હીરા ઉદ્યોગની સ્થિતિમાં સુધારો થયો નથી. રશિયા-યુક્રેન યુદ્ધ, હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલા બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અને હવે જી-7 દેશો દ્વારા રશિયન ડાયમંડ પર વિશ્વવ્યાપી પ્રતિબંધના લીધે હીરા ઉદ્યોગની સ્થિતિ સુધરવાને બદલે વધુ ને વધુ બગડી રહી છે.

પશ્ચિમી દેશોની મંદી તો લટકામાં છે. પશ્ચિમી દેશોમાં પાછલા દોઢ વર્ષથી પોલિશ્ડ ડાયમંડ જ્વેલરીની ખરીદી ઘટી છે. 2022માં લેબગ્રોન ડાયમંડનું બજાર સારું હતું પરંતુ હવે તેમાં પણ ઓટ આવી છે. બજારમાં માંગ નહીં હોવાના લીધે વેપારની આખીય સાંકળ અસરગ્રસ્ત થઈ છે.

પોલિશ્ડ ડાયમંડમાં ડિમાન્ડ નહીં હોય રફની ખરીદી ઘટી છે, તેના લીધે ડી બિયર્સ જેવી કંપનીઓ પણ ભાવ ઘટાડવા મજબૂર થઈ છે. આ તરફ પોલિશ્ડમાં ડિમાન્ડ નહીં હોય રફના ભાવ ઘટવા છતાં ઉત્પાદકોને તે પોશાતા નથી, તેથી તે ખરીદવા તૈયાર થતાં નથી.

દિવાળી વૅકેશન બાદ સુરતના કારખાનેદારોને એવું હતું કે સ્થિતિ સુધરશે. ઉત્પાદન ઘટ્યું છે તો બજારમાં ડિમાન્ડ સપ્લાયનું સંતુલન બનશે અને વેપારની ગાડી પાટે ચઢશે. પરંતુ દિવાળીના છ-સાત મહિના બાદ પણ બજારમાં ડિમાન્ડ નહીં નીકળતા સંતુલન મેળવવું મુશ્કેલ બન્યું છે, તેથી ફરી એકવાર સુરતના હીરાના કારખાનેદારોએ 15 દિવસનું ઉનાળુ વૅકેશન જાહેર કર્યું છે.

માલનો ભરાવો મોંઘી રફ વચ્ચે વધતી ઈન્વેન્ટરીથી કારખાનેદારો પરેશાન

ઓછી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડિમાન્ડ વચ્ચે ફૅન્સી રફ હીરાના ભાવ ખૂબ વધી જતાં સુરતના 250થી વધુ કારખાનેદારોએ ફરજિયાત વૅકેશન રાખવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે, એક તરફ માલનો ભરાવો બીજી તરફ રફ મોંઘી થતાં 10 થી 27 મે 2024 સુધી ઉનાળુ વૅકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેથી માલનો ભરાવો થોડો ઓછો થાય અને રફના ભાવો પણ સ્થિર રહે.

હીરા ઉત્પાદકોના જણાવ્યા મુજબ બજારની વર્તમાન સ્થિતિને અનુકૂળ થવા માટે આ વૅકેશન રાખવું જરૂરી છે. આ સમયગાળા દરમિયાન રત્નકલાકારો વતન જતા રહેશે. તેઓ ખેતી કરશે અને લગ્ન સમારંભોમાં હાજરી આપી શકશે. નેચરલ ડાયમંડમાં અનુકૂળતા મુજબ 15 મે થી 7 જૂન દરમિયાન મોટી કંપનીઓ વૅકેશન રાખશે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સુરતનાં હીરા ઉદ્યોગમાં મોટી કંપનીઓ વૅકેશન રાખતી હોય છે. નાના કારખાનાઓ રફની ઉપલબ્ધતા મુજબ ચાલુ રહેતા હોય છે. કારીગરો વતનમાં ખેતી અને લગ્ન પ્રસંગની અનુકૂળતા મુજબ જતાં હોય છે. અત્યારે જે નાના કારખાનેદારો પાસે કામ છે, તેઓ કારખાનાં ચાલુ રાખશે.

એવું નથી કે નેચરલ ડાયમંડમાં જ વૅકેશન છે. લેબગ્રોનવાળાઓએ અગાઉથી જ ઉનાળુ વૅકેશન જાહેર કરી દીધું હતું. સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરનાર 100થી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધારકોએ માર્કેટમાં ડાયમંડની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે યોગ્ય બૅલેન્સ જળવાઇ, માલનો ભરાવો ન થાય તે માટે સ્વેચ્છાએ પોતાના મેન્યુફેકચરિંગ યુનિટમાં તા. 15-5-2024થી 15 દિવસ માટે વૅકેશન પાડશે.

વિશ્વના અનેક દેશો યુદ્ધની આગમાં સળગી રહ્યાં હોય ઉદ્યોગ પર માઠી અસર પડી

ભારત અને UAE વચ્ચે થયેલા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને કારણે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શિપમેન્ટ બમણા કરતાં વધુ થવાને કારણે 2023- 24માં ભારતની સાદા સોનાની જ્વેલરીની નિકાસ લગભગ 62% વધીને $6.79 બિલિયન થઈ છે, યુક્રેન-રશિયા, ઈરાન-ઇઝરાયલ, પેલેસ્ટાઇન-ઇઝરાયલ યુદ્ધની અસર આ ઉદ્યોગ પર વ્યાપક પડી છે.

જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં ઓછી માંગને કારણે નાણાકીય વર્ષ 2023 – 24માં ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ગત વર્ષની સરખામણીમાં 27.5% ઘટીને $15.97 બિલિયન થઇ હતી.

નિકાસમાં ઘટાડાથી વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશરે રફ હીરાની આયાત એક વર્ષ અગાઉની સરખામણીએ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 18% ઘટીને 14.27 અબજ ડોલર કરવાની ફરજ પડી હતી.

ભારતની હીરાની નિકાસમાં યુએસ અને ચીનનો હિસ્સો મળીને આશરે 65% છે, જે 2023-24ના પ્રથમ 10 મહિનામાં 28% ઘટીને $13 બિલિયન (મૂલ્ય અને વૉલ્યુમ બંને ઘટવા સાથે) થઈ ગયો છે. આ 2021-22માં હાંસલ કરેલા $24.4 બિલિયનની ટોચ કરતાં ઘણું ઓછું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS