ધારો કે તમે વિશ્વાસ નામનો એક વડલો વાવ્યો છે. ઘેઘૂર, ઘટાટોપ ને ઘનેરો! ને વડવાયું ધરતીમાં ઊતરે એવો! હજ્જારો પંખી ડાળખીઓ પર માળો કરે એવો… એ વડલાના રોજે-રોજ કોઈ થોડા-થોડા પાંદડા કાપી જાય તો? તમને ખબર હોય છતાં વારંવાર એતબારના ટેટાં ઉપાડી જાય તો? તમે જાણીબૂઝીને નાદાન રહીને છેતરાયા કરો તેવા અંગત માણસો જ તમારા વડલાની વિશ્વાસની ડાળખીઓ વેતરી મારતા હોય તો? ને પછી તો આખેઆખી શાખાઓને જ એક ઘા ને બે કટકા કરી ઉપાડી જતા હોય તો? તમે અત્યાર સુધી હંમેશા “હશે”, “જવા દો”, “સમજી જશે”, “સુધરી જશે”, વગેરે વગેરે પોતાને અને પોતાનાઓને સમજાવ્યા કર્યા હોય ને છતાં એક દિવસ આંખ ખૂલે ત્યારે જૂઓ કે અવિશ્વાસની કુહાડીથી વિશ્વાસના વડલાને થડમાંથી જ કાપી નાખવામાં આવ્યો હતો, તો?
એક દિકરીએ તેના પપ્પાને કહ્યું, મારે પૂજા માટે ગુલાબના ફૂલ જોઈએ, લાવી દો ને! તેના પપ્પાએ કહ્યું, “બેટા તને ગુલાબના ફૂલ બહુ વ્હાલા નહીં?” દિકરી એ કહ્યું, “અતિશય વ્હાલા હોં પપ્પા.” પપ્પાએ કહ્યું, “જો બેટા મને ખબર હતી કે તારે વિશેષ પૂજા કરવાની છે એટલે જ તારા માટે કેટલા બધા ગુલાબના ફૂલ લાવ્યો છું જો!” કહેતા પપ્પાએ ઝાઝા બધા ગુલાબ દિકરીના ખોળામાં મૂકી દીધા. દિકરી હરખાઈ ગઈ, રાતાચોળ તાજા ખીલેલા સુગંધીદાર ગુલાબના ફૂલ જોઈને. પછી પપ્પાએ કહ્યું, ‘લાવ તો એકાદ-બે ફૂલ મને અાપ તો, જોઉં!” દિકરીએ થોડાક ફૂલ પપ્પાને આપ્યા. પપ્પાએ ફૂલની પાંદડી-પાંદડી નોખી કટકા કરી નાખ્યા. ફૂલ સાવ તોડી-મરોડી નાખ્યા. દિકરી જરા આવેશમાં બોલી ગઈ, “પપ્પા આ શું? તમે તો મારા વ્હાલા ફૂલને કચડી નાખ્યા? પપ્પા તમે આ શું કર્યું? દિકરીનો અવાજ ભીનો થઈ ગયો. પપ્પા બોલી ઊઠ્યા, “સોરી! સોરી! મારાથી ભૂલ થઈ ગઈ હોં” દિકરી બોલી, “તમારા સોરી કહેવાથી ગુલાબને થયેલી પીડા ઓછી થઈ જશે? ગુલાબ જેવું હતું, શું પાછું એવું ને એવું જ થઈ જશે?” પપ્પાએ દિકરીની સામે જોયું ને કહ્યું, “બેટા ‘સોરી’ કહી દેવાથી ફૂલ રિપેર ન થઈ શકતું હોય તો દિલ કેવી રીતે રિપેર થઈ શકે?! તને ગુલાબ જેટલા વ્હાલા છે ને એથી લાખો ગણી મને તું વ્હાલી છે. ગુલાબ ટૂટશે તો ફરી બજારમાં જઈ ખરીદી લેવાશે પણ તારા કે મારા હૃદયનો વિશ્વાસ ટૂટશે તો ફરી રિપેર થશે? સોરી કહી દેવાથી બધું ઠીક થઈ જશે? બેટા, “એકમેકના હૃદયનો વિશ્વાસ કદિ તૂટે નહીં, કદિ ખૂટે નહીં તેની કાળજી રાખીશ ને?” દિકરીએ મનમાં વિચાર્યું કે હજુ તો ઊંબરા ઓળંગવાનો આછો પાતળો વિચાર પણ ન્હોતો ને પપ્પા મને વાંચી ગયા. એ પપ્પાને ગળે વળગી પડી ને બોલી, “પપ્પા આ ઘરમાં બધું જ છે. તમે અમને બધું જ આપ્યું છે. આ પ્રતિષ્ઠા હું વધારી ન શકું તો કંઈ નહીં પણ ઘટાડી મૂકું એવું કોઈ પગલું નહીં ભરું. હું તમારું નામ નહીં બોળું, પપ્પા! હું તમારા નામની આબરૂં રાખીશ ને આજીવન રાખીશ. કારણ કે મારે મન તમારું નામ કિંમતી છે, અત્યંત કિંમતી છે! બાપ દિકરી બંનેની આંખોથી વહેતી ગંગા-જમના અને સંસ્કારોની સરસ્વતીથી ઘરમાં ત્રિવેણી સંગમ રચાઈ ગયો. માના ચહેરા પર અનન્ય હાશકારો જોવાયો.
માતા-પિતા વિશ્વાસનો વડલો સાથે વાવે છે. મુગ્ધ ઉંમરના બાળકો જમાનાના નામે, આધુનિક ટેક્નોલોજીના નામે, મોડર્ન દેખાવના નામે, મા-બાપના વિશ્વાસને થોડો થોડો વેતરતા રહે છે અને જો સંતાનો અને વાલીઓ વચ્ચે ગાઢ બોન્ડીંગ ન હોય, સતત કોમ્યુનિકેશન ન હોય, લાગણીઓનું શેરીંગ ન હોય તો બે પેઢીઓ વચ્ચેનો પૂલ ક્યારે સળગી જાય છે, બંને પક્ષમાંથી કોઈનેય તેની ખબર રહેતી નથી અને બંને પેઢીઓ પોતપોતાની અલાયદી દુનિયામાં ખોવાઈ જાય છે.
વાલીઓની આંખ તો ત્યારે ઉઘડે છે જ્યારે વિશ્વાસનો વડલો થડમાંથી કપાઈને ભોંય પર પડ્યો અંતિમ શ્વાસો લઈ રહ્યો હોય! પછી ખાનદાનની આબરું અને સામાજિક પ્રતિષ્ઠા એવી દાવ પર લાગી હોય છે સાચું શું, ખોટું શું સમજવાની કે સમજાવવાની કોઈને પડી હોતી નથી, પછી તો બળિયાના બે ભાગ! ને બધું જ તેમાં સ્વાહા! સાચું-સારૂં, ખોટું-ખરાબ બધું ભડકે બળે છે, ત્યારે પછતાવાના આંસું ને લોહીના ઉકાળા સિવાય કંઈ બચતું નથી.
વાંધો એ છે કે આપણે સમસ્યાઓને સમસ્યાઓ તરીકે ગણતા જ નથી. “હવે એ તો બધું ચાલ્યા કરે”, “એવું કાંઈ નો હોય”, “એવું બધું તો થયા કરે.” વાળી ફિલોસોફી ઘૂંટ્યા કરીએ પણ ટીનએજમાં થતાં શારીરિક-માનસિક ફેરફારો પ્રત્યે જરા પણ સજાગ થતા નથી. ગાફેલ રહેવામાં આપણને જબરી લજ્જત આવે છે.
ટીનએજ – આ એ જ ઉંમર છે જ્યારે લાગણીઓના મનમાં મેળા જામતા હોય છે અને આવેગોની આગ ઘૂમચકરડી મચાવતી હોય છે. જરાક આતિશ લાગે કે દિવાળી અને ન કરે નારાયણ તો ઘરમાં હોળી! પછી ઘૂળેટીના રંગોથી ચહેરા છૂપાવાના વારા આવે ત્યારે આંખ ઉઘાડતાય શરમ આવે! કોઈ ઓળખી જશે તો?
ટીનએજ એ બાળકોની પરવરિશનો બહુ નાજુક તબક્કો છે, જ્યાં સંતાનોનો મૂડ વરસાદી મૌસમની જેમ અદલ-બદલ થયા કરે છે. જે તેની ભીતર ધક્કામૂક્કી કરતા રસાયણોને પ્રતાપે છે, એ આપણે સમજવાનું છે અને પછી પ્રેમથી તેને સમજાવવાનું છે. ક્યારે તેને હૂંફની જરૂર છે ને ક્યારે ઠપકાની, આપણામાં તે સૂઝ હોવી જોઈએ, બાળકનો મૂડ જોઈને આ ઉંમરમાં બાળકને જાળવી લેતા આવડે તો સંતાન તાઉમ્ર આપણને જાળવી લે છે!
જેને એક જ સંતાન હોય એ મા-બાપની જવાબદારીની રેંજ વધી જાય. ઘડીક બેન બનવું પડે તો ક્યારેક ગુરૂ, તો ક્યારેક દોસ્ત, તો ક્યારેક દિકરી, તો ક્યારેક મમ્મી, તો ક્યારેક ઢીંગલી! બધા રોલ નિભાવતા આવડે તો મા બનાય. જેમ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય ને એમ માત્ર નવ મહિના પેટમાં ભ્રૂણ રાખીને બાળકની મા ન બની શકાય. લોખંડની પિપરમેંટ ચગળતા અને રસ નિચોવતા – પીતા શીખવું પડે ભૈ! “આઈ લવ યુ”, કરતાં પણ વધુ અસરદાર શબ્દો છે – “આઈ એમ વિથ યુ, વોટ એવર મે કમ.” માત-પિતા તરફથી બાળકોને એ બાહેંધરી હોવી જોઈએ કે એક સંતાન તરીકે અમારો પ્રેમ તારા પ્રત્યે બિનશરતી છે. તારી કાબેલિયત, લાયકાત, પ્રતિભા, ગુણો, શક્તિઓ, વિચારો એવા કોઈ જ લટકણિયા વગર પણ અમે તને ચાહીએ છીએ અને એ ચાહતના દરિયામાં કદિયે ઓટ આવવાની નથી. પણ આ પ્રેમ મા-બાપ તરીકે બિનશરતી છે, પરંતુ એક સામાજિક વ્યક્તિ તરીકે, એક દેશના નાગરિક તરીકે અને એક સભ્ય સંસ્કૃતિના માનવ તરીકે તારે તારામાં સજ્જન માણસને શોભે તેવા ગુણોનો વિકાસ કરવો જ જોઈએ. કારણ કે દુનિયા તને બિનશરતી પ્રેમ નહીં કરે, એ તારી ઔકાત જોશે, હૈસિયત જોશે અને એ તારે કમાવવી પડશે જેમાં હરહંમેશ અમારો સપોર્ટ રહેશે.
જો આટલો પ્રેમ હોય તો વિશ્વાસના વડલાને કે ગુલાબની પાંદડીને તૂટવું નહી પડે! અને હાઁ પેલા પપ્પાએ ગુલાબની દિકરીએ દોરેલી રંગોળીમાં ગોઠવી દીધી! દિકરી રાજી-રાજી! ને પેલો વડલો મૂળમાંથી પાછો ઉગ્યો. કારણ કે જ્યાં પ્રેમને જીવાદોરી મળે છે, ત્યાં વિશ્વાસને રોજી મળે જ છે!
વિસામો
વો ખંજરોં કી ધાર તેજ કરતે હૈં, કરતે રહેં! હમ ફૂલોં કી ખેતી કરતે હૈં, કરતે રહેંગે! પાપ સે થક જાઓ તો ચલે આના ઈસ ફૂલોં કી નગરી મેં યે માસૂમ તુમ સે કભી તુમ્હારા પેશા નહીં પૂછેંગે!