DIAMOND CITY NEWS, SURAT
હીરા ઉદ્યોગમાં ફરી એકવાર બ્લડ ડાયમંડ જેવી સ્થિતિ ઊભી થઈ છે. દોઢ દાયકા પહેલાં બ્લડ ડાયમંડ નામના ભૂતે ભારતીય હીરા ઉદ્યોગને ખૂબ હેરાન કર્યો હતો. આફ્રિકાની ખાણોમાં મજૂરો પર અત્યાચાર કરવામાં આવતો હોવાનો, તેઓને ગુલામ બનાવીને રાખવામાં આવતા હોવાની વાતોને પગલે યુરોપિયન દેશોએ આફ્રિકાની ખાણોમાંથી નીકળતા હીરાને બ્લડ ડાયમંડ ઉપમાન આપ્યું હતું અને આવા હીરા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેટ ધરાવતા જ હીરાનો આગ્રહ યુરોપિયન દેશોના ગ્રાહકો રાખતા થયા હતા, તેના પગલે લાંબો સમય સુધી ભારતીય હીરા ઉત્પાદકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, હવે તેવી જ સ્થિતિ ફરી એકવાર ઊભી થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે જી-7 દેશોને રશિયાની ખાણોમાંથી નીકળતા હીરા પ્રત્યે સૂગ ચઢી છે. આથી તેઓ રશિયાના હીરા ખરીદવાનું પસંદ કરી રહ્યાં નથી.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના લીધે વિશ્વના જી-7 દેશોએ રશિયન માઇનિંગ કંપની અલરોઝામાંથી નીકળતા હીરા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, તેમ છતાં તેનું વેચાણ થઇ રહ્યું હોવાનું જી-7ના દેશોને ધ્યાને આવતા હવેથી જી-7 દેશમાં કરવામાં આવતા કોઇ પણ હીરાનું વેચાણ કરતા પહેલા હીરાની રફ ક્યાંથી ખરીદવામાં આવી તેની વિગતો આપવી પડશે. જો તે રફ રશિયાની હશે તો જી-7માં જોડાયેલા દેશો રશિયન રફ હીરાનો વપરાશ કરનાર પાસેથી હીરાની ખરીદી બંધ કરી દે તેવી પણ શક્યતા રહેલી છે. તેના કારણે સુરતના હીરાઉધોગકારોમાં નવી ચિંતા ઊભી થઇ છે.
યુએસએ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ જી-7માં થાય છે. જી-7 દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયાની માઇનિંગ કંપનીમાંથી નીકળતા હીરાની ખરીદી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તેમ છતાં રશિયા દ્વારા દુબઇ અને હોંગકોંગ મારફતે વિશ્વના કેટલાય દેશમાં અલરોઝા કંપનીમાંથી નીકળતી હીરાની રફ પહોંચાડવામાં આવી રહી છે. તેની જાણ જી-7ના દેશને થતા હવે કાર્યવાહી કરવા માટે સક્રિય બની છે.
જો જી-7 દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો તેની સીધી અસર ભારત પર પડી શકે તેમ છે. તેમાં પણ ખાસ કરીને સુરતના હીરાઉધોગકારોને રફ મળતી બંધ થઇ જવાની શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે, કારણ કે અલરોઝામાંથી નીકળતા રફ હીરાની સાઈઝ નાની હોય છે. તેનો સૌથી વધુ વપરાશ સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે હીરા જ મળતા બંધ થઇ જાય તો સુરતના હીરાઉધોગકારોની હાલત સૌથી વધુ કફોડી બને તેમ છે. તેના કારણે જી-7 સાથે સંકળાયેલા દેશોએ હવેથી હીરાની જ્વેલરી કે કોઇ પણ વસ્તુ ખરીદતા પહેલા હીરાની રક઼ ક્યાંથી આવી તેના પુરાવા આપવા પડશે. તે આપવામાં આવ્યા બાદ જ તેની ખરીદી કરવામાં આવનાર છે. તેમાં પણ રશિયન કંપનીના હીરા હશે તો તે દેશ સાથે વ્યાપાર બંધ કરવા સુધીના પગલાં ભરવામાં આવનાર હોવાની ચર્ચા હીરા ઉધોગકારોમાં થઇ રહી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM