રશિયાએ યુક્રેન પર યુદ્ધ કરવાને કારણે અમેરિકા અને પશ્ચિમના દેશોએ રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો મુકેલા છે. હવે જાણવા મળેલી માહિતી મુજબ રશિયા જેની અધ્યક્ષતા કરી રહ્યું છે તેવી કિમ્બર્લી પ્રોસેસની બેઠકોનો પણ અમેરિકા અને બ્રિટને બહિષ્કાર કર્યો છે.
કિમ્બર્લી પ્રોસેસની સ્થાપના 19 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2003માં કરવામાં આવી હતી. આ 85 દેશોની સંસ્થા છે, જે રફ ડાયમંડ નિકાસને પ્રમાણિત કરે છે અને કોન્ફલિક્ટ ડાયમંડના પ્રવાહને રોકવાના હેતુ સાથે સભ્યોના અમલીકરણ પર નજર રાખે છે. કોન્ફલિક્ટ ડાયમંડ સામે વધુ સારા નિયત્રંણોની ખાતરી રાખવાનું કામ કિમ્બર્લી પ્રોસેસ કરે છે. અમેરિકાએ ગયા સપ્તાહમાં રશિયા પર વ્યાપક આર્થિક પ્રતિબંધોના ભાગરૂપે રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મુક્યો હતો.
જો કે ડાયમંડ વેપારના મુખ્ય કેન્દ્ર ગણાતા યુરોપિયન યુનિયનના એન્ટવર્પે હજુ સુધી રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મુક્યો નથી. જો કે એન્ટવર્પે તાજેતરમાં યુરોપિયન યુનિયનની કંપનીઓને રફ અને પોલિશ્ડ ડાયમંડ સહિત રશિયાને 300 યુરોથી વધુની કિંમતના લક્ઝરી માલની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો.
બ્રિટને પણ રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મુક્યો નથી. રોઇટર્સના અહેવાલ મુજબ બ્રિટીશ અને યુ.એસ.ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ રશિયાની અધ્યક્ષતામાં મળનારી કિમ્બર્લી પ્રોસેસની બે બેઠકોમાં ભાગ લેશે નહી.
અમેરિકાએ 9 માર્ચે સમિતિના સભ્યોને ઇમેલ દ્રારા જાણ કરી હતી કે અમેરિકા કિમ્બર્લી પ્રોસેસમાં તેની સક્રિય ભૂમિકા ચાલુ રાખવા માટે સંપૂર્ણ કટીબદ્ધ છે, પરંતુ રશિયાએ યુક્રેન પર યુદ્ધ કરવાને કારણે અમે કિમ્બર્લી પ્રોસેસની બે બેઠકોમાં ભાગ લેવાના નથી.
કિમ્બર્લી પ્રોસેસમાં દર વર્ષે એક દેશને ચેરની જવાબદારી સોંપવામાં આવે છે. આમ તો વર્ષ 2020માં કિમ્બર્લા પ્રોસેસ ચેરની જવાબદારી રશિયા પાસે હતી, પરંતુ કોવિડ-19ને કારણે આ ભૂમિકા એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી અને રશિયાએ 2021માં કિમ્બર્લી ચેરની જવાબદારી સંભાળી હતી. હવે પછીનું અધ્યક્ષ સ્થાન બોટ્સવાનાને સોંપાવવાનું છે.