લાસ વેગાસમાં વેનેટીયન ખાતે JCK શો દરમિયાન ઇન્ડિયન ડાયમંડ એન્ડ કલર સ્ટોન એસોસિયેશન દ્વારા 38મા વાર્ષિક પુરસ્કાર સમારોહનું આયોજન કર્યું હતું. આ એસોસિએશન દ્વારા હીરાઉદ્યોગમાં યોગદાન આપનારાઓને દર વર્ષે સન્માનિત કરવામાં આવ્યા છે. સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સવજી ધોળકિયાને “ઇન્ડસ્ટ્રી લીડરશિપ એવોર્ડ”થી લાસ વેગાસ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. જેને લઇને સુરતના હીરા ઉદ્યોગમાં હરેકૃષ્ણ ડાયમંડ પરિવારમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.
ઇન્ડિયન ડાયમંડ એન્ડ કલર સ્ટોન એસોસિએશન દ્વારા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં ઉદ્યોગ અને સામાજિક પ્રયાસોમાં અર્થપૂર્ણ યોગદાન આપનાર મુખ્ય ઉદ્યોગ વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવાની IDCAની લાંબા સમયથી પરંપરા છે. હરે ક્રિષ્ના એક્સપોર્ટસના ફાઉન્ડર સવજી ધોળકિયાને “ઇન્ડસ્ટ્રી લીડરશિપ એવોર્ડ”થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ હીરા ઉદ્યોગ માટે ખૂબ જ સન્માનનીય એવોર્ડ માનવામાં આવે છે.
લાસ વેગાસ ખાતે સુરતના ઉદ્યોગ જગતમાં પહેલીવાર કોઈ ઉદ્યોગપતિને ઇન્ડસ્ટ્રી લીડરશિપ એવોર્ડ મળ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. ઇન્ડિયન ડાયમંડ એન્ડ કલર સ્ટોન એસોસિયેશન દ્વારા સવજી ધોળકીયાએ હીરાઉદ્યોગમાં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે પરંતુ સાથે સાથે સામાજિક સ્તર ઉપર જે કામગીરી કરી છે તેની પણ વિશેષ નોંધ લીધી છે. અમરેલી જિલ્લામાં તેમણે બનાવેલા તળાવની કામગીરીને પણ એસોસિએશન દ્વારા વધારવામાં આવી છે. સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વખત સુરતના ઉદ્યોગપતિને આ એવોર્ડ મળતા હરે ક્રિષ્ના એક્સપોર્ટની સાથે સમગ્ર હીરા ઉદ્યોગમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
સવજી ધોળકિયાએ જણાવ્યું કે દેશના હીરા ઉદ્યોગ અને હરે ક્રિષ્ના એક્સપોર્ટ માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો. વ્યક્તિગત રીતે મારા માટે આ યાદગાર દિવસ બની રહ્યો છે. હું છેલ્લા 15 વર્ષથી લાસવેગાસમાં વિવિધ શોમાં હાજરી આપો છો પરંતુ મારા ધ્યાન પર નથી આવ્યું કે સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિને ” ઇન્ડસ્ટ્રી લીડરશિપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યો હોય. ઇન્ડિયન ડાયમંડ કલર સ્ટોર એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભારી છું કે માત્ર હીરાઉદ્યોગ પ્રત્યે અમે આપેલા યોગદાનની જ નોંધ નથી લીધી પરંતુ સામાજિક સ્તર ઉપર જે કામગીરી કરી છે. તેને પણ સવિશેષ તેમણે નોંધ લઇને આ એવોર્ડ માટે મારી પસંદગી કરી છે. આ પ્રકારના એવોર્ડ થી સ્વાભાવિક રીતે જ હીરા ઉદ્યોગમાં અને સામાજિક સ્તર ઉપર વધુમાં વધુ યોગદાન આપવાની પ્રેરણા મળે છે. હાલ લાસવેગાસ ખાતે JCK શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વની નજર આ ઉપર હતી અને તે દરમિયાન જ આ એવોર્ડ મને પ્રાપ્ત થયો છે તેનાથી હું ખૂબ ખુશ છું. સુરતના હીરા ઉદ્યોગને વિશ્વ સ્તર ઉપર સતત નવી ઓળખ મળે તેવા પ્રયાસો હરે ક્રિષ્ના એક્સપોર્ટસ દ્વારા કરવામાં આવે છે.
વર્ષ 1984માં સ્થપાયેલ ઇન્ડિયન ડાયમંડ એન્ડ કલરસ્ટોન એસોસિએશન (IDCA)એ એક અગ્રણી બિન-નફાકારક સંસ્થા છે જે મુખ્યત્વે હીરા, કલર સ્ટોન્સ અને જ્વેલરીનો વેપાર કરતા તેના સભ્યોને તેમના પરસ્પર લાભ માટે સાંકળવા માટે રચવામાં આવી હતી. ન્યુ યોર્કમાં સ્થિત, અમારી સભ્યપદમાં મુખ્યત્વે હીરાના વેપારીઓ, રંગીન પથ્થરોના વેપારી અને ભારતના ઝવેરીઓનો સમાવેશ થાય છે. IDCA સભ્યો વૈશ્વિક સ્તરે ડાયમંડ, કલર સ્ટોન અને જ્વેલરીના વેચાણમાં યુએસ 10 બિલિયન ડોલરથી વધુનું ઉત્પાદન કરે છે.