કેંસર… નામ જ બિહામણું ને ડરામણું છે અને છતાં એ વાસ્તવિક્તા છે કે કેંસર કોઈને પણ થઈ શકે છે. બાળક કે યુવાનથી લઈને વૃદ્ધ સુધી, ગરીબથી લઈને અમીર સુધી, સ્ત્રીથી લઈને પુરુષ સુધી, સામાન્ય માણસથી લઈને જિનીયસ સુધી, જાતિ, કાળ, રંગ, વય કે સ્થાનના ભેદભાવ વગર કેંસર કોઈને પણ થઈ શકે છે. આ તથ્ય બદલી શકાય એવું કેંસરે રહેવા દીધુ નથી.
મૌતના પ્રમુખ કારણોમાં કેંસરનું નામ મોખરે છે. એવી ધારણા છે કે 2030 સુધીમાં કેંસરગ્રસ્તોની સંખ્યા એક કરોડની ઉપર પહોંચી શકે છે. તેમ છતાં સારા સમાચાર એ છે કે તેમાંથી કેટલીય મૌતને રોકી શકાય તેમ છે તેના માટે આપણે સૌએ વધારે જાગૃત થવાની જરૂર છે. તે માટે જીવનશૈલી, ખાનપાન અને સકારાત્મકતા એવા કેટલાય પાસાંઓ પર પુન: વિચાર કરવાની ફરજ પડે તેમ છે. કેંસર જન્માવનાર સંક્રમણોથી પણ બચાવની જરૂરિયાત છે.
કેંસરના બારામાં આપણે નિયમિત રૂપે કોઈ ને કોઈ ખબર સાંભળતા રહીએ છીએ છતાં કેંસર શું છે કે તેના તથ્યો વિશે આપણે લગભગ અજાણ છીએ અથવા અધકચરી જાણકારી ધરાવીએ છીએ.
ચાલો, જાણીએ કેંસર વિષયક કેટલાક ફેક્ટ્સ કે જાણકારી જે આપણામાં કેન્સર વિશે જાગૃતિ લાવવામાં મદદ કરે.
- કેંસર એ કોશિકાની અનિયંત્રિત વૃદ્ધિ અને અસામાન્ય પ્રસાર કરનારા રોગોનો એક સમૂહ છે.
- કેંસર લગભગ 200થી વધારે પ્રકારના છે.
- કેંસરથી શરીરનો કોઈપણ ભાગ કે ભાગો પ્રભાવિત થઈ શકે છે.
- અમેરિકન કેંસર સોસાયટી અનુસાર દુનિયાના 28 મિલિયન લોકો કેંસરને માત આપી ચૂક્યા છે, મોતને હરાવી ચૂક્યા છે.
- ભારતીય પુરૂષોમાં મોંઢાનું કેંસર અને ફેફસાનું કેંસર વધારે જોવા મળે છે. ભારતીય પુરૂષોમાં આ બે કેંસરનું પ્રમાણ વિશ્વની તુલનામાં વધારે છે.
- સ્ત્રીઓમાં વજાયનલ અને બ્રેસ્ટ કેંસરનો ખતરો સૌથી વધારે હોય છે.
- પશ્વિમી દેશોમાં ઓફિસ કે ઘરની અંદર વધારે રહેવાથી સ્કીન કેંસરના પીડિતોની સંખ્યા વધારે રહે છે, જે ફેફસાના કેન્સરની તુલનામાં વધારે છે.
- વૈશ્વિક સ્તર પર જોઈએ તો કેંસરથી થનાર 70% મોત નિમ્ન અને મધ્મય આવક વાળા દેશોમાં થવા પામે છે.
- સામાન્ય રીતે જોવા જઈએ તો માણસના જીવન દરમિયાન ઓછામાં ઓછુ છ વખત કેંસર કોશિકાઓનું નિર્માણ થતું હોય છે.
- ભારતમાં કેંસરના 30-50 % મામલાઓમાં આ રોગ નાથી શકાય તેમ હોય છે. તેના માટે માણસે પોતાની રહેણ-કહેણીમાં ફેરફાર કરવો જરૂરી બને છે.
- રોજિંદા ખોરાકમાં ફળ અને લીલા શાકભાજીનું સેવન, નિયમિત વ્યાયામ, તંમાકુ અને આલ્કોહલથી બચાવ, વગેરે બાબતોનું પાલન કરવું જરૂરી છે.
- એમિરેટ્સ કેંસર ફાઉન્ડેશન અનુસાર કેંસર ગ્રસ્તે કીમો થેરાપી દરમિયાન પોતાને મનગમતા ભોજન કરવાનું ટાળવું જોઈએ કારણે કે કીમો દરમિયાન મોંઢાનો સ્વાદ વિચિત્ર રીતે બદલાઈ જતો હોય છે. પરિણામે પોતાના મનગમતા ફૂડ પ્રત્યે દર્દીને અણગમો થઈ શકે છે અને કીમો પછી પણ તે ઘૃણા ઝટ જતી નથી.
- એક સિગારેટમાં 4800 થી વધારે રાસાયણિક દ્રવ્યો હોય છે, જેનાથી 69 થી કેંસરનો ખતરો ઊભો થાય છે.
- ફેફસાના કેંસરમાં 90 % થી વધુ કેસોમાં ધુમ્રપાન કારણભૂત હોય છે.
- કેંસરના કારણે મરનારા બાળકોની સંખ્યા, પ્રેંગનેંસી, ટાઈપ 1 ડાયાબિટીસ અને અસ્થમાને કારણે થનાર કુલ મોતોથી વધારે હોય છે.
- અધિકાંશ કેંસર વારસાગત (હેરીડિટરી) અને પર્યાવર્ણીય કારકાનો સંયોજનથી વિકસિત થાય છે. જેમાં ધુમ્રપાન, દારૂ, જાડાપણું અને અયોગ્ય આહાર-વિહાર શામેલ છે.
- ડાબા સ્તનનું કેંસર, જમણાં સ્તનની તુલનામાં 5 થી 10 % વધારે વિકસીત થાય છે.
- શરીરની ડાબી બાજુ મેલેનોમા (ત્વચાનો એક પ્રકારનો કેંસર) ખતરો 10 % વધારે હોય છે.
- કેંસર ચેપી રોગ નથી. તેમ છતાં કેટલાક કેંસર એવા હોય છે કે જે વાયરસ અને બેક્ટેરિયાના કારણે એક વ્યક્તિથી બીજા સુધી ફેલાઈ શકે છે.
- તેની કોઈ સાબિતી નથી કે અધિક માત્રામાં ખાંડનું સેવન કેંસર વધારે છે અને ઝડપથી શરીરમાં તેને ફેલાવે છે. જો કે, શરીરમાં કેન્સરની કોશિકાઓને વિકસિત થવા માટે ગ્લૂકોઝ પર નિર્ભર હોય છે. તેમ છતાં આ વાત માટે કોઈ પ્રમાણ નથી કે ખાંડનું સેવન કેંસરમાં વધારો કરશે કે ખાંડની બિલ્કુલ પરેજી કેંસરને રોકી દેશે, છતાંય એનો અર્થ એ નથી કે માણસે વધારે પડતી ખાંડનું સેવન કરવું જોઈએ.
- એ અચરજની વાત છે કે વધુ પડતા ગરમ પીણાંનું સેવન કેંસરના વિકાસનો ખતરો વધારી દે છે.
- માંસાહારી ભોજન પણ કેંસર સેલ્સને ઝડપથી વધવામાં મદદ કરે છે. કારણ કે તેમાં એસિડ્સ હોય છે. જે આ સેલ્સને ઝડપથી કેટલાય ગણું વધારવાનો સિનેરીયો પૈદા કરે છે.
- માણસને તો કેંસરનો ખતરો છે જ પણ કૂતરોય 10 વર્ષની આયુ વટાવી દે તે પછી કેંસરથી તેની મૃત્યુ થવાની સંભાવના 50 % થઈ જાય છે.
- એ વાતમાં કોઈ બે મત નથી કે પરિવારમાં કેંસરનો ઈતિહાસ હોય તો માણસને કેંસર થવાની શક્યતા વધી જાય છે પરંતુ આ કોઈ સટીક ભવિષ્યવાણી નથી.
- એક અનુમાન મુજબ 10માંથી 4 કેંસરને સરળ જીવનશૈલી દ્વારા રોકી શકાય છે. જેમ કે સ્વસ્થ અને તાજું ભોજન, વજનનું યોગ્ય પ્રમાણ, યોગ-પ્રાણાયામ, માદક પદાર્થોનું સેવન ન કરવું કે મર્યાદિત માત્રામાં કરવું, તંમાકુ ઉત્પોદોથી બચાવ જેવા પરિબળોથી કેંસરને નાથી શકાય છે.
- દુનિયાભરમાં કેન્સરના જે નવા કેસ દર્જ થાય છે તેમાંથી 60 % થી વધુ આફ્રિકા, એશિયા, તેમજ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં થાય છે આ ક્ષેત્રો કેંસરથી થનાર મોતના 70 % હિસ્સો કવર કરે છે.
- દુનિયાભરના વિશેષજ્ઞોનું માનવું છે કે કેંસરને કારણે થનાર ઓછામાં ઓછી અડધો અડધ મોત રોકી શકાય તેમ હોય છે.
- પ્રદૂષિત પર્યાવરણના કારણે કેંસરની સંભાવના વધી જાય છે. જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ. જે પાણી અને ભોજન ગ્રહણ કરીએ છીએ, એ બધુ અત્યંત મહ્તવપૂર્ણ છે. એવામાં એ જોવું જરૂરી છે કે ઓછામાં ઓછી ટોકસીક હવા કે ખાદ્ય પદાર્થ આપણા શરીરમાં જાય.
- ફેફસાના કેંસરમાં રોગીની જીવિત રહેવાની સંભાવના 20 % ઓછી થઈ જાય છે.
- રોજે જ 6 કલાકથી ઓછી ઊંઘ લેનારાઓમાં કોલન (મલાશય)ના કેંસરની સંભાવના વધી જાય છે એક રીસર્ચ અનુસાર રાત્રે કામ કરનારા લોકોમાં કેંસરના કેસ વધી જાય છે. શરીરને કેંસર મુક્ત રાખવા માટે સારી ગાઢ નિંદ્રા જરૂરી છે.
- દુનિયાભરમાં દરે આઠમાંથી એક મોતનું કારણ કેન્સર હોય છે.
- અનુસંધાનો એ સ્પષ્ટ કર્યુ છે કે જાડાપણું કેંસર અને અન્ય બિમારીઓને વધારી શકે છે આવી અસર રોગની સારવાર ઉપર પણ પડે છે. સ્તન કેંસરની સફળ સારવારની ટકાવારી એ સ્ત્રીઓમાં વધારે થઈ જાય છે જેમનું વજન અસામાન્ય નથી હોતું.
- ત્વચાનું કેંસર ઝડપથી વધી રહ્યું છે આ કેંસરનો સૌથી સામાન્ય પ્રકાર છે. વર્ષો વર્ષ તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાયલટ તથા વધારે પડતી હવાઈયાત્રા કરનારાઓમાં આ પ્રકારના કેંસરની શક્યતા વધી જાય છે.
- મોટેભાગે શરીરની કોશિકાઓમાં એક એવી કુદરતી પ્રક્રિયા થાય છે જેના વડે તે પોતાના અંદરની ખામીઓનો પિછાણ કરીને પોતાની જાતે જ એવી કોશિકાઓને નષ્ટ કરી દે છે. જેથી બીજી કોશિકાઓને નુક્સાન ન પહુંચે પરંતુ કેંસરની કોશિકાઓમાં આ ઓટોમેટિક પ્રક્રિયા લાગુ પડતી નથી ! એવું માનવામાં આવે છે કે કેટલાક વિશેષ ખાદ્ય પદાર્થોને કારણે કેંસરની કોશિકાઓની આ પ્રાકૃતિક રક્ષા પ્રણાલી ખતમ થઈ જાય છે.
- રિફાઈન્ડ ખાંડ. ગ્રીલ્ડ કે પ્રોસ્ટેટ માંસ અને હાઈડ્રોજનીકૃત તેલ એ એવા ખાદ્ય પદાર્થો છે જે કેંસરની સંભાવના વધારી શકે છે.
- જે સ્ત્રીઓને બાળકો થતા નથી અથવા જે 30 ની ઉમરને પાર કરીને પ્રેગ્નેટ થાય છે તેવી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેંસર સંભાવના 30 વર્ષ પહેલા મા બનનારી સ્ત્રીઓમાં ઓછી જોવા મળે છે.
- અવિવાહિત પુરૂષોમાં વિવાહિત પુરૂષોની તુલનામાં કેંસરનો ખતરો વધી જાય છે.
- તુલસીને કેંસર કીલર કહેવામાં આવે છે. (કદાચ એટલે જ તેનું ધાર્મિક મૂલ્ય આપણી સમક્ષ વધારીને આંકવામાં આવ્યું હોય) એ જ રીતે ગાયનું દૂધ, કે જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે ! હળદર કે જેનો શુભ કાર્યમાં ઉપયોગ થાય છે તે સિવાય ફુદીનો, નાળીયેર પાણી, કોબીજ, લસણ, ટમેટા, બીટ, લીંબુ, આદુ, દ્રાક્ષ, ગ્રીન ટી વગેરે એ પદાર્થો છે જે કેંસર જ નહીં અન્ય કેટલીય બીમારીઓમાં રક્ષણ આપે છે.
- સ્વચ્છ અને સ્વસ્થ પાણીનો દરરોજ 3 થી 5 લીટર જેટલો ઉપયોગ સ્વાસ્થય વધારે છે. જો આ પાણી તાંબાના વાસણમાં ભરીને રખાયેલું હોય તો વધારે કારગર સાબિત થાય છે.
- મોઢાની દુર્ગંધના અનેક કારણો હોઈ શકે છે માટે દરરોજ બે વખત બ્રશ કરવું, દરેક ખાદ્ય પદાર્થ પછી મોં બરાબર સ્વચ્છ કરવું જરૂરી છે. દિનચર્ચામાં નજીવા ફેરફારો પણ કેન્સરની શક્યતાને ઘટાડે છે. જેમાં ખૂબ જૂના ટુથબ્રશને બદલાવવું પણ જરૂરી છે. વળી, શૂગરયુક્ત માઉથ ફ્રેશનરો ઉપયોગ પણ ટાળવા જેવો છે.
- નિયમીત મેડીટેશન ઘાતક બીમારીઓને અવરોધે છે, જેમાં કેંસર પણ એક છે.
- પોપકોર્નનું વધું પડતું સેવન, બેકરી આઈટમનું વધુ પડતું સેવન પણ કેંસરનો ખતરો વધારે છે.
કેંસર પોતે જ એક હ્રદય કંપાવનાર શબ્દ છે. એ ભલભલાના હાજા ગગડાવી દે છે. એક માન્યતા તો એવી જ છે કે કેંસર એટલે કેન્સલ. માણસને ખતમ કરીને જ જંપે એવી બીમારી પરંતુ અન્ય રોગોની જેમ કેંસરની દવા શક્ય છે. અને એ કેન્સર વિષયક જાગૃતિ દ્વારા જ સંભવ છે. કેન્સરને લગતા તથ્યો જાણવા, સમજવા, માનવા અને અમલમાં મુકવાથી કેન્સરને કેંસલ ગણતું એટકાવી શકાય છે, એવું અનુસંધાનો એ સાબિત કર્યુ છે. 21 ફ્રેબુઆરી વર્લ્ડ કેંસર ડે તરીકે ઉજવાવામાં આવે છે જેનો હતુ એ છે કે દરેકે દરેક વ્યક્તિ કેન્સર વિશે જાગૃત બને, જેનાથી જાનહાનિ થતી અટકાવી શકાય તથા સ્વસ્થ અને લાંબુ જીવન સુખ-શાંતિ પૂર્વક જીવી શકાય.
ગોલ્ડન કી
સર્વે ભવન્તુ સુખિન:
સર્વે સન્તુ નિરામયા |
સર્વે ભદ્રાણી પશ્યન્તુ
મા કશ્ચિત દુ:ખભાગ ભવેત ||
(બધા સુખી થાય, સૌ રોગમુક્ત રહે, દરેક મંગલમયના સાક્ષી બને, કોઈએ પણ દુ:ખના ભાગી ન બનવું પડે.)
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM