DIAMOND CITY NEWS, SURAT
આ વખતે અક્ષય તૃતીયા એટલે કે, અખાત્રીજનાં પાવન પર્વનાં અવસરે શુભ મુહૂર્ત નહીં હોવાના લીધે ઓછા લગ્નો લેવાયા હતા. સારા મુહૂર્ત નહીં હોઈ ઝવેરાતના ઉદ્યોગ પર પણ આડ અસર પડશે તેમ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ ધારણાથી વિપરીત સુરત, મુંબઈ સહિત દેશભરમાં દાગીનાનો વેપાર પ્રમાણમાં સારો રહ્યો હતો. જ્વેલર્સની અપેક્ષાઓ કરતાં સારો વેપાર થયો હતો.
સોનાના સતત વધતા ભાવના લીધે ઝવેરાત બજાર છેલ્લાં એકાદ મહિનાથી ઠંડું હતું, પરંતુ અખાત્રીજના શુભ દિવસે સુરત અને મુંબઈમાં શુકનનું સોનું ખરીદવા જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી. જોકે સોનાનો ભાવ 62,200 અને ચાંદીનો ભાવ 76,900 રૂપિયા થઈ જતાં ગત વર્ષ કરતા વોલ્યુમમાં વેપાર 30 ટકા ઓછો રહ્યો હતો. વધેલા ભાવની ઘરાકી પર અસર ચોક્કસ જોવા મળી હતી.
સોનાનાં દાગીના ખરીદવા માટે અખાત્રીજનો દિવસ હિન્દુ પરંપરા મુજબ શ્રેષ્ઠ માનવામાં આવતો હોવાથી શુકનના સિક્કા અને દાગીનાની ખરીદી નીકળી હતી, તે ઉપરાંત લગ્ન સરા શરૂ થવાના હોય તેની ઘરાકી પણ એકંદરે સારી જોવા મળી હતી. બીજી તરફ ઘરાકી ઓછી રહેશે તેમ જાણી ગયેલા ઝવેરીઓએ ડિસ્કાઉન્ટ ઓફર આપી હતી, તેનો પણ ફાયદો થયો હતો. જ્વેલરી મેકિંગ ચાર્જમાં પણ ખાસ ડિસ્કાઉન્ટ સ્કીમ આપવામાં આવી હતી. ઇબજા મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં 250 કિલો, સુરતમાં 300 કિલો, રાજકોટમાં 125 કિલો અને વડોદરામાં 50 કિલો સોનું વેચાય તેવો અંદાજ છે. આમ ચાર મોટા મહાનગરોમાં 750 કિલો સોનું વેચાવાનો અંદાજ છે.
અક્ષય તૃતીયાનાં શુભ દિવસે સામાન્ય દિવસોની સરખામણીએ બમણું વેચાણ થયું છે. સોના ચાંદીના સિક્કા, અંગૂઠી, કાનની બુટ્ટી, ડાયમંડ-ગોલ્ડ વીંટી, સોનાની ચેઇન સહિત લાઈટ વેઇટ, લો બજેટ જ્વેલરીનો વેપાર સારો રહ્યો છે. લોકોએ 1,2,5, અને 10 લાખની અંદરની મર્યાદામાં ખરીદી કરી હતી. સોના ચાંદીની શુકનની ખરીદી માટે સોના, ચાંદીનાં વધેલા ભાવની ખૂબ મોટી અસર જોવા મળી ન હતી. લોકો હવે વધી રહેલા ભાવ ડાયજેસ્ટ કરી રહ્યાં છે, લોકો યુઝ ટુ થઈ ગયા છે. કારણકે સોનાનો ભાવ હજી 22 થી 25% વધવાનાં અનુમાનનો રિપોર્ટ જાહેર થયો છે. લગ્નસરાની સિઝનમાં જે ઘરમાં લગ્ન પ્રસંગ છે ત્યાં દીકરીઓ માટે શુકનની ખરીદીની શરૂઆત થઈ હતી.
ચાલુ વર્ષે 10 થી 20 ગ્રામની લાઈટ વેઇટ જ્વેલરીની ખરીદી વધુ થઈ છે. મેરેજ સિઝનને લીધે જ્વેલર્સનો શુભ દિવસ સચવાઈ ગયો હતો. સોના ચાંદીના સિક્કા ઉપરાંત અખાત્રીજનું ચાંદીનું કળશ, થાળી, વાટકા સહિતના વાસણોનું વેચાણ પણ સારું રહ્યું. ગ્રાહકોએ ખરીદીનું પ્રમાણ ઓછું કર્યું છે. આ વખતે સોનાના ભાવ વધ્યા હોવાને આમ થયું હોય શકે છે.
અખાત્રીજના દિવસે દેશભરમાં લાઈટ જ્વેલરીની ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જ્વેલર્સે જણાવ્યું હતું કે, જ્વેલરી રિટેલ સ્ટોર્સમાં અખાત્રીજના દિવસે સારો ધસારો જોવા મળ્યો હતો. જોકે, તહેવારોની ઉજવણી માટે ગ્રાહકો મુખ્યત્વે હળવા વજનના ઘરેણાં અથવા 1-2 ગ્રામ સોનાના સિક્કાની ટોકન ખરીદી કરતા જોવા મળ્યા હતા.
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)ના ચૅરમૅન સૈયામ મહેરાએ જણાવ્યું હતું કે, ”અમને આ વર્ષે ઉપભોક્તાઓની સંખ્યામાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. વાસ્તવમાં, દક્ષિણ વિસ્તારના અહેવાલો ઉત્સાહજનક રહ્યા છે અને લોકો મોટા ભાગે 2-8 ગ્રામ સુધીની હળવા વજનની જ્વેલરી વસ્તુઓ ખરીદી રહ્યા છે. વેચાણ માટે હોલમાર્કિંગને પણ હકારાત્મક પ્રોત્સાહન મળ્યું છે.”
જોકે, સોનાના ઊંચા ભાવને કારણે વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ 5-7 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. એમ મહેરાએ ઉમેર્યું હતું.
શનિવારે સોનાના ભાવ (24 કે) 60,800 પ્રતિ 10 ગ્રામ અથવા જીએસટી સહિત રૂ. 61,500 પ્રતિ 10 ગ્રામ હતા, જે ગયા વર્ષે રૂ. 50,800 પ્રતિ 10 ગ્રામ હતા.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM