લાઈફમાં બધું બરાબર ચાલતું હોય ત્યાં જ કંઈક એવું બને છે કે માણસનું મગજ બહેર મારી જાય. ક્યાંય ધ્યાન ન પડે કે આગળ રસ્તો ન સૂઝે. અમુક સમયે તો એવું લાગે કે જાણે બધું જ ખતમ થઈ ગયું છે. પરંતુ આપણી ધારણા કરતા હકીકત સાવ અલગ જ હોય છે કે જેમાં ખરેખર બધું જ અટકી ગયું હોય છે પરંતુ જિંદગી ચાલતી હોય છે. આપણે જેને પૂર્ણવિરામ સમજી લેતા હોઈએ છીએ એ મોટાભાગે તો એ માત્ર એક અલ્પવિરામ જ હોય છે.
સતત પ્રયાસો કરતા રહેવા, મુશ્કેલીના રચનાત્મક ઉપાયો શોધવા અને પ્રયોગ કરવાની પ્રવૃત્તિ એટલે જૂનાને મૂકીને નવાને અપનાવવા જ ખરા અર્થમા આન્ત્રપ્રિન્યોરની વ્યાખ્યામાં આવે છે. એક બીબાઢાળ નહીં પરંતુ સફળ આન્ત્રપ્રિન્યોર બનવા તમારે ચેલેન્જ સ્વીકારવી જ પડે છે. વ્યક્તિને કોઇના તરફથી ખૂબ મોટી આશા હોય અને આવી વ્યક્તિ તમારી આશા ઉપર ઠંડું પાણી રેડી જ્યારે ના કહે ત્યારે આ ઘટના અનેક લોકોના જીવનમાં ઉત્તમ બદલાવ લાવવા નિમિત્ત બને છે. પરંતુ શરત એ છે કે આ માટે વ્યક્તિમાં દમ અને લડી લેવાની તાકાત હોવી જોઇએ. સફળતાની વાત આવે ત્યારે મોટાભાગના લોકોના મનમાં ધીરૂભાઈ અંબાણી કે પછી કોઇ ખૂબ મોટા ઉદ્યોગપતિની છબી સામે આવે છે. વાસ્તવમાં સખત મહેનત, કઠણાઈઓ, તકલીફો, વિપરીત પરિસ્થિતિઓને મહાત કરી આકાશને ધરતી પર લાવી દેવાની કાબેલિયત ધરાવનાર નાનામાં નાનો વ્યક્તિ પણ સફળ ગણાય છે.
સફળતાનો એક નિયમ દરેકે યાદ રાખવા જેવો છે. આ નિયમ એવો છે કે જ્યાં સુધી તમે સફળતા અંગે સતત વિચારતા રહેશો ત્યાં સુધી તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ. આ પ્રકારના સકારાત્મક વિચારની સાથોસાથ એ વાસ્તવિકતાને પણ ધ્યાનમાં રાખવી પડશે કે તમારામાં એક પ્રકારનું ખાસ ઝનૂન અને ઉદેશ્ય સામે હોવો જોઈએ. અન્યોથી કંઈક અલગ કરવાની તાલાવેલી હોવી જોઇએ. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે જે ટોળાને અનુસરે છે તે ટોળાથી આગળ નથી વધી શકતો. જે એકલો ચાલે છે, તેની એવા સ્થળે પહોંચવાની શક્યતાઓ વધારે હોય છે કે જ્યાં પહેલાં કોઈ ગયું જ ન હોય. જો તમારામાં વાસ્તવિકતા જોવાની આવડત અને ખાસ મહારત હોવી જોઈએ.
ખાસ યાદ રાખવા જેવી એક વાત એ છે કે આપણી જિંદગી આપણી પોતાની હોવા છતાં ક્યારેક એ આપણા કંટ્રોલમાં રહેતી નથી. જિંદગી ક્યારેક એવા ખેલ બતાવે છે કે આપણે માત્ર એ રમત જોતાં જ રહેવું પડે છે. જિંદગી એક તરફી ગેઇમ પ્લે કરતી રહે છે અને આપણે મૂક પ્રેક્ષક બની રહેવું પડે છે. આમ જુઓ તો જિંદગીની એ જ તો મજા છે કે એ આપણને ઝાટકા આપ્યે રાખે છે. જિંદગી સાવ સીધી અને સરળ હોત તો કદાચ લાઇફમાં કોઈ રોમાંચ જ ન હોત. અનિશ્ચિતતા અને અણબનાવો જ લાઇફને દિશા આપતાં હોય છે. બધું બરાબર ચાલતું હોય ત્યાં જ કંઈક એવું બને છે કે માણસનું મગજ બહેર મારી જાય. ક્યાંય ધ્યાન ન પડે. આગળ રસ્તો ન દેખાય. અમૂક સમયે તો એવું લાગે કે જાણે બધું જ ખતમ થઈ ગયું છે. પરંતુ હકીકત સાવ જુદી જ હોય છે જેમાં ખરેખર બધું જ અટકી ગયું હોય છે પણ જિંદગી ચાલતી હોય છે. આપણે જેને પૂર્ણવિરામ સમજી લેતા હોઈએ છીએ એ મોટાભાગે તો અલ્પવિરામ જ હોય છે.
નાની નિષ્ફળતાઓ ઘણી વખત મોટી સફળતા માટે નિમિત્ત બનતી હોય છે. નિષ્ફળતાનું એવું છે કે જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે એ મોટી લાગતી હોય છે. આપણા નિરાશાજનક વિચારો નિષ્ફળતાને પહાડ જેવી બનાવી દે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે બહુ ઝડપથી હતાશ થઈ જઈએ છીએ. ઉત્સાહ ધીમે ધીમે આવે છે અને હતાશા ત્રાટકે છે. આપણે એને ત્રાટકવા દઈએ છીએ. ઘણી વખત તૂટી જઈએ છીએ. નિષ્ફળતાથી મુક્તિ મેળવવાનો સૌથી મોટો ઉકેલ એ છે કે બને એટલી ઝડપથી એને ખંખેરી નાખો. એ તમને સકંજામાં લે એ પહેલાં જ તેને દૂર હટાવી દો.
જિંદગીમાં જે કંઈ બને છે એનો કંઈકને કઈક મતલબ કે ઉદેશ્ય હોય જ છે. આ વ્યવસાય કર્યો હોત તો સારું થાત કે આ શહેર છોડવાની જરૂર ન હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે જિંદગીના બધા નિર્ણયો સાચા જ પડે એવું જરૂરી નથી. કોઈ નિર્ણય લઈએ ત્યારે સફળતા અને નિષ્ફળતાના ચાન્સીસ ફિફટી ફિફટી હોય છે. દરેકે પોતાની મંઝિલ પોતે જ નક્કી કરવી જોઈએ. તમારું સત્ય અને તમારી સફળતા તમારી જ હોવી જોઈએ. દુનિયામાં જેટલા મહાન લોકો થયા છે તેની જિંદગી જોઈ લો, એ બધાએ પોતાના નિર્ણયો માટે ક્યારેય બીજાના નિર્ણયો પર આધાર રાખ્યો નથી. પ્રેરણાને જો સમજીએ નહીં તો ઘણી વખત એ આપણને આડા માર્ગે લઈ જાય છે. તમારે કોઈના જેવા બનવાનું નથી, તમારે તમે છો એ જ બનવાનું છે. કોઈએ સફળ થવા માટે કેટલી મહેનત કરી એ ચોક્કસ નજર સમક્ષ રાખો પણ તમારી મંઝિલ તમે જ નક્કી કરો.
તમે બીજા જેવા બનવા જશો તો કદાચ બની જશો પણ તમારી નોંધ પછી તમે જેના જેવા છો તેના આધારે જ થશે. તમે તમારી આગવી ઓળખ ઊભી નહીં કરી શકો. દરેક વ્યક્તિને કુદરતે કદાચ એટલે જ જુદી બનાવી છે કે દરેકે જુદી રીતે એટલે કે પોતાની રીતે જીવવાનું હોય છે. તમારા વિચારોનું સર્જન તમે પોતે કરો. તમારા સત્યનું નિર્માણ તમે જ કરો. કેટલાંક સત્ય યુનિવર્સલ હોય છે અને કેટલાંક સત્ય અંગત હોય છે. મારું સત્ય તમારા કરતાં જુદું હોઈ શકે અને તમારું સત્ય બધા કરતાં જુદું જ છે. આ સત્ય એટલે પોતપોતાની માન્યતા. મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝનું અંતિમ ધ્યેય એક જ એટલે કે આઝાદી જ હતું પણ આઝાદી મેળવવા માટેની માન્યતા બંનેની જુદી જુદી હતી. કોની માન્યતા સાચી અને કોની માન્યતા ખોટી હતી, કોનો રસ્તો સારો હતો અને કોનો રસ્તો ખરાબ હતો એ એની જગ્યાએ છે પણ બંને પોતપોતાની માન્યતા પ્રતિ દૃઢ હતા એ મહત્ત્વનું હતું.
દરેક માણસમાં એક એવી ખૂબી હોય છે જે બીજા કોઈમાં હોતી નથી. પરંતુ તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે બીજાની ખૂબીને જ નજર સમક્ષ રાખીએ છીએ અને પછી આપણે તેનું જ અનુસરણ કરીએ છીએ. વિચારો અને ક્રિએટિવિટીનું પણ એવું જ છે. તમે જો બીજા જેવા જ રસ્તા અપનાવશો તો તમારો રસ્તો ક્યારેય બનાવી નહીં શકો. તમારી કલ્પના અને તમારા સપનાને તમારી રીતે જ વિકસવા અને વિસ્તરવા દો. દરિયો ખડક સાથે અથડાતો રહે છે અને તેમાંથી રેતીનું સર્જન થાય છે પણ રેતી ગમે એટલી વખત પછડાશે તો પણ ખડક નહીં બની શકે. ઘણાં લોકો પોતાને જ અંડરએસ્ટિમેટ કરીને બીજા જેવા જ માની લે છે. ઘણી વખત માણસને એવા પણ વિચાર આવે છે કે મારી હેસિયત શું છે.
આપણે ક્યાં કંઈ કરી શકીએ એમ છીએ. આવા વિચાર આવતા હોય તો માનજો કે તમે ખોટું વિચારી રહ્યા છો. તમે બેસ્ટ છો અને તમે જે કરો છો એ બેસ્ટ રીતે કરો તો તમે એકસ્ટ્રા ઓર્ડિનરી જ છો. દરેક મહાનતા સાર્વત્રિક નહીં પણ વ્યક્તિગત હોય છે. કામ ભલે નાનું હોય પણ મારા જેવું કોઈ ન કરી શકે એવી લાગણી હોવી જોઇએ. જે રીતે બગીચો નાનો હોય કે મોટો એનું મહત્ત્વ હોતું નથી પરંતુ તેમાં ફૂલ કેવાં ખીલે છે એ જ મહત્ત્વનું છે. દરેકનું પોતાનું એક સામ્રાજ્ય હોય છે અને એટલિસ્ટ એ રાજ્યમાં તો પોતે રાજા હોવો જોઈએ. દરેકને પોતાનું પ્રાઉડ હોવું જ જોઈએ.