ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોને રાહત મળી રહે એવા આશથથી 8 વર્ષ પહેલાં ડાયમંડ હોસ્પિટલ માત્ર પ્રસુતિની સેવા સાથે શરૂ થઇ હતી, પરંતુ આજે કેન્સર અને હાર્ટના ઓપરેશનો સિવાય અહીં બધી સુવિધા ઉપલબ્ધ થઇ ચૂકી છે.
ડાયમંડ હોસ્પિટલના કહેવા મુજબ રાહત દરે હોસ્પિટલ શરૂ થવાને કારણે 8 વર્ષમાં લોકોના 140 કરોડ રૂપિયા બચી શક્યા છે.ડાયમંડ હોસ્પિટલ શરૂ કરવાનો આશય અને શું સેવા આપવામાં આવે છે તે વિશે અમે હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણી સાથે વાત કરી હતી.
ખરેખર, જોવા જઇએ તો આ એક મોટી સમાજ સેવા છે, કારણકે એક મોટો વર્ગ એવો છે જેમની આર્થિક તાકાત મેડીકલના ખર્ચાઓ પુરી કરી શકવાની હોતી નથી. એવા લોકો માટે આ પૂણ્યનું કામ છે.
ડાયમંડ હોસ્પિટલના હોદ્દેદારો…
ડાયમંડ હોસ્પિટલમાં પ્રમુખ તરીકે સી. પી. વાનાણી, ઉપપ્રમુખ તરીકે કેશુભાઇ ગોટી, ઉપ પ્રમુખ માવજીભાઇ માવાણી, મંત્રી દિનેશભાઇ નાવડીયા. કો. ઓર્ડિનેટર કનુભાઇ માવાણી, સહમંત્રી બાબુભાઇ કથીરીયા, ખજાનચી નાનુભાઇ વેકરીયા સેવા આપી રહ્યા છે.
ડાયમંડ હોસ્પિટલ બનાવવાની જરૂરિયાત કેમ ઉભી થઇ હતી?
સી.પી. વાનાણીએ કહ્યું કે વર્ષ 2014માં અમે વરાછા વિસ્તારમાં આવેલા ચીકુ વાડી વિસ્તારમાં 140 બેડની સુરત ડાયમંડ એસોસિયેશન આરોગ્ય સમિતિ સંચાલિત, માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાન્તાબા વિડિયા ડાયમંડ હોસ્પિટલ શરૂ કરી હતી.
પણ હોસ્પિટલ શરૂ કરતા પહેલાં અમે ઘણું મનોમંથન કર્યું હતું. સુરતના ડાયમંડ ઉદ્યોગને દુનિયામાં ઝળહળતી પ્રતિષ્ઠા અપાવનારા રત્નકલાકારો માટે કઇંક કરવું જોઇએ. ડાયમંડ ઉદ્યોગમાં અંદાજે 5 લાખ જેટલાં રત્નકલાકારો છે અને તે વખતે તેમની વાર્ષિક કમાણી વર્ષ 2014 પહેલાં 1 લાખ રૂપિયા જેટલી હતી.
જો કોઇ રત્ન કલાકારના ઘરે પારણું બંધાઇ અને પ્રસુતાને સિઝેરિયનથી ડીલીવરી કરવી પડે તો તેને 40,000 જેટલો ખર્ચ કરવાની નોબત ઉભી થાય.આવા સંજોગોમાં રત્નકલાકારને નિર્વાહ કરવામાં મુશ્કેલી પડી શકે.
મનોમંથનને અંતે નક્કી કરવામાં આવ્યું કે પ્રસુતિ માટેની હોસ્પિટલ શરૂ કરવામાં આવે. પરંતુ આજે 8 વર્ષ પછી તો ડાયમંડ હોસ્પિટલમાં મેડીસીન વિભાગ, બાળ રોગ વિભાગ, સ્ત્રીરોગ- પ્રસુતિ વિભાગ, હાડકા, આંખ, દાંત, કીડની, ચામચી, પ્લાસ્ટીક સર્જરી જેવા અનેર વિભાગો શરૂ થઇ ગયા છે.
સી. પી.વાનાણીએ કહ્યું કે કેન્સર અને હાર્ટના ઓપરેશન સિવાયની બધી સેવા શરૂ કરી દેવામાં આવી છે.
સી.પી. વાનાણીએ કહ્યું કે હોસ્પિટલ ઉભી કરવાનું તો નક્કી થયું, પરંતુ જમીન અને લાખો રૂપિયાના ફંડની જરૂર પડે તેમ હતી. પરંતુ સારું કામ કરવાનું વિચારો તો રસ્તા આપો આપ નિકળી જતા હોય છે.
અમારા કેસમાં પણ એવું જ બન્યું. તે વખતે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર હતા કુ. એસ. અર્પણા. તેમણે અમારી વાત સાંભળી અને સમજી. તેમણે વરાછા વિસ્તારમાં હોસ્પિટલ માટે જમીન ફાળવી. જમીન મળી ગઇ તેની સાથે સાથે દાનની સખાવત પણ મળતી ગઇ.
દાન માટે પણ સુરત દુનિયાભરમાં જાણીતું છે. વાનાણીએ આગળ કહ્યું કે અમને મોટા દાતાઓએ તો મદદ કરી જ, પરંતુ તમને જાણીના આશ્ચર્ય થશે કે પ્રતિ 1.51 લાખ રૂપિયાનું દાન આપનારા 450 લોકો આગળ આવ્યા. મતલબ કે 6 કરોડ રૂપિયાનું દાન તો અમને નાના લોકો તરફથી મળ્યું એમાંથી અમે બાંધકામ કરી શક્યા.
ઉપરાંત ડાયમંડ ઉદ્યોગમાં ડીટીસી સાઇટ હોલ્ડર્સ દરેક પાસેથી અમે 51-51 લાખ રૂપિયાનું દાન મેળવ્યું.એ સિવાય ટેક્સટાઇલ ઉદ્યોગ, રીઅલ એસ્ટેટ કે અન્ય ઉદ્યોગોમાંથી અમને 25-25 લાખ રૂપિયાનું દાન આપનારા પણ મળ્યા. ડાયમંડ હોસ્પિટલમાં 25 લાખ થી વધારે રૂપિયાનું દાન આપનારા 60 ટ્રસ્ટીઓ છે.
ડાયમંડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 19069 બાળકોની ડીલીવરી થઇ છે, જેમાં 9162 દીકરીઓ અને 9907 દીકરાઓના જન્મ થયા છે.
વર્ષ 2014માં 784 દીકરીઓ અને 933 દીકરાઓ, 2015માં 991 દીકરીઓ અને 1183 દીકરા, 2016માં 978 દીકરીઓ અને 1138 દીકરાઓ, 2017માં 955 દીકરીઓ અને 1068 દીકરાઓ, 2018માં 1098 દીકરીઓ અને 1293 દીકરાઓ, 2019માં 1514 દીકરીઓ અને 1596 દીકરાઓ, 2020માં 1527 દીકરીઓ અને 1296 દીકરાઓ.
2021 (નવેમ્બર સુધીમાં) 1315 દીકરીઓ અને 1400 દીકરીઓનો જન્મ થયો છે. આ આંકડા પરથી જોઇએ તો મોટાભાગના વર્ષમાં દીકરીઓ કરતા દીકરાઓની સંખ્યા વધારે છે, પરંતુ 2020માં દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યામાં ખાસ્સો ફેરફાર જોવા મળ્યો હતો.
સી. પી. વાનાણીને અમે પુછ્યું કે હોસ્પિટલ તો બની પણ લોકોને રાહત કેવી રીતે મળે છે?
તો વાનાણીએ કહ્યું કે, અમારી હોસ્પિટલમાં આંખના વિભાગમાં મોતિયો, છારી, વેલના ઓપરેશન મફતમાં કરવામાં આવે છે. એકપણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી. રોજના 15 થી 20 ઓપરેશન થાય છે.
પ્રિમેચ્યોર ડીલીવરી હોય અને બાળકને NICUમાં રાખવાની જરૂરિયાત ઉભી થાય તો દવા અને NICUનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. બીજે આના માટે અંદાજે 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય. ડાયમંડ હોસ્પિટલમાં NICUના 30 બેડ છે.
હોસ્પિટલમાં 14 ડાયાલીસીસ મશીન છે અને રોજના 50 ડાયાલીસીસ થાય છે જે પણ સાવ મફતમાં કરવામાં આવે છે. ઉપરાંત ડાયાલીસીસ કરાવવા આવનાર દર્દીને ઘરે જવાના 300 રૂપિયા પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે.
પ્રસુતાની ડિલીવરીનો ખર્ચ પણ એકદમ રાહત દરે રાખવામાં આવ્યો છે. નોર્મલ ડિલીવરીના 1800 અને સિઝેરીયન ડિલીવરી હોય તો 5,000 રૂપિયા. એમાં પણ નોર્મલ ડિલીવરીમાં જો દીકરીનો જન્મ થાય તો હોસ્પિટલ એક પણ રૂપિયો ચાર્જ લેતી નથી.
સિઝેરીયનના કેસમાં જો દીકરી અવતરે તો 3200 રૂપિયા લેવામાં આવે છે. ઉપરાતં જે મહિલા એક કરતા વધારી દીકરીને જન્મ આપે એટલે કે ઘરે એક કે વધારે દીકરી હોય અને એ પછી બીજી દીકરીને ડાયમંડ હોસ્પિટલમાં જન્મ આપે છે તો દીકરીના નામે 1-1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. જે દીકરી પુખ્ત વયની થાય ત્યારે મળે છે. અત્યાર સુધીમાં આવા 2500 બોન્ડ આપવામાં આવ્યા છે.
વાનાણીને સવાલ કર્યો કે ડાયમંડ હોસ્પિટલમાં માત્ર રત્નકલાકારોના પરિવારને જ રાહત આપવમાં આવે છે?
તેમણે કહ્યું કે અમે રત્નકલાકારોના પરિવારને મદદ કરવાના આશયથી જ હોસ્પિટલ શરૂ કરી હતી, પરંતુ હવે કોઇ પણ ન્યાત-જાત કે ધર્મના ભેદભાવ વગર દરેક વર્ગના લોકોને રાહત આપવામાં આવે છે. વાનાણીએ કહ્યું, અમારી હોસ્પિટલમાં દરરોજ 20 થી 25 મુસ્લિમ પરિવારો પણ સારવાર લેવા આવે છે.
હોસ્પિટલને નિભાવવા, સ્ટાફનો પગાર કરવામાં મોટું ફંડ જોઇએ તો બધું મેનેજ થઇ જાય છે?
એવા સવાલના જવાબમાં સી.પી. વાનાણીએ કહ્યું કે, અમારી હોસ્પિટલ નો પ્રોફીટ – નો લોસના ધોરણે ચાલે છે એટલે કોઇક વાર મુશ્કેલી આવે છે. ઘણી વખત વર્ષે દિવસે 1 થી 1.50 કરોડ રૂપિયાની ઘટ પડતી હોય છે, પરંતુ સારી વાત એ છે કે સુરતની દાનવીર પ્રજા એવી છે કે અમારું કામ ક્યારેય અટકતું નથી.
વાનાણીએ કહ્યું કે, કોરોના મહામારીના સમયમાં જ્યારે બધા ધંધા-ઉદ્યોગો બંધ હતા ત્યારે સ્વાભાવિક રીતે લોકોની આવકનો પણ મોટો પ્રશ્ન હતો. આ બે વર્ષમાં અનેક એવા દાખલા બન્યા કે દર્દીના પરિવારોએ વિનંતી કરી હતી કે, અમે પૈસા આપી શકીએ તેમ નથી.
ડાયમંડ હોસ્પિટલે પૈસાના અભાવે કોઇની ટ્રીટમેન્ટ અટકાવી નથી. અમે દર્દીઓને કહ્યું હતું કે, સગવડ થાય ત્યારે આપજો. ઘણા બધા લોકો સારવારનો ચાર્જ આપી પણ ગયા છે. જે નથી આપી ગયા તેનો રેશિયો ઘણો નાનો છે.
વરાછામાં જ લગભગ 20 લાખથી વધારે વસ્તી છે, તો રાહત દરની એક હોસ્પિટલ પુરતી છે?
સી.પી. વાનાણીએ જવાબ આપતા કહ્યું કે, એક હોસ્પિટલ પુરતી નથી. તાજેતરમાં ડાયમંડ હોસ્પિટલના વાર્ષિક સ્નેહ મિલન સમારોહમાં આ વિશે ચર્ચા થઇ હતી કે મોટા વરાછા, ઉત્રાણ અને વેંલજા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, પરંતુ ત્યાં રાહત દરની હોસ્પિટલ બનવી જોઇએ.
દાતાઓએ અને લોકોએ કહ્યું કે તમે આગળ વધો. એટલે અમે સુરત મહાનગર પાલિકા અને ગુજરાત સરકારને જમીન ફાળવવા માટે વિનંતી કરી હતી. સરકારે અમને ટી.પી.24, મોટા વરાછા- ઉત્રાણ પાસે આવેલા રામચોક નજીક 12850 વાર જગ્યા ફાળવી છે.
આ જગ્યા પર 11 માળની 450 બેડની હોસ્પિટલ ઉભી થશે. વાનાણીએ કહ્યું કે, 3 વર્ષમાં હોસ્પિટલ શરૂ કરી દેવાનો અમારો ટાર્ગેટ છે. ડાયમંડ હોસ્પિટલમાં જે સુવિધા નથી તે બધી સુવિધા રાહત દરે નવી હોસ્પિટલમાં મળશે.વાનાણીએ કહ્યું કે 4.80 લાખ સ્કેવર ફુટની જગ્યા અમને મળી છે એટલે ભવિષ્યમાં અહીં મેડિકલ કોલેજ પણ શરૂ કરવાની અમારી યોજના છે.