સુરતના હીરાવાળા માટે ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન હવે ટૂંક સમયમાં થશે. ચોક્કસ તારીખ તો જાણવા મળી નથી પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે તાજેતરમાં એક કાર્યક્રમમાં જે જાહેરાત કરી તે સાંભળી સુરતના હીરાવાળાના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે.
સી. આર. પાટીલે કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું કામ પૂરું થયું છે. સુરતનું આ નવલું નજરાણું હવે લોકાર્પણ માટે તૈયાર છે. ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ સી. આર. પાટીલે સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઇટની કનેક્ટિવીટી શરૂ કરવાના પણ સંકેત આપ્યા હતા, જે સુરતના હીરાવાળા માટે ખૂબ જ સારા સમાચાર છે.
સૌ કોઈ જાણે છે કે સુરતના હીરાવાળાનો વેપાર દેશ વિદેશમાં ફેલાયેલો છે. ચીન, હોંગકોંગ, એન્ટવર્પ, ઈઝરાયેલ સહિત અનેક દેશોમાં સુરતના હીરાવાળા અવારનવાર ઉડાઉડ કરતા હોય છે. ઈન્ટનેશનલ ફ્લાઇટ માટે સુરતના હીરાવાળાઓએ અમદાવાદ, મુંબઈ અથવા તો દિલ્હીના એરપોર્ટ સુધી લાંબા થવું પડે છે. કારણ કે હાલમાં સુરત અને શારજાહ વચ્ચે જ ઈન્ટરનેશનલ ફ્લાઈંગ કનેક્ટિવીટી છે. જો સુરત એરપોર્ટ પર અન્ય દેશોને સાંકળતી ફ્લાઇટ શરૂ કરવામાં આવે તો ચોક્કસ પણે સુરતના હીરાવાળાને ખૂબ મોટો ફાયદો થશે.
ગઈ તા. 3 માર્ચથી તાતા ગ્રુપની એર એશિયા એરલાઇન્સએ સુરતથી દિલ્હી, બેંગલુરુ, કોલકાતાની ફ્લાઈટ શરૂ કરી હતી. આ નવી ફ્લાઈટ શરૂ થવાના પ્રસંગે સુરત એરપોર્ટ પર લોકાર્પણ સમારોહને સંબોધાતાં સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે વિશ્વનાં સૌથી મોટા ડાયમંડ બુર્સના નિર્માણનું કામ પૂર્ણ 100% પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. એ સાથે જ સુરત એરપોર્ટથી દુબઇ સહિતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ચોક્કસથી શરૂ કરાશે. ડાયમંડ બુર્સ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અપાવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડાયમંડ બુર્સનું વહેલી તકે ઉદ્ઘાટન કરે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાનના મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ થકી વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે.
દેશ અને વિદેશમાં હીરાનો વેપાર કરતા 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગની નજર છે. ડાયમંડ બુર્સ શરૂ થવાથી વિદેશથી વેપારીઓની અવરજવર પણ વધશે જેને લઇ આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ શરૂ કરવામાં આવશે. ડાયમંડ બુર્સને લઈ સુરત એરપોર્ટને તેનો સીધો લાભ મળશે.
સી આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે સુરત એરપોર્ટ પર 72 સીટની એક ફ્લાઇટ આવતી હતી. એ પછી એક સમયે ફ્લાઇટ સંખ્યા 54 થઈ હતી. એરપોર્ટના ડેવલોપમેન્ટને લીધે ફ્લાઇટ સંખ્યા ઘટી હતી પણ હવે ફરી વધવાની શરૂ થઈ છે.
આવનારા સમયમાં 72થી વધુ ફ્લાઇટ સુરતથી શરૂ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત એરપોર્ટ પર ટર્મિનલનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. બે મહિનામાં આ કામ પણ પૂરું થઈ જશે.
આજે સુરત એરપોર્ટ પર તાતા ગ્રુપની એરલાઈન્સના મર્જર પછી એર એશિયાની દિલ્હી-સુરતની ફ્લાઈટ સુરત એરપોર્ટ લેન્ડ થઈ ત્યારે વોટર કેનન સેલ્યુટ આપી ફર્સ્ટ ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ ફ્લાઈટનાં પ્રથમ યાત્રી તરીકે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશ દિલ્હી થી સુરત આવ્યાં હતાં. પ્રથમ ફ્લાઇટને સી. આર. પાટીલ અને ટેક્સટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશએ લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી હતી.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM