સુરતના ડાયમંડ ઉદ્યોગમાં વેકેશનનો સમયગાળો ઓલમોસ્ટ પુરો થઇ ગયો છે અને બજારના કામકાજ યથાવત ચાલું થઇ ગયા છે. જો કે બજાર અત્યારે સ્ટેડી છે. સુરતના હીરા-ઉદ્યોગકારોને અમે સવાલ પુછ્યો હતો કે અત્યારે હીરાઉદ્યોગમાં શું માહોલ ચાલી રહ્યો છે.
શું વેકેશન પુરુ થઇ ગયું છે? પોલિશ્ડ ડાયમંડમાં લેવાલી છે? મોટાભાગના ડાયમંડ વેપારીઓએ કહ્યું હતું કે બજારમાં વેકેશન તો પૂરું થઇ ગયું છે, પરંતુ બજાર હજુ પણ સ્ટેડી જ છે.
કેટલાંક વેપારીઓએ કહ્યું કે અમેરિકામાં 10 જૂનથી શરૂ થયેલો JCK લાસવેગાસ શોમાં કેવી ડિમાન્ડ રહે છે તેની પર બજારની આગામી ચાલ નક્કી થશે. બજારના લોકોના પ્રતિભાવ જાણતા પહેલાં રેપાપોર્ટ ન્યૂઝ બજાર વિશે શું કહે છે તે જાણી લઇએ.
દુનિયાના હીરાઉદ્યોગકારોની નજર અત્યારે લાસવેગાસ શો પર છે. આર્થિક અનિશ્ચિતતા, ફુગાવાનો ઉંચો દર અને શેરબજારની અસ્થિરતાને કારણે મિશ્ર સેન્ટીમેન્ટ જોવા મળી રહ્યું છે.
0.70 થી 1.50 ct., G-J, SI-I1 હીરા માટે સ્થિર ઓર્ડર છે. જો કે અમેરિકાના જવેલર્સ એન્ગેજમેન્ટ રીંગના મજબુત વેચાણની ધારણાં રાખી રહ્યાં છે.
હીરાઉદ્યોગને જોમ મળી શકે તેવું એક નિવેદન બેંક ઓફ અમેરિકાએ આપ્યું છે. સપ્લાય પ્રેસર વચ્ચે બેંક ઓફ અમેરિકાએ આ વર્ષે હીરાના ભાવમાં 15 ટકાના વધારાની આગાહી કરી છે.
બેંક ઓફ અમેરિકાએ કહ્યું છે કે વર્ષ 2008ની કટોકટી પછી ડાયમંડ સપ્લાય તેના સૌથી નીચા સ્તરે છે. વિશ્વની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાંની એક બેંક કહે છે કે યુ.એસ. હાલમાં વૈશ્વિક માંગનો અડધો હિસ્સો ધરાવે છે.
EMEA મેટલ્સ અને માઇનિંગ રિસર્ચના બેંકના વડા જેસન ફેરક્લોએ નાણાકીય સમાચાર વેબસાઇટ માર્કેટવૉચને જણાવ્યું હતું કે, અમે 2023માં વૈશ્વિક પુરવઠો 114m કેરેટની ટોચ પર રહેવાની અપેક્ષા રાખીએ છીએ. તુલનાત્મક રીતે, 2019 માટે પ્રી-કોવિડ આંકડો 142m કેરેટ હતો.
પોલિશ્ડ ડાયમંડ માર્કેટ સ્થિર છે, રફનો ભાવ વધારો રૂટીન છે : શાંતિભાઇ ધાનાણી
એચ. જયેશ એન્ડ કંપનીના શાંતિભાઇ ધાનાણીએ કહ્યું કે બજારમાં વેકેશન પૂરું થઇ ગયું છે અને બિઝનેસ હવે પહેલાની જેમ નિયમિત ચાલી રહ્યો છે. રફ ડાયમંડના ભાવમાં થોડો વધારો થયો છે. પરંતુ એ રૂટીન છે બજારમાં થોડી વધઘટ તો રહેતી જ હોય છે. જો કે પોલિશ્ડ ડાયમંડ માર્કેટ અત્યારે સ્થિર છે.
પતલી સાઇઝના હીરામાં ડિમાન્ડ છે, જાડી સાઇઝમાં ઓછી છે : હર્ષલ પટેલ
ભાનુ જેમ્સના હર્ષલભાઇ પટેલે કહ્યું હતું કે રફ ડાયમંડની થોડી શોર્ટેજ ચાલી રહી છે. જાડી સાઇઝ એટલે કે સર્ટિફિકેટ વાળા ડાયમંડની ડિમાન્ડ થોડી ઓછી છે.ચીનમાં લોકડાઉન પછી હવે ધીમે ધીમે ડિમાન્ડ શરૂ થઇ છે.
રફના ભાવ થોડા વધારે છે તેને કારણે પોલિશ્ડમાં એવરેજ 10 ટકાની લોસ આવે છે : વિપુલભાઇ માંગરોલિયા
કૈવલ ડાયમંડના વિપુલભાઇ માંગરોલિયાએ કહ્યું હતું કે અત્યારે તો રફ ડાયમંડના ભાવ થોડા ઉંચા છે એટલે પોલિશ્ડમાં એવરેજ 10 ટકા જેટલી લોસ આવે છે. નવી રફો કેટલા ભાવે આવે છે તેની પર હવે આધાર રહેશે.
નાના માણસોને મુશ્કેલી પડી રહી છે, જો કે માર્કેટ હવે વધશે એવું લાગે છે : પરેશભાઇ દોશી
કૌસ્તુભ ડાયમંડના પરેશભાઇ દોશીએ કહ્યું હતું કે અત્યારે સૌથી વધારે મુશ્કેલી નાના કારખાનેદારોને પડી રહી છે. કાચા હીરા ખરીદીને તરત વેચવા વાળા નાના કારખાનેદારોને પુરતો ભાવ મળતો નથી. તેની સામે જે લોકોની પાસે પુરવઠો જાળવી રાખવાની ક્ષમતા છે તેમને વાંધો આવે તેમ નથી. જો કે માર્કેટ હવે વધશે એવું લાગી રહ્યું છે.
પોલિશ્ડ વેચવાનું પોષાતું નથી, બજાર સ્થિર છે : શૈલેષભાઇ કલથિયા
કલથિયા ડાયમંડના શૈલેષભાઇ કલથિયાએ કહ્યુ હતું કે અત્યારે બજાર તો સ્થિર છે, પરંતુ પોલિશ્ડ ડાયમંડ વેચવાનું પોસાતું નથી.
ડીટીસીએ આ વખતે વધારે રફ ફાળવી છે એટલે શોર્ટેજ નહી આવે : કાલુભાઇ કાકડીયા
હરીઓમ ડાયમંડના કાલુભાઇ કાકડિયાએ કહ્યું હતું કે આમ તો અત્યારે પોલિશ્ડ ડાયમંડ માર્કેટ ઠંડુ છે. કોઇપણ ધંધામાં થોડી તેજી મંદીતો આવ્યા જ કરે. આ વખતે ડીટીસીએ વધારે રફ ફાળવી છે એટલે બજારમાં શોર્ટેજ ઉભી થાય તેવું લાગતું નથી. કાલુભાઇએ કહ્યું કે યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે પછી ફરી ડાયમંડ માર્કેટ સારું રહેશે.
ઉદ્યોગની પ્રતિક્રિયા પને કેવી લાગી?
તમારો ઓપિનિયન અમારા માટે મૂલ્યવાન છે. તમારાં અભિપ્રાયો કે સૂચનો [email protected] પર શૅર કરજો.