ડાયમંડ સિટી. સુરત
સુરતમાં ખુશીને લોકો સાથે વહેંચવા, દીકરીના જન્મને વધાવી લેવા તેમજ લોકોમાં બેટી બચાવો બેટી વધાઓનો સંદેશો આવે તે માટે એક લક્ઝરી બસ સુરતના રસ્તા પર ફેરવવામાં આવી હતી.ગોવિંદ ધોળકિયાની પર્સનલ વેનિટી વાન ને એક જ દિવસમાં સફેદ રંગ માંથી ગુલાબી રંગની કરીને તેના પર “ઇટ્સ અ ગર્લ ચાઈલ્ડ’નો મેસેજ લખીને હોસ્પિટલથી લઈને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી. સુરતના રસ્તા પર દીકરીના જન્મને વધાવવા ઉદ્યોગપતિએ ગુલાબી બસ ફેરવવામાં આવી હતી.
સમાજ ભલે આજે 21મી સદીમાં જીવી રહ્યો હોય, છતાં પણ આ જમાનામાં સ્ત્રી ભૃણ હત્યા કે નવજાત બાળકીને તરછોડી દેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે એક વર્ગ એવો પણ છે જે પરિવારમાં દીકરીના જન્મની રાહ જોતો હોય છે. આવા પરિવારોને દીકરા કરતા દીકરીના જન્મની વધારે ખુશી થતી હોય છે. અને તેઓ દીકરીના જન્મ લેતા જ તેને વધાવી પણ લેતા હોય છે. સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયંશ ધોળકિયાને ત્યાં દીકરીનો જન્મ થતાં આજે તેને અનોખી રીતે વધાવી લેવામાં આવી હતી. રામનવમીના દિવસે શ્રેયાંસ ભાઈના ઘરે પારણું બંધાયું હતું અને દીકરીનો જન્મ થયો હતો, તેની પરિવારમાં ખુબ ખુશી જોવા મળી હતી.
જોકે આ ખુશીને લોકો સાથે વહેંચવા, દીકરીના જન્મને વધાવી લેવા તેમજ લોકોમાં બેટી બચાવો બેટી વધાઓનો સંદેશો આવે તે માટે એક લક્ઝરી બસ સુરતના રસ્તા પર ફેરવવામાં આવી હતી.ગોવિંદભાઈ ધોળકિયાની પર્સનલ વેનિટી વાનને એક જ દિવસમાં સફેદ રંગમાંથી ગુલાબી રંગની કરીને તેના પર “ઇટ્સ અ ગર્લ ચાઈલ્ડ’નો મેસેજ લખીને હોસ્પિટલથી લઈને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી.
તે બાદ દીકરીને આ જ બસમાં ઘરે લઈ જવામાં આવી હતા. ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે તેમના ઘરે ચાર દાયકા બાદ આજે દીકરીનો જન્મ થયો છે. જેની ખુશી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આજે સમાજમાં દીકરીને વધાવવા માટે ઘણી વાતો થાય છે છતાં પણ પુત્રીના જન્મથી લોકો નિરાશ પણ થઇ જતા હોય છે. ત્યારે આવા લોકોમાં જાગૃતિ આવે અને દીકરીના જન્મને પણ તેટલું જ પ્રોત્સાહન આપવામાં આવે તે હેતુથી તેમના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાજમાં હવે દીકરીના જન્મને લઈને લોકોની માનસિકતા બદલાય રહી છે.
પહેલા દીકરીના જન્મને બોજ સમાન માનવામાં આવતી હતી. પરંતુ હવે દીકરીઓ તમામ ક્ષેત્રમાં આગળ આવી રહી છે. અલગ-અલગ સમાજની છોકરીઓ આજે પાયલોટ થઈને પોલીસના ઉચ્ચ હોદ્દા ઉપર જોવા મળી રહી છે. એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં દીકરીઓએ પોતાની ક્ષમતા પુરવાર નથી કરી. આજે તો દેશની સરહદ પર સુરક્ષા કરવામાં પણ તેણે પોતાની હિંમત દાખવી છે. આજથી એક દાયકા પહેલાં જે પ્રકારે સમાજમાં દીકરીને પણ ભૃણ હત્યા કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી હતી, હાલમાં તેવી સ્થિતિ જોવા મળી રહી નથી.
ધીરે-ધીરે દિકરીનાં જન્મદરમાં વધારો થઈ રહ્યો છે. દીકરીના જન્મને લઇને પરિવાર દ્વારા તેનાં વધામણાં કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને કારણે દીકરીના જન્મને લઇને સમાજનો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે. દીકરી ના જન્મને લઇને ખુશીનો માહોલ છવાઇ જતો હોય છે. સુરતમાં જે રીતે ધોળકિયા પરિવાર દ્વારા દીકરીના જન્મની સાથે જ અનોખી રીતે તેના વધામણા કરવામાં આવ્યા છે સમગ્ર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. દરેક પરિવાર જો આ રીતે જ દીકરીના જન્મોત્સવની ઉજવણી કરે તો ખરા અર્થમાં નારીને સન્માન આપવાનું સાર્થક થઈ શકે છે.
દીકરીના જન્મને લઇને વિવિધ સમાજ દ્વારા અને જાગૃતિના કાર્યક્રમ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. સમાજમાં આવી ખોટી માનસિકતાને કારણે પુરુષની સરખામણીએ સ્ત્રીઓનો જન્મ દૂર ખૂબ જ ઓછો થઈ રહ્યો હતો. સંખ્યાની દૃષ્ટિએ સ્ત્રી અને પુરુષ વચ્ચે ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો હતો. જે સમાજ માટે મોટો ચિંતાનો વિષય બન્યો હતો. પરંતુ હવે લોકોની માનસિકતા બદલાઈ રહી છે.
ધોળકિયા પરિવારની જેમ સમાજના અનેક એવા પરિવારો છે કે જે હવે બાળકીના જન્મને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવીને શ્રેષ્ઠ ઉદાહરણો પુરા પાડી રહ્યા છે. આજે બાળકીના જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી થતી હોવાનું જોવા મળી રહ્યું છે, જે ખરેખર આવકારદાયક છે. સુરતમાં બાળકીના જન્મ બાદ જે પ્રકારે ઉજવણી કરવામાં આવે છે તે સરાહનીય છે. ધોળકિયા પરિવાર સમાજ સેવામાં ખૂબ જ અગ્રેસર રહે છે અને સમાજના હિતમાં અનેક ભગીરથ કાર્યમાં પોતાનું મોટું યોગદાન આપે છે.
સમાજની ખોટી રૂઢિઓને પણ ડામવા માટે તેઓ પ્રયાસ કરતાં રહે છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે તેઓ અનેક સંકલ્પો સાથે આગળ વધે છે, ત્યારે બાળકીના જન્મોત્સવની ઉજવણી સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે.