અમે વાત કરી રહ્યાં છીએ શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત મારૂતિ ધુન મંડળ
પાંચ-સાત યુવાનોએ શરૂ કરેલ મંડળ આજે એક વટવૃક્ષ બની ગયું છે અને લગભગ 250 જેટલા યુવાનો આ સંસ્થામાં સેવા આપી રહ્યાં છે. આજે એવો સમાજ છે જ્યાં અનેક યુવાનો દિશા વિહીન થઇ રહ્યાં છે, પરંતુ વરાછાના આ યુવાનોને મળીએ તો એવી આશા જાગે છે કે હજુ સમાજ જીવંત છે અને દીવાદાંડી સમાન સારા યુવાનો સેવાની મહેંક પ્રસરાવી રહ્યાં છે.
ભલે દુનિયા ગમે તેટલી આગળ આવી હોય, ચંદ્ર પર જવાની વાત થતી હોય કે આકાશમાં મહિલાના વિમાન ઉડાવવાની વાત થતી હોય, પણ આજે પણ જેમને ગંગા સ્વરૂપ એટલે કે વિધવા કહેવામાં આવે છે તેમને જોવાની નજરમાં ખાસ્સો ફરક પડ્યો નથી. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી એટલે દેવી, મહિલાઓને ઉત્તમોત્તમ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ જેવો મહિલાનો પતિ અવસાન પામે એટલે રિવાજો અને પંરપરા બદલાઇ જાય અને એક સ્ત્રી જેને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે તેના માથે મુસીબતોનો પહાડ તુટી પડે. આ વાત અમે એટલા માટે કહી રહ્યાં છે કે ભલે કુરિવાજોને કારણે મહિલાના માથે આફતનો પહાડ તુટી પડે, પરંતુ વરાછામાં યુવાનોનું એક ગ્રુપ એવું છે જે વિધવા બહેનો માટે અડીખમ પહાડની જેમ સેવા કરી રહ્યું છે. આ યુવાનો ગંગા સ્વરૂપ બહેનોને એ રીતે મદદ કરે છે કે તેમના આંસૂ હવે સરતા નથી અને ચહેરા પર એક ખુશીની સ્માઇલ મહેકી ઉઠે છે.
અમે વાત કરી રહ્યાં છીએ શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત મારૂતિ ધુન મંડળની. પાંચ-સાત યુવાનોએ શરૂ કરેલ મંડળ આજે એક વટવૃક્ષ બની ગયું છે અને લગભગ 250 જેટલા યુવાનો આ સંસ્થામાં સેવા આપી રહ્યાં છે. આજે એવો સમાજ છે જ્યાં અનેક યુવાનો દિશા વિહીન થઇ રહ્યાં છે, પરંતુ વરાછાના આ યુવાનોને મળીએ તો એવી આશા જાગે છે કે હજુ સમાજ જીવંત છે અને દીવાદાંડી સમાન સારા યુવાનો સેવાની મહેક પ્રસરાવી રહ્યાં છે.
શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ એ 20 વર્ષથી માંડીને 40 વર્ષ સુધીના યુવાનોનું એક મંડળ છે, જે ગંગા સ્વરૂપ બહેનોને અનાજ, તેલ, મસાલા, કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુઓની એક કીટ પુરી પાડે છે. આ કીટ એટલે સામાન્ય કીટ નહીં, પરુંત ઓછામાં ઓછા 6 મહિના સુધી ચાલે તેટલી વસ્તુઓ સામેલ હોય છે. આ ગ્રુપ વિધવા બહેનાના બાળકોની ફી ભરવાનો પ્રોબ્લેમ હોય કે કોઇ આર્થિક મદદની જરૂરિયાત હોય તો મદદ કરે છે. તમને કદાચ એમ થતું હશે કે આમાં શું મોટી વાત છે, આવું તો ઘણી સંસ્થાઓ કરતી હોય છે, પરુંત તમે આગળ જાણશો તો તમને ખબર પડશે કે શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટની કામગીરી ખરેખર કાબિલેદાદ છે. એક સીસ્ટમેટીકલી અને પુરા સન્માન સાથે વિધવા બહેનોને સહાય પુરી પાડવામાં આવે છે.
શ્રી મારૂતિ વેલ્ફેર ટ્રસ્ટના યુવાનો સાથે અમે મુલાકાત કરી હતી, પ્રમુખ યોગેશ દુધાત અને સેક્રેટરી ચેતન ઠુંમરે મંડળની કામગીરી વિશે વાત કરી. તેમણે કહ્યું કે, 1995માં વરાછા વિસ્તારમાં આવેલી અંજની સોસાયટીમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે, ત્યાં દર શનિવારે કેટલાક યુવાનો હનુમાન ચાલીસાની ધુન કરવા ભેગા થતાં હતા. એક શનિવારે એવું બન્યું કે એક ગંગા સ્વરૂપ બહેને આવીને કહ્યું કે મંડળની તમારી જે આવક છે એમાંથી મારા બાળકની ફી ભરવામાં મદદ કરી શકશો? જો ફી નહી ભરાશે તો શાળામાંથી બાળકને ઉઠાડી લેવો પડશે. વિધવા બહેનની વાત સાંભળીને બધા યુવાનો મદદ માટે તૈયાર થયા અને ધુનમાંથી જે ફંડ મળ્યું હતું તે વિધવા બહેનના બાળકની ફી માટે આપી દીધું હતુંુ. આ એક શરૂઆત હતી, પછી ધીમે ધીમે નક્કી કર્યુ કે આપણું મંડળ લોકોના સારા નરસા પ્રસંગે ધુન કરવા જાય અને જે ફંડ એકત્ર થાય તેમાંથી વિધવા બહેનોને મદદ કરી શકીએ.
એવું કહેવાય છે કે સારા કામનું વિચારીને શરૂઆત કરો તો ચારેય દિશાઓમાંથી તમને રસ્તા મળતા રહેતા હોય છે. અમારી સાથે પણ એવું જ બન્યુ. એક પછી એક મોટી સંખ્યામાં યુવાનો જોડાતા ગયા અને શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટમાં ફંડની મદદ પણ મળવા લાગી…
મંત્રી ચેતન ઠુંમરે કહ્યું કે અમને કોઇ કહે કે આ વિધવા બહેન છે એટલાથી અમે મદદ કરી દેતા નથી. અમારી એક ટીમ છે જે બધી વ્યવસ્થિત માહિતી મેળવી લે પછી મદદ આપવામાં આવે. કોઇ મહિલાના પતિનું અવસાન થયું હોય અને એ બહેન વિધવા બહેન તરીકે જીવન જીવતા હોય તો અમારી ટીમ, તે પણ કપલમાં એ બહેનના ઘરે જઇને પુરી તપાસ કરે, કે ખરેખર કોઇ કમાનાર નથી. એ પછી એ વિધવા બહેનને અમે 15000ની કિંમતની અનાજ, મસાલા જેવી જરૂરિયાતવાળી વસ્તુની એક કીટ આપીએ. જે તેમને ઓછામાં ઓછા 6 મહિના સુધી ચાલે. એમ લાગે કે બાળકની ફી ભરવાની પણ તેમની ક્ષમતા નથી તો ફી ભરવામાં પણ મદદ કરીએ. અત્યાર સુધીમાં 15,000ની કિમતની 3200 કીટ અમે વિધવા બહેનોને આપી છે. એક સામાન્ય અંદાજ માંડીએ તો રાશન કીટ, ફી, આર્થિક મદદ સહિત 2 કરોડ રૂપિયાથી વધુ ગંગા સ્વરૂપ બહેનોની સેવા માટે વપરાયા છે.
શ્રી મારૂતિ સેવા વેલફેર ટ્રસ્ટના પ્રમુખ યોગેશ દુધાતને અમે પુછ્યું કે ગંગા સ્વરૂપ બહેનોને જે મદદ કરો છો તેનું ફંડ કયાંથી આવે છે? તો તેમણે જે વાત કરી તેમા ગની દહીંવાળાની એક ગઝલ યાદ આવી ગઇ કે શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો કયાંય પયગંબરની સહી નથી. તો દુધાતે કહ્યું કે આમ તો અમારું મંડળ ધુન દ્વારા જે ફંડ એકત્ર કરે છે, તેમાંથી અમને મદદ મળે છે અને હવે છેલ્લાં કેટલાંક સમયથી શહેરના અગ્રણી દાતાઓનું ટ્રસ્ટ બન્યું છે જેમની પણ મદદ મળે છે, પરંતુ કેટલીકવાર એવું બનતું કે અમારી પાસે ફોર્મ જમા થઇ ગયા હોય, પરંતુ ફંડનો એક રૂપિયો ન હોય. પણ અમને હનુમાન દાદામાં અપાર અને અતુટ શ્રધ્ધા છે. એવા સંજોગો ઉભા થાય તો અમે દાદાની પાસે એક કોરો કાગળ રકમ લખીને મુકી દઇએ. અમારો અનુભવ છે કે હનુમાન દાદાને ચિઠ્ઠી લખી હોય એટલે 15 દિવસની અંદર ફંડની વ્યવસ્થા થઇ જ જાય. ફંડ વગર અમારું કામ ક્યારેય અટકતું નથી.
બીજું કે અમે વર્ષ ૨૦૧૮માં ગંગા સ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કર્યું હતું. કથાકાર જિગ્નેશ દાદાએ વિધવા બહેનો માટે મોક્ષ કથા કરી હતી અને એ રીતે અમે ફંડ ભેગું કર્યું હતું.
મંત્રી ચેતન ઠુંમરે કહ્યું હતું કે વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયા વિધવા સહાય પેન્શન સરકારી સહાય મળે છે, પરંતુ એના માટે આવકનો દાખલો, પુનઃ લગ્નનું પ્રમાણપત્ર એવા અનેક દસ્તાવેજો અને માથાકુટ કરવી પડે છે, જે બધી વિધવા બહેનો માટે શક્ય નથી. એટલે અમે થોડા મહિના પહેલા ગુજરાતમાં પહેલીવાર એવો કાર્યક્રમ કર્યો હતો કે એક જ સ્થળ પરથી વિધવા બહેનોને સહાય મળી જાય. આ કાર્યક્રમમાં મામલતદાર, તલાટી બધા અધિકારીઓ હાજર રહ્યાં હતા.
ટ્રસ્ટના સભ્ય અંકુરભાઇ સુતરીયાએ એક અનુભવ વર્ણવતા કહ્યું હતું કે એક વખત સીતાનગરમાં એક વિધવા બહેનના ઘરે અમે જરૂરી ચીજવસ્તુઓ લઇને ગયા હતા. તેમની 10બાય10ની ઓરડી હતી અને મમરા ફાંકીને જીવન ગુજારતા હતા, જયારે અમે તેમના હાથમાં કીટ મુકી તો તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતાં અને તેમણે કહ્યું કે આટલું બધુ અનાજ અને મસાલા મેં મારી જિંદગીમાં કયારેય મારા ઘરમાં જોયા નહોતા.
તો ચેતન ઠુંમરે અન્ય એક અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, અમે એક વિધવા બહેનના ઘરે કીટ આપવા ગયા તો તેમણે કહ્યું કે જો તમારે મને મદદ જ કરવી હોય તો, મને એક સિલાઇ મશીન અપાવી દો, તેના હપ્તા પણ હું જ ભરીશ, બાકી આ કીટ જેમને જરૂર હોય એમને આપજો. હું મારી ક્ષમતાથી કમાઇ લઇશ.
અંકુરભાઇએ કહ્યું કે અમારો હવે ભવિષ્યનો પ્લાન એવો કે તેમને એવી રીતે મદદ કરીએ કે વિધવા બહેનો જાતે જ આત્મિનિર્ભર બને. તેમને કોઇની પાસે હાથ ફેલાવવાની જરૂર જ ન પડે. અમે તેમને સિલાઇ મશીન કે બ્યુટી પાર્લરના સાધનો કે તેમને આત્મનિર્ભર બનવા માટે જે જરૂર હશે તે બધું જ પૂરું પાડીશું.
શ્રી મારૂતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટમાં એવા ટ્રસ્ટીઓ જોડાયા છે જે અગ્રણી ઉદ્યોગકારોના પુત્ર છે. જેમાં ઇશ્વર ધોળકીયા, પિયુષ દાલિયા, નિકુંજ શંકર, પિયુષ કેવડીયા, હિરેન દુધાત, પ્રકાશ નારોલા, શૈલેષ લુખી, વિપુલ વેકરીયા અને જયસુખ કોરાટનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટના યુવાનોએ કહ્યું કે આ સેવાભાવી કામ કરવાથી અમને જે ખુશી મળે છે, તે અમૂલ્ય છે, અમને ખુશી છે કે અમે કોઇના સ્મિતનું કારણ બની શકીએ છીએ, અમને ખુશી છે કે અમે કોઇના આસૂં લુછવામાં મદદગાર થઇ રહ્યાં છીએ. અમને ખુશી છે કે વિધવા બહેનો પણ સ્વમાનભેર જીવી શકે છે. એમ લાગે કે અમારો એક નાનકડો પ્રયાસ અનેક પરિવારમાં ખુશી લાવે છે.
એવું કહેવાય છે કે સારા કામનું વિચારીને શરૂઆત કરો તો ચારેય દિશાઓમાંથી તમને રસ્તા મળતા રહેતા હોય છે.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat