DIAMOND CITY NEWS, SURAT
તમે જ્યાં કામ કરતા હો ત્યાં, ત્યારે ખરા દિલથી કામ કરો. જે તમને પગાર ચૂકવતો હોય, તમને પેટભરણું પુરૂં પાડતો હોય તેના માટે નિષ્ઠાપૂર્વક કામ કરો.
તેનું હંમેશા સારૂં બોલો અને જે સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા હોવ `સદા તેની પડખે ઊભા રહો. એવામાં જો ક્યારેક ભૂલચૂકનો અનુભવ થાય ત્યારે એક તોલા જેટલી વફાદારી એક શેર જેટલી કાબેલિયત બની રહે છે.
શરતચૂકથી એવું બને કે તમારા માલિક વિશે હલકું અને ઉતરતું બોલવાની વૃત્તિ થઈ આવે! એવું બોલવાનું વલણ મનમાં ઉછાળા મારી રહ્યું હોય ત્યારે તેઓને રામ-રામ કહીને (પ્રેમથી) છૂટા પડી જજો. તમે તેનાથી અળગા થઈ ગયા હો ત્યારે પેટ ભરાય તેટલી હદે ભૂંડું બોલી શકો છો. (લેખકના આ વાક્ય સાથે લખનાર જરાય સહમત નથી, બલ્કે આ વાતનો હળહળતો વિરોધ છે.) જ્યાં સુધી તમે જે-તે સંસ્થાના હિસ્સા હોવ ત્યાં સુધી વફાદારીપૂર્વક તમારી વાણી પર લગામ રાખજો.” (એલબર્ટ હુબ્બાડ- અમેરિકન રાઈટર, પબ્લીશર, આર્ટીસ્ટ અને ફિલોસોફર. ઈ.સ. 1856 થી 1915)
નિષ્ઠા એ એક ગુણ-સમુદાયની વડદાદી છે. જેના કુટુંબના અન્ય નામો છે- શ્રદ્ધા, ભક્તિ, વફાદારી, આસ્થા, વિશ્વાસ, એકાગ્રતા, લીનતા, ધારણા, વચન-પરકતા વગેરે વગેરે. નિષ્ઠા જેટલો અધ્યાત્મનો શબ્દ છે, તેટલો સંસારનો પણ! બહુ ઓછા શબ્દોમાં આ ખૂબી હોય છે.
આ ગુણ-સમુદાય વિશે સૂપેરે વિચાર કરતા અંગ્રેજ ફિલોસોફર અને રાજનીતિજ્ઞ ફ્રાન્સીસ બેકને(1561-1626)એ કહેલું, “નિષ્ઠા સદગુણોનો પાયો છે.”
માણસમાં તમામ સદગુણ હોય પરંતુ તે નિષ્ઠાવાન ન હોય તો એમ ગણાય કે કોઈ સુંદરીએ તમામ ઘરેણા પહેર્યા હોય પરંતુ વસ્ત્રનો અભાવ હોય નિષ્ઠા વગર કાર્ય કરવાને આપણે અશ્લીલ ગણતા નથી પરંતુ તે વાસ્તિવકતા છે કે નિષ્ઠા વગરના માણસનું ચારિત્ર્ય અશ્લીલ કહેવાય!
વ્યક્તિગત જગત હોય કે સમાજ-સંસાર, કાર્ય-વ્યવહાર હોય કે મનો-વ્યાપાર નિષ્ઠા એક સર્વોપરી ક્વોલીટી છે. મસમોટાં સેક્ટર કે નાનકડી હાટડી કંઈ પણ સુચારુરૂપે ચલાવવા હોય તો નિષ્ઠા કોઈપણ તાળાની ગુરૂચાવી છે.
એલબર્ટ હુબ્બાડ કહે છે કે તમે જ્યાં કામ કરતા હો, જે કામ કરતા હો તેના પાયામાં નિષ્ઠા રોપો. એ માણસ માટે ખરા દિલથી, પૂરી તન્મયતાથી, સમગ્ર નિષ્ઠાથી કામ કરો જે માણસ થકી તમારું ને તમારા પરિવારનું ભરણ-પોષણ થતું હોય તે માણસ માટે એ જ રીતે કાર્ય કરવું જોઈએ, જે રીતે મંદિરનો પૂજારી અનન્ય ભક્તિ કરતો હોય.
અહીં વાત કોઈના દાસ થઈ જવાની નથી. ચમચાગીરી કરવાની નથી. પગચંપી કરવાની નથી. લળી-લળીને પાય લાગવાની પણ નથી પણ જરૂર છે કાર્ય વ્યવહાર જ નહીં બલ્કે મનથી પણ એકાગ્ર થવાની! પોતાનું 100% આપવાની!
અહીં છૂપો અર્થ છે કે કોઈપણ અર્થમાં કામચોર થવું એ પાપ ગણાય. તમારી ક્ષમતા, કાર્ય-કુશળતા, સેવાએ બધાયને નીચાવી જે કામ થાય તે નિષ્ઠા ગણાય. અહીં દરેક માણસ જુદી-જુદી લાયકાત અને કેપીસીટી લઈને જન્મે છે અને કામ કરતા કરતા પોતાની કાર્ય-ક્ષમતામાં વધારે કરે છે. વીજળીના બલ્બ સાથે તુલના કરીએ તો દરેકનો બલ્બ અલગ-અલગ કેપીસીટીવાળો હોય છે. કોઈ અહીં કેટલાં વોલ્ટનો બલ્બ છે તે શોધવું જોઈએ પછી આપણો વોલ્ટેજ વધારતા જવું જોઈએ અને જે-તે વોલ્ટેજના આપણે બની શકીએ તે મુજબ આપણે પ્રકાશિત થતા રહેવું જોઈએ.
મને એક વાર્તા સાંભરે છે. એક વિશાળ કંપની ધરાવતા માલિકને એક દિવસ એક સાવ સામાન્ય કક્ષાનો માણસ મળવા આવે છે. બંને મળે છે, ત્યારે આવનાર માણસ પોતાનો પરિચય આપતા જણાવે છે કે જુવાનીમા આપણે બંને એક સાથે એક વિખ્યાત કંપનીમાં જોબ કરતા હતા. કંપનીના માલિકને યાદ આવી જાય છે અને તે આવનારાના લાગણીપૂર્વક ખબર અંતર પૂછે છે. આવનાર વ્યક્તિને નોકરીની જરૂર હોય છે એટલે મિત્રભાવે માલિક આવનારને કામે રાખી લે છે.
પછીના દિવસોમાં જ્યારે બંને મળે ત્યારે નોકરિયાત મિત્ર માલિકને કહ્યા કરે છે કે તું ભાગ્યશાળી કહેવાય કે આ મુકામે પહોંચી ગયો અને મને જો હું ત્યારે પણ નોકરિયાત હતો અને આજે પણ નોકરિયાત છું. આવું એક નહીં અનેક વખત માલિક સાંભળે છે પછી…
એક દિવસ એ પોતાના મિત્રને પોતાની કેબિનમાં બોલાવે છે અને કહે છે કે ભાઈ તને સ્મરણ છે, જ્યારે આપણે નોકરી કરતા હતા ત્યારે એક દિવસ ઘરના અર્ધે રસ્તે પહોંચતા બંનેને યાદ આવેલું કે મોડે સુધી કામમાં પરોવાયેલા હોવાથી ઓફિસની લાઈટો, પંખા અને એ.સી. વગેરે બંધ કરવાનું ભૂલાઈ જ ગયું છે! ત્યારે મેં તને કહેલું કે આપણે ઓફિસે પાછા જવું જોઈએ અને ચાલુ લાઈટ-પંખા-એ.સી વગેરે બંધ કરવા જોઈએ, ત્યારે તે કહેલું એક તો વરસાદ છે, આપણે ઓલરેડી ઓવરટાઈમ કર્યુ છે ને બહુ મોડુ થઈ ગયું છે ને વળી લગભગ આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ. હવે કોણ પાછું જાય?! અને બીલ ક્યાં આપણે આવે છે ?! એ તો માલિકને જ ભરવાનું છે ને!
તે દિવસે તો ઘરે જતો રહ્યો પણ હું પલળતો-પલળતો પાછો ઓફિસ આવ્યો ને લાઈટ-પંખા-એ.સી. બધુ બરાબર બંધ કરી ઘરે પાછો ફર્યો. કારણ કે મને કંપનીનું દાઝતું હતું. એટલે… એમ કરીને મને અનહદ સંતોષ પ્રાપ્ત થયો કે મેં કંપનીના ખોટા ખર્ચાતા રૂપિયા બચાવી લીધા. તે દિવસે પણ મને કંપની માટે એટલું જ પોતીકાપણું અનુભવાનું હતું, જેટલું આજે મારી કંપની વિશે અનુભવાય છે.
મિત્ર! હું મારી જાતને તે દિવસે પણ માલિક સમજતો હતો ને આજે પણ હું માલિક જ છું. તું તે દિવસે પણ નોકરિયાત હતો અને આજે પણ નોકરિયાત જ છે! (વાર્તા તો આગળ ચાલે છે પણ આપણે અહીં જ અટકીએ…)
આટલી વાર્તાનો બોધ શું છે ? એ જ ને કે નિષ્ઠા, લગન, વફાદારી કે ઉચ્ચ કક્ષાનો શબ્દ પસંદ કરીએ તો ભક્તિ! યાદ રાખવાનું એ છે કે તમે જ્યાં કામ કરો છો એ જગ્યા મંદિર છે, લક્ષ્મી માતાનું મંદિર અને તેમાં કામ કરનારા સૌ ભક્તો…આવી વિચારધારા હોય તો જ કામને પૂજા ગણી શકાય, ભક્તિ સમજી શકાય, આરાધના અને ઉપાસના માની શકાય.
કંપનીના લાભ-નુક્સાનને પોતાના વ્યક્તિગત લાભ-હાનિ ગણનારો કર્મચારી ક્યા માલિકને નહીં ગમી જતો હોય? નિષ્ઠા ચાહે કોઈ નાનકડા કામ પરત્વે હોય કે મસમોટા મિશન માટે, પણ એ વાસ્તવિકતા છે કે નિષ્ઠાવાનનું ચારિત્ર્ય સદા ઉજળુ રહે છે, તેના પર કદી કાળી ટીલડી ચોંટતી નથી. પછી ભલે ને તેના કામમાં ક્યારેક ઓગણીસ-વીસ થતું હોય.
સ્વામી વિવેકાનંદે કહેલું – “અચલ નિષ્ઠા મહાન સિદ્ધિઓની જનેતા છે.” જે સદા પોતાના કામને નિષ્ઠાપૂર્વક વળગી રહે છે, તે સફળતા પામે જ છે. નિષ્ઠા પોતાનામાં સ્વયં એક સફળતા છે અને જ્યારે તે અખંડ હોય ત્યારે બીજી મહાન સિદ્ધિઓને પણ તે જન્મ આપે છે.
ગાંધીજીએ કહેલું- “જે માણસ કોઈપણ કામ નિષ્ઠાપૂર્વક કરે છે તેને બીજા કામ કરવાનો આત્મવિશ્વાસ અને શક્તિ સાંપડે છે.” અને આ વાક્યની સાબિતી સ્વયં ગાંધીજીના જીવન-દર્શનમાંથી મળી રહે છે.
અમેરિકન વ્યંગકાર ઓ.ડબલ્યુ. હોલ્મસે તો ત્યાં સુધી કહી દીધું કે, “લોકોની નજરમાં તમે હંમેશા સાચા ભલે ન પણ દેખાવ, પણ તમારા અંતરના પ્રકાશને તમે સદા વફાદાર રહેજો.” જેથી પોતાની નજરમાંથી નીચે ન ધકેલાઈ જવાય, પોતાની સાથે અરીસામાં ખેદ વગર આંખો મીલાવી શકાય. ઘર-પરિવાર, સમાજ અને દેશ દરેકને માણસની નિષ્ઠા ખપે છે. પરંતુ જો આ બધી નિષ્ઠાઓમાં કોઈક કારણસર ટકરાવ થાય ત્યારે દેશ પ્રત્યેની નિષ્ઠાને લાલબહાદુર શાસ્ત્રી સર્વશ્રેષ્ઠ ગણે છે. બધે જ નિષ્ઠાપૂર્વક વર્તનાર વ્યક્તિમાં પણ જો દેશ પ્રત્યે નિષ્ઠા ન હોય તો એ મોટો વિશ્વાસઘાતી ગણાય કારણ કે દેશ સર્વોપરી છે. દેશ પ્રથમ છે, અને દેશ માટે નિષ્ઠા આગ્રહની વસ્તુ છે. વફાદારી વિશે ઘણાં કાવ્ય, કવિતાઓ, વાર્તાઓ, કહાનીઓ ને કિસ્સાઓ જડી આવશે પણ વફાદારી જો દિલમાં નથી તો ક્યાંય નથી. નિષ્ઠા કોઈ થીયરી નથી છતાં ગણવા ખાતર નિષ્ઠાને થિયરી ગણો તો વફાદારી પ્રેક્ટીલ એક્સપેરીમેન્ટ છે!
જે સંસ્થા માટે આપણે કામ કરતા હોઈએ તે માતૃત્વ ધારણ કરી આપણને પોષનારી જનેતા હોય છે. શક્ય છે કે તેમાં ખામીઓ હોય, ત્રૃટિઓ હોય છતાં પણ તેને મજાક કે વિશ્વાસઘાતનો વિષય ન બનાવી શકાય. જે કંપની આપણું પેટ ભરતી હોય, તેના પેટ પર લાત મારનારો પાપી ગણાવો જોઈએ.
છેલ્લી એક વાત, એલબર્ટ કરે છે કે તમને તે સંસ્થા કે ત્યાંના માલિકો સાથે ન ફાવે અને તમે તેમને છેલ્લા રામ-રામ કરી ત્યાંથી નીકળી જાઓ પછી જેમ ફાવે તેમ તેના વિશે ભૂંડું બોલી શકો છો… આ મંતવ્ય સાથે લેખક (હું) સહમત નથી. જે કંપનીએ આપણે આટલો સમય પાળ્યા-પોષ્યા તેના વિશે ઘસાતું કે ઉતરતું બોલવું તે વિકલાંગ ચારિત્ર્યની નિશાની ગણાય. પણ માણસ અળવીતરો છે જેમ ડાયવોર્સ પછી પતિ-પત્નિ એકબીજા પર કીચડ ઉછાળે છે તેમ આવા કિસ્સાઓમાં પણ બને છે ને લોકોને જોણું મળી રહે છે. હા! કોઈ કર્મચારીએ કંપની સાથે દગો-ફટકો, છેતરપિંડી કે વિશ્વાસ ઘાત કર્યા હોય ત્યારે માલિકની ફરજ બને છે કે અન્ય ગ્રાહકોને તે બારામાં અવગત કરાવે અને આ અરસ-પરસ બંનેને લાગૂ પડે છે.
…ઈન શોર્ટ માણસ નિષ્ઠાવાન હોય ત્યારે તેને વખતોવખત સંશય જાય છે કે જે દોષ હું બીજામાં જોઉં છું તે મારામાં પણ હોઈ શકે…
મુશ્કેલી ત્યાં છે, જ્યાં માણસને થીયરીરૂપે નિષ્ઠા સમજાતી હોય છે પરંતુ પોતાની બુદ્ધિએ જે નિષ્ઠા પસંદ કરી હોય છે એ બુદ્ધિમાં જ નિષ્ઠા નથી હોતી!
(અઘરું લાગ્યું? બે વાર વાંચો)
વિસામો
નિષ્ઠા વગરની પ્રશંસા, એ પ્રશંસા ન કરવા કરતાંય બદતર વસ્તુ છે!
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM