3 વર્ષ પછી હજારો ઘટાદાર વૃક્ષો સાથે સુરત એક ખુબસૂરત શહેર બની જશે…

મુંબઇના ડાયમંડ વેપારી શૈલેષભાઇ લુખી અને નંદેશભાઇ લુખી સુરતમાં 50,000થી વધારે વૃક્ષો વાવશે, 10,000થી વધારે વૃક્ષો રોપી દેવાયા, આખું શહેર હરિયાળું દેખાશે

Diamond City-Seva-ni-Suvas-Shailesh-Lukhi-Rajesh Shah-379-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

આપણે નિહાળશું, આગામી 3 વર્ષમાં સુરત હરિયાળા વૃક્ષોથી સુશોભિત હશે, આંખોને ઠંડક આપનારું હશે અને આ શહેર એટલું ખુબસુરત નજરે પડશે કે જાણે તમને થશે કે સિંગાપોરમાં આવી ગયા. આવું એટલા માટે થવાનું છે કે મુંબઇની જાણીતી ડાયમંડ કંપની જે કે સ્ટાર ડાયમંડના માલિકો શૈલેષભાઇ લુખી અને નંદેશભાઇ લુખીએ સુરતને ગ્રીન સુરત બનાવવા માટે 50,000 વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કર્યું છે જયારે અમે ઉમદા કામ વિશે માહિતી મેળવવા માટે ડાયમંડ સિટી ન્યૂઝ પેપરે તેમની મુંબઇ જઇને મુલાકાત કરી હતી અને સુરતને હરિયાળું બનાવવાના તેમના અભિયાન વિશે જાણકારી મેળવી હતી. જે કે સ્ટાર ડાયમંડના માલિકો શૈલેષભાઇ અને તેમના લઘુ બંધુ નંદેશભાઇ અખૂટ ધનસંપત્તિના સ્વામી હોવા છતા સાવ સરળ અને નિખાલસ સ્વભાવના છે અને તેમણે અમારું સૌજન્યતાથી સ્વાગત કર્યું હતું. તેમના નિવાસ સ્થાને થયેલી મુલાકાતમાં તેમણે તેમના ગ્રીન સુરત પ્રોજેક્ટ વિશે માંડીને વાત કરી હતી.

શૈલેષભાઇની વાત જાણીએ તે પહેલાં શાસ્ત્રોમાં વર્ણવેલા વૃક્ષોના મહત્ત્વ વિશે જાણી લઇએ.

મૂલ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રૂદ્રમહેશવ: ।
પત્રે પત્રે તુ દેવામ્ વૃક્ષરાજ નમસ્તુભ્યમ્ ।।

જેના મૂળમાં જગત પિતા બ્રહ્માનો વાસ છે, શરીરમાં વિષ્ણુ ભગવાન, ડાળીઓમાં શંકર ભગવાનનો વાસ છે અને દરેક પર્ણમાં દેવતાઓને ધારણ કર્યા છે તેવા વૃક્ષને હું નમસ્કાર કરું છું. આ વૃક્ષો જ આપણને જીવાડે છે. એના ફૂલો ધરતીનું સાચું સૌદર્ય છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે The First flower that bloomed on this earth was an invitation to an unborn song.

તો ઉર્વિશ વસાવડાની એક ગઝલ છે કે

કૈંક ધરાના મનમાં થાતું વૃક્ષ ઊગે છે ત્યારે

કૌતક જેવું કંઇ સરજાતું વૃક્ષ ઊગે છે ત્યારે

અંત અને આરંભ તણું વર્તુળ કુદરતનું કેવું

બીજ પ્રથમ ભીતર ધરબાતું વૃક્ષ ઊગે છે ત્યારે

એને ક્યા માળો બાંધી કાયમ એમાં રહેવું છે

પંખી તો બસ એમ જ ગાતું વૃક્ષ ઊગે છે ત્યારે

ફૂલ ખીલે ત્યારે સર્જનની ચરમસીમા આવી ગઇ

પછી ગઝલ કે ગીત લખાતું વૃક્ષ ઊગે છે ત્યારે

ઇશ્વરના આકાર વિશેની દ્વિધા બધી છોડી દે

ઇશ્વર શું છે એ સમજાતું વૃક્ષ ઊગે છે ત્યારે

તો વૃક્ષની વ્યથા વર્ણવતી એક પંક્તિ પણ મમળાવી લઇએ. ‘પ્રકૃતિ પાડે પોકાર, વૃક્ષો માટે કરો વિચાર’

‘વૃક્ષોની પહેરાવી સાડી, મા ભોમને બનાવો હરિયાળી.’ અને આ પંક્તિ પણ વાંચો અમે છીએ છાયડો આપનારએ ઝાડ, જે બીજાને કામ આવ્યા ,જ્યારે સૂકાય ગયા ત્યારે પણ કોઈના અગ્નિસંસ્કારમાં કામ આવ્યા.

પૃથ્વીનું સંતુલન કરનારી હરિયાળી એટલે કે જંગલો પણ આવે છે. જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાનાં માનવી જેવી છે અને આપણે એ ધડને જ કાપી રહ્યા છીએ. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાં માટે પ્રકૃતિનાં દરેક રંગ અને રૂપને સમરસ જાળવવાં જરૂરી છે. પરંતુ આ સમરસ ખોરવાઈ રહ્યું છે. અને આ ખોરવાયેલા સમરસને નવજીવન આપવાનું સેવાકીય કામ શૈલેષભાઇ અને નંદેશભાઇ કરી રહ્યા છે.

અમે શૈલેષભાઇને પ્રશ્ન કર્યો કે તમને આ ઉમદા કાર્યનો વિચાર અને પ્રેરણા ક્યાંથી મળ્યા?

તો ઉત્તરમાં તેમણે જણાવ્યું કે અમારા માતા ચંપાબેન અને પિતા પોપટભાઇની પ્રેરણા છે કે તમે સાચી નીતિ અને અથાગ મહેનતથી વ્યવસાય દ્રારા મેળવેલા ધનનો અમૂક ભાગ સેવાકીય પ્રવૃતિ અને સત્કાર્યમાં વાપરજો. તેઓ આજે એટલી સગવડ અને સુવિધાપૂર્ણ જીવનશૈલી ત્યાગીને સંન્યાસી જીવન જીવી રહ્યા છે.

શૈલેષભાઇએ જણાવ્યું કે સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ)ના પ્રમુખ વિજયભાઇ ડોબરિયાની મુંબઇ ખાતે મુલાકાત થઇ હતી. તેમની સાથેની પહેલી મુલાકાત દરમિયાન બંને ભાઇઓ સુરતને લીલુંછમ બનાવવાનો સંક્લ્પ કર્યો. વિજયભાઇનો વૃશ્રો પ્રત્યેનો પ્રેમ, તેમની વૃક્ષોની માવજત અને પર્યાવરણ માટે તેમણે કરેલી કામગીરીથી ખુબ પ્રભાવિત હતા. તેમની સાથેની મુલાકાતમાં ચર્ચા થઇ કે મોટા પાયે વૃક્ષારોપણ કરવું જોઇએ. સુરત શહેર પ્રત્યેની ચાહના હજુ અમારા દિલમાં અકબંધ છે. આ કર્મયોગી શહેરે અમને ઘણું આપ્યું છે. એટલે અમે નક્કી કર્યું કે સુરત આખામાં 50,000થી વધારે વૃક્ષો વાવીને શહેરને હરિયાળું બનાવી દઇએ.

અમારો દ્રઢ નિશ્ચય હતો એટલે વિચારને તરત અમલમાં મુકી દીધો અને સુરતમાં અમે કામ પણ શરૂ કરી દીધું છે. સુરતના જુદા જુદા વિસ્તારોમાં ડિવાઇડરની વચ્ચે 8 ફુટ ઉંચા પીંજરા મુકીને તેની પર સરસ મજાનું ગ્રીન કવર કરી દીધું છે. લગભગ 10,000થી વધારે વૃક્ષો રોપી દેવામાં આવ્યા છે. લગભગ 6 મહિનામાં 50,000થી વધારે રોપા લાગી જશે. તેમણે ઉમેર્યું કે સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા સૌરાષ્ટ્રના 190 ગામોમાં આ ભગીરથ અભિયાન હાથ ધરાયું છે અને મહ્દ અંશે સિદ્ધ થયેલું છે અને કામગીરી પુરજોશમાં શરૂ પણ છે.

અમે જે વૃક્ષો સુરતમાં રોપીશું તેનું આયુષ્ય 200 વર્ષથી વધારે હશે

લુખી બંધુઓએ કહ્યું કે અમે જે વૃક્ષો સુરતમાં વાવવાના છીએ તેનું આયુષ્ય 200 વર્ષથી વધારે હશે. 3 વર્ષની અંદર આ રોપા તોતીગં વૃક્ષોની જેમ ટટ્ટાર ઉભા હશે. અમે સુરતમાં લીમડા, પીપળા, વડલા, કરંજ, અર્જૂન, આસોપાલવ, સીરસ, શિશ, રેન્ટ્રી, પીલખન, કદમ, ટેબુબિયા, પેથોડિયા, બોરસલી જેવા વૃક્ષો સુરતની શોભા વધારશે.

 વૃક્ષો પર્યાવરણ સ્વચ્છ રાખે છે અને વરસાદ ખેંચી લાવે છે અને ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ કરે છે. સાથે જ લાખો પંખીઓને રહેવાનો આશરો પણ પુરો પાડે છે.

વૃક્ષો તાપમાન ઘટાડવામાં બે રીતે ખપમાં આવે છે. એક તો વૃક્ષના પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને એ રીતે હવાને ઠંડી રાખે છે. બીજું કારણ છે ઘટાટોપ વૃક્ષ હોવાને કારણે અનેક વિસ્તારોમાં છાંયડો તૈયાર થાય છે, જેને કારણે સીધો સૂર્યપ્રકાશ રસ્તા, મકાન કે વિસ્તારોને સ્પર્શી શકતો નથી. ભરબપોરે બાષ્પીભવનથી ગરમથી થતી હવાનું તાપમાન અને જમીનની સરફેસ એમ બંને સ્તરે વૃક્ષો મદદગાર સાબીત થાય છે.

શૈલેષભાઇના પરમ મિત્ર એવા નાગજીભાઇ સાકરીયા અને હરેશભાઇ સાકરીયાએ આ ઉમદા કાર્યથી પ્રેરિત થઇને તેમના વતન રામપરાને પણ 2000 વૃક્ષોથી શણગારવાનો નિર્ધાર કર્યો અને વિચાર અમલમાં મુક્યો છે.

અમે નંદેશભાઇ લુખીને પુછ્યુ કે, વૃક્ષારોપણની ભાવના સારી છે… તમે વૃક્ષો જાળવવા માટે શું વ્યવસ્થા કરી છે? નંદેશભાઇએ કહ્યું કે, હા, તમારી વાત સાચી છે કે ખાલી રોપા રોપી દેવાથી કામ પુરુ થતું નથી. અમે પણ એટલે જ એ વાતનું ધ્યાન રાખીને 150 માણસોની ટીમ સાથે 25 ટ્રેકટર અને 25 પાણીના ટેન્કરની પણ વ્યવસ્થા ગોઠવેલી છે. આ રોપાઓ આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરેથી મંગાવવામાં આવ્યા છે કે હાલમાં જેમની ઉંમર 3 વર્ષથી વધુ છે તેવા દશથી બાર ફિટ ઉંચાઇના તૈયાર વૃક્ષો છે. આનાથી 3 વર્ષની અંદર લગભગ બધા વૃક્ષોનો ઉછેર થઇ જશે અને ઘટાદાર વૃક્ષ બની જાય ત્યાં સુધી દરેક વૃક્ષની માવજત જવાબદારી સાથે કરવામાં આવશે. આપણે કલ્પના કરી શકીએ કે હજારો ઘટાદાર વૃક્ષો સાથે સુરત એક ખુબસૂરત શહેર બની જશે.

સુરતમાં આ સ્થળોએ વૃક્ષો રોપવાનું કામ થઇ ચૂક્યું છે…

વૃક્ષો રોપવાનું કામ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટને સોંપવામાં આવ્યું છે. સુરત અને નજીકના હાઇવે પર વૃક્ષો રોપવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. સાયણ રાજહોટલ પાસેનો 9 કિ.મી વિસ્તાર, પાલ વિસ્તારમાં ગેલેક્ષી સર્કલ પાસે, હજીરા ફ્લાયઓવર પાસે, વેસુ, વીઆઇપી રોડ, મોટા વરાછા સુદામા ચોક પાસે વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું છે. અમે આખા સુરતમાં જ્યાં ડિવાઇડર મળશે ત્યાં વૃક્ષારોપણ કરીશું. શૈલેષભાઇએ કહ્યું કે અમારું માનવું છે કે તમે કોઇ પણ સારા કામની શરૂઆત કરવાનું વિચારો તો પછી ભગવાન પણ તમને મદદ કરે છે. શૈલેષભાઇ તથા નંદેશભાઇના જણાવ્યા પ્રમાણે તેમના વતન નવાગામમાં પણ 2000 જેટલાં વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાવ્યું છે અને તેમના સહયોગથી ગામમાં વિશાળ તળાવ અને ચેકડેમ બાંધવાના કાર્યો પણ પૂર્ણ થયા છે.

Diamond City-Seva-ni-Suvas-Shailesh-Lukhi-Rajesh Shah-379-2

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS