આદિત્ય બિરલા ગ્રૂપે બ્રાન્ડેડ જ્વેલરી રિટેલ સેક્ટરમાં ‘ઈન્દ્રિયા’ની શરૂઆત સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી, આગામી 6 મહિનામાં 5,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની કંપનીની યોજના છે. નવી બ્રાન્ડ નૉવેલ જ્વેલ્સના નેજા હેઠળ કામ કરશે.
એક સમય હતો જ્યારે તમારા દાદા, દાદી અથવા પિતા સોના કે ચાંદીના ઘરેણાં ખરીદવા માટે કોઈ પરિચિતની દુકાને જતા હતા. પરંતુ હવે એવું નથી, હવે લોકો જ્વેલરી ખરીદવા માટે તનિષ્ક, પીસી જ્વેલર્સ, કલ્યાણ જ્વેલર્સ, રિલાયન્સ વગેરે જેવી મોટી બ્રાન્ડ તરફ વળ્યા છે.
આ બ્રાન્ડ્સમાં બિરલા ગ્રુપનું નવું નામ ‘ઈન્દ્રિયા’ પણ ઉમેરાયું છે. આદિત્ય બિરલા ગ્રુપે તાજેતરમાં જ્વેલરી બ્રાન્ડ ‘ઈન્દ્રિયા’ લૉન્ચ કરી છે. દિલ્હી, જયપુર અને ઈન્દોરમાં પ્રથમ ચાર ઈન્દ્રિયા સ્ટોર્સ પણ ખુલી રહ્યા છે.
પરંપરાગત જ્વેલર્સની પરંપરાથી દૂર જઈને, ટાઇટન કંપનીએ 1994માં તેની તનિષ્ક બ્રાન્ડ શરૂ કરી. આજે, ટાટા ગ્રુપની કંપની ટાઇટનના તનિષ્ક શોરૂમ દેશ-વિદેશમાં આવેલા છે. બ્રાન્ડેડ જ્વેલરીનો ધંધો કરતી અલગ-અલગ ચેઈનોની પણ આવી જ હાલત છે.
આ પછી મુકેશ અંબાણીએ પણ 2007માં જ્વેલરી બિઝનેસમાં પ્રવેશ કર્યો અને રિલાયન્સ જ્વેલ્સ નામથી બિઝનેસ શરૂ કર્યો. તે આજે પણ બજારમાં એક વિશ્વસનીય બ્રાન્ડ છે. ધીમે ધીમે લોકોમાં બ્રાન્ડેડ જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
આગામી સમયમાં બ્રાન્ડેડ જ્વેલરી માર્કેટમાં અપાર શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ જ કારણ છે કે મોટી કોર્પોરેટ કંપનીઓ સતત આ તરફ વળી રહી છે. આદિત્ય બિરલા ગ્રૂપના ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ પણ ઈન્દ્રિયા બ્રાન્ડ લૉન્ચ કરતી વખતે આ વાતનો ઇશારો કર્યો હતો.
આ દરમિયાન બિરલાએ કહ્યું કે, હું માનું છું કે આગામી પાંચ વર્ષમાં ઉપભોક્તા વ્યવસાયનો હિસ્સો વધીને 25 ટકાથી વધુ થઈ જશે. આ બિઝનેસની આવક પણ વધીને 25 અબજ ડોલર થશે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે બિરલા ગ્રુપ ઈન્દ્રિયા સ્ટોર પર 5,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.
આદિત્ય બિરલાએ કહ્યું કે, આગામી 6 મહિનામાં વધુ 11 શહેરોને આવરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ગ્રુપનો ઉદેશ્ય ટોચના ત્રણ જ્વેલરી પ્લેયર્સમાંના એક તરીકે સ્થાપિત કરવાનો છે.
સમગ્ર દુનિયાની નજર હાલમાં ભારતીય ગ્રાહકોના બદલાતાં વલણો પર છે. ભારતીય ગ્રાહક પહેલા કરતા ઘણો અલગ થઈ ગયો છે. તે બ્રાન્ડેડ વસ્તુઓ તરફ વધુ ધ્યાન આપી રહ્યો છે. તેનું કારણ સોનાના દાગીનામાં વધી રહેલી છેતરપિંડી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે કે જેમાં ગ્રાહકને વેચવામાં આવેલ સોનાના દાગીના જે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેના કરતા અલગ હોવાનું બહાર આવ્યું છે. આવી સ્થિતિમાં ગ્રાહકો આવા જ્વેલરી શોરૂમ તરફ વળ્યા છે. અહીંથી જ્વેલરી ખરીદીને તેઓને બ્રાન્ડ વૅલ્યુની ખાતરી અને હોલમાર્કની ગૅરંટી બંને મળે છે.
બિરલાની ઈન્દ્રિયા બ્રાન્ડ પાસે 13 શહેરોમાંથી 3,500 કારીગરો દ્વારા તૈયાર કરાયેલ 15,000 જ્વેલરીનું કલેક્શન છે. આ બ્રાન્ડ દર 45 દિવસે નવી ડિઝાઈન રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઉદ્યોગની સરેરાશ કરતા ઘણા મોટા સ્ટોર્સનું સંચાલન કરશે.
નોવેલ જ્વેલ્સના ડાયરેક્ટર દિલીપ ગૌર અને CEO સંદીપ કોહલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. કંપની તબક્કાવાર વિસ્તરણની યોજના બનાવી રહી છે, જેની શરૂઆત ટોચના ટાયર શહેરોથી થશે અને ત્યારબાદ ટિયર II અને ટિયર III માર્કેટમાં પ્રવેશ કરશે.
ગૌરના જણાવ્યા અનુસાર, સોના પરની કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી છે તેથી માંગમાં વધારો થવાની અને જ્વેલરીના વપરાશમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.
અંદાજીત બજાર કદ રૂ. 6.7 લાખ કરોડ અને અંદાજીત વૃદ્ધિ 2030 સુધીમાં રૂ. 11-13 લાખ કરોડનો જ્વેલરી ઉદ્યોગ થવાની ધારણા છે, ખાસ કરીને તેના મોટા પ્રમાણમાં અસંગઠિત સ્વભાવ અને મજબૂત રાષ્ટ્રીય ખેલાડીઓની મર્યાદિત હાજરીને કારણે.
ઈન્દ્રિયાનું લોન્ચિંગ આદિત્ય બિરલા ગ્રૂપના કન્ઝ્યુમર ફેસિંગ પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો દર્શાવે છે. જૂથનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં તેના ગ્રાહક વ્યવસાયની આવકમાં ફાળો 25 ટકા વધારીને લગભગ 25 બિલિયન ડોલર કરવાનો છે.
જ્વેલરી સેક્ટરમાં ગ્રૂપની એન્ટ્રી તેની વ્યૂહરચના અનુસાર વિકાસના નવા રસ્તાઓ શોધવા અને ભારતના વધતા મધ્યમ વર્ગની ઊભરતી પસંદગીઓને પહોંચી વળવા માટે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube