પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 જૂને પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. આ વાત અમે એટલા માટે યાદ કરી રહ્યા છે કારણ કે મહાકાળી માતા એટલે આદ્યશક્તિનું રૂપ અને મહિલાઓને પણ આદ્યશક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે. મહિલાઓ માટે કહેવાય છે કે સારી હોય તો મા સરસ્વતી અને લક્ષ્મીનું રૂપ હોય, પરંતુ જરૂર પડે તો મહાકાળીનું રૂપ પણ ધારણ કરી લે. જરૂર પડે નાજુક નમણી, સરળ ને ગમતી વખત આવે સાવજ સમ ગર્જતી. તો આજે એક એવા જ મહિલા પોલીસ અધિકારીની વાત કરવી છે જે ખૂંખાર ગૂંડાઓ અને આરોપીઓ માટે મહાકાળી જેવા છે, પરંતુ સામાન્ય જનતા સાથે સાવ મૃદુભાષામાં અને સરળતાથી વાત કરે છે. તાજેતરમાં સુરત સિટીમાં DCP તરીકે આવેલા દબંગ અધિકારી ઉષા રાડાની અમે વાત કરી રહ્યાં છીએ.
જામનગરના જામજોધપુરમાં જન્મેલા અને ગુજરાતના અનેક શહેર જિલ્લામાં મહિલા પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા ઉષા રાડા દેસાઇ સુરત શહેરમાં અત્યારે Deputy Commissioner of Police (DCP) તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
જેમના નામનો અર્થ જ થાય છે સૂર્યોદય, સવાર, પરોઢ. ડાયમંડ સિટી ન્યૂઝ પેપરે બાહોશ, નિડર અને નિર્ભય મહિલા પોલીસ અધિકારી ઉષા રાડા સાથે વાત કરી તો તેમણે પુરી નિખાલસતાથી તેમના બાળપણ, અભ્યાસ, તેમની પોલીસ તરીકેની કારકીર્દી, તેમની લવ સ્ટોરી અને તેમના પ્રાણી પ્રેમ વિશે મૂક્ત મને વાત કરી.
તેમની બહાદુરીની ગાથા, તેમનો જીવદયા પ્રેમ, ખાસ કરીને ગાયો પ્રત્યેનો તેમનો લગાવ, લોકો સાથેનો તેમનો વ્યવહાર અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી શકે છે.
ઉષા રાડાએ કહ્યું કે હું ઘણી નસીબદાર છું કે બાળપણથી જ પરિવારમાં એટલી આઝાદી હતી કે સ્ત્રી-પુરષ જેવો ભેદભાવ ખબર જ નથી એ પછી પોલીસ ડિર્પામેન્ટમાં આવી તો અહીં પણ એવું જ છે કે પુરુષ અધિકારી મહિલા અધિકારી વચ્ચે કોઇ ભેદભાવ હોતા નથી.
મહિલા અધિકારીને પણ SIR કહીને જ સંબોધન કરવામાં આવે છે. તો જરૂર પડ્યે નાજૂક નમણી બની જતા અને વખત આવ્યે સાવજની જેમ ગર્જના પણ કરી શકતા આ બાહોશ અધિકારી વિશે વિગતે જાણીએ.
ઉષા રાડાનો જન્મ જામનગરના જામજોધપુરમાં થયો હતો. પિતાજી પોસ્ટ વિભાગમાં નોકરી કરતા હતા અને માતા શાળામાં આચાર્ય હતા. પરિવારમાં સૌથી મોટા અને એક નાનો ભાઇ.
માતા-પિતાએ ક્યારેય છોકરી છે એવું માનીને કોઇ પ્રેશર કર્યું નથી, મૂક્ત મનની આઝાદી અને પંખીની જેમ મૂક્ત ગગનમાં વિહરવાની મને પહેલેથી જ છૂટ હતી.
DCPએ કહ્યું કે પણ ભણવામાં હું પહેલીથી હોંથિયાર હતી અને 7 વર્ષની હતી ત્યારથી પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો. 8 ધોરણ સુધી ગામમાં ભણ્યા પછી પોરબંદર ગુરુકુળમાં ભણવા આવી પછી મારી આખી જિંદગી બદલાઇ ગઇ. યજ્ઞપવિત પરંપરા, યોગાસન એવું ઘણું બધું શિખવા મળ્યું જેને કારણે જિંદગી પ્રત્યે ગંભીર બની શકી.
ઉષા રાડાએ કહ્યું કે ગુરુકુળનો અભ્યાસ પુરો કર્યા પછી મારા ભાઇએ આગ્રહ કર્યો કે GPSCની પરીક્ષા આપી દે. પણ મેં થોડી આનાકાની કરી, કારણ કે મારે પ્રોફેસર બનવું હતું અને PH.D કરીને વિદ્યાર્થીઓને ભણાવવા હતા. મને સમજાવવા માટે ગામના એક પ્રોફેસરને બોલાવ્યા.
એ પછી હું માની ગઇ અને મેં GPSCની પરીક્ષા આપી અને પાસ પણ કરી. પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી 3 મહિના તનતોડ મહેનત કરી, ગામની લાયબ્રેરીમાં કલાકો સુધી વાંચતી, અમદાવાદથી પુસ્તકો પણ મંગાવીને વાંચ્યા અને આખરે GPSC પાસ કરી.
તેમણે પોલીસ તરીકેની પોતાની કારકીર્દીની શરૂઆતની વાત કરતા કહ્યું કે પહેલું પ્રોબેશન પોસ્ટિંગ મને જૂનાગઢ મળ્યું હતું, જ્યાં દોઢ વર્ષ મેં કામ કર્યું. એ પછી અમદાવાદમાં ACP તરીકે અને ક્રાઇમ બ્રાન્ચના સાઇબર વિભાગમાં કામ કર્યું.
એ પછી ગાંધીનગરના કલોલમાં DY.SP તરીકે, પછી વડોદરામાં DY.SP રૂરલમાં. મને SP તરીકે પ્રમોશન મળ્યું અને મારું પહેલું પોસ્ટિંગ હતુ મહિસાગરમાં. એ પછી અમદાવાદ, ફરી મહિસાગર અને સુરતમાં SP રૂરલ અને હવે છેલ્લે DCP તરીકે સુરત સિટીમાં ફરજ બજાવું છું. પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 18 વર્ષ થઇ ગયા.
સર, ઉષા રાડાને અમે પુછ્યું કે તમારી પોલીસ અધિકારી તરીકેની કારકીર્દીમાં તમે બહાપુરીપૂર્વક ગુનો ઉકેલ્યો હોય કે ખૂંખાર ગુનેગારની ધરપક કરી હોય એવો કોઇ કિસ્સો છે?
તો તેમણે કહ્યું કે ટીમ સાથે દરોડા પાડીને ગુનેગારોને જેલ ભેગા કર્યા હોય તેવી તો અનેક ઘટના છે, પરંતુ કલોલની એક ઘટના એ મારી જિંદગીનો યાદગાર કિસ્સો છે.
તેમણે કહ્યું કે જયારે મારું પોસ્ટિંગ કલોકમાં હતું તે વખતે એક જાણીતા જમીન દલાલનું અપહરણ થયું હતું અને આ કેસની સ્વતંત્ર તપાસ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી.
અપહરણ કોણે કર્યું છે એ વાતનો કોઇ સુરાગ અમારી પાસે નહોતો, એટલે અંધારામાં તીર મારવાનું હતું થોડા દિવસો પછી માહિતી મળી કે રઝાક-ભૂરિયા ગેંગે આ જમીન દલાલનું અપહરણ કર્યું છે અને બનાસકાંઠા-પાટણ વિસ્તારની આજુબાજુ તે સંતાતો ફરે છે.
આ રઝાક એટલો ખૂંખાર આરોપી હતો કે તેના નામે ત્રિપલ મર્ડરનો આરોપ પણ હતો. માહિતી મળતા અમે ટીમ સાથે તેને દબોચવા નિકળ્યા પણ તે પહેલાં તેને માહિતી મળી ગઇ હતી. એનો પીછો કરવા અમે નિકળ્યા તો તે ટોલનાકું તોડીને કારમાં ભાગી છૂટ્યો.
ઉષા રાડાએ કહ્યું કે એ ઓપરેશન ખુબ જ દીલધડક અને ફિલ્મી સ્ટાઇલ જેવું હતું. રઝાક ટોલનાકું તોડીને ભાગ્યો તો અમે તેનો પીછો કર્યો, આગળ જતા તેની કાર બગડી ગઇ હતી અને તે કારને મુકીને રીક્ષામાં ભાગ્યો હતો અને એક થિયેટરમાં ભરાઇ ગયો હતો.
હવે અમારા માટે મોટો પડકાર હતો, કારણકે થિયેટરમાં તો કોમન પબ્લિક પણ હતું અને રઝાક પાસે વેપન પણ હતું. પરંતુ અમે ધીરજ રાખીને થિયેટર ખાલી કરાવીને રઝાકને દબોચી લીધો હતો.
એ સિવાય જયારે અમદાવાદમાં મારી પોસ્ટિંગ હતી તે વખતે દેહવ્યાપાર ખાસ્સો ફુલ્યો ફાલ્યો હતો, સ્પા અને પાર્લરના નામે સેક્સનો વેપલો ચાલતો હતો.
એ સમયે અમે ટીમ સાથે અનેક જગ્યાએ દરોડા પાડીને ઓલમોસ્ટ દેહવ્યાપાર બંધ કરાવી દીધો હતો અને આ વ્યવસ્યા સાથે જોડાયેલી મહિલાઓને સામાન્ય પ્રવાહમાં વાળવા માટે મદદ કરી હતી.
લવ સ્ટોરી પણ રોમાંચક…
અમે મેડમ, રાડાને પુછ્યું કે તમે તો એક પોલીસ અધિકારી છો, તો તમે અજાણ્યા વ્યકિત જે લંડનમાં છે તેની સાથે લગ્ન કરવા કેવી રીતે સમંત થયા? તો તેમણે ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો હતો કે આપણે ઘણી વખત માણસોના મૂલ્યાંકન કરવામાં સમય વેડફી નાંખીએ છીએ, છતાં યોગ્ય વ્યક્તિ મળશે જ એવી કોઇ ગેરંટી હોતી નથી. હું કયારેય માણસોને માપતિ નથી. મારા આત્માનો અવાજ સાંભળીને ભગવાન ભરોસે નરેશને લગ્ન માટે હા પાડી દીધી હતી.
એક પોલીસ અધિકારી તરીકેની તેમની કારકીર્દી જેટલી રોમાંચક છે તેવી જ તેમની લવ સ્ટોરી પણ છે. DCP ઉષા રાડાએ લંડનમાં હિથ્રો એરપોર્ટ પર નોકરી કરતા યુવાન નરેશ દેસાઇની FACEBOOK પર ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી હતી. થોડા સમય પછી નરેશ દેસાઇએ ઉષા રાડાને મેસેન્જર પર મેસેજ મોકલવાનું શરૂ કર્યું.
સામાન્ય જવાબો આપ્યા પછી ઉષા રાડાએ નરેશ દેસાઇને એક દિવસ કહી દીધું કે મને વારંવાર મેસેજ કે ફોન કરવાના નહી. પરંતુ નરેશ દેસાઇએ ગંભીરતા પૂર્વક કહ્યું કે મારે તમારી સાથે પુરુષ મિત્ર કે એવી રીતે વાત નથી કરવી, પરંતુ મારે તમારી સાથે પ્રભૂતામાં પગલાં પાડવા છે.
નરેશ સાથે લગ્ન જીવનમાં બંધાઇ ગયા. DCPએ કહ્યું કે અત્યારે મને લાગે છે કે મેં નરેશ સાથે લગ્ન કરવાનો જે નિર્ણય લીધો હતો તે યોગ્ય હતો. નરેશ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે અને માત્ર મારા એક વખતના કહેવાથી તે લંડનની પોતાની કારકીર્દી છોડીને ગુજરાત આવી ગયા છે.
અમે મેડમ, રાડાને પુછ્યું કે તમે તો એક પોલીસ અધિકારી છો, તો તમે અજાણ્યા વ્યક્તિ જે લંડનમાં છે તેની સાથે લગ્ન કરવા કેવી રીતે સમંત થયા?
તો તેમણે ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો હતો કે આપણે ઘણી વખત માણસોના મૂલ્યાંકન કરવામાં સમય વેડફી નાંખીએ છીએ, છતાં યોગ્ય વ્યકિત મળશે જ એવી કોઇ ગેરંટી હોતી નથી. હું કયારેય માણસોને માપતી નથી. મારા આત્માનો અવાજ સાંભળીને ભગવાન ભરોસે નરેશને લગ્ન માટે હા પાડી દીધી હતી.
ઉષા રાડા વાછરડાઓને દિકરાની જેમ વ્હાલ કરે છે અને ગાયને માતા તરીકે પૂજન કરે છે.
DCP ઉષા રાડાની અનેક ક્વાલિટીમાંની એક ક્વાલિટી એ છે કે તેમને પ્રાણીઓ પ્રત્યે જબરદસ્ત પ્રેમ છે. તેમણે કહ્યું કે પહેલાં તો મારા ઘરમાં, ડોગ, પોપટ, સસલા, કલર બર્ડ જેવા અનેક પ્રાણી-પક્ષી રહેતા હતા. જાણે મારું ઘર પ્રાણીસંગ્રહાલય જેવું બની ગયું હતું.
પરંતુ એક દિવસ મારા પતિ નરેશે કહ્યું કે, તને પ્રાણીઓ પ્રત્યે આટલો પ્રેમ છે, તો આપણે એક ગાય પાળીએ. પહેલાં તો મને વિચાર આવ્યો કે ગાયને ઉછેરતા મને આવડતું નથી તો રાખીશું કેવી રીતે? પણ પછી નક્કી કરીને એક ગાય લઇ આવ્યા. આજે મારી પાસે લગભગ 8 જેટલી ગાય છે.
ઉષા રાડાએ કહ્યું કે, સાચું કહું, તો ગાયના આગમન પછી મારી જિંદગીમાં મોટો ફરક પડી ગયો. હું ખાત્રી સાથે કહી શકું કે ગાય એ માત્ર ગુજરાત કે ભારતની માતા નથી, પણ આખી દુનિયાની માતા છે. હું જયારે ગાય અને વાછરડા પાસે બેસું તો મારું મન એકદમ શાંત થઇ જાય. હૈયામાં કોઇ ઉકળાટ ન રહે.
તમે જુઓ, કે ગાયનું મહત્ત્વ દરેક રીતે છે, ધાર્મિક અને આરોગ્ય રીતે તો અનેક રીતે ફાયદાકારક. તમે કોઇ એવું પ્રાણી જોયું છે કે જેના છાણનો ઉપયોગ ધાર્મિક યજ્ઞમાં કરવામાં આવે?
ગાયનું છાણ લોકો માટે ઉપયોગી છે, યજ્ઞમાં પણ છાણાનો ઉપયોગ થાય છે. ગાય એકદમ શાંત પ્રાણી છે, પરંતુ તેની શક્તિઓ અપરંપાર છે. વૈજ્ઞાનિકોએ પણ ગાયના મહત્ત્વને સ્વીકાર્યું છે. એવું કહેવાય છે ને કે જેવો સંગ તેવો રંગ, સાચે જ ગાયને કારણે મારા વ્યક્તિત્વ અને જીવનમાં મોટો ફેર પડ્યો.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat