ડાયમંડ સિટી. સુરત
ડીટીસી સાઇટ હોલ્ડર અને દુનિયાની જાણીતી ડાયમંડ કંપની HVK ઇન્ટરનેશનલના ચેરમેન નાગજીભાઇ સાકરીયા તેમનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવવા માટે જાણીતા છે. 16 વર્ષ પહેલાં તેમણે નક્કી કર્યું હતું કે તેમના જન્મ દિવસને રકતદાન દિવસ તરીકે મનાવવો. 1લી વર્ષગાંઠ વખતે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો ત્યારે 80 બોટલ રક્ત ભેગું થયું હતું. એ પછી ઉત્તરોઉત્તર બ્લડ ડોનેશનમાં લોહીની બોટલોની સંખ્યા વધતી ગઇ અને આ વખતે 1લી એપ્રિલની તેમની વર્ષગાંઠના દિવસે 1000થી વધારે રકત બોટલ એકત્ર કરવામાં આવી.
વર્ષે દિવસે 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી HVK ઇન્ટરનેશનલ કંપનીના ચેરમેન નાગજીભાઇ સાકરીયાનો 1લી એપ્રિલે જન્મ દિવસ હતો અને કતારગામ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડી મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, ડીસીપી ઝોન-2 ભાવનાબેન પટેલ, સુરત ડાયમંડ બૂર્સના ચેરમેન વલ્લભભાઇ લાખાણી, ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સામાજિક અગ્રણી લાલજીભાઇ પટેલ, કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, જાણીતા બિલ્ડર લવજીભાઇ બાદશાહ, શીતલ ડાયમંડના વલ્લભભાઇ કાકડીયા સહીતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
નાગજીભાઇ સાકરીયાની વર્ષગાંઠ નિમિત્તે માત્ર 1000થી વધારે રક્ત બોટલ એકત્ર કરવામાં આવી હતી એટલુ જ નહી, પણ કંપનીઓના એવા 14 કર્મચારીઓ જેમના અકાળે મોત થયા હતા,તેમના પરિવારને દરેકને 1-1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.એમાંથી કેટલાંક પરિવારો જયારે સ્ટેજ પર ચેક લેવા આવ્યા ત્યારે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા.
મેયર હેમાલીબેન પણ તેમને જોઇને ભાવૂક થઇ ગયા હતા અને તેમણે પરિવારજનોને સાંત્વના આપી હતી. ઉપરાંત કંપનીની એવા 7 કર્મચારીઓ કે જેઓ લાંબા સમયથી HVK સાથે જોડાયેલા છે તેમને પણ 1-1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ 7 કર્મચારીઓમાં પ્યૂન, ડ્રાઇવર, ચોકીદાર જેવા વ્યકિતઓ હતા.
કર્મચારીઓના ખરા અર્થમાં સન્માન થઇ રહ્યુ હતું ત્યારે ખરા અર્થમાં આખો કાર્યક્રમ ગરીમાપૂર્ણ લાગતો હતો.કર્મચારીઓને સન્માન મળ્યું અને સાથે આર્થિક આવક પણ થઇ એટલે તેમના ચહેરાં પર ખુશીની ઝગમગાટ હતી.
નાગજીભાઇએ કહ્યુ કે હું મારા જન્મ દિવસે કેપ કાપતો નથી, પરંતુ 16 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે દર જન્મ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખવો કારણ કે જની તારીખે પણ બ્લડ બેંકોમાં રક્તની ખુબ જ જરૂર રહેતી હોય છે. કોરોના મહામારીના સમયમાં બે વર્ષ રક્તદાન કેમ્પનું આયોજન થઇ શકતું નહોતું એટલે આ વખતે હતો તે 14મો બ્લડ ડોનેશન કેમ્પ હતો.
મેયર હેમાલીબેન બોઘાવાલાએ તેમના વકતવ્યમાં કહ્યું હતુ કે, નાગજીભાઇ સાથે મારી મુલાકાતને માત્ર 24 કલાક જ થયા છે. તેઓ જયારે આમંત્રણ આપવા આવ્યા ત્યારે ઓળખાણ થઇ હતી, પરંતુ તેમને મળ્યા પછી લાગ્યું કે રીયલ જેમ જેવા માણસ છે. હેમાલીબેને કહ્યું કે, લોહી એવી વસ્તુ છે જે આજ સુધી કોઇ બનાવી શક્યું નથી. એટલે રકતદાન દ્રારા જ લોહી મેળવી શકાય છે. ત્યારે આટલા મોટા પાયે કેમ્પ કરીને અને વર્ષગાંઠે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને નાગજીભાઇએ નવો ચિલો ચિતર્યો છે. કિરણ હોસ્પિટલ અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના કર્મચારીઓએ બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા આપી હતી.