વિશ્વની સૌથી મોટી ડાયમંડ માઈનીંગ કંપની ડી બિયર્સે “ધ બીટીંગ હાર્ટ” નામનો અદ્દભૂત હીરો લોન્ચ કર્યો છે. આ હીરાનું વજન 0.33 કેરેટ છે. તેની ખાસિયત એ છે કે હીરાની અંદર હીરા છુપાયેલો છે.
ડી બિયર્સ દ્વારા આ હીરાને અનોખી શોધ માનવામાં આવે છે. હીરાનો રંગ ડી ટાઈપ iaAb છે, હીરાની અંદર પોલાણ છે, જે હીરાની અંદર છુપાયેલા નાના હીરાને ઘેરે છે. છતાં અંદર નાના હીરાને ફરવા માટે પૂરતી જગ્યા છે. ડી બિયર્સે આ હીરા વિશે જણાવ્યું હતું કે તે આફ્રિકા અથવા કેનેડાની ખાણમાંથી મળ્યો છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે નહીં કે તે કઈ ખાણમાંથી મળ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઈંગ્લેન્ડના મેઈડનહેડમાં ડી બિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડ ફેસિલીટી ખાતે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડી બિયર્સના નિષ્ણાતોએ પ્રાથમિક તારણો જણાવતા કહ્યું કે, પૃથ્વીના પેટાળથી સપાટી સુધીના સફર દરમિયાન નબળી ગુણવત્તાવાળા હીરાનું મધ્યવર્તી સ્તર એટલે કે ઈન્ટરમીડિયેટ લેયર દૂર થયું છે. જેના પરિણામે ઉત્તમ ગુણવત્તાનો હીરો બચ્યો છે, જેના બાહ્ય સ્તરમાં ચમકતો હીરો છે.
ડી બિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમંડ્સના ગ્લોબલ ઓપરેશન્સના પ્રમખ જેમી ક્લાર્સે જણાવ્યું હતું કે, “ધ બીટિંગ હાર્ટ” એ કુદરતી હીરાની પૃથ્વીના પેટાળથી સપાટી દરમિયાનની સફરમાં થતી અનેક ઘટનાઓનું એક અનોખું ઉદાહરણ છે. હવે ડી બિયર્સના ટ્રેક બ્લોકચેન પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવનારા આ હીરાની ઉત્ત્પત્તિ અને તેના ઉત્પાદનની યાત્રાને પ્રમાણિકત કરાવી છે અને બીટીંગ હાર્ટને હવે આગામી દિવસોમાં શૈક્ષણિક હેતુથી કાચા સ્વરૂપમાં જ રાખવામાં આવશે.
ડી બિયર્સની પ્રતિસ્પર્ધી અલરોસાને 2019માં આવો જ હીરો મળ્યો હતો, જે રૂસી માળાવાળી ઢીંગલી તરીકે ખૂબ પ્રસિદ્ધ થઈ હતી. અલરોસાએ તે હીરાને મૈટ્રીશોકા નામ આપ્યું હતું. અલરોસાના વૈજ્ઞાનિકો અનુસાર 0.62 કેરેટના તે હીરો 800 મિલિયન વર્ષથી પણ વધું જૂનો છે અને તે આટલો જૂનો હોવાના લીધે જ એક હીરાની અંદર બીજો હીરો ઉત્પન્ન થયો હોઈ શકે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM