છેલ્લાં પચાસેક વર્ષમાં હીરાઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં જબરદસ્ત આમુલ પરિવર્તનો આવ્યા છે. ટેક્નોલોજીએ હીરાનો ઝળહળાટ વધાર્યો છે તો વેલ્યુ એડીશનમાં કાપડ ઉદ્યોગે જબરદસ્ત કાઠું કાઢ્યું છે.
વૈશ્વિક સ્તરે આજે સુરત શહેરની જે ચમક દમક, જે શાખ અને જે આબરૂ છે તેમાં સુરતના બે મહત્વના ઉદ્યોગ ડાયમંડ અને ટેક્સટાઇલનો સૌથી મોટો અને સવિશેષ ફાળો છે. એમ કહી શકાય કે સુરતની આર્થિક ધરોહરના આ બે હીરો છે. સુરતની અંદાજે 50 લાખની વસ્તીમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સીધી કે આડકતરી રીતે 50 ટકા એટલે કે 25 લાખ લોકોને રોજગારી પુરી પાડે છે.
જે સ્વાભાવિક રીતે સુરતની આર્થિક મજબુતાઇ માટે મદદરૂપ બને છે. અને એટલે જ વિશ્વભરમાં સુરત ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે પ્રખ્યાત થયું છે. છેલ્લાં પચાસેક વર્ષમાં હીરાઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં જબરદસ્ત આમુલ પરિવર્તનો આવ્યા છે.
ટેક્નોલોજીએ હીરાનો ઝળહળાટ વધાર્યો છે તો વેલ્યુ એડીશનમાં કાપડ ઉદ્યોગે જબરદસ્ત કાઠું કાઢ્યું છે. આ બંને ઉદ્યોગ વગર સુરતની ઓળખ શક્ય નથી. એટલે તમને સુરતના હીરાઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાત કરવી છે.
હીરાઉદ્યોગની વાત કરીએ તો વિશ્વમાં કટીંગ એન્ડ પોલીશીંગ થતા 10 હીરામાંથી 8 હીરા સુરતમાં કટીંગ એન્ડ પોલીશીંગ થાય છે. મતલબ કે વિશ્વમાં કટીંગ એન્ડ પોલીશીંગમાં સુરતનો હીસ્સો 80 ટકા જેટલો છે.હીરાની દુનિયામાં સુરતી કટની ચમક બુલંદી પર છે.
પણ આ સફળતા એમ જ મળી નથી, એના માટે હીરાઉદ્યોગકારોની અથાગ મહેનત, ગજબની હિંમત અને દુરદર્શિતા કારણભૂત છે. મિલિયન ડોલર્સનો ડાયમંડ ઉદ્યોગ આજે દુનિયા પર એટલા માટે રાજ કરી રહ્યો છે, કારણ કે હીરાને નિખાર આપવામાં સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા રત્નકલાકારોએ ગજબની સુઝ દાખવીને અને હીરાઉદ્યોગની શાખને ઉંચાઇએ પહોંચાડી છે.
સુરતના રત્નકલાકારો જે સ્મોલ ડાયમંડને કટીંગ એન્ડ પોલીશીંગ કરે છે તેવી કલાત્મકતા અને યોગ્યતા વિશ્વના કોઇ કારીગરો પાસે નથી. અને એટલે જ વર્ષો પહેલાં ઇઝરાયલ અને બેલ્જીયમની ડાયમંડ કટીંગની મોનોપોલી સુરતે તોડી નાંખી છે.
તો સુરતના હીરાઉદ્યોગકારોએ વિશ્વના આખા હીરાઉદ્યોગને સુરતમાં ખેંચી લાવવા અથાગ પ્રયાસ કર્યા છે. આજે સુરત ટ્રેડીંગ, ડાયમંડ જવેલરી અને ડાયમંડ ટેકનોલોજીમાં વિશ્વની સમકક્ષ ઉભું રહ્યું છે અને કદાચ ભવિષ્યમાં સુરતનું વિશ્વના હીરાઉદ્યોગ પર એકહથ્થું શાસન આવી જાય તો નવાઇ નહીં લાગે.
ઇઝરાયલ અને બેલ્જીયમ સુરત એક જમાનો હતો જયારે હીરાના કારખાના માત્ર ઇઝરાયલ અને બેલ્જીયમના એન્ટવર્પમાં જ હતા.ત્યાંના કારીગરો મોટા હીરાનું અદ્દભુત કટીંગ એન્ડ પોલીશીંગ કરતા હતા. ધીમે ધીમે સુરતમાં હીરાના કારખાના શરૂ થયા અને સૌરાષ્ટ્રના નાના નાના ગામડામાંથી સુરત આવેલા કારીગરોએ હીરાને એવી રીતે તરાશવાનું શરૂ કર્યુ કે સુરતનું નામ પણ વિશ્વ સ્તરે બોલાવા માંડ્યું. એમાં પણ કારીગરોએ એક કેરેટથી નાની સાઇઝના ડાયમંડમાં એવી બેનમુન કલાકારીગરી કરી જેને કારણે ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં સુરત નંબર વન બની ગયું. હવે તો મોટી સાઇઝના હીરા પણ સુરતની ડાયમંડ ફેકટરીમાં કટીંગ થતા થઇ ગયા છે. આજે એવી પરિસ્થિતિ છે કે ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં ઇઝરાયલ અને બેલ્જીયમનું નામ ભુંસાઇ ગયું છે.
આજે વિશ્વની સાથે ટેક્નોલોજીનો ઉપયોગ સુરતમાં થાય છે... સુરતમાં પહેલા સાવ દેશી પધ્ધતિથી હીરા ઘસવામાં આવતા હતા. ઘંટી પર જ કામ થતું હતું અને સરણ પર કારીગર હીરાના ઘાટ અને પેલ કાપતો હતો. વિશ્વમાં ડાયમંડની જે ટેક્નોલોજી હતી તેનો ઉપયોગ સુરતમાં થતો નહોતો. પણ ઓછું ભણેલા પણ વધારે ગણેલા હીરાવાળાઓએ એવી કરામત કરી કે આજે વિશ્વમાં ડાયમંડમાં વપરાતી કોઇ એવી ટેક્નોલોજી નહીં હોય જે સુરતના હીરાઉદ્યોગ પાસે ન હોય. કોઇપણ નવી ટેક્નોલોજીનું સંશોધન થાય તે દુનિયાની સાથે સુરતમાં આવી જ જાય. આજે સુરતમાં મેક્સી બ્રુટર, કમ્પ્યુટર પર ગ્રાફ પ્લાનર, લેસર મશીન,એનેલાઇઝર, ઓટો બ્રુટર, ઓટોમેટીક પોલીશીંગ કટર, ઇઆરપી સોફટવેર, માઇક્રોસ્કોપ, એમ્બોક્સ, ગેલેકસી, ઇમરજીન ગ્લાસ ટેક્નોલોજી અને સ્પેકટ્રમ ટેક્નોલોજી. લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગને કારણે ઉદ્યોગકારોને ફાયદો એ થયો કે પહેલાં હીરાની સાચી વેલ્યુએશન મળતી નહોતી, વેસ્ટેજ વધારે થતું હતું, ટેક્નોલોજીને કારણે હીરાનું પરફેક્શન શક્ય બન્યું. વેસ્ટેજ ઘટયું અને હીરાનું વેલ્યુએશન વધ્યું. હીરાનું ઉત્પાદન પણ વધારવું શક્ય બન્યું.
સુરતમાં હીરાઉદ્યોગની શરૂઆત 1950થી થઇ હતી.
હીરાઉદ્યોગામાંથી જાણવા મળેલી વિગત એવી છે કે સુરતમાં હીરાઉદ્યોગની શરૂઆત લેઉઆ પટેલોએ સુરતમાં પહેલું હીરાનું કારખાનું કુબેરદાસ માવજીવનવાળા તથા તેમના ભાઇ રંગીલદાસે શરૂ કર્યું હતું. એ પછી હીરાઉદ્યોગમાં જૈન સમાજ અને ક્રમશ સૌરાષ્ટ્રના પટેલ સમાજના લોકોએ પગપેસારો કર્યો.
આજે હીરાઉદ્યોગમાં જૈન અને પટેલ સમાજનું પ્રભુત્વ છે. લેઉઆ પટેલો તે પછી સાઇડલાઇન થઇ ગયા. લગભગ 1960માં હીરાઉદ્યોગ એવી સિસ્ટમથી ચાલતો હતો કે જૈન વેપારીઓ ઓફીસમાં બેસીને ટ્રેડીંગ અને સૌરાષ્ટ્રના પટેલો હીરાને કટીંગ પોલીશીંગ કરવાના કારખાનામાં કામ કરે. સમય જતા ઘણું બધું બદલાઇ ગયું.
આજે જૈન વેપારીઓ ટ્રેડીંગ પણ કરે છે સાથે ડાયમંડ ફેકટરી પણ ચલાવે છે. એ જ રીતે પટેલો પણ કારખાના કે ફેકટરી પણ ચલાવે છે અને ટ્રેડીંગ માટે ઓફીસમાં બેસીને પણ કામ કરે છે.
સુરતમાં ત્રણ હીરાબજારમાં રોજના કરોડો રૂપિયાના કામ થાય છે
દુનિયામાં ભાગ્યે જ કોઇ એવું બજાર હશે જયાં રસ્તા પર ઉભા ઉભા કરોડો રૂપિયાના સોદા થતા હોય. સુરતમાં 3 હીરાબજાર છે, એક મહીધરપુરાનું જે સૌથી જુનું બજાર છે અને વરાછામાં મીનીબજાર તથા ચોકસીબજાર.
સુરતના હીરાબજારની વિશેષતા એ છે કે અહીં પોલીશ્ડ ડાયમંડ અને રફ ડાયમંડના પડીકાના સોદા થાય છે અને તે પણ મકાનના ઓટલા પર અથવા રસ્તા પર બાઇક પર બેઠાં-બેઠાં. કરોડો રૂપિયાના સોદા થાય અને તે પણ એકમાત્ર કાગળની ચબરખી પર. સુરતના હીરાઉદ્યોગમાં લાખો કરોડો રૂપિયાનો વેપલો માત્ર જબાન અને વિશ્વાસ પર થાય છે.
મહિલાઓને રોજગારી મળતી થઇ
પહેલાં જે પ્રમાણે હીરાના કારખાના અંધારીયા ખુણામાં ચાલતા હતા ત્યારે કોઇ મહિલા કારખાનામાં કામ કરવાનું વિચારતી પણ નહીં. હવે આધુનિક ટેક્નોલોજી અને હાઇ-ફાઇ ઓફીસને કારણે હજારો મહિલાઓને રોજગારી મળી છે.
ડાયમંડ ફેક્ટરીઓમાં મહિલાઓ હીરાનું વજન કરવાનું, લેસર મશીન અથવા અન્ય મશીન પર ડાયમંડ કટીંગ કરવાનું અથવા કમ્પ્યુટર પર હીરાનું પ્લાનીંગ કરવાનું એવા અનેક કામોમાં જોડાયેલી છે.
ત્રણ વરસ પછી ડાયમંડ હબને કારણે સુરતની સૂરત બદલાઇ જશે
સુરત ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ માટે તો મોખરે છે, પણ હીરાના ટ્રેડીંગ માટે મુંબઇ અને બેલ્જીયમ પર આધાર રાખવો પડે છે. મુંબઇમાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં બનાવવામાં આવેલા ભારત ડાયમંડ બૂર્સમાં મોટાભાગની ઓફીસ સુરતના હીરાના વેપારીઓની છે.
છેલ્લાં બેએક વર્ષથી સુરતના અગ્રણી હીરાઉદ્યોગકારોએ મનોમંથન કર્યું કે સુરતમાં જ ડાયમંડ ટ્રેડીગનું હબ બને તો સુરતનું નામ વધારે ઝળહળે. બસ વિચાર અમલમાં મુકાયો અને સુરતના ખજોદ વિસ્તારમાં લાખો ચો.વાર વિસ્તારમાં આંતરાષ્ટ્રીય સ્તરનું સુરત ડાયમંડ બૂર્સ બની રહ્યું છે.
બૂર્સનું બાંધકામ લાભપાંચમથી શરૂ થઇ ચુક્યું છે અને ત્રણેક વર્ષમાં પુરુ થવાની ધારણા રાખવામાં આવી છે. આ બૂર્સને કારણે હજારો લોકોને રોજગારી મળશે અને વિદેશી બાયરો સીધા સુરત આવવાને કારણે સુરતને પણ ધરખમ આર્થિક ફાયદો થશે. ત્રણ વર્ષ પછી સુરતની સૂરત બદલાઇ જવાની છે એ વાત નકકી છે.
જવેલરી પાર્ક પણ બની રહ્યો છે પણ ગતિ ધીમી છે
સુરતમાં 2004માં ઇચ્છાપોર વિસ્તારમાં જવેલરી પાર્ક બનાવવાનું ગુજરાત હીરા બૂર્સના નેજા હેઠળ નક્કી થયું હતું પણ આજે 13 વર્ષ પછી આ પાર્કમાં ખાસ ડેવલપમેન્ટ થયું નથી. હા, પાંચેક ડાયમંડ કંપનીઓએ અહીં જવેલરી ફેક્ટરી શરૂ કરી છે.
ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે સુરતનું નામ સિલ્ક સિટી તરીકે જાણીતું થયું
દેશભરમાં સાડી માટે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ પ્રખ્યાત છે. માત્ર રીંગરોડ વિસ્તારમાં આવેલી લગભગ 250 જેટલી ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 40000 દુકાનોમાં હોલસેલ સાડીનો વેપારી થાય છે.
દેશનું એવું કોઇ રાજ્ય નહીં હોય જ્યાં સુરતની સાડી ન જતી હોય. યુ.પી., બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, કોલકટ્ટા એમ દરેક જગ્યાએ સુરતની સાડી પહોંચે છે.
સુરતમાં એક ભાગ એવો છે જ્યાં માત્ર સાડીનો અને એક ભાગ એવો છે જ્યાં માત્ર ડ્રેસ મટીરીયલ્સનો બિઝનેસ થાય છે. સુરતમાં એક રીટેલ માર્કેટ એવું છે જેનું નામ બોમ્બે-માર્કેટ છે, જ્યાં હજારો દુકાનોમાં સાડી વેચાય છે. બોમ્બે-માર્કેટ સુરતનું ટુરીસ્ટ સ્પોટ છે. કારણ કે સુરતની મુલાકાતે આવેલી કોઇ પણ મહિલા બોમ્બે માર્કેટની મુલાકાતે અવશ્ય જાય છે.
કાપડ ઉદ્યોગ આખી એક લાંબી ચેઇનમાં કામ કરે છે
એન્ડ યુઝર યાને ગ્રાહક સુધી જે સાડી કે ડ્રેસ પહોંચે છે તે પહેલાં એક કાપડ ઉદ્યોગની લાંબી ચેઇનમાંથી પસાર થાય છે. સૌથી પહેલા ચિપ્સ બનાવવામાં આવે છે, જે રિલાયન્સ જેવી મોટી સ્પીનર કંપનીઓ બનાવે છે.
તે પછી યાર્ન અને પછી વિવિંગ, પછી ડાઇંગ અને પ્રિન્ટીંગ પ્રોસેસીંગ, તે પછી વેલ્યુએડીશન માટે એમ્બ્રોઇડરી વર્ક અને તે પછી પ્રોડકટ બજારમાં જાય છે. સુરતમાં રોજનું 4 કરોડ મીટર કાપડ બને છે. 6 લાખ પાવર લૂમ્સ, 300 ડાઇંગ મીલ, 1 લાખ એમ્બ્રોઇડરી મશીન કામ કરે છે.
એક અંદાજ મુજબ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં 15 લાખ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પહેલાં મુળ સુરતીઓનો દબદબો હતો પણ સુરતમાં લગભગ 1970 પછી ટેક્સટાઇલ માર્કેટ બની, પછી સુરતીઓનો હિસ્સો નહીવત થઇ ગયો.
આજે ટેક્સટાઇલ માર્કેટમાં મારવાડી, જૈન, રાજસ્થાની, પંજાબી, સિંધી વગેરે સમાજના વેપારીઓનું વર્ચસ્વ છે. ડાઇંગ મીલો, પાવરલૂમ્સ અને એમ્બ્રોઇડરીમાં પરપ્રાંતીય કામદારો ખાસ કરીને યુ.પી., બિહાર અને ઓડીસાના લોકનું પ્રમાણ સૌથી વધારે છે.