આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થાય તે પહેલાં સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા શિર્ષ નેતાગીરીને પોતાની સમસ્યા અને માંગણીનો એક પત્ર આપવામાં આવ્યો છે.
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ગુજરાતના પ્રાદેશિક અધ્યક્ષ શ્રી વિજય માંગુકિયા તેમજ શ્રી દિનેશ નાવડિયાના નેતૃત્વમાં કાઉન્સિલનું એક પ્રતિનિધિમંડળ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ તેમજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખને મળ્યું હતું.
આ પ્રતિનિધિમંડળ દ્વારા રફ ડાયમંડ્સ પર લાદવામાં આવતી 2% ઇક્વલાઇઝેશન લેવીને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી માંડવિયાને તેમની નવી દિલ્હીની ઓફિસમાં મુદ્દાસર રજૂઆત કર્યા બાદ આ જ મુદ્દાઓ પર મંત્રી પરષોત્તમ રુપાલાને રજૂઆત કરાઈ હતી.
બંને મંત્રીઓ હીરા ઉદ્યોગકારોના મુદ્દાને વહેલામાં વહેલી તકે ઉકેલવા માટે સંબંધિત મંત્રી અને ઓથોરિટી સાથે મુદ્દો ઉઠાવવા ખાતરી આપી હતી. જો કે, તેમણે ઉદ્યોગ પર ઇક્વલાઇઝેશન લેવીની ચોક્કસ અસર અંગે કેટલાક વધુ ડેટા માંગ્યા હતા. GJEPC આ રજૂઆતને નવેસરથી નક્કી કરશે અને વહેલી તકે મંત્રી શ્રી રૂપાલાની સારી ઓફિસમાં સબમિટ કરશે.
દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોષે હીરાઉદ્યોગના પ્રતિનિધિમંડળને એવું કહ્યું હતું કે તેઓ હીરા ઉદ્યોગની સમસ્યાથી પહેલાથી જ વાકેફ છે અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી ચૂક્યા છે.
શ્રી માંડવિયાએ આ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી અને તમામ પાસાઓને સમજ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે તેઓ આ મુદ્દાનો વધુ ઉંડાણપૂર્વક અભ્યાસ કરશે અને બજેટ પછી સંબંધિત અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી હતી.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM