યુએસની આર્થિક અનિશ્ચિતતા અને બેન્કિંગ કટોકટીની અસર હીરા બજાર પર દેખાવા લાગી છે ત્યારે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. એક અહેવાલ અનુસાર બેન્કિંગ કટોકટીના લીધે યુએસના બજારમાં નાણાકીય કટોકટી સર્જાઈ છે, જેની અસર આખુંય વર્ષ દેખાશે, પરિણામે વર્ષ 2023માં હીરા ઝવેરાતના રિટેલ વેચાણમાં ઓટ આવે તેવી શક્યતા છે.
યુએસની નેશનલ રિટેલ ફાઉન્ડેશન (એનઆરએફ) સંસ્થાના રિપોર્ટ અનુસાર ઊંચો ફુગાવો, વધતી બેરોજગારી અને બેન્કિંગ ક્ષેત્રમાં ઊભા થયેલા પડકારોના પગલે ચાલુ વર્ષ 2023માં રિટેલ સેક્ટર નબળું રહે તેવી શક્યતા છે. યુએસમાં રિટેલ સેક્ટરમાં તમામ ચીજવસ્તુઓમાં વેચાણ ધીમી ગતિએ જ વધે તેવું જોવા મળી શકે છે.
એનઆરએફ અપેક્ષા રાખે છે કે ચાલુ વર્ષ માટે કુલ વેચાણ 4 ટકાથી વધુ 6 ટકા સુધી પહોંચે. એટલે કે 5.13 ટ્રિલિયન ડોલરથી વધી તે 5.23 ટ્રિલિયન ડોલરનો આંકડો ટચ કરે. જ્યારે ઓનલાઈન ખરીદીમાં પણ વાર્ષિક 10થી 12 ટકાનો વધારો જ જોવાઈ રહ્યો છે. ઓનલાઈનું બજાર હાલ 1.41 ટ્રિલિયન ડોલર છે તે વધીને 1.43 ટ્રિલિયન સુધી પહોંચે તેવી આગાહી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
એનઆરએફ અનુસાર લેબર માર્કેટ સ્થિર રહ્યું છે. વેપાર સંગઠનો ધીમી આર્થિક પ્રવૃત્તિ જોઈ રહ્યાં છે. બેન્કિંગ કટોકટીના લીધે ધિરાણ પર પ્રતિબંધની પરિસ્થિતિની સંભાવનાઓ આગામી દિવસોમાં વધે તેવી શક્યતા છે. તે જોતાં યુએસમાં બેરોજગારીનું પ્રમાણ વધે તેવો ડર ઉભો થયો છે. બેરોજગારીનો દર 4 ટકાથી ઊંચો જાય તેવી દહેશત છે. આ ઉપરાંત સંભવિત આર્થિક મંદીનો ભય અને નાણાંકીય કટોકટી પણ ગ્રાહકોના ગજવાને અસર પહોંચાડશે. લોકો ખર્ચ કરતા ડરશે જેની અસર રિટેલ સેક્ટર પર જોવા મળી શકે છે.
NRFના ચીફ ઇકોનોમિસ્ટ જેક ક્લીનહેન્ઝે જણાવ્યું હતું કે, બેંકિંગ ઉદ્યોગની ઉથલપાથલની સંપૂર્ણ અસરોને જાણવી હજુ બહુ વહેલું છે, ત્યારે 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ગ્રાહક ખર્ચ ઘણો સારો દેખાઈ રહ્યો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ગ્રાહકો ખર્ચ કરવાની પોતાની ક્ષમતા જાળવી રાખે. આખુંય વર્ષ ગ્રાહકોના આવક અને ખર્ચનું સંતુલન જળવાઈ રહે તો રિટેલ વેચાણમાં ધીમો વૃદ્ધિદર જોઈ શકાશે.
આ અગાઉ વર્ષ 2022માં રિટેલ વેચાણ 7% ના દરે વધ્યું હતું. કારણ કે લોકો મુસાફરી પરના નિયંત્રણો અને યુએસ સરકાર તરફથી ઉત્તેજના ચેકના વિતરણ વચ્ચે ભૌતિક સામાન પર ખર્ચ કરવાનું વધાર્યું હતું. આ અગાઉ 2021માં કન્ઝ્યુમર ખર્ચમાં 14%નો ઉછાળો જોવા મળ્યો હતો. જે પાછલાં 20 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર હતો. જો કે, 2023 માટે NRFની આગાહી અનુસાર કોરોના મહામારીના સમયગાળાની સરખામણીએ 2023માં રિટેલ વેચાણમાં 3.6% નો વધારો દેખાઈ શકે છે.
NRFના સીઇઓ મેથ્યુ શેએ ઉમેર્યું હતું કે, માત્ર છેલ્લા ત્રણ વર્ષમાં, રિટેલ ઉદ્યોગે વૃદ્ધિનો અનુભવ કર્યો છે જે સામાન્ય રીતે પૂર્વ રોગચાળાના ધોરણો અનુસાર લગભગ એક દાયકા જેટલો સમય લેશે. જ્યારે અમે આગામી વર્ષમાં વૃદ્ધિ મધ્યમ રહેવાની અપેક્ષા રાખીએ છીએ, તે હકારાત્મક રહેશે કારણ કે છૂટક વેચાણ વધુ ઐતિહાસિક સ્તરે સ્થિર થશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM